10 December, 2023 02:46 PM IST | Mumbai | Ruchita Shah
આ શૅર લો અને એક મહિનામાં ૧૦૦ના ૧૦૦૦ કરો
આપણે ત્યાં કહેવત છે ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન રહે...’ શૅરબજારના માધ્યમથી રાતોરાત કરોડપતિ બનવાની લાલચ રાખનારાઓનો રેશિયો હંમેશાં ઊંચો રહ્યો છે. એમાં વળી કોવિડ દરમ્યાન કોઈ જ કામ ન હોવાથી શૅરબજારમાંથી બે પૈસાની આવક કરીએ એવું વિચારનાર લોકોની સંખ્યામાં ધરખમ વધારો થયો જે એ અરસામાં ખૂલેલા ડિમૅટ અકાઉન્ટના આંકડા કહે છે. જેમ કે નૅશનલ સિક્યૉરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસના ડેટા કહે છે કે ફાઇનૅન્શિયલ યર ૨૦૧૯માં ઍક્ટિવ ડિમૅટ અકાઉન્ટ ૩૮ લાખ હતાં, જે ફાઇનૅન્શિયલ યર ૨૦૨૧ના ફર્સ્ટ હાફમાં એક કરોડ એકતાલીસ લાખ પર પહોંચ્યાં અને વર્ષના અંતે બીજા ૭૦ લાખ અકાઉન્ટનો ઉમેરો થયો હતો અને એ આંકડો અત્યારે અઢી કરોડ પર પહોંચી ગયો છે. ક્યાંક તે ક્યાંક આ ગ્રોથ પાછળ બ્રોકર વિના માત્ર એક ક્લિકમાં ઇન્વેસ્ટમેન્ટની તમામ ફૅસિલિટી પૂરી પાડતી ઍપ્લિકેશન્સની ભરમારને કારણે પણ થયું છે. સ્ટૉક ઇન્વેસ્ટમેન્ટ, મ્યુચ્યુઅલ ફન્ડ્સથી લઈને આઇપીઓ જેવા અઢળક ઇન્વેસ્ટમેન્ટ ઑપ્શન આ ઍપ્લિકેશન્સને કારણે આંગળીના વેઢે ખૂલી ગયા છે. જોકે આમાં ગેમ-ચેન્જરની ભૂમિકા પર આ
ફાઇનૅન્શિયલ ઇન્ફ્લુઅન્સરનો પણ બહુ મોટો ફાળો છે અને નવા નિશાળિયા કહેવાય એવા યંગ ઇન્વેસ્ટરો ૩૦ સેકન્ડથી એક મિનિટની અંદર પોતે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ આ સો કોલ્ડ સોશ્યલ ફાઇનૅન્શિયલ પંડિતો પાસેથી જાણી લે છે. આજે ભારતમાં લગભગ આઠ કરોડ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર હોવાનું કહેવાય છે, જે આંકડો સતત મોટો થઈ રહ્યો છે. સોશ્યલ મીડિયા પર આવા કન્ટેન્ટ-ક્રીએટરનો ધસારો વધ્યો, કારણ કે તેમની વાત અસત્ય હોય, અધકચરી કે ગેરમાર્ગે દોરનારી હોય તો પણ તેમની વિરુદ્ધ ઍક્શન લઈ શકાય એવી કોઈ જોગવાઈ જ નહોતી. જોકે એ દિશામાં કામ કરવાનું હવે સેબીએ શરૂ કર્યું છે. સિક્યૉરિટી બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI - સેબી) દ્વારા સોશ્યલ મીડિયા પર ડાયરેક્ટ શૅર લેવા માટે પ્રમોશન કરતા ‘અનરજિસ્ટર્ડ ફિનફ્લુઅન્સર’ પર નજર રાખવાનું શરૂ કર્યું છે. નિયમ પ્રમાણે સેબી સાથે રજિસ્ટર્ડ હોય એ જ ઇન્વેસ્ટમેન્ટ આપી શકે. આમાં પકડાઈ જનારા લોકો અથવા કંપનીને કૅપિટલ માર્કેટમાં અમુક સમય માટે પ્રતિબંધિત કરવામાં આવે છે, તો કેટલાક કેસમાં તેમણે કરેલી ગેરરીતિમાંથી મેળવેલો પ્રૉફિટ પેનલ્ટી રૂપે પાછો લઈ લેવામાં આવે છે.
