17 March, 2024 02:30 PM IST | Mumbai | Raj Goswami
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર સક્રિય અસંખ્ય લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા દેશમાં એની પ્રમુખ સરકારી બૅન્ક કલાકોમાં એનો ડેટા ન આપી શકે એ નવાઈની વાત છે તો અમુક લોકોએ એ વાતનો વાંધો ઉઠાવ્યો હતો કે લોકસભાની ચૂંટણીઓ પતી ગયા પછીની ૩૦ જૂનની તારીખ માગવા પાછળ બૅન્કની શી મનસા છે?
શિક્ષકે લેસન કરીને આવવા કહ્યું હોય, પણ છોકરું ‘પેટમાં દુઃખે છે’ અને ‘માથામાં દુઃખે છે’ કહીને ગલ્લાંતલ્લાં કરતું હોય અને શિક્ષક તેની ચાલાકીને પારખી જઈને દંડો ઉગામે એટલે છોકરું ચૂપચાપ લેસન કરવા બેસી જાય એવી રીતે રાજકીય પક્ષોને મળેલા ગુપ્ત દાનની વિગતો જાહેર કરવા માટે ગલ્લાંતલ્લાં કરતી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ આખરે અદાલતી અવમાનનાના દંડા સામે ઘૂંટણિયે પડીને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી બૉન્ડનો ડેટા ચૂંટણી પંચને સુપરત કર્યો છે. પંચે એને જનહિતમાં શુક્રવારે એની વેબસાઇટ પર અપલોડ પણ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા અજ્ઞાતરૂપે ખરીદેલાં ચૂંટણી બૉન્ડ અને રાજકીય પક્ષો દ્વારા એમના રોકડકરણની વિગતો આપવા માટે ૩૦ જૂન ૨૦૨૪ સુધીનો સમય આપવાની અરજીને ફગાવી દીધી હતી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની બેન્ચે ૧૫ ફેબ્રુઆરીએ ચૂંટણી બૉન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી અને અત્યાર સુધીમાં કોણે કેટલા રૂપિયાનાં બૉન્ડ ખરીદ્યાં છે એની ભારતીય ચૂંટણી પંચને વિગતો પૂરી પાડવા માટે બૅન્કને ૨૪ કલાક (એટલે કે ૧૨ માર્ચ)નો સમય આપ્યો હતો. બૅન્કે એમાં ગલ્લાંતલ્લાં કર્યાં હતાં.
કોર્ટે ત્યારે સ્પષ્ટ કર્યું છે કે લોકતાંત્રિક હિસ્સેદારીને પ્રોત્સાહન આપતી તમામ માહિતી નાગરિકો માટે ઉપલબ્ધ હોવી જોઈએ. આ કારણથી જ મતદારોને ચૂંટણીના ઉમેદવારોની વ્યક્તિગત વિગતો આપવામાં આવે છે, જેથી તેઓ ઉચિત નિર્ણય લઈ શકે. આવી માહિતી જાહેર કરવાથી ઉમેદવારો અને તેમના પરિવારોની ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે એવો તર્ક આપી શકાય, પરંતુ જાહેર હિતમાં એવું કરવું વધુ જરૂરી હોય છે.
ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો વિશેની અંગત માહિતી જાહેર કરવાની જોગવાઈને રાજકીય પક્ષો સુધી વિસ્તારી શકાય છે. મત આપતી વખતે મતદાર ઉચિત પક્ષને પસંદ કરી શકે એ માટે તેને રાજકીય પક્ષોના ભંડોળ વિશેની માહિતી હોય એ જરૂરી છે.
ચૂંટણી બૉન્ડ એ રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે વપરાતું નાણાકીય સાધન છે. એ એક વચનપત્ર જેવું છે જે ભારતનો કોઈ પણ નાગરિક અથવા કંપની ભારતીય સ્ટેટ બૅન્કની પસંદગીની શાખાઓમાંથી ખરીદી શકે છે અને તેમની પસંદગીના કોઈ પણ રાજકીય પક્ષને અજ્ઞાતરૂપે દાન કરી શકે છે.
