ચાલબાઝ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 2)

27 July, 2021 11:56 AM IST  |  Mumbai | Rashmin Shah

‘એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ...’ રોહિતે શ્વેતાને નવા રસ્તે વાળી, ‘ઑફિસ અને ઘર થયાં. હવે રસ્તો એટલે શું?’

ચાલબાઝ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 2)

‘તમને ખબર છે, પહેલાં હું આ સ્ટૉકબ્રોકર માટે શું માનતી?’ રોહિત સાથે નવીસવી ઓળખાણ થયા પછી શ્વેતાએ રોહિતને પૂછ્યું હતું. માર્કેટ પૂરી થઈ ગઈ હતી અને આજે રોહિતની તમામ સ્ક્રિપ્ટે તેજી બતાવી હતી. 
‘શું માનતા હતા?’
‘એમ કે બધા બ્રોકર બુઢ્ઢા હોય. ધોતી પહેરીને આવતા હોય અને...’
‘અને, અને, શું?’
‘અને, કંઈ નહીં.’ શ્વેતાએ વાત અટકાવી, પણ તેનો ચહેરો કહેતો હતો કે અધૂરી વાત કરવા માટે તે ભારોભાર ઉત્સુક છે.
‘એવું ન ચાલે...’ 
રોહિતને ઓશો યાદ આવી ગયા. રોહિતને તેના એક ફ્રેન્ડે કહ્યું હતું કે જો છોકરીઓ પર પ્રભાવ જમાવવો હોય તો વાત-વાતમાં ઓશોને ટાંકવા. ઓશોની મોટા ભાગની ફિલસૂફી એવી છે જે છોકરીઓને પ્રભાવિત કરી શકે. રોહિતે એ શસ્ત્ર અહીં અપનાવ્યું અને કહ્યું, ‘તમને ખબર છે ઓશો કહેતા કે જે મન કહે એ કરવું. જે દિલ કહે એ જીવવું અને જે જીભ કહે એ બોલવું.’
બોલી લીધા પછી રોહિતે જીભ પર સહેજ દાંત ભીંસ્યા. 
- કાશ, સામેથી એવો સવાલ ન આવે કે ઓશોએ ક્યારે આવું કહ્યું હતું. ઓશો આવું કશું બોલ્યા જ નહોતા.
‘હંઅઅઅ...’ શ્વેતાએ સહેજ વિચારીને આંખો બંધ કરી અને કહ્યું, ‘મને એમ કે સ્ટૉકમાર્કેટમાં બધા બુઢ્ઢા હોય, ધોતી પહેરતા હોય ને બધાને વાયેગ્રાની જરૂર પડતી હોય.’
‘પહેલી બે વાત તો નેમભાઈને લાગુ નથી પડતી.’ 
રોહિતે શ્વેતાની સામે જોયું. શ્વેતાની આંખો મૉનિટર સામે હતી. મૉનિટરની સ્ક્રીન પર ફ્રી-શેલ ગેમ ખૂલી હશે એની રોહિતને ખાતરી હતી. છેલ્લાં બે અઠવાડિયાંથી ઑફિસે આવીને શ્વેતા ગેમ રમવા સિવાય બીજું કશું કરતી નહોતી. 
‘અને વાત રહી વાયેગ્રાની તો...’ રોહિત ઊભો થયો... ‘તો એ નેમભાઈ અને ભાભીને જ ખબર હોય.’
રોહિત ઑફિસની બહાર 
નીકળી ગયો.
જો તેણે પાછળ ફરીને જોયું હોત તો તેને પેપરવેઇટ ઉપાડીને તેની તરફ ઘા કરવાની તૈયાર કરતી શ્વેતા દેખાઈ હોત.
lll
એ દિવસ પછી રોહિત અને શ્વેતા વચ્ચે નૉનવેજ મેસેજની આપ-લે શરૂઆત થઈ. જોકે એની શરૂઆત પણ શ્વેતાએ કરી હતી. બે-ચાર નૉનવેજ મેસેજ પછી રોહિત તેના એક દોસ્ત પાસે બોલ્યો પણ ખરો કે મોબાઇલને લીધે યંગ જનરેશન વધારે પડતી ઝડપથી મૅચ્યોર્ડ થવા માંડી છે. રોહિતનો ટોન કટાક્ષમય હતો, પણ અંદરથી તે ખુશ હતો. ત્રીસી વટાવ્યા પછી પણ જો ૨૦ વર્ષની છોકરીને ઇમ્પ્રેસ કરી શકાતી હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ પુરુષને ખુશી થાય.
lll
‘હવે બોલ...’ રોહિતે પાર્કિંગમાંથી શ્વેતાને ફોન કર્યો.