આપણા દેશમાં ફાઇનૅન્શિયલ લિટરસી એટલે કે આર્થિક સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે. નૅશનલ સેન્ટર ફૉર ફાઇનૅન્શિયલ એજ્યુકેશન દ્વારા ફાઇનૅન્શિયલ લિટરસી સર્વે ૨૦૧૯ના આંકડા પ્રમાણે ભારતમાં
ફાઇનૅન્શિયલ લિટરસી માત્ર ૨૭ ટકા છે. એનું પ્રમાણ કદાચ કોવિડ પછી થોડું વધ્યું હોય તો પણ ફિનરા ફાઉન્ડેશન નામની સંસ્થાએ કરેલો એક રિપોર્ટ કહે છે કે દર ૧૦માંથી ૬ યંગસ્ટર્સ ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝ માટે સોશ્યલ મીડિયા પર નિર્ભર કરે છે. ૩૫થી ૫૪ વર્ષની વયજૂથના ૩૫ ટકા લોકો અને ૫૪થી મોટી ઉંમરના માત્ર ૮ ટકા લોકો ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝ
સોશ્યલ મીડિયા પરથી મેળવે છે. ૫૦ ટકા કરતાં વધારે યંગ ઇન્વેસ્ટરો યુટ્યુબ પરથી નક્કી કરે છે કે તેમણે કઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું. આવી પરિસ્થિતિમાં શું કરવું અને શું નહીં એ વિશે કેટલાક ફિનફ્લુઅન્સર અને શૅર માર્કેટના ધુરંધરો સાથે અમે કરેલી ચર્ચા વિગતવાર પ્રસ્તુત છે અહીં...
વાંધો આ છે!
રોચિત સિંહ
છેલ્લાં ૨૦ વર્ષથી ઇન્વેસ્ટર તરીકે સક્રિય અને ઘણી IIM અમદાવાદ, બૅન્ગલોર, અમ્રિતસર, લંડન બિઝનેસ સ્કૂલ જેવી અગ્રણી સંસ્થાઓમાં કી નોટ સ્પીકર તરીકે જનારા વિજય કેડિયા કહે છે, ‘સોશ્યલ મીડિયા પર હું છેલ્લાં ત્રણેક વર્ષથી સક્રિય થયો અને એમાં રીચ પણ ખૂબ સરસ મળી છે, પરંતુ આ ક્ષેત્રમાં હું છેલ્લાં ૨૦ વર્ષથી ઍક્ટિવ છું. અનેક કડવા અનુભવ થયા છે. અનેક લૉસ સહન કર્યા છે અને હું મારા અનુભવ લોકો સાથે શૅર કરું છું. તમારે કયા શૅર ખરીદવા અને કયા નહીં એની ટિપ્સ આપતો નથી. હું તમને કહું આજે ઇન્સ્ટાગ્રામ પર ૯૯ ટકા ફિનફ્લુઅન્સર ફેક છે. મોટા ભાગના લોકોને પોતાની કોઈ પ્રોડક્ટ, કોર્સ અથવા તો રિટર્નમાં કંઈક આપવું છે એ તમને તેમની બે-ચાર રીલ્સ જોશો તો અંદાજ આવી જશે. હું ક્યારેય કોઈ મેમ્બરશિપ કે ન્યુઝલેટર કે કોઈ કોર્સ વેચતો હોઉં એવું કંઈ જ તમને સોશ્યલ મીડિયા પર નહીં મળે. હું માત્ર મારા અનુભવથી લોકોમાં અવેરનેસ લાવવાના પ્રયાસ કરું છું. તમે માનશો નહીં, પણ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર મારા નામનાં, મારા ફોટો સાથેનાં કેટલાંય ફેક અકાઉન્ટ ફરે છે. સ્કૅમર્સ મારા ફેક અકાઉન્ટથી લોકોને
બેબુનિયાદ ફાઇનૅન્શિયલ ટિપ્સ આપીને છેતરી રહ્યાનું પણ મારી સામે આવ્યું છે. મારા એક રિલેટિવ આવા એક સ્કૅમરના શિકાર બનેલા અને તેમણે ૨૦ લાખ રૂપિયા ખોઈ નાખ્યા. સોશ્યલ મીડિયામાં ‘પીળું એટલું સોનું’વાળી માનસિકતા છોડીને આંખ-કાન ખુલ્લાં રાખીને આજની જનરેશન આગળ વધે એ જરૂરી છે.’