ચૂંટણી બૉન્ડ સામે આરોપ એ હતો કે એનો સૌથી વધુ લાભ સત્તાધારી પક્ષને થયો છે. અસોસિએશન ઑફ ડેમોક્રૅટિક રિફૉર્મ્સ (એડીઆર)ના અહેવાલ મુજબ ૨૦૧૬-’૧૭ અને ૨૦૨૧-’૨૨ વચ્ચેનાં પાંચ વર્ષમાં કુલ સાત રાષ્ટ્રીય અને ૨૪ પ્રાદેશિક પક્ષોને ચૂંટણી બૉન્ડમાંથી કુલ ૯૧૮૮ કરોડ રૂપિયા મળ્યા હતા.
એમાંથી એકલી ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો લગભગ ૫૨૭૨ કરોડ રૂપિયા હતો. એટલે કે ભાજપને કુલ દાનમાંથી લગભગ ૫૮ ટકા ચૂંટણી બૉન્ડ દ્વારા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન કૉન્ગ્રેસને ચૂંટણી બૉન્ડમાંથી લગભગ ૯૫૨ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે તૃણમૂલ કૉન્ગ્રેસને ૭૬૭ કરોડ રૂપિયા મળ્યા હતા.
ભારતના ઍટર્ની જનરલ આર. વેન્કટરમાનીએ આ યોજનાને ટેકો આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આ યોજના રાજકીય પક્ષોને અપાતા દાનમાં ‘સ્વચ્છ નાણાં’ના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. ઍટર્ની જનરલે એવી પણ દલીલ કરી હતી કે નાગરિકોને વાજબી પ્રતિબંધો વગર બધું જાણવાનો અધિકાર ન હોઈ શકે.
ટૂંકમાં, સરકારે ચૂંટણી બૉન્ડની વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો અને કોર્ટે સમગ્ર યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી હતી તેમ જ સ્ટેટ બૅન્કને આદેશ કર્યો હતો કે એ બૉન્ડની ખરીદદારીની વિગતો ચૂંટણી પંચને સુપરત કરે, જેથી પંચ એને જનહિતમાં વેબસાઇટ પર એ ઉપલોડ કરે.
સ્ટેટ બૅન્કે આ આદેશનું પાલન કરવાને બદલે અવધિના છેલ્લા કલાકોમાં અરજી કરીને કોર્ટ પાસે ૩૦ જૂન સુધીનો સમય માગ્યો હતો. એણે એવો તર્ક આપ્યો હતો કે આ બધો ટેક્નિકલ ડેટા છે અને એમાં સમય જાય એવો છે. જનતામાંથી એની બે પ્રતિક્રિયા આવી હતી.
સોશ્યલ મીડિયા પર સક્રિય અસંખ્ય લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા દેશમાં એની પ્રમુખ સરકારી બૅન્ક કલાકોમાં એનો ડેટા ન આપી શકે એ નવાઈની વાત છે તો અમુક લોકોએ એ વાતનો વાંધો ઉઠાવ્યો હતો કે લોકસભાની ચૂંટણીઓ પતી ગયા પછીની ૩૦ જૂનની તારીખ માગવા પાછળ બૅન્કની શી મનસા છે?
મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે એસબીઆઇએ એની પોતાની અરજીમાં જણાવ્યું હતું કે એ માહિતી સરળતાથી સુલભ છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે મતદાર બૉન્ડની ખરીદી વખતે ફાળો આપનારાઓ, ભલે તેઓ એસબીઆઇ ખાતું ધરાવતા હોય કે ન હોય, તેમણે તેમની બૉન્ડ અરજીઓ, તમારા ગ્રાહકને જાણો દસ્તાવેજો અને એનઈએફટી (નૅશનલ ઇલેક્ટ્રૉનિક ફન્ડ્સ ટ્રાન્સફર), ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચુકવણીનો પુરાવો બૅન્કમાં જમા કરાવવો પડતો હતો.
એવી જ રીતે રાજકીય પક્ષોએ બૉન્ડને રિડીમ કરવા માટે ચેન્નઈ, કલકત્તા, મુંબઈ અથવા નવી દિલ્હીની કોઈ પણ અધિકૃત શાખામાં ચાલુ ખાતું ખોલવું પડ્યું હશે. બૅન્ક દ્વારા આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું એમાં કોઈ વિવાદ નથી. તેથી ચૂંટણી બૉન્ડની માહિતી બૅન્ક પાસે સહેલાઈથી ઉપલબ્ધ છે. બૅન્કે વિગતો મોકલી દીધી છે અને સત્તાવાર વેબસાઇટ પર ડેટા પ્રકાશિત થઈ ગયો છે.’
