વી આર મેડ ફૉર ઇચ અધર સમજે?

10 October, 2020 07:00 PM IST  |  Mumbai | Raj Goswami

વી આર મેડ ફૉર ઇચ અધર સમજે?

વી આર મેડ ફૉર ઇચ અધર સમજે?

શ્રીપથી પંડિથરાધ્યુલા બાલાસુબ્રમણ્યમ ઉર્ફે એસ. પી. બાલાસુબ્રમણ્યમની પહેલી જ હિન્દી ફિલ્મ ‘એક દૂજે કે લિએ’ (૧૯૮૧) પહેલા જ બુકિંગમાં અથવા ગુજરાતીમાં કહીએ તો પહેલા જ ધડાકે બ્લૉકબસ્ટર સાબિત થઈ. આનંદ બક્ષી એમાં જેને માટે ફિલ્મ ફેર અવૉર્ડ લઈ ગયા એ ‘તેરે મેરે બીચ મેં કૈસા હૈ એ બંધન અંજાના’ ગીતમાં બાલાએ એ સમયની આખી પેઢીને માથે લીધી હતી. ૧૦ વર્ષ પછી બાલાના જ અવાજમાં ‘મૈંને પ્યાર કિયા’ના ટાઇટલ-ગીત સાથે સલમાન ખાને જે ધમાકેદાર આગમન કર્યું હતું એવું હીરોને છાજે જેવું આગમન બાલાનું ‘એક દૂજે કે લિએ’માં હતું અને તેમણે બેસ્ટ ગાયકનો નૅશનલ પુરસ્કાર અંકે કરી લીધો હતો.

વિચાર કરો કે ‘એક દૂજે કે લિએ’ માટે સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ હિન્દીમાં આ ‘મદ્રાસી’ અવાજ ન ચાલે કહીને બાલાને દરવાજો બતાવી દેવાની વેતરણમાં હતા. એ તો ફિલ્મના નિર્દેશક કે. બાલાચંદરે એવો તર્ક આપ્યો કે ફિલ્મનો દક્ષિણ ભારતીય હીરો કમલ હાસન ખુદ સરખું હિન્દી બોલતો નથી એટલે બાલાનું હિન્દી ખરાબ હોય તો સારુંને, હીરો પર જામશે.

વર્ષો પછી એક ઇન્ટરવ્યુમાં એને યાદ કરીને એસ. પી. બાલાસુબ્રમણ્યમે કહ્યું હતું કે ‘તેમનો વાંક નહોતો. મને તેમણે સાંભળ્યો નહોતો. તેમને માટે દક્ષિણવાળા બધા મદ્રાસી હતા, પણ મારા પહેલાં યેસુદાસની પ્રતિભાને હિન્દીમાં મોકો મળ્યો જ હતોને. બધાએ મને સ્વીકાર્યો અને મુંબઈના મારા દિવસો ભવ્ય હતા.’ 

લતા મંગેશકરે એને યાદ કરીને કહ્યું હતું કે ‘મારે પંજાબી છોકરી માટે ગાવાનું હતું અને બાલાજીને તામિલ છોકરા માટે ગાવાનું હતું. ‘હમ બને તુમ બને એક દૂજે કે લિએ’ ડ્યુએટમાં મારા હિન્દી સામે બાલાજીને ‘આઇ ડોન્ટ નો વૉટ યુ સે’ કહેવાનું હતું. બહુ સાદા શબ્દો હતા, પણ તેમણે એટલી રમતિયાળ શૈલીમાં કહ્યા હતા કે લોકોને મજા આવી ગઈ હતી.’

કમલ હાસન કહે છે, ‘તેરે મેરે બીચ મેં’ ગીતમાં વ્યથા હતી અને બાલાએ તેમના અવાજથી મારા પર્ફોર્મન્સને ચારવેંત ઊંચું કરી દીધું. મારી ઍક્ટિંગનું અડધું કામ તો તેમણે ગાઈને કર્યું હતું.

