રાગીની રાબ અને મગના લાડુ ખાવાનું શરૂ કરી દો

07 December, 2021 04:35 PM IST  |  Mumbai | Sejal Patel

નિષ્ણાતોના મતે ભારતીય સ્ત્રીઓમાં મોટા ભાગે આયર્ન અને પ્રોટીનની કમીને કારણે એનીમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એ માટે ઘરગથ્થુ શું ઉપાયો થઈ શકે એ જાણીએ

રાગીની રાબ અને મગના લાડુ ખાવાનું શરૂ કરી દો

તાજેતરમાં નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેમાં ૫૭ ટકા મહિલાઓમાં હીમોગ્લોબિનનું પ્રમાણ જરૂરિયાત કરતાં ઓછું જોવા મળ્યું છે. નિષ્ણાતોના મતે ભારતીય સ્ત્રીઓમાં મોટા ભાગે આયર્ન અને પ્રોટીનની કમીને કારણે એનીમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે. એ માટે ઘરગથ્થુ શું ઉપાયો થઈ શકે એ જાણીએ

તાજેતરમાં થયેલા નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે નંબર ફાઇવ મુજબ ભારતમાં ૧૫થી ૪૯ વર્ષની વયની ૫૭ ટકા મહિલાઓ એનીમિક છે. મતલબ કે સ્ત્રીઓના શરીમાં હીમોગ્લોબિનની કમી છે. હેલ્થ પ્રત્યે જાગૃતિ આવી હોવા છતાં ચિંતાજનક વાત એ છે કે ફૅમિલી હેલ્થ સર્વે ફોરમાં આ પ્રમાણ માત્ર ૫૩.૧ ટકા હતું, જે છેલ્લાં થોડાં વર્ષોમાં કન્ટ્રોલમાં આવવાને બદલે વધ્યું છે.  આમ થવાનું કારણ હજીયે ન્યુટ્રિશન બાબતે બેદરકારી છે એમ જણાવતાં કલીનાની યુનિવર્સિટી ઑફ મુંબઈના કન્સલ્ટન્ટ અને આયુર્વેદ નિષ્ણાત ડૉ. નીતિન કોચર કહે છે, ‘પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હૉર્મોન તેમ જ શારીરિક બાંધાને કારણે કુદરતી રીતે જ હીમોગ્લોબિનનું પ્રમાણ ઊંચું રહ્યું છે. પુરુષોમાં એટલે ૧૪-૧૫ યુનિટ જેટલું હીમોગ્લોબિન હોય છે. બીજી તરફ સ્ત્રીઓમાં હીમોગ્લોબિનનું મિનિમમ સ્તર પહેલાં ૧૦-૧૧ હોય તોય ઠીકઠાક ગણાતું હતું, જે હવે લગભગ ૧૩ જેટલું હોવું જોઈએ એવું મનાય છે. વળી આજે પણ ભારતમાં સ્ત્રીઓ પોતાના ન્યુટ્રિશન બાબતે સજાગ નથી. ઘરના બધા જમી લે એ પછી જે બચે એનાથી પેટ ભરી લે. પોતાના ન્યુટ્રિશન અને ડાયટની ચિંતા કરવાનું ભારતની ગ્રામીણ સ્ત્રીઓ હજીયે શીખી નથી.’
આ વાત જો ગ્રામીણ ભારત માટે સાચી હોય તો શહેરો માટેની સ્થિતિ જુદી છે એમ જણાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. વિનય સિંહ ઉમેરે છે કે ‘શહેરોમાં સ્વાદને વધુ મહત્ત્વ અપાય છે ન્યુટ્રિશન કરતાં અને એને કારણે જન્ક ફૂડથી પેટ ભરાય છે પણ પોષણ નથી મળતું.’
શા માટે ઊણપ છે?
સ્ત્રીઓમાં હીમોગ્લોબિનની કમીનાં આમ તો ઘણાં કારણો છે, પણ એમાંના સૌથી કૉમન મુદ્દાઓ વિશે વાત કરતાં ડૉ. નીતિન કોચર કહે છે, ‘સૌથી મોટું કારણ આયર્નની કમી. એની સાથે જ પ્રોટીન, વિટામિન બી12 અને કૅલ્શિયમની કમી પણ એટલી જ જવાબદાર. જ્યારે આ ચારેય કમીનો એકસાથે ઉકેલ લાવવામાં આવે એ જરૂરી છે. હીમોગ્લોબિનની સંધિ છૂટી પાડો તો હીમો એટલે લોહતત્ત્વ અને ગ્લોબિન એ એક પ્રકારનું પ્રોટીન છે. જો શરીરમાં કોઈ ઇન્ફેક્શન ન હોય, બોન મૅરોની તકલીફ ન હોય, થાઇરૉઇડની તકલીફ ન હોય, હરસ કે આંતરિક બ્લીડિંગ ન થતું હોય તો આહારવિહારના બદલાવથી હીમોગ્લોબિન વધારી શકાય છે.’
 