‘નથિંગ...’ સામેથી શ્વેતાએ હોઠ દબાવીને જવાબ આપ્યો.
‘કેમ, હવે રેપનો ટાઇમ મારો આવ્યો?’
‘ઍક્ચ્યુઅલી...’ શ્વેતા મયાર્દિત શબ્દોમાં જવાબ આપતી હતી. 
‘કહે, હવે હું રસ્તા પરથી ઑફિસ આવું કે પહેલાં ઘરે જાઉં...’
‘તમને મન પડે એમ...’
મોબાઇલ કાન પરથી હટાવ્યા વિના જ શ્વેતાએ વૉલ્યુમ ધીમું કર્યું. નેમચંદ જૈન સામે જ ઊભા હતા અને તેમનું ધ્યાન શ્વેતા પર જ હતું. 
‘તો જો હું હવે રસ્તા પર છું...’
શ્વેતાએ મોબાઇલ કટ કરી નાખ્યો. રોહિત વાત પડતી નહોતો મૂકતો અને શ્વેતાને ટેન્શન થતું હતું કે ક્યાંક ભાઈ આ બધું સાંભળી જશે.
આ બધું એટલે...
શ્વેતા ઊભી થઈ ગઈ.
‘કેમ, શું થયું?’
નેમચંદે ચેકબુક ટેબલ પર મૂકી.
‘ના, કંઈ નહીં.’ શ્વેતા બાથરૂમમાં ઘૂસી ગઈ. તેને રોહિત પર ગુસ્સો પણ આવતો હતો અને, અને, રોહિતની વાતોમાં મજા પણ આવતી હતી.
રસ્તો, ઘર, ઑફિસ.
શ્વેતાએ બાથરૂમના આદમકદ સાઇઝ મિરરમાં જોયું.
કોઈ તો બાત હૈ તૂમ મેં - શ્વેતાની નજર પોતાની જ છાતી પર હતી.
શ્વાસ સાથે જરાઅમસ્તી ઊંચકાતી અને ઉચ્છ્વાસની સાથે ફરી પોતાની જગ્યાએ ગોઠવાતી છાતી.
‘જો આપણે આ બધાના કોડવર્ડ બનાવી લઈએ.’ દોઢ મહિના પહેલાં રોહિત સાથે થયેલી એક મજાક શ્વેતાના કાનમાં ફરીથી વાગવા માંડી, ‘જો હવે તું મને કિસ આપતી હોય તો કહેવાનું કે હું ઑફિસે આવી છું. 
‘ખાલી ઑફિસ હોય એવું થોડું ચાલે.’
‘કેમ?’
‘માણસ આખો દિવસ ઑફિસે થોડો રહે.’ શ્વેતાએ ખુલાસો કર્યો, ‘માણસ ઑફિસથી ઘરે પણ જાયને.’ 
‘ઓકે...’ રોહિતે આજુબાજુમાં 
જોઈને જવાબ આપ્યો. ‘તો હોઠથી નીચે એટલે ઘર...’
‘હોઠથી નીચે મીન્સ...’ 
શ્વેતાના સવાલમાં અજ્ઞાનની છાંટ હતી અને મર્યાદા છોડવાનું આમંત્રણ પણ.
‘ડોક?’
‘ના...’ રોહિતે સરળતાપૂવર્ક આમંત્રણ સ્વીકારી લીધું. ‘ડોકથી સહેજ નીચે...’ 
‘યુ ઇડિયટ...’
‘એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ...’ રોહિતે શ્વેતાને નવા રસ્તે વાળી, ‘ઑફિસ અને ઘર થયાં. હવે રસ્તો એટલે શું?’
‘મને નથી ખબર...’
‘હંઅઅઅ... રસ્તો એટલે?’ શ્વેતા વાત પડતી નહોતી મૂકતી એટલે રોહિતને પણ મજા આવતી હતી, ‘રસ્તો એટલે, રસ્તો એટલે, ઘરથી ગૅરેજ સુધી પહોંચવા સુધીનો માર્ગ...’
‘ઘરથી ગૅરેજ, મીન્સ?’ શ્વેતાના અવાજમાં જિજ્ઞાસા ભળી.
‘જો ઑફિસ એટલે હોઠ. બરાબર...’ રોહિત સહેજ અટક્યો. સામેથી હોંકારો ભળ્યો એટલે રોહિતે વાત આગળ વધારી. ‘ઘર એટલે તને ખબર છે...’
ફરીથી હોંકારો આવ્યો.