વિજયભાઈ ઇન્સ્ટાગ્રામ પર શૅરબજારના પડકાર અને ભૂલને સૉન્ગ્સ સ્વરૂપે પ્રસ્તુત કરે છે અને તેમને લાખો વ્યુઝ મળે છે. આજની જનરેશનમાં લોકોને સ્ટડી નથી કરવી એમ જણાવીને વિજયભાઈ કહે છે, ‘તમે સ્ટૉકની સ્ટડી તો નથી કરવા માગતા, પણ તમે જેની સલાહ માની રહ્યા છો કમસે કમ એ માણસના પ્રોફાઇલની સ્ટડી તો કરો. તમે જેની સલાહ માની રહ્યા છો તેની ક્રેડિબિલિટી વિશે તમને ખબર હોવી જોઈએ. શૅર વિશે વાત કરતી વ્યક્તિનું શૅર માર્કેટનું બૅકગ્રાઉન્ડ છે કે નહીં, તેઓ કેટલા ઍક્ટિવ ઇન્વેસ્ટર છે એ પણ જોવું જોઈએ. સાલું અહીં ૨૦ વર્ષથી માર્કેટ સાથે જોડાયેલો હોવા છતાં હજી સુધી માર્કેટને સમજી નથી શક્યો, તો એક વર્ષમાં બીજેથી કન્ટેન્ટ કૉપી કરીને લોકોને જ્ઞાન વહેંચનારા લોકો કઈ રીતે માર્કેટની હિલચાલ સમજાવી શકતા હોય છે એની મને નથી ખબર. બને છે એવું કે પૈસા પ્રત્યેનો પ્રેમ, પૈસાની મૃગતૃષ્ણા લોકોને સાચું જોતાં અટકાવી દે છે. તમારી જાગૃતિ અને અલર્ટનેસ જ તમને આવા ટ્રૅપમાં ફસાતાં અટકાવશે. મારો એક ક્વૉટ છે કે તમે હિસ્ટરીના ટીચર પાસે જ્યૉગ્રાફી ન ભણી શકો. એમ જ અધૂરા જ્ઞાનના પંડિત પાસેથી તમે તમારા પૈસા શૅર માર્કેટમાં દાવ પર ન લગાડી શકો એટલી સામાન્ય બુદ્ધિ દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. હું બહુ ખુશ છું કે સેબી ઍક્શન લઈ રહી છે, પરંતુ મને દુઃખ એ વાતનું છે કે જે રોકાણકાર છે તે શું કામ પોતાનાં હાર્ડ અર્નિંગ મનીને ગમે તેવા લોકોની સલાહથી ગમે ત્યાં રોકી દેતાં વિચારતો નથી. તેમને સેબીની જરૂર શું કામ પડવી જોઈએ. આપણે સમજવું જોઈએ કે આ પણ એક પ્રકારનું સાઇબર ફ્રૉડ છે. ટ્રેડિંગમાં ૧૦માંથી ૯ લોકો ફેલ થાય છે એ સત્ય ઝટપટ પૈસા કમાવાની લાલચ ધરાવતા લોકોએ સમજવી જોઈએ અને શૅરબજારને રાઇટ ઇન્વેસ્ટમેન્ટનું માધ્યમ સમજવું જોઈએ.’
