સ્ટાર ખન્નામાં ઍક્ટરનો આવિષ્કાર

17 October, 2020 08:43 PM IST  |  Mumbai | Raj Goswami

સ્ટાર ખન્નામાં ઍક્ટરનો આવિષ્કાર

સ્ટાર ખન્નામાં ઍક્ટરનો આવિષ્કાર

બાસુ ભટ્ટાચાર્યને વૈવાહિક જીવનની માથાકૂટોમાં ઊંડો રસ હતો અને એમાંથી તેમણે એક દાયકામાં ત્રણ માસ્ટરપીસ ફિલ્મો બનાવી - અનુભવ (૧૯૭૧), આવિષ્કાર (૧૯૭૪) અને ગૃહપ્રવેશ (૧૯૭૯). દર્શકોને ત્યારે અંદાજ પણ નહોતો કે (બિમલ રૉયની દીકરી) રિન્કી ભટ્ટાચાર્ય સાથે બાસુનું ખુદનું વૈવાહિક જીવન તહસનહસ થયેલું અને હિંસાથી ભરેલું હતું. બાસુની ત્રણેત્રણ ફિલ્મોમાંથી ‘આવિષ્કાર (રાજેશ ખન્ના-શર્મિલા ટાગોર)માં એ હિંસાની હલકી ઝાંખી હતી. રિન્કીએ કહ્યું હતું કે ‘આવિષ્કાર’નો ઘણો હિસ્સો તેમના વિવાહમાંથી લેવામાં આવ્યો હતો.

એક જમાનાની મશહૂર પત્રકાર મધુ કિશ્વરની ‘માનુસી’ પત્રિકામાં પહેલી વાર ઘરેલુ હિંસાની ખોફનાક વિગતોનો ઘટસ્ફોટ કરતી વખતે રિન્કીએ કહ્યું હતું કે ‘આવિષ્કાર તેમની (બાસુની) સૌથી આત્મકથનાત્મક ફિલ્મ હતી. અમારા ઘરમાં જ શૂટ કરવામાં આવી હતી. મારી સાડીઓ જ વપરાઈ હતી. અમુક દૃશ્યો સીધાં જ અમારા જીવનમાંથી હતાં. પ્રણયના સમયમાં જે રીતે છોકરી (માનસી) પકડાઈ જાય છે અને વૈવાહિક જીવનમાં તેને માર પડે છે એવા અસલી કિસ્સા હતા. પત્ની જે રીતે અહંકારને પકડી રાખે છે અને માર ખાધા પછી પણ પેલાને ઘર છોડીને જવા દેતી નથી એ મારા પરથી હતું. જોકે તેમણે અસલી જીવનની હિંસા બતાવી નહોતી. તેમની બધી ફિલ્મો વધુપડતી સરળ હતી અને છેલ્લે ખાધું, પીધું અને રાજ થતું હતું.’

રાજેશ ‘ધ સુપરસ્ટાર’ ખન્ના કેટલો બહેતરીન અભિનયકાર હતો એની જો કોઈ સાબિતી જોઈતી હોય, તો એ ‘આવિષ્કાર’માં છે. એ ફિલ્મમાં સુપરસ્ટાર માટે કોઈ જ જગ્યા નહોતી. એમાં કોઈ જ તમાશો નહોતો, કોઈ પૈસાવસૂલ ડાયલૉગ કે ઘટનાઓ નહોતી, કોઈ નાચ-ગાન નહોતાં,

કોઈ મેકઅપ નહોતો અને વસ્ત્રોની કોઈ જ

ફૅશન-પરેડ પણ નહોતી. એક જ રાતની

ફિલ્મ હતી અને ઘરની ચાર દીવાલોમાં જ

પૂરી થઈ જતી હતી. અમર અને માનસી ફ્લૅશબૅકમાં તેમના સુખી ભૂતકાળને યાદ કરે છે અને વર્તમાનમાં એકબીજા સાથે ઝઘડે છે, બસ, આટલી જ વાર્તા હતી.

