જો ઠીક લગે વો કરો

21 July, 2020 01:52 PM IST  |  Mumbai | Sanjay Goradia

જો ઠીક લગે વો કરો

તકલીફનો તકાજો: અશોક ઠક્કરને અચાનક હાર્ટ-અટૅક આવ્યો અને મારે નાછૂટકે ‘બા રિટાયર થાય છે’માં રોલ કરવાનો આવ્યો.

અમદાવાદમાં ‘બા રિટાયર થાય છે’નો શો શરૂ થયો અને નાટકનો ક્લાઇમૅક્સ આવ્યો. વિન્ગમાં ઊભો-ઊભો હું ડાયલૉગ સાંભળતો હતો. ઑડિયન્સ બરાબરનું નાટકમાં ઇન્વૉલ્વ થઈ ગઈ હતું. આંખનું મટકું પણ ન મારે એવી સિચુએશન ચાલુ હતી અને એ દરમ્યાન અશોકભાઈ વિન્ગમાં બહાર આવ્યા.

‘સંજય, મને છાતીમાં દુખાવો ઊપડ્યો છે, ઠીક નથી લાગતું. તું ફટાફટ ડૉક્ટરને બોલાવી રાખ.’

મારો તો જીવ અધ્ધર થઈ ગયો. કરવું શું હવે? અશોકભાઈ તો પાછા સીનમાં અંદર ચાલ્યા ગયા એટલે તેમની સાથે પણ વધારે વાત થાય એમ હતી નહીં. હું દોડીને ચેતન ગાંધી પાસે ગયો અને મેં જઈને ચેતનને કહ્યું કે અશોકભાઈને છાતીમાં દુખે છે અને તેમણે ડૉક્ટરને બોલાવી રાખવાનું કીધું છે. શું કરીએ હવે?

ચેતને તરત જ જવાબ આપ્યો કે તેમને છાતીમાં દુખે છે એટલે કદાચ હાર્ટ-અટૅક આવતો હોય કે પછી તેમની પલ્સ ઇરેગ્યુલર થઈ ગઈ હોય. એ સમયગાળામાં ચેતનના ફાધર રાજુભાઈને પણ અટૅક આવ્યો હતો એટલે એના વિશે ચેતનને વધારે જાણ હોય એ સ્વાભાવિક છે. મેં તરત જ પૂછ્યુંઃ

‘...પણ હવે કરવાનું શું?’

મેં સવાલ કર્યો એટલે તરત જ ચેતને કહ્યું કે ડૉક્ટરને અહીં બોલાવી રાખવાનો અર્થ નથી, નાટક પતે એટલે તરત જ આપણે તેમને લઈને હૉસ્પિટલ લઈ જઈએ. એ સમયે તો હૉસ્પિટલ કઈ ખુલ્લી હોય એની મને ખબર નહોતી એટલે ચેતને કહ્યું કે આપણે વીએસ હૉસ્પિટલમાં જઈએ, ત્યાં બધી સારવાર મળી જશે.

શો પૂરો થયો એટલે અમે અશોકભાઈને લઈને સીધા બહાર નીકળ્યા. પ્રોડક્શન-મૅનેજર અને અશોકભાઈને એક રિક્ષામાં બેસાડીને વીએસ હૉસ્પિટલ રવાના કર્યા. ચેતન પાસે એ સમયે લૅમ્બ્રેટા સ્કૂટર હતું. હું અને ચેતન સ્કૂટર પર રવાના થયા. લગભગ અમે બધા સાથે જ પહોંચ્યા. હૉસ્પિટલમાં ડૉક્ટરે અશોકભાઈનો કાર્ડિયોગ્રામ કાઢ્યો અને એ જોઈને ડૉક્ટરે કહ્યું કે હાર્ટ-અટૅક અત્યારે ચાલુ જ છે.

તરત જ ટ્રીટમેન્ટ શરૂ થઈ. કલાક પછી ડૉક્ટરે કહ્યું કે અશોકભાઈને હવે ટોટલ બેડ-રેસ્ટ કરવાનો છે. આ અવસ્થામાં જો તેમણે કામ કર્યું કે કામનું સ્ટ્રેસ લીધું તો તબિયત એવી બગડી શકે છે જેની સારવાર પણ અઘરી થઈ જાય.

માર્યા ઠાર, બન્ને પક્ષે.