ચૂંટણી પંચ પર લોકોની નજર
૧૫ માર્ચે ચૂંટણી પંચ માટે બીજો પણ મહત્ત્વનો પ્રસંગ હતો. ચૂંટણી પંચમાં અરુણ ગોયલના અચાનક રાજીનામા અને અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિને કારણે ખાલી પડેલી બે જગ્યાઓએ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની નિમણૂક થઈ ગઈ છે.
‘આ ઇલેક્શન કમિશન છે કે ઇલેક્શન ઓમિશન? થોડા જ દિવસમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે ત્યારે ભારતમાં એક જ ચૂંટણી કમિશનર છે. કેમ? મેં અગાઉ કહ્યું છે એમ જો આપણે આપણી સ્વતંત્ર સંસ્થાઓનો વ્યવસ્થિત રીતે નાશ કરવાનું બંધ નહીં કરીએ તો આપણી લોકશાહીનું વિભાજન થશે!’ એમ કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે ‘એક્સ’ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં પૂછ્યું હતું.
લોકસભાની ચૂંટણી નજીકમાં જ છે ત્યારે અરુણ ગોયલના અચાનક રાજીનામાથી ઘણા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ત્રણ સભ્યોવાળા ચૂંટણી પંચમાં અનુપ ચંદ્રની નિવૃત્તિ પછી તેમની જગ્યા ખાલી જ હતી ત્યાં ગયા શનિવારે બીજા એક સભ્ય અરુણ ગોયલે (મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને નહીં) રાષ્ટ્રપતિને અચાનક રાજીનામું ધરી દીધું હતું અને રાષ્ટ્રપતિએ પણ એને તાબડતોબ મંજૂર કરી દીધું હતું.
ગોયલનું રાજીનામું આશ્ચર્યજનક છે, કારણ કે રાજીનામાના એક દિવસ પહેલાં સુધી તેઓ ચૂંટણી પંચની મુખ્ય બેઠકોમાં સામેલ હતા. ચૂંટણી પંચના અધિકારીઓએ પણ જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાક્રમથી ‘ઊંઘતા ઝડપાયા’ છે એમ ધી ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું હતું.
ચોથી માર્ચે ગોયલે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર સાથે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જોકે બીજા દિવસે ગોયલ કલકત્તામાં આયોજિત પત્રકાર પરિષદમાં હાજર નહોતા, જ્યાં કુમાર અને અન્ય અધિકારીઓએ મીડિયાને તેમની રાજ્યની મુલાકાત વિશે માહિતી આપી હતી. પત્રકાર પરિષદ પહેલાં એક પ્રસ્તુતકર્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે ગોયલ ‘સ્વાસ્થ્યના કારણોસર’ ગેરહાજર છે.
મીડિયામાં આરોગ્યની ચિંતાઓ અંગેની અટકળોને ઝડપથી નકારી કાઢવામાં આવી હતી. એમાં ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોયલ સંપૂર્ણ સ્વસ્થ છે. મીડિયાના અહેવાલો અનુસાર ગોયલ અને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર વચ્ચે એક ફાઇલને લઈને મતભેદ ઊભા થયા હતા.
ગોયલ અગાઉ હેવી ઇન્ડસ્ટ્રીઝ સેક્રેટરી હતા અને ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થવાના હતા. ૧૮ નવેમ્બરે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું હતું. માત્ર એક દિવસ પછી તેમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
બિનસરકારી સંગઠન અસોસિએશન ફૉર ડેમોક્રૅટિક રિફૉર્મ્સે ગોયલની નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકારીને કહ્યું હતું કે ‘આ નિમણૂક મનસ્વી છે અને ભારતીય ચૂંટણી પંચની સંસ્થાકીય અખંડિતતા અને સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.’ જોકે કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.
લાસ્ટ લાઇન
ઊંચી સંસ્થાઓ જો તપાસમાંથી બાકાત રહે તો સરકારમાં લોકોની શ્રદ્ધા ન રહે. તેમણે પારદર્શિતાનો દાખલો બેસાડવો જોઈએ. - એડવર્ડ સ્વોડેન