પ્રહારનું ૨૪ કૅરેટ ગોલ્ડ

19 September, 2020 02:05 PM IST  |  Mumbai | Raj Goswami

પ્રહારનું ૨૪ કૅરેટ ગોલ્ડ

પ્રહારનું ૨૪ કૅરેટ ગોલ્ડ

‘મૈં જાનતા હૂં કિ મૈં ખૂબસૂરત નહીં હૂં, પણ મારે મારા પર્ફોર્મન્સને ખૂબસૂરત બનાવવો હતો. મારો પર્ફોર્મન્સ તમારી સાથે વાત કરવો જોઈએ. તમારા વતી તમારા કામને બોલવા દેવું જોઈએ. તમે ગમે તેટલા ઇન્ટરવ્યુ આપો કે તમારા વિશે ગમે તેટલું લખાય, મૂલ્યાંકન તો પર્ફોર્મન્સથી જ થવું જોઈએ. મારી ફિલ્મ વિશે લખો એમાં મારા વિશે આવી ગયું.’

આ નાના પાટેકરના શબ્દો છે જે ઇન્ટરવ્યુ માટે પાછળ પડેલા એક પત્રકારને તેણે કહ્યા હતા. સાચું. નાના પાટેકર વિશે લખવું હોય તો તેની ફિલ્મ વિશે અથવા તેના કામની વાત કરવી જોઈએ, એમાં જ નાનાની વાત આવી જાય. કામને સમર્પિત લોકો ખુદને તેમના કામથી મોટા થવા દેતા નથી, કારણ કે તેમને ખબર છે કે તેઓ કામથી જ ઓળખાય છે.

એક ફિલ્મસ્ટાર માટે આ અભિગમ અઘરો છે. આપણે ત્યાં ફિલ્મસ્ટાર તેમની ફિલ્મો કે બીજા કલાકાર-કસબીઓથી મોટો હોય છે. એટલે તો તેને ‘સ્ટાર’ કહેવામાં આવે છે, જે આકાશમાં ચમકતો હોય. નાના એ રીતે સ્ટાર નહીં, પણ કલાકાર છે અને એટલે જ તેણે તેની કારકિર્દીનો સૂરજ તપતો હતો ત્યારે એક ફિલ્મ બનાવી હતી જેમાં ન તો ફિલ્મ ઉદ્યોગના રિવાજ પ્રમાણે એની સ્ટાર-વૅલ્યુમાં ઉમેરો કરવાનો આશય હતો કે ન તો બૉક્સ-ઑફિસ છલકાવી દેવાની મહેચ્છા હતી. એવા બહુ જૂજ ફિલ્મ સર્જકો છે જેમણે વ્યાવસાયિક હિતોને બાજુએ મૂકીને કોઈક એવી વાત કરવાનો પ્રયાસ કર્યો હોય જે તેમના આત્માની નજીક અને જે સમાજની ચેતનાના હિતમાં હોય.

નાના પાટેકરની ‘પ્રહાર’ (૧૯૯૧) એ વર્ગની ફિલ્મ હતી. નાનાએ ખુદ ડિરેક્ટ કરી હોય એવી આ પહેલી અને છેલ્લી ફિલ્મ. એની વાર્તા-પટકથામાં પણ નાનાનું યોગદાન હતું. ભારતીય સૈન્યના બૅકગ્રાઉન્ડવાળી આ ફિલ્મ માટે નાના પાટેકરે ખૂબ મહેનત કરી હતી. ફિલ્મમાં આર્મી કમાન્ડોની ભૂમિકા માટે નાનાએ બેલગામમાં સેનાના યુનિટમાં બાકાયદા ટ્રેઇનિંગ લીધી હતી. નાનાની નિષ્ઠા જોઈને ઘણા સૈનિકોએ કહેલું કે તમે તો સેનામાં હોવા જોઈતા હતા.