આવા સમયે અશોકભાઈને કામ કરવા માટે કહેવાય નહીં અને બીજા દિવસથી તો દરરોજ શો હતા. ગુજરાતમાં ચાર શો પૂરા કરીને મુંબઈ જવાનું હતું. કહ્યું એમ, અશોકભાઈને પણ કામની તકલીફ ન આપી શકાય. ડૉક્ટરોની સારવાર ચાલુ હતી, પણ એ દરમ્યાન જ અમે વીએસ હૉસ્પિટલના ડૉક્ટરને સમજાવ્યા કે અમારે સરકારી હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ નથી કરાવવી, અમે પ્રાઇવેટમાં જઈશું. મનાવી-સમજાવીને અમે અશોકભાઈને લઈને ત્યાંથી હોટેલ પર આવ્યા. હોટેલ પર આવીને અમે તેમને જમાડ્યા, જેકોઈ દવા આપી હતી એ દવા આપીને તેમને સુવડાવીને હું અને ચેતન બેઠા.

ચેતન મારી મૂંઝવણ સમજી ગયો. તેણે કહ્યું કે આપણે કોઈને કશું કહેવું નથી. એક જાણીતા હાર્ટ-સ્પેશ્યલિસ્ટ મારા ઓળખીતા છે. સવારે આપણે તેમને દેખાડીને સેકન્ડ ઓપિનિયન લઈ લઈએ. તેમના ઓપિનિયન પછી બધી ક્લૅરિટી થઈ જશે.

બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે હું, અમારો પ્રોડક્શન-મૅનેજર રાજુ વાગડિયા અને ચેતન અશોકભાઈને લઈને એ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કાર્ડિયોગ્રામ કાઢ્યો. બીજા બધા રિપોર્ટ્સ ચેક કર્યા અને પછી કહ્યું કે અશોકભાઈની તબિયત હજી પણ બરાબર નથી, ગઈ કાલના હાર્ટ-અટૅક પછી પણ હજી તેમનો કાર્ડિયોગ્રામ બરાબર આવતો નથી. મેં મારા મનની મૂંઝવણ તેમની સામે મૂકી અને ડૉક્ટરને પૂછ્યું કે સાંજે અશોકભાઈ શો કરી શકશેને?

‘અત્યારે તો કશું કહી શકું નહીં, તમે સાંજે આવો. ચેક કરીને પછી નિર્ણય લઈએ.’

અમે પાછા હોટેલ પર આવ્યા. અશોકભાઈને આરામ કરવા માટે રૂમમાં મોકલીને ફરીથી હું અને ચેતન બેઠા. જેવા અશોકભાઈ દેખાતા બંધ થયા કે તરત જ ચેતને મને કહ્યું કે સંજય, તું ડાયલૉગ પાકા કરી નાખ.

‘એટલે?’

‘અશોકભાઈવાળો રોલ તમે કરી નાખો એટલે કામ અટકે નહીં.’

અશોકભાઈનો રોલ કૉમેડી હતો એ કબૂલ, પણ એ રોલમાં પણ સિરિયસ શેડ્સ પણ હતા. મેં ચેતનને ચોખ્ખી ના પાડી દીધી.

‘એમ થોડું ચાલે, હું આ રીતે રોલ ન કરી શકું. મારે પહેલાં શફીભાઈ સાથે વાત કરવી પડે અને આમ પણ આપણે રાતે જેકંઈ બન્યું છે એની પણ વાત શફીભાઈને કરી નથી, પહેલાં તો એ કહેવું પડશે.’

મેં તરત જ શફીભાઈને ફોન કર્યો અને તેમને કહ્યું કે રાતે અશોકભાઈને હાર્ટ-અટૅક આવ્યો ને હવે શું કરવું એ સમજાતું નથી. મેં એ જ ફોનમાં કહ્યું કે ચેતન મને કહે છે કે શો કૅન્સલ કરવાને બદલે હું એ રોલ કરી લઉં. શફીભાઈએ કહ્યું,

‘જો ઠીક લગે વો કરો...’

તેમની વાત પરથી મને એવું લાગ્યું કે હું રોલ કરું એમાં તેઓ ખુશ નહોતા, પણ એવું કહેવાને બદલે તેમણે મારા પર છોડ્યું કે શું કરવું જોઈએ એ તું નક્કી કરી લે. મિત્રો, જ્યારે નિર્ણય તમારે લેવાનો આવે ત્યારે નિર્ભય થઈને તમને જે ઠીક લાગે એ નિર્ણય લઈ લેવાનો. તમે નિર્ણય લેશો તો જ કદાચ ખોટા પડશો, બાકી ‌‌નિર્ણય ન લેનારો તો ક્યારેય પસ્તાતો નથી.