‘એક દૂજે કે લિએ’ કમલ હાસન, રતિ અગ્નિહોત્રી અને માધવીની પણ પહેલી જ હિન્દી ફિલ્મ હતી. એનો વિષય પણ ૧૦૦ ટકા હિન્દી નહોતો, બલકે દક્ષિણ ભારત અને ઉત્તર ભારત વચ્ચેના સાંસ્કૃતિક વિભાજનનો હતો, જે એક હિન્દી ફિલ્મ માટે જોખમી હતો, કારણ કે બન્ને પ્રકારના લોકોને એકબીજા પ્રત્યે સખત પૂર્વગ્રહો છે અને ફિલ્મમાં એ જ પૂર્વગ્રહોને ઉજાગર કરવામાં આવ્યા હતા.

આ પ્રકારની લવ-સ્ટોરી હિન્દીમાં પહેલાં બની નહોતી અને પૈસા ડૂબી જશે એવી બીકે હિન્દી સિનેમાના સ્થાપિત વિતરકોએ એને હાથ પણ અડાડ્યો નહોતો એટલે ફિલ્મના પરેશાન નિર્માતા લક્ષ્મણ વારા પ્રસાદ રાવ ઉર્ફે એલ. વી. પ્રસાદે પોતે જ ફિલ્મનું વિતરણ કરવું પડ્યું. તેમનેય કંઈ બહુ આશા નહોતી એટલે જૂજ પ્રિન્ટ જ રિલીઝ કરવામાં આવી હતી. પહેલા જ અઠવાડિયામાં ફિલ્મ હિટ થઈ ગઈ અને તાબડતોબ નવી પ્રિન્ટ્સ બનાવવી પડી. ૧૦ લાખના મામૂલી ખર્ચામાં આ ફિલ્મ બની હતી અને એણે ૧૦ કરોડ રૂપિયાથી વધુ કમાઈ આપ્યા હતા. 

આ એલ. વી. પ્રસાદ બહુ મોટા ગજાના

નિર્માતા-નિર્દેશક-વિતરક હતા. ૧૯૨૫માં ૨૦ વર્ષની વયે તેઓ ગરીબીમાંથી છૂટવા માટે નવીસવી પરણેતર સૌંદર્યા પાસેથી ૧૦૦ રૂપિયા લઈને આંધ્ર પ્રદેશથી મુંબઈ આવ્યા હતા. ૧૬ મહિના સુધી તેઓ તેમની પત્ની કે પરિવાર સાથે સંપર્કમાં નહોતા એટલે બધાએ એવું માની લીધું કે છોકરો ઘર છોડીને ભાગી ગયો છે એટલે આત્મહત્યા કરી લીધી હશે. પછીથી તેમણે એક પોસ્ટકાર્ડ લખીને ઘરે જણાવ્યું કે હું માઇલો દૂર મુંબઈમાં છું અને મારું સપનું સાકાર કરવા મહેનત કરી રહ્યો છું. 

કે. બાલાચંદરે ૧૯૭૮માં તેલુગુ ભાષામાં ‘મારો ચારિત્ર્ય’ (બીજી ઇતિહાસ) નામની તામિલ છોકરા અને તેલુગુ છોકરીની પ્રેમકહાની બનાવી હતી અને એમાં કમલ હાસન, સરિતા અને માધવી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મ જબરદસ્ત હિટ થઈ. એને ડબ કર્યા વગર દક્ષિણ ભારતની તમામ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. બાલાચંદર આ ફિલ્મ મારફત તામિલ સુપરસ્ટાર કમલ હાસનને હીરો તરીકે તેલુગુમાં લઈ આવ્યા હતા. ‘મારો ચારિત્ર્ય’ની હિન્દી રીમેક એટલે ‘એક દૂજે કે લિએ.’

દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કે. બાલાચંદર તામિલ ફિલ્મ દુનિયામાં તોપ જેવું નામ છે. કમલ હાસન, શ્રીદેવી, જયા પ્રદા અને રજનીકાન્ત તેમની શોધ. તોપ જેવા એટલે કદમાં અને સ્વભાવમાં પણ. નવી-નવી હિરોઇનો તો તેમના ગુસ્સાનો ભોગ બનીને રડતી-રડતી ઘરે કાગળો લખતી. એક વાર જયા પ્રદા તો સેટ પર જ રડી પડી હતી. એક વાર તેમણે કમલ હાસનને લાફો મારી દીધો હતો.