‘પ્રહાર’ ફિલ્મ પછી નાનાને સેના તરફથી માનદ કૅપ્ટનની પદવી પણ આપવામાં આવી હતી અને તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરમણ તરફથી ફિલ્મ માટે પ્રશંસા પત્ર આપવામાં આવ્યો હતો. ‘પ્રહાર’માં નાનાની ભૂમિકા એટલી પ્રભાવશાળી હતી કે કારગિલ યુદ્ધ થયું ત્યારે એવી અફવા ચાલી હતી કે નાના તો અસલમાં સૈનિક છે અને ફિલ્મોનું શૂટિંગ પડતું મૂકીને એ તો કારગિલમાં યુદ્ધ લડવા ગયો છે. કુમાઉ રેજિમેન્ટમાં ફરજ બજાવનાર મેજર (નિવૃત્ત) ગૌરવ આર્યએ આ ફિલ્મ જોયા પછી કહ્યું હતું કે ‘‘પ્રહાર’ કદાચ એકમાત્ર ફિલ્મ છે જે ભારતીય સેનાના ચરિત્રને શુદ્ધ રીતે પડદા પર પેશ કરે છે. નાના પાટેકરનો મેજર ચૌહાણ ૨૪ કૅરેટ ગોલ્ડ જેવો છે.’ 

ફિલ્મમાં અસલી સૈનિકોને તો લેવામાં આવ્યા જ હતા ઉપરાંત તત્કાલીન સેનાધ્યક્ષ (અને વર્તમાનમાં મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન) જનરલ વી. કે. સિંહની પણ નાનકડી ભૂમિકા હતી. ફિલ્મમાં કમાન્ડો ઑપરેશન વિશે બ્રિફિંગ આપવા માટે જનરલ સિંહ પડદા પર આવ્યા હતા. એ લોકો સેન્ટરમાં શૂટિંગ કરી રહ્યા હતા અને એક દૃશ્યમાં તેમને અસલી ઑફિસરની જરૂર હતી એમ તેમણે પછીથી કહ્યું હતું.

‘પ્રહાર’ સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, અનૈતિકતા અને અરાજકતાથી વ્યથિત એક સૈનિકની કહાની હતી. નાનાએ એમાં જે તીવ્રતા અને આક્રોશ સાથે આ વાત મૂકી હતી એનાથી અમુક વર્ગને એવું લાગ્યું હતું કે નાના દેશમાં સૈનિક-શાસનની તરફદારી કરે છે.

કહાની કંઈક આવી હતી : મુંબઈના એક મધ્યમવર્ગી યુવાન પીટર ડિસોઝા (ગૌતમ જોગળેકર- ફિલ્મ ડિરેક્ટર સઈ પરાંજપેનો દીકરો)ને ભારતીય સેનામાં જોડાવું છે, પણ પિતા જૉન ડિસોઝા (હબીબ તન્વીર) પરિવારનો બેકરીનો ધંધો સંભાળવા કહે છે. તેની મંગેતર શર્લી (માધુરી દીક્ષિત) લગ્ન કરવાનું કહે છે, જ્યારે પાડોશી કિરણ (ડિમ્પલ કાપડિયા) પીટરને દિલની વાત માનવા કહે છે. પીટર સેનામાં ભરતી થાય છે.

સેનામાં પીટરનો ભેટો મેજર ચૌહાણ (નાના પાટેકર) સાથે થાય છે જે એકદમ કડક અને શિસ્તબદ્ધ ઑફિસર છે અને કેડેટ્સને ત્રાહિમામ પોકારાવી દે છે. પીટર મેજર ચૌહાણને ધિક્કારે છે અને પાછા ઘરે જતા રહેવાનું નક્કી કરે છે. મેજર ચૌહાણ કહે છે કે અધવચ્ચે ટ્રેઇનિંગ છોડીને જઈશ તો તારા લોકો તને કાયર ગણશે. પીટર રોકાઈ જાય છે. એવામાં અમુક આતંકવાદીઓ સ્કૂલ બસને હાઇજૅક કરે છે અને મેજર ચૌહાણની આગેવાનીમાં બસ પર કમાન્ડો ઑપરેશન કરવામાં આવે છે. એમાં પીટર એક પગ ગુમાવે છે અને જખ્મી થઈને ઘરે આવે છે.