મેં કોઈ સ્ટેપ લીધું નહીં, પણ મનમાં નક્કી કરી રાખ્યું હતું કે જરૂર પડી તો હું અશોકભાઈના રોલમાં ઊતરીશ. સાથે મનમાં આશા અકબંધ રાખી કે અશોકભાઈને સાંજે ડૉક્ટર શો કરવાની પરવાનગી આપી દે અને અમારું ટેન્શન ટળી જાય. ફરી અમે સાંજે ગયા ડૉક્ટર પાસે. બધાં ચેકઅપ થયાં, ફરીથી કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યો. ડૉક્ટરે એ બધા રિપોર્ટ, કાર્ડિયોગ્રામ અને અશોકભાઈને ચેક કરીને કહ્યું કે હું ઇન્ડિયન ઍરલાઇન્સ પર તમને એક લેટર લખી આપું છું. જો ફ્લાઇટ ફુલ હશે તો પણ તમને એક ટિકિટની વ્યવસ્થા કરી આપશે.

‘કેમ શું થયું?’

ડૉક્ટરે મારી સામે જોયું.

‘સંજયભાઈ, મેડિકલ ઇમર્જન્સી છે... આમને તાત્કાલિક મુંબઈ જવું જોઈશે.’ ડૉક્ટરે અશોકભાઈને પણ કહ્યું કે ‘તમારી તબિયત હજી પણ ખરાબ છે. મુંબઈના છો તો મુંબઈ જઈને તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરાવો.’

અમારા માટે તો આ કપરી ઘડી હતી અને મારી પ્રોફેશનલ કરીઅરમાં હું આવી પરિસ્થિતિમાં પહેલી વાર મુકાયો હતો, પણ કહે છેને, જાન હૈ તો જહાન હૈ.

મેં અમારા પ્રોડક્શન-મૅનેજરને કહ્યું કે અશોકભાઈને લઈને હોટેલ પર જા. તેમનો બધો સામાન પૅક કરીને તાત્કાલિક ઍરપોર્ટ પર પહોંચીને ડૉક્ટરે આપેલા લેટર પર ટિકિટ બુક કરાવીને મુંબઈ રવાના કર. અશોકભાઈના ઘરે પણ તાત્કાલિક જાણ કરવામાં આવી જેથી કોઈ તેમને ઍરપોર્ટ રિસીવ કરવા માટે પહોંચી જાય. અશોકભાઈનું પ્રકરણ પૂરું થયું એટલે મેં હોટેલ પર જતાં પ્રોડક્શન-મૅનેજરને જ તાકીદ કરી કે બધા કલાકારોને કહો કે તાત્કાલિક જયશંકર સુંદરી હૉલ પર પહોંચે, મારે રિહર્સલ્સ કરવાનાં છે.

‘કહેજે અશોકભાઈનું રિપ્લેસમેન્ટ હું કરવાનો છું...’

મિત્રો, એ સમયે મારી ઉંમર હતી ૩૨ વર્ષની અને મારે પદ્‍મારાણીના પતિનો રોલ કરવાનો હતો. અઘરું કામ હતું. થ્રૂ-આઉટ આખા નાટકમાં આ રોલ હતો અને આ અગાઉ મેં એક જ નાટક એવું કર્યું હતું જેમાં મારો થ્રૂ-આઉટ રોલ હોય, ‘ફત્તેચંદનું ફુલેકું’. મારું એ નાટક ફ્લૉપ ગયું હતું અને બીજી વાત એ કે નાટક કૉમેડી હતું જે ક્યાંક ને ક્યાંક મારી કૅરૅક્ટરિસ્ટિકને મૅચ થતું હતું અને ‘બા રિટાયર થાય છે’ના બાપુજી! હાથી-ઘોડાનો ફરક સાહેબ.

(રિપ્લેસમેન્ટની મનોમન તૈયારી કરી લીધા પછી શું થયું એની વાતો કરીશું આપણે આવતા મંગળવારે, પણ એ પહેલાં એક નાનકડું સૂચન. પ્લીઝ, જરૂર ન હોય તો ક્યાંય બહાર નીકળતા નહીં. કોરોનાના કેસ વધી રહ્યા છે, એ પોતાનું કામ કરે છે. ઘરમાં રહીને એનાથી બચવાનું કામ આપણે જવાબદારીપૂર્વક કરવાનું છે)

આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Sanjay Goradia