નામ વગરનો 'અમર પ્રેમ' અને આનંદની મીરા

22 August, 2020 07:08 PM IST  |  Mumbai | Raj Goswami

નામ વગરનો 'અમર પ્રેમ' અને આનંદની મીરા

અમર પ્રેમ

શક્તિ સામંતે રાજેશ ખન્નાને ‘આરાધના’ (૧૯૬૯)માં એટલી ઊંચાઈએ પહોંચાડી દીધો હતો કે બે વર્ષ પછી ૧૯૭૧માં તેમણે બિભૂતિભૂષણ બંદોપાધ્યાયની બંગાળી ટૂંકી વાર્તા ‘હિન્જેર કોચુરી’ (ફિલ્મમાં રાજેશ ખન્ના એક હાથમાં ધોતિયાનો છેડો પકડીને શર્મિલાને મળવા જાય છે ત્યારે તેના બીજા હાથમાં કચોરી હોય છે એ હિન્જેર કોચુરી) પરથી ‘અમર પ્રેમ’ બનાવવાની ઘોષણા કરી ત્યારે તેમણે આનંદ બાબુની ભૂમિકા માટે રાજકુમારનો સંપર્ક કર્યો હતો. એનાં ત્રણ કારણો હતાં : એક તો ખન્ના બહુ મોટો સ્ટાર બની ગયો હતો અને તેની પાસે બીજાં પાંચ-સાત વર્ષ સુધી તારીખો નહોતી. બીજું, ‘અમર પ્રેમ’ પુષ્પાની ફિલ્મ હતી અને આનંદની ભૂમિકા નાની અને પ્લૅટોનિક પ્રેમીની હતી, જે ખન્નાની રોમૅન્ટિક છાપ સાથે મેળ ખાય એવી નહોતી અને ત્રીજું, આનંદબાબુ વિવાહિત જીવનનું દુઃખ શરાબમાં ડુબાડતો હોય એવી ભૂમિકા રાજકુમારને બંધબેસતી હતી, કારણ કે ‘જાની’ સાહેબ અસલમાં પીવાના શોખીન હતા (ખન્નાના પીવાના ભોગ લાગવાને હજી થોડાં વર્ષોની વાર હતી).

રાજેશ ખન્નાને આ ખબર પડી એટલે તેણે શક્તિ સામંતને કહ્યું કે આનંદબાબુની ભૂમિકા મારે કરવી છે અને હું એને પૂરતો ન્યાય આપીશ. સામંતે ખન્નાને ચેતવ્યો કે ‘હું કોઈ તારીખો કૅન્સલ નહીં કરું, મુઝે કિસી પ્રોડ્યુસર કી બદદુઆ નહીં ચાહિએ. તું સવારે સેટ પર નિયમિત આવી જઈશ?’

 

કાકાએ વચન આપ્યું કે તે સમયની શિસ્ત જાળવશે અને તેણે શિસ્ત જાળવી એટલું જ નહીં, શરાબી પ્રેમીનો સિલેબસ બની ગયેલા દિલીપકુમારની નકલ કર્યા વગર પણ સશક્ત અભિનય કરી શકાય છે એ સાબિત કરી દીધું.

‘અમર પ્રેમ’ ખન્નાનું ‘દેવદાસ’ સાબિત થયું. તેના પર્ફોર્મન્સમાં સંયમ હતો અને અવાજ મુલાયમ અને લથડિયાં વગરનો હતો. આનંદની વિવાહિત પીડા અને શરાબીપણામાં ગરિમા હતી. દિલીપકુમારનો દેવદાસ આત્મઘાતી હતો અને તેને સ્વ-પીડનમાં મજા આવતી હતી. ખન્નાના આનંદમાં પીડા પ્રત્યે બેપરવાઈ હતી. પત્નીની ગેરહાજરીવાળા ઘરમાં તે નોકર સાથે જે વ્યંગાત્મક (કટાક્ષ નહીં) સંવાદ કરે છે એ જોજો, તમને પ્યાર ઊભરાઈ આવશે. દેવદાસ તેની ચેતનાને શરાબમાં બુઝાવી દેવા માગતો હતો. આનંદ તેની ચેતનામાંથી જીવનની ફિલોસૉફી બહાર લાવતો હતો. તમને એવું લાગે કે આનંદ એક સાધુની બેફિકરાઈથી દેવદાસના કૂંડાળાની આસપાસ ચક્કર લગાવતો રહે છે.

આનંદ પહેલી વાર જ્યારે પુષ્પાના કંઠે ‘રૈના બીતી જાએ...’ સાંભળે છે ત્યારે તેના પગ આપોઆપ પુષ્પાના ઘરની સીડીઓ ચડી જાય છે અને મંત્રમુગ્ધ બનીને તે પુષ્પાની સામે પલાંઠી વાળીને બેસી જાય છે. અચાનક કોઈકની હાજરીથી સચેત થઈને પુષ્પાનું ગીત અટકી જાય છે અને ત્યારે ખન્ના જે ગહેરી પીડા સાથે બોલે છે, ‘આપ રુક ક્યૂં ગઈ, ગાઈએ ના’ એ સાંભળજો. એમાં તમને એક પ્રકારની ભક્તિ દેખાશે. ગીત પૂરું થાય છે ત્યારે આનંદ ઉચ્ચારે છે, ‘તુમ્હારા નામ પુષ્પા નહીં, મીરા હોના ચાહિએ થા.’