‘એ સાચું કે હું બહુ ગુસ્સાવાળો છું’ એક ઇન્ટરવ્યુમાં બાલાચંદરે એકરાર કર્યો હતો, ‘મને દરેક દૃશ્યમાં પર્ફેક્શન જોઈએ. મને ૧૦૦ ટકા સંતોષ ન થાય ત્યાં સુધી હું શૉટ ઓકે ન કરું. હીરો કે હિરોઇન જો સરખો પર્ફોર્મન્સ ન કરતા હોય તો હું ચીસો પાડું છું. બાળકોને ખખડાવવા તો પડેને! મેં સ્ટાર પર ગુસ્સો કર્યો હશે, પણ એનો પસ્તાવો નથી. કોઈ એનો ખાર ન રાખે. બધાં મારાં બાળકો જેવાં છે.’

‘એક દૂજે કે લિએ’ની જબરદસ્ત સફળતા પછી પણ બાલાચંદર બહુ ફિલ્મો ન કરી શક્યા. વાસ્તવમાં દક્ષિણના તોતિંગ સ્ટાર્સ અને કલાકાર-કસબીઓ હિન્દીમાં આવીને બહુ લાંબો સમય ટકી ન શક્યા. મૂળ એનું કારણ મુંબઈના અભિનેતાઓની અશિસ્ત. બાલાચંદર કહે છે, ‘એક દૂજે કે લિએ’ બહુ મોટી હિટ હતી, પણ હું બહુ ફિલ્મો કરી ન શક્યો. મને મુંબઈ ફાવતું નહોતું. મને બહુ ઑફર મળી હતી, મારી કામ કરવાની રીત મુંબઈ કરતાં તદ્દન જુદી હતી. હું સવારે ૯થી સાંજ સુધી કામ કરું છું. મુંબઈના લોકોને સાંજે ૯ વાગ્યે કામ શરૂ કરવાની ટેવ છે! હું શિસ્તનો આગ્રહી છું. હું ન તો કોઈ સ્ટારની રાહ જોઈને બેસી રહું કે ન તો હું તેમનાં નખરાં ચલાવી લઉં.’

‘એક દૂજે કે લિએ’ આમ તો એક વાસુ અને સપનાની સાધારણ ટીનેજ પ્રેમકહાની હતી, પરંતુ બાલાચંદરે એમાં મદ્રાસી-હિન્દીનો અને ધર્મના ભેદભાવનો સામાજિક મુદ્દો સામેલ કરીને એને એક નવા જ દૃષ્ટિકોણથી પેશ કરી હતી. ફિલ્મની સફળતામાં કમલ હાસનની બેવકૂફી જેવું ભોળપણ અને બાલાસુબ્રમણ્યમના અવાજની વ્યથિત નિર્દોષતા હિન્દી સિનેમાના દર્શકો માટે એક નવો અનુભવ હતો. તામિલ ફિલ્મોમાં કમલ હાસનનો અવાજ બાલાસુબ્રમણ્યમ છે. બન્નેના કૉમ્બિનેશનનો એટલો ક્રેઝ છે કે દરેક ફિલ્મમાં કમલની ‘એન્ટ્રી’ બાલાના ગીતથી જ થાય અને દર્શકો ચીસાચીસ કરી મૂકે.

‘એક દૂજે કે લિએ’માં સંગીત એનું સૌથી મજબૂત પાસું હતું. લતા મંગેશકર અને બાલાસુબ્રમણ્યમ જ્યારે ‘હમ તુમ દોનો જબ મિલ જાયેંગે, એક નયા ઇતિહાસ બનાયેંગે’ ગીત રેકૉર્ડ કરતા હતા ત્યારે તેમને અંદાજ નહોતો કે તેઓ સિનેમાનો એક ઇતિહાસ રચી રહ્યા છે. એમાં હિન્દી ફિલ્મોના લિસ્ટ પર બનેલું ‘મેરે જીવન સાથી, પ્યાર કિયે જા’ તો એક નવા જ પ્રકારનું ગીત હતું, જેમાં ખાલી ફિલ્મોનાં નામ હોય અને છતાં એનો એક અર્થ નીકળે, એ ચમત્કાર તો ગીતકાર આનંદ બક્ષી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલનો જ હતો.

એમાં પાછું આખું ગીત લિફ્ટમાં શૂટ કરવામાં આવ્યું હતું. એ પણ અસાધારણ હતું. એક તદ્દન તોફાની-રોમૅન્ટિક ગીતને લિફ્ટ જેવી બોરિંગ જગ્યામાં શૂટ કરવાનો વિચાર કોને આવે! ચેન્નઈની ફાઇવસ્ટાર હોટેલની લિફ્ટમાં એ શૂટ થયું હતું અને ૧૬ વર્ષની રતિ અગ્નિહોત્રીને કશી સમજણ જ નહોતી કે લિફ્ટમાં જંગલી મસ્તીનો શું અર્થ થાય. દર્શકોને (અને લિફ્ટ બહાર લૉબીમાં ઊભા રહેલા મહેમાનોને) બરાબર ખબર હતી કે અંદર શું ચાલી રહ્યું છે.

નિર્માતા એલ. વી. પ્રસાદ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એક દૂજે કે લિએ’ની સફળતાથી એ દાયકો પરિવાર માટે જાદુઈ હતો. એ વખતે જ બજારમાં વીસીઆર આવ્યાં હતાં અને લોકો થિયેટરમાં જવાને બદલે ઘરે ફિલ્મ જોતા થયા હતા.

અમને ‘એક દૂજે કે લિએ’ને હિન્દીમાં બનાવવાની ઑફર આવી અને અમે તરત એ સ્વીકારી

લીધી હતી. હું બાલાચંદરનો મોટો ચાહક છું. તેમનાં સ્ત્રીપાત્રો બહુ સશક્ત હોય છે. ‘એક દૂજે કે લિએ’ રોમિયો-જુલિયટની કહાની હતી,

જેમાં બે પાત્રો બે જુદી જ દુનિયામાં વસે છે. અંગ્રેજીમાં કહે છે કે તમામ મહાન પ્રેમકથાઓ અંત ટ્રૅજેડી હોય છે.’

અને ‘એક દૂજે કે લિએ’ની ટ્રૅજેડી કેવી હતી એ તો એ સમયને જોનારાને ખબર. કે. બાલાચંદર હિન્દીમાં રાજ કપૂરને બહુ માન આપતા હતા. ‘એક દૂજે કે લિએ’ પૂરી કરીને તેમણે રાજ કપૂરને બતાવી હતી. રાજ કપૂરને ફિલ્મ તો ગમી હતી, પણ અંતમાં મજા ન આવી. નિર્માતા પ્રસાદના પુત્ર કહે છે, ‘રાજસા’બે ફિલ્મ જોયા પછી મારા પિતાને કહેલું કે તેં પિક્ચરનું ખૂન કરી નાખ્યું છે. કપલને શું કામ મારી નાખ્યું?’

હિન્દી ફિલ્મોમાં પરંપરા ‘હૅપી એન્ડ’ની છે. રાજ કપૂરને થયું કે દર્શકો એવી ફિલ્મને પસંદ નહીં કરે, જ્યાં હીરો-હિરોઇન આત્મહત્યા કરી લે. પ્રસાદે આ વાત બાલાચંદરને કહી, પણ એમાં બાલાચંદર પણ વાસુ અને સપનાની જેમ વિદ્રોહી થઈ ગયા. ફિલ્મનો અંત તો આવો જ રહેશે અને કેવો રહ્યો! ‘એક દૂજે કે લિએ’માં જેમ વાસુ અને સપના પહાડ પરથી કૂદી જાય છે એમ પૂરા ભારતમાંથી અખબારોમાં સમાચાર આવવા લાગ્યા કે ટીનેજ છોકરા-છોકરીઓએ આત્મહત્યા કરી લીધી છે. 

ફિલ્મ હાઉસફુલ ચાલતી હતી અને બીજી બાજુ દેશમાં આત્મહત્યાના સમાચાર આવતા હતા એટલે સરકારી-ગેરસરકારી સંસ્થાઓએ મીટિંગો કરીને નિર્માતા-નિર્દેશકને કહ્યું કે આને રોકવા કંઈક કરો અને એક વાર તો ફિલ્મનો એન્ડ બદલવામાં પણ આવ્યો, પરંતુ લોકોની માગણીને કારણે મૂળ એન્ડ પ્રમાણે જ ફિલ્મ ચલાવવી પડી. ૧૬ વર્ષની રતિ અગ્નિહોત્રીને આવી મીટિંગોમાં જવા દેવામાં આવતી નહોતી, કારણ કે પરિવારને ડર હતો કે તેના દિમાગ પર આ સમાચારની અસર પડશે.

columnists raj goswami