થોડા દિવસ પછી મેજર ચૌહાણને પીટરના વિવાહનું આમંત્રણ મળે છે. મેજર વિવાહની ગિફ્ટ સાથે મુંબઈમાં પીટરના ઘરે જાય છે તો ખબર પડે છે કે સ્થાનિક ગુંડાઓના હાથે પીટરનું તો મોત થઈ ગયું છે. સેના બહારની દુનિયા કેવી હોય છે એનો મેજરને આ પહેલો પરિચય મળે છે. મેજરને આઘાત તો ત્યારે લાગે છે કે ગુંડાઓ ખંડણી ઉઘરાવવા આવ્યા હતા અને પીટર જખમી હાલતમાં એક સાચા સિપાઈની જેમ તેમની સાથે લડ્યો હતો, પણ ઇલાકામાંથી કોઈ તેને બચાવવા આવ્યું નહોતું.

મેજર સ્થાનિક પોલીસનો સંપર્ક કરે છે, પણ પોલીસ ચશ્મેદીદ ગવાહ માગે છે. ગુંડાઓના ડર અને પોલીસમાં અવિશ્વાસના કારણે ઇલાકામાંથી કોઈ પણ વ્યક્તિ હત્યાની ગવાહી આપવા આગળ આવતી નથી. ખુદ પીટરનો પરિવાર ગુંડાઓ સામે જુબાની નથી આપતો. વૃદ્ધ જૉન ડિસોઝા મેજર ચૌહાણને અકળાઈને કહે છે, ‘હમ ઇસ ગુંડોં સે લડતે નહીં હૈ, હમ અચ્છે લોગ હૈં.’

એક જગ્યાએ તો ડિસોઝા મેજર ચૌહાણને થપ્પડ મારીને કહે છે તારી આર્મી ટ્રેઇનિંગે મારા દીકરાનું મગજ બગાડી નાખ્યું હતું એટલે એ ગુંડાઓ સાથે ટકરાઈને મોતને ભેટ્યો, બાકી અમે તો શાંતિથી રહેતા હતા.

મેજરને થાય છે કે આ કેવી દુનિયા જ્યાં કાનૂન કે ફરજ નામની કોઈ ચીજ જ નથી! અને તે ગુંડાઓને સીધા કરવા મેદાનમાં ઊતરે છે. ફિલ્મનો અંત ઘણો આકરો હતો, જેમાં મેજર ચવાણ બહુ ઘાતકી રીતે ગુંડાઓને મોતને હવાલે કરે છે. એમાં સંદેશ એવો હતો કે દેશની રક્ષા માત્ર સરહદો પર જ ન કરવાની હોય, પણ દેશની અંદર પણ કડક પગલાં ભરવાં પડે.

ફિલ્મની અમુક વાતો દિલચસ્પ છે. ફિલ્મ વાસ્તવિક લાગે એ માટે એમાં નાના પાટેકર, ડિમ્પલ કાપડિયા અને માધુરી દિક્ષીતે મેક-અપનો ઉપયોગ કર્યો નહોતો. ખાસ કરીને માધુરી ત્યારે ટૉપ સ્ટાર હતી અને નાના પાટેકરે શરત મૂકી હતી કે શર્લીની ભૂમિકા કરવી હોય તો મેકઅપ તો ઠીક, ચહેરા પર ટચઅપ સુધ્ધાં નહીં કરવા દઉં. શર્લીની ભૂમિકામાં ઍક્ટિંગનો ખૂબ અવકાશ હતો અને માધુરીએ તેના ગ્લૅમર સાથે સમજૂતી કરીને આ શરત માન્ય રાખી હતી. ચુલબુલી શર્લી પીટરના અવસાન પછી જે રીતે ગુમસૂમ થઈ જાય છે એમાં માધુરીએ સાબિત કર્યું હતું કે તે એક ખૂબસૂરત ઢીંગલીથી વિશેષ છે.