‘ઘરથી થોડાં આગળ જઈએ, 
પેટ તરફ અને પછી એનાથી આગળ એટલે ગૅરેજ...’
‘સ્ટૉ....ઓઓઓઓપ.’ એ સમયે શ્વેતાએ જોરથી રાડ પાડી હતી,
‘સ્ટૉ....ઓઓઓઓપ.’ 
અત્યારે બાથરૂમમાં પણ શ્વેતાથી એ જ શબ્દ બોલાઈ ગયા અને પછી નિસાસા સાથે શ્વેતાએ બાથરૂમનું બારણું ખોલ્યું.
lll
‘તને નથી લાગતું કે તું હવે વધુપડતી છૂટછાટ લેતો જાય છે.’ 
રોહિતનું ધ્યાન મોબાઇલ-સ્ક્રીન 
પર હતું. તેણે સતત ત્રણ વાર શ્વેતાનો કૉલ કટ કર્યો હતો એટલે શ્વેતાનો 
મેસેજ આવ્યો,
‘બિઝી, રિપ્લાય...’
‘યા...’ રોહિતે મેસેજ ડિલિવર થવાની સાઇન જોઈ લીધા પછી સંભવની સામે જોયું, ‘શું કહ્યું તેં?’ 
‘કંઈ નહીં...’ સંભવને રોહિત પર ગુસ્સો આવતો હતો, ‘તું પહેલાં તારી બહેનપણી સાથે મેસેજ-મેસેજ રમી લે, પછી આપણે વાત કરીએ.’
‘એવું નથી પ...’ વાઇબ્રેશનને કારણે રોહિતનું ધ્યાન ફરી મોબાઇલ તરફ ગયું. 
વન મેસેજ રિસીવ્ડ.
રોહિતે ઝડપથી મોબાઇલ 
હાથમાં લીધો.
સક્સેસફુલ ડિલિવર સંભવ શાહ...
રોહિતે શ્વેતાનો નંબર સંભવના નામે સેવ કર્યો હતો.
‘ના, એવું કંઈ નથી...’ રોહિતે મોબાઇલને ખિસ્સામાં સેરવી દીધો.
‘એવું જ છે, રોહિત જરાક તો વિચાર. તું દિવસમાં જેટલી વાત શ્વેતા સાથે કરે છે એટલી જ વાત, એક આખા મહિનામાં તું ભાભી સાથે કરે છે...’
‘તું યાર...’ 
રોહિતે છણકો કર્યો પણ સંભવે તેની વાત કાપી નાખી.
‘મને જવાબ નથી જોઈતો, પણ તારે તારી જાતને જવાબ આપવાનો છે.’
સંભવ રોહિતથી ઉંમરમાં ચાર વર્ષ નાનો, પણ દોસ્તીને કારણે આ તફાવત વાતચીતમાં ક્યાંય વર્તાતો નહીં.
‘હું આપું જ છું સમય એ લોકોને.’ 
રોહિતે જવાબ આપ્યો, પણ તેના જવાબમાં દૃઢતા નહોતી એ તેને પણ ખબર હતી.
‘તંબૂરો તારો.’ સંભવને ગુસ્સો આવી ગયો, ‘રાતે બે વાગ્યે પણ તને મેં પેલી ચિબાવલીની સાથે મેસેજ-મેસેજ રમતો જોયો છે.’
‘એ તો બધાં સૂઈ ગયાં હોય પછીની વાત છેને...’
‘યાર, તું મને જવાબ આપ. ભાભીને કોઈ દિવસ એવું મન થાય કે નહીં, કે આજે મારો હસબન્ડ મારી સાથે સૂએ.’ 
સંભવે મયાંદાની સભાનતા વચ્ચે જ વાત ઉચ્ચારી હતી અને રોહિત પાસે કોઈ જવાબ નહોતો.
‘ભલા માણસ, આ બધું બંધ કરી દે તો સારું...’
ઘરરર... ઘરરર...
‘એક સેકન્ડ...’ મોબાઇલ ફરી વાઇબ્રેટ થયો એટલે રોહિતે ફોન હાથમાં લીધો.
અર્જન્ટ...
શ્વેતાનો જ મેસેજ હતો.
‘હા, બોલો...’ 
રોહિતે શ્વેતા સાથે માન ભરી ભાષામાં વાત શરૂ કરી. સંભવને એવું ન લાગે કે તેં શ્વેતા સાથે વાત કરી છે એ હેતુથી અને શ્વેતા સમજી જાય કે તેની આસપાસમાં કોઈ બેઠું છે એવા ભાવ સાથે.
‘બહાર છો?’