એ જ નાજુકાઈમાંથી ‘પુષ્પા, આઇ હેટ ટિયર્સ’ સંવાદ આવ્યો, જે પીડાના ગુલામ નહીં થઈ જવાની આનંદની પેલી જીદનો જ હિસ્સો હતો. શર્મિલા એક જગ્યાએ કહે છે, ‘તેણે એ સંવાદ એટલા ભાવાવેશ અને સંવેદના સાથે કહ્યો હતો કે હું સંમોહિત થઈ ગઈ હતી. છેલ્લા દૃશ્યમાં આનંદ ‘પુષ્પા...’ એટલું જ કહીને અલવિદા ફરમાવે છે ત્યારે તે તેના સ્મિતમાં આંસુને જે રીતે ભેગાં કરે છે એ બીજો કોઈ ઍક્ટર ન કરી શકે.’

આનંદ બાબુનાં ત્રણે ગીતો પીડાથી છલોછલ અદ્વિતીય ફિલોસૉફિકલ હતાં અને આનંદ બક્ષી, આર. ડી. બર્મન અને કિશોરકુમારે એમાં તેમનું કરીઅર-બેસ્ટ સર્જન આપ્યું હતું. આર. ડી. બર્મનના એક કાર્યક્રમમાં ગુલઝારને પૂછવામાં આવ્યું હતું કે તમને પંચમ (આર.ડી.નું હુલામણું નામ પંચમ હતું)ની કઈ ફિલ્મ ન કરવાનો રંજ છે? ત્યારે ગુલઝારે કહ્યું હતું કે ‘મને ‘અમર પ્રેમ’નાં ગીત લખવાનું ગમ્યું હોત. પંચમે મને પૂછ્યું પણ હતું, પરંતુ હું મારી પહેલી ફિલ્મ ‘મેરે અપને’માં વ્યસ્ત હતો એટલે સમય ન ફાળવી શક્યો. જોકે આનંદ બક્ષીએ બહેતરીન કામ કર્યું હતું.’

એમાં ‘ચિનગારી કોઈ ભડકે...’ પાછળથી ઉમેરવામાં આવ્યું હતું. આનંદ બક્ષીએ આ ગીત લખી રાખ્યું હતું અને શક્તિ સામંતે એક વાર બક્ષીને આ ગીત ગણગણતા સાંભળ્યા તો તેમને એ ગમી ગયું અને પછી એને ફિલ્મમાં ઉમેર્યું. ખન્નાના હજારો ફૅન એકઠા થઈ જતાં એને કલકત્તામાં હુબલી નદી પર શૂટ કરવા પરવાનગી ન મળી એટલે મુંબઈના મેહબૂબ સ્ટુડિયોમાં પાણી ભરેલી ટૅન્કમાં હાવડા બ્રિજ બનાવીને શૂટ કરવામાં આવ્યું હતું.

‘અમર પ્રેમ’માં આર. ડી. બર્મને તેના પિતા એસ. ડી. બર્મન જેવું સંગીત આપવાની ચૅલેન્જ ઉપાડી હતી અને એ પૂરી કરી. એનું યાદગાર ‘બડા નટખટ હૈ, કિશન કનૈયા...’ પંચમે બહુ સાધારણ રીતે સંગીતબદ્ધ કર્યું હતું, કારણ કે શક્તિ સામંતે ‘કંઈક ભજન જેવું બનાવી દો’ એવું કહ્યું હતું. એસ. ડી.એ ગીત સાંભળ્યું તો શક્તિદાને કહ્યું કે મજા નથી આવતી, ફિલ્મમાં પ્રસંગ શું છે? શક્તિદાએ સમજાવ્યું કે નાના છોકરા નંદુને ગણિકા પુષ્પા પાસે રહેવાનું ગમે છે અને પુષ્પા તેને દીકરા જેવો પ્રેમ કરે છે. એસ.ડી.એ પંચમને કહ્યું, ‘તારી અંદરનો સંગીતકાર ક્યાં ગયો, પંચમ? શર્મિલા અહીં ગણિકા કરતાં વધુ કંઈક છે. છોકરાએ તેનામાં માતૃત્વ જગાડ્યું છે. તારી ધૂનમાં ગણિકાનું એ દર્દ આવવું જ જોઈએ કે તે ક્યારેય માતા નહીં બની શકે. ફરીથી બનાવ, તારી રીતે બનાવ; પણ મનની હૃદયદ્રાવક માનવીય સ્થિતિને ધ્યાનમાં રાખજે.’

