ટુકડે-ટુકડે પ્રોસેસ પૂરી કરવામાં આવે ત્યારે સફળતાની શક્યતા વધી જાય છે

28 August, 2020 07:53 PM IST  |  Mumbai | J D Majethia

ટુકડે-ટુકડે પ્રોસેસ પૂરી કરવામાં આવે ત્યારે સફળતાની શક્યતા વધી જાય છે

ધોની

આપણે વાત કરતા હતા લીડરોના લીડર એવા મહેન્દ્ર સિંહ ધોનીની. ગયા શુક્રવારે મેં ધોનીના એકેએક ફૅનને ખબર છે એ વાત કહી. ધોની વર્લ્ડનો બેસ્ટ ફિનિશર તરીકે ઓળખાતો.
ફિનિશર, જે ગેમ પૂરી કરી આપે. પૂરી કરી આપે અને પૂરી કરી ત્યારે રિઝલ્ટ મોટા ભાગે તમારી જ ફેવરમાં આવતું હોય. આ જ લીડરશિપની ક્વૉલિટી છે જેમાં તમે કોઈ એક વેહિકલ ચલાવવા આપો તો પછી એમાં તમે પાછળ બેઠા હો એટલે તમે નિશ્ચિત થઈ જાઓ કે તમે જેના હાથમાં વેહિકલ આપ્યું છે તે તમને પાર પાડીને જ રહેશે. પછી ભલે ગમે એવા રસ્તા આવે, તકલીફ આવે. તે તમને અંતિમ સુધી પહોંચાડશે. એક લીડરની આ જ ક્વૉલિટી હોય છે અને ધોનીમાં આ ક્વૉલિટી કૂટી કૂટીને ભરી છે. માત્ર આ જ નહીં, તેની લીડરશિપમાં બીજી પણ બહુ નવીનતા છે.
ધોનીનું કહેવું છે કે તમે પ્રોસેસ બરાબર કરો, દરેક બૉલ બરાબર રમો બૅટ્સમૅન તરીકે અને જો તમે બોલર હો અને તમે બોલિંગ કરતા હો તો બોલિંગ બરાબર નાખો. ધારો કે તમે ફીલ્ડમાં છો તો તમારે આ કામ પણ એટલું જ પર્ફેક્શન સાથે કરવાનું છે. બૅટ્સમૅન દરેક બૉલ બરાબર રમે, બોલર દરેક બૉલ બરાબર બોલિંગ કરે અને ફીલ્ડર ફીલ્ડમાં પોતાનું કામ પર્ફેક્ટ રીતે કરે તો પછી આગળનું જોઈ લઈશું. આ વાતનો ભાવાર્થ સમજવાની જરૂર છે. ટુકડે-ટુકડે આપણે જો પ્રોસેસ ફૉલો કરીએ તો એનું રિઝલ્ટ બહુ સારું મળે છે અને એ પ્રોસેસ તમને સફળતાની બહુ નજીક લાવી દે છે. તમે જુઓ કે તેણે એ જ કર્યું છે.
વન-ડે હોય કે ટી૨૦ હોય, છેલ્લી પાંચ ઓવરમાં ધોનીનો મૅજિક અલગ જ હોય. ૪-૪૫ ઓવરમાં તે પ્રોસેસમાં એટલો પર્ફેક્ટ જાય કે તમને તે સફળતાની નજીક લાવીને મૂકી દે અને પછી એ આખી ટીમમાંથી પર્ફોર્મન્સ કાઢે. પર્ફોર્મન્સની આ વાતમાં પણ ઇનોવેશન એનું અકબંધ જ રહે. ઇનોવેશન, નવું કરવાની ભાવના. તમારે સતત કશુંક નવું કરવું પડે, જો તમે નવું કરતા રહો તો જ તમારો હરીફ, તમારી ઑપોઝિટ ટીમ તમને પ્રિડિક્ટ નહીં કરી શકે. તમારી જેકોઈ સ્ટ્રૅટેજી છે, ધારણા છે અને એ રીતે તમે આગળ રમવાના હો તો પણ તમે એ વાતમાં કેવી રીતે સરપ્રાઇઝ કરી શકો એ પ્રકારની રમત અને સ્ટ્રૅટેજી ધોનીની રહી