રાજેશ ખન્નાએ તેના સુપર-સ્ટારડમના સમયમાં આ ફિલ્મ કરી હતી અને બાસુ ભટ્ટાચાર્યએ એને એક સાધારણ પતિ અને ઍડ્વર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવની ભૂમિકામાં લઈને જોખમ જ વહોર્યું હતું. એ પડકાર ખન્નાએ એવો ઉપાડી લીધો કે ૧૯૭૫ના બાવીસમા ફિલ્મફેર અવૉર્ડમાં દિલીપકુમાર (સગીના), મનોજકુમાર (રોટી, કપડા ઔર મકાન) અને ધર્મેન્દ્ર (રેશમ કી ડોરી)ને પછાડીને શ્રેષ્ઠ અભિનેતાની, તેની ત્રીજી અને છેલ્લી ટ્રોફી જીતી લીધી હતી. દરેક મોટા કલાકારને ચાહે દિલીપકુમાર હોય કે અમિતાભ બચ્ચન હોય, એવી ખ્વાહિશ હોય છે કે લોકો તેમને માત્ર સ્ટાર નહીં, ઍક્ટર તરીકે પણ યાદ રાખે. ‘આવિષ્કાર’માં ખન્નાએ પુરવાર કરી દીધું હતું કે તે ઍક્ટિંગનું ઝીણું પણ કાંતી શકે છે.

‘આવિષ્કાર’માં બાસુ ભટ્ટાચાર્ય ‘અનુભવ’વાળા સંજીવકુમારને દોહરાવવા માગતા હતા, પરંતુ શર્મિલાએ અમરની ભૂમિકા માટે રાજેશ ખન્નાનો આગ્રહ કરેલો. બાસુ ભટ્ટાચાર્ય નાના બજેટની ફિલ્મો કરતા હતા અને બહુ પૈસા આપવા ન પડે એટલે દોસ્તોને ફિલ્મોમાં લેતા હતા. તેમને કલ્પના પણ નહોતી કે આટલી નાની ફિલ્મમાં ખન્ના જેવો મોંઘો કલાકાર મળી જશે. ‘અનુભવ’માં સફળ પતિની એકલવાઈ પત્ની (તનુજા) અને બન્નેના અહંકારની કહાની હતી. એમાં સંજીવકુમારનું નામ પણ અમર હતું. કામના દબાણને કારણે તેને તેની પત્ની સાથે અંગત ક્ષણોનો સમય નથી મળતો, એવામાં પત્નીનો એક પૂર્વ પ્રેમી (દિનેશ ઠાકુર) તેમના જીવનમાં પ્રવેશે છે.

શર્મિલા અને સંજીવને ભેગાં કરવાનું બાસુદાનું સપનું ‘ગૃહપ્રવેશ’માં પૂરું થયું. એમાં પણ બન્નેનાં નામ અમર અને માનસી હતાં. ‘અનુભવ’ વૈવાહિક એકલતાની કહાની હતી, ‘આવિષ્કાર’ બૌદ્ધિક યુગલના વિદ્રોહની વાર્તા હતી, જયારે ‘ગૃહપ્રવેશ’ લગ્નબાહ્ય સંબંધની કથા હતી.

એમાં ઘરેલુ જિંદગીમાં બોર થઈ ગયેલા અમરને તેની ઑફિસની છોકરી સપના (સારિકા) દાણા નાખે છે અને અમરને સમજ નથી પડતી કે આ પ્રેમ છે કે ટાઇમપાસ. છેલ્લે માનસી સપનાને મળીને બધું છૂટું પાડી આપે છે અને ઘીના ઠામમાં ઘી પડ્યું રહે છે.

‘આવિષ્કાર’ ફિલ્મ અમર અને માનસીના ઘર તૂટવાની અને પાછા સંધાવાની કહાની હતી. એમાં બન્ને જણ (બાસુ અને રિન્કીની જેમ) પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે અને એક બાળક આવ્યા પછી બન્ને જેમ-જેમ એકબીજાને ગહેરાઈથી સમજવા લાગે છે, તેમ-તેમ તેમના પ્રેમના ઘરમાં તિરાડો પડવા માંડે છે. જોકે એમાં હારી જવાને બદલે બન્ને સમયસર તિરાડોને ઓળખી જઈને એમાં સિમેન્ટ ભરી દે છે. મન્ના ડેના ગમગીન અવાજમાં ‘હસને કી ચાહને કિતના હમે રુલાયા હૈ...’ ગીતમાં ‘આવિષ્કાર’નો સાર આવી જાય છે.

