કોરોનાથી બચવા અને મુક્ત રહેવા માત્ર ઘરમાં રહેવું એ જ ઉપાય નથી

02 April, 2020 07:42 PM IST  |  Mumbai | Jayesh Chitalia

કોરોનાથી બચવા અને મુક્ત રહેવા માત્ર ઘરમાં રહેવું એ જ ઉપાય નથી

ફાઈલ ફોટો

એક સંતની ખ્યાતિ સાંભળીને તેમની પાસે એક વાર એક માણસ આવ્યો અને કહેવા લાગ્યો, સ્વામી મને એવો કોઈ મંત્ર આપો જેનો જાપ કરીને હું સદા નિરોગી રહું, પ્રસન્ન રહું, સુખી રહું. સંતે તેને સમજાવ્યું કે એવો કોઈ રેડીમેડ મંત્ર હોતો નથી. આ સ્થિતિ સુધી પહોંચવા માટે સાધના-તપસ્યા કરવી પડે. પરંતુ પેલો માણસ તો માન્યો જ નહીં અને જીદ કરી કહેવા લાગ્યો, ના સ્વામી, તમે જે કોઈ મંત્ર આપશો એનાથી મને આ શક્તિ મળી જશે. આખરે સંતે તેને જાપ કરવા માટે એક મંત્ર આપ્યો. મંત્ર સાંભળીને તરત પેલો માણસ તો રાજી-રાજી થઈ ભાગવા લાગ્યો. સંતે કહ્યું, અરે, સાંભળ ભાઈ, આ મંત્ર સાથે એક શરત પણ છે. પેલો માણસ અટકી ગયો, બોલો-બોલો સ્વામી, જે પણ શરત હશે હું પૂરી કરીશ. સંતે કહ્યું, શરત સરળ છે. આ મંત્રનો જાપ કરતી વખતે તારા મનમાં કાગડાનો વિચાર આવવો ન જોઈએ.

ઓહો, આટલી જ વાત છે? માણસે કહ્યું. કાગડા વિશે તો આમ પણ જિંદગીમાં મેં ક્યારેય કોઈ વિચાર કર્યો નથી. કાગડાનો વિચાર મને ક્યારેય નહીં આવે એવો મને વિશ્વાસ છે. આટલું બોલીને તે માણસ ઘર તરફ આગળ દોડવા લાગ્યો અને પળવારમાં તો તેને કાગડા–કાગડા જ દેખાવા લાગ્યા. ચારે બાજુ કાગડાનો અવાજ, કા-કા સંભળાવા લાગ્યો. તેણે બહુ કોશિશ કરી કે કાગડાનો વિચાર જરાય ન આવે તેમ વધુ ને વધુ કાગડા તેના મનમાં દિવસ-રાત ઊડવા લાગ્યા. તે અમુક જ દિવસમાં એવો કંટાળી ગયો કે સંત પાસે આવીને કહેવા લાગ્યો, સ્વામીજી, આ મંત્ર પાછો લઈ લો અને મને કાગડાથી મુક્ત કરો. આવી શરત સાથે હું કયારેય મંત્રનો પાઠ નહીં કરી શકું.