ક્રીએટિવિટી ઇન્સ્ટાગ્રામ પર ચાલે છે અને આજે પણ એવા જ વિડિયો ખૂબ શૅર થાય છે, સર્ક્યુલેટ થાય છે. ફાઇનૅન્સનું મારું નૉલેજ લોકો સાથે શૅર કરવાની જ મારી મકસદ છે, પરંતુ લોકોને ગમે એ રીતે. સેબીમાં રજિસ્ટ્રેશનની એક્ઝામ મેં આપી દીધી છે. હું ક્યારેય ડાયરેક્ટ ખરીદ-વેચની ઍડ્વાઇઝ મારા વિડિયોમાં આપતો નથી. હું એજ્યુકેટ કરું છું.
સૌરભ સિસોદિયા, ફિનફ્લુઅન્સર
ઇન્ટેન્સ રિસર્ચ પછી પણ...
ઓગણીસ વર્ષનો રોચિત સિંહ લખનઉમાં રહે છે અને સોળ વર્ષની ઉંમરથી તે કન્ટેન્ટ ક્રીએશન કરે છે. આ વર્ષે એપ્રિલથી તેણે લોકોને ફાઇનૅન્શિઅલ ઍડ્વાઇઝ આપવાનું શરૂ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર સાડાચાર લાખની આસપાસ ફૉલોઅર્સ ધરાવતો રોચિત કહે છે, ‘સેબીના પગલાથી હું ખુશ છું. જો ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડે તો એ કરવામાં વાંધો નથી. જનરલી કન્ટેન્ટ ક્રીએશન હવામાં થતું નથી. એને માટે ઊંડો અભ્યાસ કરવો પડે છે. માર્કેટ-એક્સપર્ટના ઇન્ટરવ્યુ, આર્ટિકલ્સ, કરન્ટ અફેર્સ પર ચાંપતી નજર રાખીને કોઈ પણ કન્ટેન્ટ વિડિયો હું બનાવતો હોઉં છું. કયું સેક્ટર શું કામ ચાલી શકે છે એની સંભાવનાઓ એને લગતી પૂરક માહિતી સાથે તમને મારા કન્ટેન્ટમાં જોવા મળશે અને એ જ કારણ છે કે ઓછા સમયમાં વધુ લોકો સુધી હું પહોંચી શક્યો છું. સોશ્યલ મીડિયા પર સ્કૅમર્સ પણ છે અને આ સ્કૅમર્સની ચુંગાલમાં કેવી રીતે ન ફસાવું એને લગતા અવેરનેસ વિડિયો પણ મેં બનાવ્યા છે. ફ્રીડમ ઑફ સ્પીચ આપણા દેશમાં સૌને છે અને એમાં કોઈ પણ નિયમ તોડ્યા વિના, મારા કન્ટેન્ટ વિડિયો અને રીલ્સ સાથેની ડિટેઇલમાં પણ હું સ્પષ્ટતા સાથે લખતો હોઉં છું કે ‘હું સેબી સાથે રજિસ્ટર્ડ ઍડ્વાઇઝર નથી અને કોઈ પણ સ્પેસિફિક કંપનીનો પ્રમોટર પણ નથી.’ ફાઇનૅન્સને લગતા વિડિયો બનાવતાં પહેલાં મેં કેટલાક એ કામ સાથે સંકળાયેલા લોકો સાથે કામ કર્યું છે. સ્ટૉક માર્કેટનો મારો અભ્યાસ છે. ૪ વર્ષથી પોતે ટ્રેડ કરું છું. ઘણાં પુસ્તકો વાંચ્યાં છે. ઘણા કોર્સ કર્યા છે એ પછી હું વાત કરું છું અને એમાં ડેપ્થ હોય છે. પ્લસ મને ઇન્સ્ટાગ્રામના ઍલ્ગરિધમ, કન્ટેન્ટની શાર્પનેસ જેવી બાબતો વિશે ખબર છે એટલે જ લોકો એને પસંદ કરે છે. લાખોમાં વ્યુઝ ત્યારે જ આવતા હોયને.’