તેમના ઘરની બહાર તેનું નામ જ ‘ઘર અમર-માનસી કા’ લખેલું છે, જેમાં ટ્રાફિક સિગ્નલ જેવી પીળી બત્તી સળગે છે. એ બોર્ડ આમંત્રણ અને ચેતવણી બન્ને છે. એના પહેલા જ દૃશ્યમાં ઍડ્વર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ અમર તેની ઑફિસ ખાલી થઈ ગયા પછી તેની એક સ્ત્રીસાથી રીટાને પૂછે છે કે તેને કેવી રીતે ખબર પડી કે તે ઑફિસમાં એકલો છે, ત્યારે પેલી ‘એકલા’ શબ્દને મચકોડીને ફિલોસૉફિકલી કહે છે, ‘શાદીશુદા આદમી જ્યાદાતર અકેલા હી હોતા હૈ, હૈના?’ પહેલા જ દૃશ્યમાં, બાસુ ભટ્ટાચાર્યએ ફિલ્મનો કેન્દ્રીય વિષય આપી દીધો હતો - અમર વિવાહિત છે અને લોન્લી છે. બીજા જ દૃશ્યમાં એકલતાને દૂર કરવા (અને ઘરે જવાનું ટાળવા) અમર રીટા સાથે સિનેમા જોવા ઊપડી જાય છે અને બીજી બાજુ તેનો મિત્ર સુનીલ (દિનેશ ઠાકુર) ગુલદસ્તો લઈને લગ્નની વર્ષગાંઠનાં અભિનંદન આપવા ઘરે જાય છે - માનસી અને અમર બન્નેને ખબર નથી કે આજે વિવાહની સાલગિરાહ છે!

‘આવિષ્કાર’માં નાનકડા ઘરનું વાતાવરણ જ એવું ઊભું કરવામાં આવ્યું હતું કે દર્શકોને ઝડપથી ખબર પડી જાય કે અમર અને માનસીનો (ઘરમાં અને સંબંધમાં) દમ ઘૂંટાઈ રહ્યો છે. એને માટે બાસુદાએ જગજિત સિંઘ અને ચિત્રા સિંઘ પાસે (પંડિત ભીમસેન જોશી અને કે. એલ. સાયગલે લોકપ્રિય બનાવેલી) ઠૂમરી ‘બાબુલ મોરા નૈહર છૂટો જાય...’ ગવડાવી હતી. જગજિત-ચિત્રાનું આ પહેલું ફિલ્મી ગીત હતું. ચિત્રા સિંઘ તેનાં પહેલાં લગ્નમાંથી છૂટી પડીને જગજિત સિંઘની શિક્ષામાં ગાયકી શીખી રહી હતી ત્યારે તે રિન્કી ભટ્ટાચાર્યને મળવા આવતી હતી અને ‘આવિષ્કાર’નું કામ ચાલતું હતું ત્યારે અચાનક બાસુદાએ બન્નેને ફિલ્મમાં ગીત ગાવા કહ્યું હતું.

‘આવિષ્કાર’નું બીજું સશક્ત પાસું એના સંવાદો હતા, જે પ્રસિદ્ધ હિન્દી કવિ અને લેખક જ્ઞાનદેવ અગ્નિહોત્રીએ લખ્યા હતા. તેમણે એક સમયે એકબીજાના પ્રણયમાં ગળાડૂબ પ્રેમી-પ્રેમિકાની નજાકત અને પછીથી એકબીજાનાં દુશ્મન બનેલાં પતિ-પત્નીની રીસ બખૂબી સંવાદોમાં ઝીલી હતી. એમાં તેમણે એક કવિતા ‘મહાશૂન્ય કે મહાવિસ્તાર મેં હૈ એક સુનહરા સંસાર’ની સાથે અમર-માનસીની વૈવાહિક સમસ્યાની ગુફતેગૂને સાંકળી હતી. આ કવિતા અમર બોલે છે અને પછી તે માનસી સાથે વાત કરે છે...

અમર ઃ ઇસ કવિતા મેં કુછ પંક્તિયાં થી, લેકિન વોહ મુઝે યાદ નહીં આ રહી...

માનસીઃ કૌનસી પંક્તિયાં?