છે. ધોનીનું અત્યાર સુધીનું સૌથી મોટું સરપ્રાઇઝિંગ અને ઇન્ટરેસ્ટિંગ ડિસિઝન જો કોઈ હતું તો એ હતું ટી૨૦ના વર્લ્ડ કપની ફાઇનલમાં ફાઇનલ ઓવર તેણે જોગિન્દર સિંહ જેવા નવા બોલરને આપી. ધબકારા એવા સ્તરે પહોંચી ગયા હતા કે તમે તમારા ધબકારા સાંભળી શકો, પણ તમારી સાથે તમારો બાજુવાળો પણ તમારા ધબકારા સાંભળી શકે.
ધોની જાણતો હતો કે જોગિન્દરના બૉલને મેદાનની બહાર મારવો સહેલો નથી. જોગિન્દર એવી રીતે બોલિંગ કરે છે કે તમે તેને એવો મોટો ફટકો મારી ન શકો કે બૉલ મેદાનની બહાર જાય. બસ, આ એકમાત્ર સ્કિલ પર તેણે મોટું જોખમ લીધું હતું. પાકિસ્તાનનો સ્કિપર મિસબાહ બૅટિંગમાં હતો, તેણે પણ વિચારવું પડ્યું કે આ ધોની જોગિન્દરને કેમ લઈ આવ્યો?
સૌથી પહેલાં મિસબાહ-ઉલ-હક કન્ફ્યુઝ થયો અને તેનો કૉન્ફિડન્સ ડગમગી ગયો. યાદ રાખજો ધોનીની આ સ્ટ્રૅટેજીને. તમારો હરીફ ગાફેલ રહેવો જોઈએ. એવું જ થયું તો સાથોસાથ મિસબાહને એવું પણ લાગ્યું કે આ ધોનીની કોઈ સ્ટ્રૅટેજી છે, જે બૉલને સીધો સામે સ્ટેડિયમમાં મારવાનો હતો એને માટે તેણે પોતાની જાતને એમ સમજાવ્યું કે આ કંઈક નવું કરશે એટલે જ ધોની તેને બોલિંગમાં લાવ્યો છે. કન્ફ્યુઝ મિસબાહે પણ કંઈક નવું કરવાનો ઇરાદો રાખ્યો અને એમાં તેણે ખોટો શૉટ માર્યો. હવામાં બૉલ અને આપણા બધાના શ્વાસ અધ્ધર. હવે બૉલ ક્યાં જશે, હવે શું થશે?
...અને બૉલ સીધો શ્રીસાન્તના હાથમાં આવ્યો.
ક્રિકેટના શોખીનોને ખબર છે કે શ્રીસાન્ત સાધારણ કે પછી કહો કે વીક ફીલ્ડર. મેં પણ આ ક્યાંક વાંચ્યું હતું. બધાને ડર હતો કે હવે બૉલ ગયો. શ્રીસાન્ત, જે નેટ-પ્રૅક્ટિસમાં કૅચ છોડે અને બધા પ્લેયર્સ તેની મજાક-મસ્તી કરે એ શ્રીસાન્તે ધોનીની આશાને અકબંધ રાખી અને એ વખતે કૅચ પકડી લીધો અને એવી એફિશિયન્સી દેખાડી જેનો આનંદ સૌકોઈને આજીવન રહેશે. ત્યારે પણ હતો આનંદ, આજે પણ છે અને દસકાઓ પછી પણ એ અકબંધ રહેશે. લીડર ધોનીની આ જ વાતને આગળ વધારવી હોય ત્યારે ૨૦૧૧નો વર્લ્ડ કપ યાદ આવી જાય. વાનખેડે સ્ટેડિયમ પર ફાઇનલ અને આપણી ઓપનિંગ પૅર સચિન તેન્ડુલકર અને વીરેન્દર સેહવાગ જલદી આઉટ થઈ ગયા. આખી ટીમ પ્રેશરમાં અને ત્યાર પછી યુવરાજ સિંહનો વારો. યુવરાજ સેમી ફાઇનલમાં ઝીરોમાં આઉટ થયો હતો, પણ વર્લ્ડ કપની બીજી મૅચોમાં તે હીરો હતો. બધાને એમ હતું કે યુવરાજ જિતાડી દેશે, પણ એ વખતે એવો નિર્ણય લેવો એ કૅપ્ટન માટે અઘરું છે. પ્રેશરની એ પરિસ્થિતિમાં યુવરાજ પર પ્રેશર વધી શકે, આ પ્રેશર પોતાના ખભા પર લઈ હવે મારે ટીમને નહીં પણ આખા દેશને લીડ કરવાનો છે અને એવું જ કર્યું. એ ૬ કલાક માટે કદાચ વડા પ્રધાને પણ એવું વિચાર્યું હશે કે બધું બાજુએ મૂકી દો, અને તેઓ પણ મૅચ જોવા બેસી ગયા હશે. કારણ કે જોવાનું એ હતું કે ધોની આપણા દેશને ક્યાં લઈ જાય છે અને કેવી રીતે લઈ જાય છે અને બન્યું પણ એવું જ. આપણે કોઈ ન ભૂલી શકીએ એ પ્રકારની રમત ધોની રમ્યો, ધીરે-ધીરે ઍવરેજ બનાવતાં આપણને આગળ લઈ ગયો અને છેલ્લી પાંચ ઓવરમાં એવા વિશ્વાસ પર લાવીને મૂકી દીધા કે વર્લ્ડ કપ હવે હાથવેંતમાં છે. બન્યું પણ એવું જ. વર્લ્ડ કપ હાથમાં મૂકી દીધો.
વર્લ્ડ કપનો એ આનંદ આપનારો માણસ રિટાયરમેન્ટ અનાઉન્સ કરે છે. રિટાયરમેન્ટની શરૂઆત પહેલાં વન-ડેથી થઈ અને આપણને બહુ મોટો ધક્કો લાગ્યો, અરેરેરેરે. કહેવાનું મન થાય કે તમે અમારી કેટલી સાંજો, કેટલા દિવસો આનંદમય બનાવ્યા છે. એવા-એવા દેશો સામે અમને જિતાડીને તમે અમારો વિશ્વાસ વધાર્યો છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટનો એક નિયમ છે કે જ્યારે ક્રિકેટર ફૉરેનની ટીમ સાથે મૅચ ચાલતી હોય અને જીતે ત્યારે આપણામાંનો રહેલો કૉમ્પ્લેક્સ થોડો ઘણો ઓછો થાય છે અને એને લીધે આપણામાં ઇન્સ્પિરેશન આવે, જુસ્સો અને મોટિવેશન આવે. હા, હું પણ કંઈક કરી શકું છું એ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. આ ક્રિકેટની ગેમ આપણા માટે આટલી પ્રિય છે. કેમ લોકો ચીટકીને બેસે છે આખો દિવસ, વિચાર્યું છે ક્યારેય?
કારણ કે એ આપણને માત્ર એન્ટરટેઇનમેન્ટ નથી આપતી, પણ સ્પોર્ટ્સમાંથી એટલું શીખવા પણ મળે છે અને આપણા દેશમાં આપણે ક્રિકેટ જ વધારે રમતા હોઈએ છીએ. જે લોકો રમતા હોય છે અને પછી નથી રમી શકતા એ લોકો માટે બહુ મોટી શીખ હોય છે, એ રમતમાંથી જે શીખ લઈએ એ શીખ બહુ બધી જગ્યાએ કામ આવે છે. જ્યારે ધોની જેવા પ્લેયરની રમત આપણે જોતા હોઈએ ત્યારે આપણે જે ખૂબ બધું શીખતા હોઈએ છીએ અને એ શીખને લીધે જ આપણને એમ થાય કે ધોની જેવો પ્લેયર ક્યારેય રિટાયર ન થાય. બે પ્રકારનાં આંસુ આવે આંખોમાં, હર્ષનાં અને દુઃખનાં. ધોની હવે પછી આ રીતે જોવા નહીં મળે. હા, નહીં જોવા મળે ધોની હવે આ રીતે આપણને ગ્રાઉન્ડ પર.

mahendra singh dhoni JD Majethia columnists