‘હા...’ રોહિત તરત મૂળ વાત પર આવ્યો, ‘કંઈ અર્જન્ટ હતું?’
‘ના, તમારો અવાજ સાંભળ્યો 
નહોતો એટલે...’ 
શ્વેતાના અવાજમાં ઠંડક હતી. કાતિલ ઠંડક. જો કોઈ કાચાપોચા હૃદયનો હોય તો બધાં કામ પડતાં મૂકીને સીધો શ્વેતા પાસે પહોંચી જાય એવી ઠંડક. 
‘હું થોડી વારમાં ફોન કરું?’
‘કેટલી વારમાં?’
‘વીસેક મિનિટમાં...’
‘ભલે...’ શ્વેતાના અવાજમાં સહેજ લાચારી ભળી, પણ ફોન કાપતાં પહેલાં તેણે કહ્યું, ‘એક મિનિટ...’ 
‘શું?’
‘આઇ લવ યુ.’ શ્વેતા ઘરમાં એકલી હતી, ‘અને મને ખબર છે યુ લવ મી ટુ...’
રોહિતે ફોન મૂકી દીધો. 
સંભવના ડરથી. આજે પહેલી વાર તેને સંભવની બીક લાગી હતી. 
સંભવ માત્ર દોસ્ત નહોતો. રોહિતનો હમદર્દ પણ હતો. અગાઉ અનેક વખત તેણે રોહિતને ફાયનૅન્શિયલ હેલ્પ પણ કરી હતી. અત્યારે પણ તે રોહિત પાસે કંઈ ૪૦ લાખ માગતો હતો. શ્વેતાના કહેવાથી તેણે નેમચંદ જૈનનાં લેણાં ચૂકવવા સંભવ પાસેથી પૈસા લીધા હતા. મોડી સાંજે શ્વેતાએ આજની જેમ જ અર્જન્ટનો મેસેજ કરીને રોહિત સાથે વાત કરી હતી. 
lll
‘હા, બોલ...’
‘બહાર છો?’ રોહિત શ્વેતાના અવાજની ગંભીરતા ઓળખી ગયો હતો.
‘હા, પણ ઇટ્સ ઓકે. બોલ...’ રોહિત ઝડપથી ફોન કરવાનું કારણ જાણવા માગતો હતો, ‘તમારે ભાઈને કંઈ પૈસા ચૂકવવાના છે?’
‘હા, પણ હિસાબ અમે નથી કર્યો... કેમ, થયું શું?’
‘અત્યારે ભાઈએ બધાની વચ્ચે કહી દીધું કે કાલથી રોહિતના અકાઉન્ટમાંથી કોઈ શૅરની ડિલિવરી લેવા નથી દેવાની.’
 ‘અચ્છા...’
‘ભાઈ અકાઉન્ટન્ટને એવું પણ કહેતા હતા કે ૯૦ લાખના શૅર રોહિતના અકાઉન્ટન્ટમાં છે અને ૪૦ લાખ આપણે લેવાના છે.’
‘હંઅઅઅ... તો આમાં ટેન્શનની વાત ક્યાં આવી.’
‘બહુ ખરાબ રીતે તમારું બોલતા હતા.’ શ્વેતાનો અવાજ ઢીલો પડી ગયો, ‘મારી પાસે વીસ-બાવીસ હશે. તમે કાલે જ એ ભાઈને આપી દો...’
‘હા, હા...’ રોહિતને નેમચંદ પર ગુસ્સો આવતો હતો – સાલો, મારવાડી છેલ્લે જાત પર આવી ગયો. જોકે 
ગુસ્સાની સાથે રોહિતને શ્વેતા માટે 
માન પણ થતું હતું.
‘ના, તારા પૈસાની વાત રહેવા દે...’ 
‘કેમ, મારી પાસેથી પૈસા ન લેવાય.’
‘અરે, એવું નથી. તારા પૈસા મારા જ છે...’ રોહિતને સંભવ સાથે વાત કરવાની ઉતાવળ હતી, ‘પણ હમણાં જરૂર નહીં પડે...’ 
રોહિતે શિલ્પાનું શૉપિંગ પૂરું થતું જોયું એટલે કહ્યું, ‘બાય, શિલ્પા આવે છે...’
‘ભાભીને મારી યાદી આપજો...’ 
શ્વેતાના આ છેલ્લા શબ્દો મોબાઇલના ઇન્સ્ટ્રુમેન્ટમાંથી બહાર આવે એ પહેલાં જ રોહિતે ફોન કટ કરી નાખ્યો હતો.

વધુ આવતી કાલે

columnists Rashmin Shah