જાતને સતત કોસવાનું બંધ કરી એને પ્રેમ કરો

29 December, 2022 10:07 PM IST  |  Mumbai | Rashmin Shah

અમેરિકન રાઇટર ગૅરી જૉન બિશપની બુક ‘અનફક યૉરસેલ્ફ’માં આ વાત કહેવામાં આવી છે. ગૅરી કહે છે, ‘દરેક બીજો માણસ મનોમન પોતાને ઉતારી પાડવામાંથી નવરો નથી પડતો અને એટલે જ પૃથ્વીની નેવું ટકા ટૅલન્ટ સાવ વ્યર્થ રીતે વેડફાય છે.’

જાતને સતત કોસવાનું બંધ કરી એને પ્રેમ કરો

સીધી વાત કરીએ તો ગૅરી જૉન બિશપ દુનિયાનો એકમાત્ર રાઇટર છે કે જેણે ‘ફક સિરીઝ’ પર ચાર બુક લખી અને પછી તેણે એ જ સિરીઝ પર મોટિવેશનલ પ્રોગ્રામ ડિઝાઇન કર્યો. એ પ્રોગ્રામ એવો તે હિટ થયો કે અત્યાર સુધીમાં એના દુનિયાભરમાં પાંચ હજારથી વધારે સેમિનાર થઈ ગયા છે. ગૅરી કહે છે, ‘આપણી મોટામાં મોટી કમનસીબી એ જ છે કે આપણે દરેક વાતમાં જાતને દોષિત સાબિત કરીએ છીએ અને જાતને દોષ આપીને આપણે નિર્ણય ફેરબદલ કરવા માટે તૈયાર પણ નથી થતા. પરિણામ એ આવે છે કે આપણે મન આપણી જ કોઈ વૅલ્યુ રહેતી નથી. આ માનસિકતામાં ચેન્જ કરવો પડશે. ભૂલ કરવાનો આપણને હક છે અને એ ભૂલ થકી જ આપણને જીવનની નવી દિશા મળવાની છે.’

‘અનફક યૉરસેલ્ફ’ની વાત કરીએ તો દુનિયાના ૪૨ દેશોમાં બેસ્ટસેલર રહેલી આ બુકની સૌથી મોટી ખાસિયત એ છે કે અત્યાર સુધીમાં એ દોઢ બિલ્યન (હા, મિલ્યન નહીં, બિલ્યન) નકલ વેચાઈ 
ચૂકી છે. કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરોએ આ બુક વાંચ્યા પછી પોતાના કર્મચારીઓને ભાંડવાના બંધ કરી દીધા છે તો સાથોસાથ કર્મચારીઓમાં પણ સેલ્ફ-રિસ્પેક્ટ જન્મ્યું છે, જેના આધારે તે નિર્ણય લેવામાં જરાય ખચકાતા નથી.

વાત સંપૂર્ણ બ્લૅક એવા ગૅરીની | ગૅરી જૉન બિશપ એક સામાન્ય સેલ્સમૅન હતો. તેને આપવામાં આવતો ટાર્ગેટ તેનાથી પૂરો થતો નહીં અને તે દરરોજ ઘરે આવીને પોતાની જાતને ગાળો ભાંડતો. આવું અઠવાડિયા અને મહિનાઓ સુધી ચાલ્યું અને એક દિવસ ગૅરીએ નક્કી કર્યું કે તે સુસાઇડ કરી લે. તેણે કોશિશ પણ કરી, પણ હિંમત ચાલી નહીં અને એ નાહિંમત થયેલા ગૅરીને એ દિવસે પહેલી વાર બ્રહ્મજ્ઞાન થયું કે પોતે શું ભૂલ કરે છે. ગૅરી કહે છે, ‘ક્યારેય ભૂલવું નહીં કે જો તમે માછલીને ઝાડ પર ચડાવવાની કોશિશ કરો તો તમને નિષ્ફળતા જ મળે. સિમ્પલ છે કે તમારે નક્કી કરવાનું છે કે તમે કોની પાસેથી કઈ અપેક્ષા રાખો છો.’

જો ખોટી અપેક્ષા રાખો તો નિરાશા એક પક્ષે નહીં, બન્ને પક્ષે આવે અને ધારો કે એવું ન કરવું હોય તો વ્યક્તિની સાચી ટૅલન્ટને ઓળખવી જોઈએ. જો તમે ઓળખી નહીં શકો તો તમે તમારી જાતને તો દુખી કરો જ છો, સાથોસાથ એ સૌને પણ દુખી કરો છો જેની પાસેથી તમે ગેરવાજબી અપેક્ષા રાખો છો.

ગૅરી કેવી રીતે બન્યો રાઇટર? | દૂર-દૂર સુધી રાઇટર બનવાનું તેના મનમાં નહોતું. તેના મનમાં એક જ વાત હતી કે તે સેલ્સ-મૅનેજર બનીને સરસ સૅલેરી ઘરમાં લઈ આવે, પણ સેલ્સમૅનની કરીઅર અકાળે મૃત્યુ પામી અને ગૅરીએ પોતાના વિચારો લખવાના શરૂ કર્યા. તે જે વિચારો લખતો હતો એ વિચારો હકીકતે ‘અનફક યૉરસેલ્ફ’નું પહેલું સ્વરૂપ હતું.

‘અનફક યૉરસેલ્ફ’ લખ્યા પછી ગૅરીએ સૌથી પહેલી જે વાત કહી એ વાત એટલી તે વિવાદાસ્પદ બની કે દુનિયાઆખી ધ્રૂજી ગઈ. ગૅરીએ ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’ના પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘માણસની મોટામાં મોટી મૂર્ખામી એ છે કે તે એવું માને છે કે ત્રાહિત કોઈ તેની કરીઅર ખતમ કરે છે પણ એવું હોતું નથી. માણસ પોતે જ પોતાની જાતને એટલી ક્રીટિસાઇઝ કરે છે કે તેની કરીઅર ખતમ થઈ જાય અને એ પછી તે બીજા પર દોષ ઢોળે છે. જો માણસ પોતાનામાં એટલો જ ચેન્જ કરે કે તે તેની લિમિટેશન ઓળખી જાય તો તેને ક્યાંય કોઈ જાતનો પ્રૉબ્લેમ થાય નહીં.’
ગૅરી જૉન બિશપે આ જ વાત તેની તમામ બુકમાં અકબંધ રાખી છે, પણ ‘અનફક યૉરસેલ્ફ’માં તો તેણે સ્પષ્ટતા સાથે લખ્યું છે કે આપણે એવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ કે આપણે જ આપણી જાતે આપણી કરીઅરને ખરાબ કરી બેસીએ. આવું થવા પાછળનું જો કોઈ કારણ હોય તો માત્ર એક જ, કોઈ પોતાની નિષ્ફળતા આપણા પર મારી-મચકોડીને બેસાડી દે છે અને આપણે એને ખરેખર આપણી માની બેસીએ છીએ. આ ભૂલ ક્યારેય ન કરવી, કોઈ દિવસ ન કરવી.’

columnists Rashmin Shah