કાગડો કોરોના બની ગયો

આ કાલ્પનિક પ્રસંગ આજે લોકોના જીવનમાં કાગડાને બદલે કોરોના બનીને આવ્યો છે. આખા વિશ્વમાં ફેલાયેલા કોરોનાએ લોકોના જીવન કરતાં મનમાં એવું સ્થાન બનાવી લીધું છે કે કોરોના કરતાં લોકો એના વિચારથી વધુ ચિંતાગ્રસ્ત-તનાવગ્રસ્ત બની ગયા છે, કારણ કે કોરોનાનો કાગડો બધાના માથે બેઠો છે અને લોકો પણ આ કાગડાને સામે ચાલીને પોતાના માથે બેસાડી રહ્યા છે  જેનાં અનેક જીવંત ઉદાહરણ હાલમાં આપણને આપણી આસપાસ, પરિવાર-પાડોશ-સમાજમાં જોવા મળી રહ્યાં છે. બધા એકબીજાને કહે છે, ઘરમાં રહો, બહાર નહીં નીકળો, કોરોનાથી બચવાનો આ જ ઉપાય છે. જોકે આમ કહેનારા-સાંભળનારા પોતે જ ભૂલી જાય છે કે  માત્ર ઘરમાં રહેવાથી કોરોનાથી મુક્ત રહી શકાશે નહીં. કોરોનાથી મુક્ત રહેવા માટે આખો દિવસ સતત એકબીજાને કોરોના વિશેના વૉટ્સઍપ મેસેજિસ મોકલવાનું બંધ કરવું પડશે, તમારી પાસે આવા મેસેજ આવે તો જોવાનું અને ફૉર્વર્ડ કરવાનું બંધ કરવું પડશે. ટીવી ચૅનલ્સ કે યુટ્યુબ પર કોરોનાના સમાચાર, વિડિયો જોવાનું બંધ કરવું પડશે, કોરોનાનાં સાચાં-ખોટાં માર્ગદર્શન જોવા-સાંભળવાનું  બંધ કરવાનો સંયમ પણ રાખવો જોઈશે, બીજાં શહેરો કે બીજા દેશોમાં શું થઈ રહ્યું છે એ જાણવાની વધુપડતી ઉત્સુકતાને પણ સંયમમાં રાખવી પડશે.

તમારા મન પરની અસર જુઓ

વિચારો, આ બધું જોવાથી કે જાણવાથી તમારા મન પર શું અસર થાય છે? તમે માત્ર ઘરમાં રહેશો એનાથી કોરોનામુક્ત રહી શકશો નહીં, ઘરમાં બેસી ઉપર કહ્યું એમ બધું કર્યા કરશો તો કોરોના  તમારા મનમાં ઘૂસી જશે અને ત્યાં છવાઈ રહેશે, મનને નબળું પાડતો રહેશે અથવા મનને નકારાત્મકતા –નેગેટિવિટી તરફ  ધકેલ્યા કરશે. બની શકે તમે એક દિવસ કોરોના નહીં તો બીજા રોગનો ભોગ બની જાઓ. દોસ્તો, એ પણ તો વિચારો કે તમે આ બધું જોઈ-જાણીને શું કરી લેવાના છો? શું તમે કોરોના વિશે પીએચડી કરવા માગો છો? શું તમે એવું જતાવવા માગો છો કે કોરોના વિશેની જાણકારી, માહિતી, સમજણ સૌથી વધુ તમારી પાસે છે?

માત્ર શરીર નહીં, મનને પણ બચાવો

કોરોનાની સમજ, એના પ્રત્યે જાગ્રતિ જરૂરી છે એના કરતાં પણ વધુ મહત્ત્વની બાબત કોરોનાથી બચવા કે એનાથી મુક્ત રહેવા ઘરમાં સ્વસ્થ રહી જરૂરી શિસ્તનું પાલન કરવાની  છે. ઘરમાં ખાવા -પીવામાં યોગ્ય કાળજી નહીં લો તો કોરોના સિવાયની કોઈ અન્ય બીમારી તમને વધુ કનડી શકે. આખો દિવસ પ્રવૃત્તિ વિનાનું શરીર નિષ્ક્રિય બનતું જશે તો વધુ રોગોને આવકારી શકે છે. ચાર દીવાલ વચ્ચે સ્થિર થયેલા શરીરને અને મનને કસરત જોઈશે. સુવિચારો અને સારી - સકારાત્મક વાતોનો સાથ જોઈશે. હળવાશ માટે મનોરંજન જોઈશે. મનને શાંત કરવા આધ્યાત્મિકતાનો સહયોગ જોઈશે. પારિવારિક સહવાસ માત્ર શરીરથી નહીં ચાલે, લાગણી-હૂંફ-સ્નેહનો એમાં વસવાટ જોઈશે. આમ વિવિધ માર્ગે કોરોનાથી મનને મુક્ત રાખવું વધુ આવશ્યક છે. કોઈ પણ શારીરિક રોગનો આરંભ યા વિસ્તાર મનથી શરૂ થાય છે અથવા ફેલાય છે. મન સતત એના વિચાર કરી એ રોગને એ હોય એના કરતાં વધુ મોટો અને ગંભીર કરી નાખે છે. માણસનું શરીર બીમાર પડે તો એનો ઇલાજ થોડા સમયમાં  થઈ શકે, પરંતુ મન બીમાર પડે તો ઇલાજ મુશ્કેલ બને છે અને લાંબો સમય પણ લે છે.