અમર ઃ ઉન લાઇનોં કા મતલબ થા કિ ધરતી સૂરજ કે ચારોં ઔર ઘુમતી હૈ... જબ સે યે સંસાર બના હૈ તબ સે વોહ બરાબર ઘૂમ રહી હૈ... ઘૂમતી હી જા રહી હૈ...

માનસી ઃ તરીકા તો અચ્છા હૈ.

અમર ઃ કૌન સા?

માનસી ઃ યહી મેરે ડૅડી મેરી મમ્મી સે ડિમાન્ડ કરતે રહે કિ તુમ... તુમ સિર્ફ મેરી પત્ની હો, ઇસ લિયે હમેશાં મેરે ચારોં ઔર ઘૂમતી હો. યહીં મેરે ડૅડી કે ડૅડી મેરી દાદી કો કમાન્ડ કરતે રહે કિ તુમ સિર્ફ મેરે બચ્ચોં કી માં હો, ઇસ લિયે, ઇસ લિયે મેરે ચારોં ઔર ચક્કર લગાઓ. જાનતી હૂં અમર, તુમને ભી હમેશાં યહી ચાહા હૈ.

અમર ઃ નહીં માનસી... હમને ઇસ સે જ્યાદા ચાહા... ક્યોં ચાહા હૈ... ક્યોં કિ વોહ ચાહ હમારી શાદી સે નહીં... પ્યાર સે પૈદા હુઇ હૈ. હમારા પ્યાર જો હૈ ના માનસી... યાદ કરો શાદી કે પહેલે કે દિન... યાદ કરો... શાદી કે પહલે હમ જબ મિલતે થેં... ચુપચાપ કર મિલતે થે... કિતની દેર કે લિયે મિલતે થે? ઍવરેજ નિકાલો તો એક ઘંટે કે લિયે... ઉસ એક ઘંટે મેં હમ દોનોં... સબસે અચ્છે કપડે... સબસે અચ્છી બાતચીત. સબસે અચ્છે તૌર-તરીકે લેકર...કમસે કમ ટાઇમ મેં એક દૂસરે કો જ્યાદા સે જ્યાદા ઇમ્પ્રેસ કરને કી કોશિશ કરતે થે. ઉસ એક ઘંટેવાલી તુમ ઔર ઉસ એક ઘંટેવાલા મૈં, કિતને અચ્છે થે.

માનસી ઃ ઔર આજ યે એક ઘંટેવાલે હમ... ખરાબ હૈ.

અમર ઃ ખરાબ નહીં હૈ, માનસી... કુછ કર નહીં કર પાતે.

માનસી ઃ શાદી સે પહલે કોઈ ઐસી બાતેં નહીં થી જો તુમ કર નહીં પાતે થે.

અમર ઃ તબ મૈં પ્રેમી થા... આજ પતિ હૂં... તબ ઝિંદગી એક સપના થી... હમ હમ થે... આજ ઝિંદગી એક લાચારી હૈ... એક રીતિ હૈ, રિવાજ હૈ... હમારે હમ કે દો ટુકડે હો ગયે... તુમ્હારા મૈં ઔર મેરા મૈં.

માનસીઃ હાં, અમર... હમારા મૈં હમેશાં મૈં મૈં કરતા રહા. ફિર બાત ઉતર તૂતૂમૈંમૈં પર... બસ યહી કરતે રહે.

અમર ઃ કિતની અજીબ બાત હૈ... હમે અપની તકલીફ, અપની ક્રાઇસિસ પતા હૈ... ફિર ભી કુછ નહીં હો પાતા.

માનસી ઃ અમર, કહીં ના કહીં સે તો સીખના પડતા હૈ. આજ યે સૂરજવાલી બાત સે સીખ લો ના... સૂરજ કી વજહ સે ધરતી હૈ... માના... લેકિન ધરતી કી વજહ સે સૂરજ હૈ... યે ભી તો માનો.

અમર ઃ માનસી, વો પંક્તિયાં યાદ આ ગઈ...

‘જન્મી હૈ ધરતી સૂરજ સે

ફિર ભી સૂરજ કો ધરતી હૈ

સૂરજ હૈ સૂરજ ધરતી સે

પર ધરતી, ફિર ભી ધરતી હૈ

columnists raj goswami