સ્કૅમર્સ મારા જ નામના ફેક અકાઉન્ટથી લોકોને છેતરી રહ્યાનું મારી સામે આવ્યું છે. મારા એક રિલેટિવ આવા એક સ્કૅમરનો શિકાર બનેલા અને તેમણે ૨૦ લાખ રૂપિયા ખોઈ નાખ્યા. સોશ્યલ મીડિયામાં ‘પીળું એટલું સોનું’વાળી માનસિકતા છોડીને આંખ-કાન ખુલ્લાં રાખીને આજની જનરેશન આગળ વધે એ જરૂરી છે.
વિજય કેડિયા,
ઇન્વેસ્ટર અને ફિનફ્લુઅન્સર
સોળ વર્ષની ઉંમરથી જ ઇન્ફ્લુઅન્સર તરીકે સાઇઝેબલ અમાઉન્ટ કમાનારો રોચિત અત્યારે બીબીએનો અભ્યાસ કરી રહ્યો છે. ચાર દિવસ પહેલાં તેણે પોસ્ટ કરેલી એક રીલને ૧૦ લાખ વ્યુઝ મળ્યા હતા. રોડ સેક્ટર પર બનાવેલી એક રીલ બે કરોડ લોકો સુધી પહોંચેલી. એક રીલ માટે ઍવરેજ ૧૦ કલાકનો સમય તેણે આપવો પડતો હોય છે અને ૬ વર્ષમાં તે ૬૦૦થી વધુ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી ચૂક્યો છે. રોચિત કહે છે, ‘આ ફીલ્ડમાં તમારે તમારા એથિક્સનું ધ્યાન જાતે રાખવાનું છે. હું ક્યારેય કોઈ કંપનીના પ્રમોટર કે ડિરેક્ટર સાથે સ્ટૉક ઍડ્વાઇઝ માટે કોલૅબ કરતો નથી. પમ્પ ઍન્ડ ડમ્પ સ્કીમ બહુ પૉપ્યુલર છે અને એમાં હું કોઈનો હાથો બની ન જાઉં એની ચોકસાઈ મેં રાખી છે. પ્રોડક્ટ માટે મેં કંપનીઓ સાથે કોલૅબ કર્યું છે.’
