જેમ રાખે એમ રહીએ (લાઇફ કા ફન્ડા)

03 January, 2020 07:01 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

જેમ રાખે એમ રહીએ (લાઇફ કા ફન્ડા)

એક ચાલતાફરતા સાધુ. સંસાર છોડી દીધો હતો. ક્યાંય ઘર નહીં, આશ્રમ નહીં, એક નાનકડી ઝૂંપડી પણ નહીં; બસ, સતત ચાલતા રહે. જ્યાં મન ગોઠે ત્યાં મસ્તીથી મંદિર, નદીકાંઠે અથવા ઝાડ નીચે રહે. કોઈ બોલાવે તો તેના ઘરે જાય અને ભોજન સ્વીકારે. કોઈ ન બોલાવે તો જે મળે એ કંદમૂળ, ફળ ખાઈ લે.

આ સાધુ એક ગામમાં આવ્યા. ગામના લોકોએ સન્માન આપ્યું. એક યુવાન સાગર શેઠે તેમને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપ્યું. ભાવથી તેમને ઘરે લઈ ગયો અને સેવા કરી. જતી વખતે સાધુએ આશીર્વાદ આપ્યા કે તારી સમૃદ્ધિ વધતી રહે. સાગરે વંદન કર્યા અને બોલ્યો, ‘શું ખબર, કાલે શું થશે. આ રહેશે કે નહીં રહે.’
સાધુ ત્યાંથી ચાલ્યા ગયા.
થોડાં વર્ષો બાદ ફરી સાધુ એ ગામના પાદરે આવ્યા. તરત સાગર શેઠ યાદ આવ્યા, પણ શેઠ તેમને મળવા આવ્યા નહીં. સાધુને થયું, સમૃદ્ધિ વધતાં અભિમાન આવ્યું હશે. દર્શન કરવા આવનાર વડીલને પૂછ્યું, ‘પેલા સાગર શેઠ ક્યાં છે?’
વડીલ બોલ્યા, ‘હવે શેના શેઠ, બહુ નુકસાન થયું. આ ગામ છોડી જતા રહ્યા છે. પાંચ
ગામ દૂર એક જમીનદારને ત્યાં નોકરી કરે છે.’
સાધુને સાંભળીને બહુ દુખ થયું. થોડા દિવસમાં તેઓ સાગર જે ગામમાં નોકરી કરતો હતો ત્યાં જઈ ચડ્યા અને સાગરને ખાસ સામેથી મળ્યા. સાગર પહેલાં જેવા જ ભાવથી મળ્યો, સેવા કરી અને પોતાના નાનકડા ઘરમાં લઈ ગયો. સાદું ભોજન જમાડ્યું. સાગર દુખી ન હતો. સાધુએ ધીમેથી કહ્યું, ‘ભાઈ, આ શું થઈ ગયું? તમારી સમૃદ્ધિ જતી રહી એનું મને દુખ થયું.’
સાગર બોલ્યો, ‘દુખ ન કરો, શું ખબર કાલે આ પરિસ્થિતિ પણ નહીં રહે. મને બિલકુલ દુખ નથી. હું ગઈ કાલે હવેલીમાં પણ સુખી હતો અને આજે અહીં નોકરી કરી મહેનતનું ખાઉં છું.’
સાધુ મનમાં સાગરના વિચારોને બિરદાવતા આગળ વધી ગયા.
ફરતાં-ફરતાં થોડાં વર્ષો પછી સાગર નોકરી કરતો હતો એ ગામમાં પાછા આવ્યા. કોઈક અજાણ્યા મોહવશ ખાસ સાગરને મળવા ગયા. સાગર તો ફરી જમીનદાર થઈ ગયો હતો. તે જે જમીનદારને ત્યાં નોકરી કરતો હતો તેઓ નિસંતાન હતા અને સાગરે તેમની ખૂબ સેવા કરી હોવાથી બધી મિલકત સાગરના નામે કરી ગયા હતા. જમીનદાર સાગરે પહેલાં જેવા ભાવથી જ સાધુને આવકાર આપ્યો અને સેવા કરી. સાધુએ કહ્યું, ‘હું આજે ખુશ છું, તને કોઈ પણ રીતે તારી સમૃદ્ધિ પાછી મળી ગઈ, સુખથી ભોગવજે.’
સાગર બોલ્યો, ‘પ્રણામ, હું તો હંમેશાં સુખી જ છું. ઈશ્વર જેમ રાખે એમાં ખુશ રહું છું અને સુખ ભોગવું છું.’
આ વખતે સાધુ બોલ્યા, ‘ભાઈ સાગર, તું ખરા અર્થમાં સાધુ અને જ્ઞાની છે. સંસાર છોડી મોહ ત્યાગવો સહેલો છે, પણ તું તો સંસારમાં રહીને કોઈ મોહને વશ નથી. મારા તને પ્રણામ.’ અને સાધુ આગળ ચાલતા થયા.

columnists