ડરવું જરૂરી, ડરાવવું નહીં

કોરોના વિશે એક વધુ વાત આ સંદર્ભમાં એ પણ કહેવી છે, કોરોનાથી ડરના (સાવચેત રહેવું)  ઝરૂરી હૈ, મગર ડરાના ઝરૂરી નહીં. કોરોનાની આખો દિવસ વાતો કરી-કરી જાણતાં-અજાણતાં ખુદને, પરિવારને, મિત્રો-સહયોગી-સગાંને કે સમાજના લોકોને ડરાવવાનું બંધ કરવું જરૂરી છે. સોશ્યલ મીડિયાના માર્ગે આપણે સારું કામ કરી શકીએ છીએ અને આ કામને બગાડી પણ શકીએ છીએ. આપણું હિત અને સમાજનું હિત શેમાં છે એ સમજવાની જવાબદારી વિવેકપૂર્ણ રીતે નિભાવવી પડે.

કોરોના એક દિવસ  ચાલ્યો જશે, પરંતુ એ પછી પણ લોકોના મનમાંથી કોરોનાને જતાં લાંબો સમય લાગી જશે. લાગે છે કે કોરોનાના આ વૈશ્વિક અનુભવ બાદ વિશ્વ પણ સમય-કાળના બે ભાગમાં વહેંચાઈ જશે. એક કોરોના પહેલાંનો સમય અને બીજો કોરોના બાદનો સમય. કોરોના બાદ એક નવો માણસ બહાર આવવાની આશા રખાય છે. માનવ જીવનનું જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશન થયું હશે. આપણે હાલ પૃથ્વી પરની એક અસાધારણ અને ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની રહ્યા છીએ, એને વધુ બહેતર અને સુયાદગાર બનાવીએ.

મારા એકલાથી શું ફરક પડશે?

એક વાર્તા યાદ છે તમને? એક રાજાએ રાજ્યના કૂવામાં ભરવા માટે દરેક જણ પાસેથી માત્ર એક લોટો દૂધ મંગાવ્યું હતું ત્યારે દરેક જણે એમ વિચાર્યું કે હું એકલો પાણીનો લોટો લઈ જઈશ તો કોને ખબર પડશે? કૂવામાં નાખીશ ત્યારે તેમાં બધાએ દૂધ રેડ્યું હશે એટલે મારું પાણી એમાં ભળી જશે અને કોઈને ખબર પણ નહીં પડે. હું પણ દૂધ લઈને ગયો હતો એ જ સાબિત થશે. આખરે એ કૂવામાં માત્ર પાણી જ જમા થયું. અત્યારે આપણા દેશમાં, શહેરમાં, ગામોમાં, વિસ્તારોમાં અને દરેક હાઉસિંગ સોસાયટીમાં આવું જ બની રહ્યું છે. દરેક જણે ઘરમાં જ રહેવાનું છે. માત્ર અનિવાર્ય સંજોગમાં જ બહાર નીકળવાનું છે. તેમ છતાં કેટલાક જણ એવું જ વિચારે છે કે હું એક જ બહાર જઈને આવીશ તો શું ફરક પડશે? કોઈને જાણ પણ નહીં થાય અને મારા એકલાના જવાથી કંઈ ફરક પણ નહીં પડે.

આવું વિચારતા એકેક જણ હાલતની ગંભીરતાને સમજ્યા વિના રોજ અને દર થોડી વારે બહાર નીકળી રહ્યા છે. કોઈ પાન ખાવા, કોઈ સિગારેટ પીવા, કોઈ મિત્રને મળવા, કોઈ પગ છૂટા કરવા, કોઈ નાનું કામ પતાવવા વગેરે. આમને ખબર નથી કે તેઓ પોતાના માટે તો જોખમ ઊભું કરી જ રહ્યા છે, પરંતુ બીજાઓ માટે પણ જોખમ લઈને આવી રહ્યા છે જે હાલ દેખાતું નહીં હોવાથી સમજાતું નથી, જ્યારે સમજાશે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હશે.

jayesh chitalia columnists coronavirus