લોકોને સમજ પડે જ
એવું નથી કે તમે સોશ્યલ મીડિયા પર કોઈ કન્ટેન્ટ નાખી દીધું એટલે લોકો એને બ્લાઇન્ડલી ફૉલો કરવા માંડશે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ બે લાખ ફૉલોઅર ધરાવતો ફિનફ્લુઅન્સર સૌરભ સિસોદિયા પોતે કમ્પ્યુટર એન્જિનિયર છે, પણ સાથે છેલ્લાં ઘણાં વર્ષોથી ઍક્ટિવ ઇન્વેસ્ટર પણ છે. સોશ્યલ મીડિયાની જર્ની કેવી રીતે શરૂ થઈ અને પોતે કન્ટેન્ટ બનાવતી વખતે લોકોને ગાઇડન્સ આપવાની બાબતમાં કેવી રીતે બૅલૅન્સ રાખે છે એની વાત કરતાં સૌરભ કહે છે, ‘હું લિન્ક્ડઇન પર ઍક્ટિવ હતો. એક વાર મારું આઇઆઇટી બૉમ્બેમાં લેક્ચર હતું. એની પોસ્ટ મેં લિન્ક્ડઇન પર નાખી હતી એટલે ધીમે-ધીમે મને બીજી કૉલેજમાંથી પણ આમંત્રણ આવવા માંડ્યું. એ દરમ્યાન ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામની જર્ની શરૂ થઈ. કોવિડ પછી હું ઇન્સ્ટાગ્રામ પર ઍક્ટિવ થયો. ટીવી પર એક્સપર્ટ તરીકે ઇન્વિટેશન મળતાં હતાં ત્યારે લોકોએ ઇન્સ્ટા પર પણ નૉલેજ શૅર કરવાની ડિમાન્ડ કરી અને આમ જર્ની શરૂ થઈ. ઇન્સ્ટાગ્રામ પર પહેલાં હું માત્ર એજ્યુકેશન વિડિયો બનાવતો હતો, પછી એજ્યુકેશનની સાથે એન્ટરટેઇનમેન્ટ પણ ઉમેરતો ગયો. ક્રીએટિવિટી ઇન્સ્ટાગ્રામ પર ચાલે છે અને આજે પણ એવા જ વિડિયો ખૂબ શૅર થાય છે, સર્ક્યુલેટ થાય છે. ફાઇનૅન્સનું મારું નૉલેજ લોકો સાથે શૅર કરવાની જ મારી મકસદ છે, પરંતુ લોકોને ગમે એ રીતે. સેબીમાં રિજસ્ટ્રેશનની એક્ઝામ મેં આપી દીધી છે. હું ક્યારેય ડાયરેક્ટ ખરીદ-વેચની ઍડ્વાઇઝ મારા વિડિયોમાં આપતો નથી. હું એજ્યુકેટ કરું છું. આ એક જવાબદારી છે અને એની મને સારી રીતે જાણ છે.’
નિષ્ણાતો શું કહે છે?
તમે અટકાવી નહીં શકો એટલે વહેલી તકે રેગ્યુલેટ
કરો એમાં જ ભલાઈ ઃ દેવેન ચોકસી
અત્યારે જે સ્તરે સોશ્યલ મીડિયાનો જુવાળ વધ્યો છે એ જોતાં જો તમે રેગ્યુલેશન સાથે આગળ નહીં વધો તો છૂટકો નથી. ડીઆર ચોકસી ફાઇનૅન્શિયલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર અને મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોકસી અહીં કહે છે, ‘આજની પેઢીની ટેન્ડન્સીને સમજીશું તો સમજાશે કે સોશ્યલ મીડિયા પર શરૂ થયેલા આ જુવાળને અટકાવી તો નહીં શકાય. તેમને બધું જલદી જોઈએ છે અને તેમને તેમના મનના સવાલનો જવાબ ૩૦ સેકન્ડમાં મળી જતો હોય તો તેઓ ૩૧મી સેકન્ડ પણ આપવા તૈયાર નથી. એટલે જ ફાઇનૅન્શિયલ ઇન્ફ્લુઅન્સર રજિસ્ટર્ડ થાય અને ગાઇડલાઇન પ્રમાણે આગળ વધે એ ઇન્વેસ્ટરોના હિતમાં છે. એક વાત નિશ્ચિત છે કે જ્યાં રોકાણ થાય છે ત્યાં તરત વધુ પ્રૉફિટ મેળવવાની લાલચ પણ હોવાની છે અને એમાં ઝડપી માહિતીના આધારે લોકોને પરિણામ દેખાતું હશે તો લોકો એ ટ્રૅપમાં ફસાઈ જ જવાના. હું દરેક ઇન્વેસ્ટરને કહીશ કે ધારો કે તમે સોશ્યલ મીડિયા પર કોઈ ઑથેન્ટિક ઍડ્વાઇઝરને ફૉલો
કરો છો તો પણ તેની વાતને તમારા પર્સનલ ઍડ્વાઇઝર સાથે વેરિફાય કરવાનું રાખજો. એનાથી મોટી નુકસાનીથી તમે બચી જશો.’