શર્લીનું દ્રવિત કરી નાખે તેવું ‘બોલકું’ મૌન જેમ મેજર ચૌહાણમાં આક્રોશ પૂરે છે ત્યારે બીજી તરફ ગુંડાઓ સાથે લડતા મેજર પર લોકો પથ્થરો ફેંકે છે ત્યારે ઘરના બંધ દરવાજામાં ડિમ્પલ કાપડિયાનો ચિત્કાર દર્શકોમાં મેજરની લડાઈ માટે સહાનુભૂતિ પેદા કરે છે. ડિમ્પલ કાપડિયા બહુ સારી ઍક્ટર છે અને નાના સાથે તેણે બ્લૉકબસ્ટર ‘ક્રાંતિવીર’ આપી હતી. ‘પ્રહાર’માં તેને એક બેસહાય અને એકાકી પણ ન્યાય માટે લડતી સ્ત્રીનો દમદાર અભિનય કરવાનો ભરપૂર મોકો મળ્યો હતો. ‘પ્રહાર’માં બહારથી કઠોર સૈનિક મેજર ચૌહાણની અંદર પણ એક માણસ જીવે છે એની દર્શકોને  પ્રતીતિ કરાવવામાં શર્લી અને કિરણનાં સ્ત્રી પાત્રોએ કાઉન્ટર-ફોર્સ તરીકેનું કામ કર્યું હતું.

છેલ્લે મેજરને ગુંડાઓની હત્યા માટે ગિરફ્તાર કરવામાં આવે છે અને કોર્ટમાં તેની સામે કેસ ચાલે છે. અકળાયેલો મેજર તેના કૃત્યને સૈનિકની ફરજ ગણીને ઉચિત ઠેરવે છે અને દેશના દરેક નાગરિકને એક વર્ષ માટે ફરિજયાત સૈન્ય તાલીમની હિમાયત કરે છે જેથી દેશમાં કેવી રીતે રહેવાય એની ખબર પડે નહીં તો સમાજ ખલાસ થઈ જશે. કોર્ટ મેજરના તર્કને અને કૃત્યને ‘બીમાર’ ગણાવીને તેને મેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી આપે છે.

ફિલ્મનો અંત બહુ દિલચસ્પ છે. એમાં મેજર ચૌહાણ સેંકડો બાળકોને સૈન્યની ટ્રેઇનિંગ આપતો હોય એવા દૃશ્ય સાથે ફિલ્મ સમાપ્ત થાય છે. એને કહાની સાથે સંબંધ નથી. એવું કહી શકાય કે મેજર આવું એક સ્વપ્ન જોતો હોય અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર આવીને મેજર શું કરતો હોય એની ડિરેક્ટરે કલ્પના કરી હોય. એમાં ખાસ વાત એ હતી કે તમામ બાળકો નગ્ન હતાં. એ એક પ્રતીકાત્મક દૃશ્ય હતું. એના ઘણા અર્થ નીકળી શકે છે.  નાના એમ કહેવા માગતો હતો કે બાળકો સમાજના રિવાજોથી આઝાદ અને એકસમાન છે. તેઓ સમાજની દુષ્ટતાથી અછૂતા છે અને કાચી માટીની જેમ ઘડાવા માટે આદર્શ છે.

નાના પાટેકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “પ્રહાર’ એક પ્રયોગ હતો. એમાં આપણી સરહદોના રક્ષકોનું જીવન કેટલું અઘરું છે અને એક સૈનિક કેવી રીતે મુશ્કેલ પારિવારિક પરિસ્થિતિઓમાં કારવાઈ કરવા મજબૂર બને છે એની વાત હતી. લોકોમાં એ બહુ ન ચાલી એ દુઃખદ છે. ભારતીય દર્શકો યુદ્ધ ફિલ્મોથી ટેવાયેલા નથી. અમુક લોકોને મેકઅપ વગરની હિરોઇનોને જોઈને ડૉક્યુમેન્ટરી લાગી હશે.’

columnists raj goswami