પાછળથી પંચમે એકરાર કર્યો હતો કે એ દિવસે તેના પિતાએ તેને સંગીતનું શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું હતું. આ ગીત હિન્દી સિનેમા સંગીત અને લતા મંગેશકરની કારકિર્દીનું સર્વોતમ ગીત છે.

‘અમર પ્રેમ’નો આધાર મૂળ બંગાળી ફિલ્મ ‘નિશી પદ્મ’ હતો જે ‘હિન્જેર કોચુરી’ પરથી બની હતી, પણ હિન્દીમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. ‘નિશી પદ્મ’ એટલે રાતરાણીનું વૃક્ષ. ‘અમર પ્રેમ’માં તમને જો યાદ હોય તો પુષ્પા તેના ઘરના વરંડામાં જાસ્મિન વાવે છે અને મોટો થઈને નંદુ (વિનોદ મહેરા) ત્યાં આવીને જાસ્મિનના વૃક્ષને પ્રેમથી જોઈને પુષ્પાને યાદ કરે છે. ‘નિશી પદ્મ’માં ઉત્તમ કુમારે કામ કર્યું હતું અને રાજેશ ખન્ના ભૂમિકા સમજવા માટે ઉત્તમ કુમારની પાસે ગયેલો. તેણે કહ્યું કે ‘નિશી પદ્મ’ મેં ૧૬ વાર જોઈ છે અને હું ઉત્તમ કુમારે જે કામ કર્યું છે એના ૫૦ ટકા કરું તોય ભયોભયો. ‘નિશી પદ્મ’માં નાયકનું નામ અનંત હતું, પરંતુ હૃષીકેશ મુખરજીની ‘આનંદ’ ફિલ્મની લોકપ્રિયતાનો લાભ લેવા માટે રાજેશનું નામ આનંદ રાખવામાં આવ્યું હતું.

 ‘અમર પ્રેમ’ શર્મિલા ટાગોરની ફિલ્મ હતી. સૈફ અલી ખાનના જન્મ પછીની તેની આ પહેલી ફિલ્મ હતી. શર્મિલાએ શક્તિદાને કહેલું કે અઘરી ભૂમિકા છે, પણ હું કરીશ. ‘અમર પ્રેમ’માં ચાલુ પ્રેમ કહાણી નહોતી. એમાં મુખ્ય ત્રણ પાત્રો હતાં પુષ્પા, આનંદ અને નંદુ. ત્રણેય એકબીજાથી અજનબી અને ત્રણેય સંયોગવશ એકબીજાને નિ:સ્વાર્થ લગાવ કરી બેસે છે, જે સંબંધનું કોઈ નામ નથી (એટલે જ એને અમર પ્રેમ કહેવાયો હતો). પુષ્પા એમાં ગણિકા હતી, પણ તેનું હૃદય એક પવિત્ર સ્ત્રીનું હતું. તેની એ પવિત્રતાનું પ્રતિબિંબ તેની ગાયિકી, નંદુ, આનંદ બાબુ, કચોરી અને રાતરાણીના વૃક્ષમાં હતું.

જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તેમ-તેમ તેના ગણિકાના વ્યવસાયમાંથી તેનો મોક્ષ થતો જાય છે. આનંદ તેને કહે છે પણ ખરો, ‘તુને ઇસ કમરે કો મંદિર બના દિયા.’ આ મોક્ષ ત્યાં જ નથી અટકતો. પુષ્પા ગણિકાનો વાસ છોડી દે છે અને સમાજનાં દુર્વચનોને સાંભળ્યાં-ન સાંભળ્યાં કરીને વાસણો માંજવાનું કામ અપનાવી લે છે. એ તેનું દેવત્વ છે. સાવ છેલ્લા દૃશ્યમાં નંદુ પુષ્પાને ઘરે લઈ જાય છે ત્યારે પાછળ મા દુર્ગાની પ્રતિમાઓનું સરઘસ પણ ચાલતું હોય છે.

તે આનંદ બાબુને મળે છે, પણ ક્ષણિક જ. આનંદ પુષ્પાને નંદુની મા બનીને તેની સાથે જવાનું સૂચન કરે છે. પરંપરાગત હિન્દી સિનેમા કરતાં આ અંત અસાધારણ હતો. શક્તિદા કહે છે, ‘પુષ્પાએ જે તકલીફો ભોગવી હતી એ જોતાં તેને સુખની ખેવના હોય એ સહજ છે. તેને હંમેશાં બાળકની આકાંક્ષા હતી એટલે મને થયું કે તેને અને આનંદને મિયાં-બીવી તરીકે ભેગાં કરવાને બદલે તેને અને તેના દીકરાને ભેગાં કરું અને આનંદ આ મિલાપ કરાવે, કારણ કે તે તો પહેલેથી જ પુષ્પાને સુખી જોવા ઇચ્છતો હતો.’

એટલા માટે જ આનંદે પહેલા દૃશ્યમાં પુષ્પાને મીરા કહી હતી.

columnists raj goswami