રોકાણકારોને જાગ્રત કરવા માટે વધુ તીવ્રતા સાથે પ્રયાસ થવા જોઈએ ઃ રજનીકાંત પટેલ
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં ભૂતપૂર્વક મૅનેજિંગ ડિરેક્ટર તથા સીઈઓ અને ત્યારે ઘણી કંપનીઓ માટે મેન્ટર તેમ જ સ્ટ્રૅટેજિક ઍડ્વાઇઝર તરીકે કામ કરતા રજનીકાંતભાઈ માને છે કે લોકો ફસાશે, જો જાગ્રત નહીં થાય. તેઓ કહે છે, ‘આપણી કમનસીબી છે કે સોશ્યલ મીડિયા પર જ્ઞાનીઓની સંખ્યા વધી રહી છે, પછી એ મેડિકલ જ્ઞાન હોય કે ફાઇનૅન્સનું જ્ઞાન હોય. તમને યાદ હોય તો કોવિડ દરમ્યાન ડિગ્રી વગરના દુનિયાભરના ડૉક્ટરોનો મારો ચાલુ હતો અને દર કલાકે ફલાણું ખાઓ તો કોવિડ ન થાય અને ઢીંકણુ પીઓ તો વાઇરસથી પ્રાટેક્શન મળે એવી વાતો તમને સોશ્યલ મીડિયા પર મળતી હતી. ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર્સનું પણ એવું જ છે. તેમને અકાઉન્ટિબિલિટીની કોઈ ચિંતા જ નથી. ધારો કે તેમણે કંઈક કહ્યું અને વાત ખોટી સાબિત થઈ તો તમે શું બગાડી લેવાના તેમનું? બીજું, રેગ્યુલેશન લાવવાની વાત સારી છે અને એ આ જ જોઈએ, પરંતુ સાથે ઇન્વેસ્ટર્સ સજાગ થાય. એ માટે સેબી દરેક સ્તરે અવેરનેસ પ્રોગ્રામ યોજે. અખબારથી લઈને સોશ્યલ મીડિયાનો ઉપયોગ અવેરનેસ માટે થાય. સ્કૂલ-કૉલેજથી લઈને સોસાયટી સુધી વન-ટુ-વન લેવલનો અવેરનેસ પ્રોગ્રામ યોજાય તો જબરું પરિણામ આવી શકે એમ છે. હવે રસ્તા પર બેસીને કોઈ પણ જાતની ડિગ્રી વિના યુનાની દવાઓ વેચતા હોય કે પછી ફુટપાથ પર બેસાડીને પોપટ પાસે તમારું ભવિષ્ય બોલાવતા જ્યોતિષ પાસે જવું કે નહીં એ તમારી અંગત સમજદારી પર આધાર રાખે છે. તો સોશ્યલ મીડિયા પર કોની વાતને, કોની સલાહને કેટલી માનવી એની વિવેકબુદ્ધિ પર ઇન્વેસ્ટર આધાર રાખે છે. આમાં ઇન્ફ્લુઅન્સર અને પ્રમોટરના નેક્સસથી કોઈક ગુલાબી પરંતુ આભાસી ચિત્ર તમારી સામે ઊભું થતું હોય અને તમે એ પ્રવાહમાં તણાઈ જાઓ તો નુકસાન બીજા કોઈનું નહીં, તમારું થવાનું છે. મારી દૃષ્ટિએ આનો શ્રેષ્ઠ ઉપાય છે ફાઇનૅન્શિયલ લિટરસી. એ માટે પ્રો-ઍક્ટિવ થવાની જરૂર છે.’