ખોરાકમાં બદલાવ શું?

હાલમાં શિયાળો છે અને લીલોતરી ખૂબ મળે છે ત્યારે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ એમ જણાવતાં ડૉ. નીતિન કહે છે, ‘ભોજનમાં શાકભાજી અને ફળોનો ભરપૂર ઉપયોગ જરૂરી છે. એ ઉપરાંત રોજ સવારે પ્રોટીનયુક્ત ગોળના લાડવા કે રાબ લેવી. મગને શેકીને એના લોટમાંથી ગોળના લાડવા બનાવીને રાખી શકાય. નાચણીની રાબ કે લાડવા પણ લઈ શકાય. આનાથી પ્રોટીન, કૅલ્શિયમ અને આયર્ન ત્રણેય સુધરશે. બપોરના ભોજનમાં પ્રોટીન માટે પનીરનો ઉપયોગ કરી શકાય. ફણગાવેલાં કઠોળ નિયમિત ખાવા એનાથી વિટામિન્સની પૂર્તિ થશે. બપોરના ભોજનમાં ટમેટાં, ગાજર, બીટનું સૅલડ પણ કમ્પલ્સરી લેવાનું. આમળાંની ચટણી લઈ શકાય. પુનર્નવાનાં ફ્રેશ પાન અને બીલીનાં પાનની ચટણી ખાવાથી મજ્જા ધાતુ પર ખૂબ સારું કામ થાય છે. ખજૂર પણ લઈ શકાય. તમારું વજન નિયંત્રણમાં રહે એ રીતે આ પૌષ્ટિક ચીજોનો ભોજનમાં સમાવેશ કરવો.’

લોઢાની તવી પાછી લાવો...

હવે આપણે ત્યાં રાંધવાનું નૉન-સ્ટિક વાસણોમાં થઈ ગયું છે એને બદલે લોઢાની કડાઈ અને તવાને પાછાં લાવવાનો સમય આવી ગયો છે એમ જણાવતાં ડૉ. વિનય સિંહ કહે છે, ‘રોટલી અને ભાખરી જેવી ચીજો હંમેશાં લોખંડની તવી પર જ બનાવો. ખીર બનાવવાની હોય કે છોલે, રાજમા જેવાં કઠોળ એ લોઢાની કડાઈમાં જ બનાવવાનું રાખો. હા, બનાવ્યા પછી એને તરત બીજા સ્ટીલના વાસણમાં કાઢી લો, પણ બનાવવાની પ્રક્રિયા દરમ્યાન જે આયર્ન ખોરાકમાં ભળશે એ પૂરતું હશે. ગળ્યું ખાવાનું મન થાય તો કાળા તલની ગોળમાં બનાવેલી ચિક્કી લેવી. બપોરે ભૂખ લાગે ત્યારે ગોળ-ચણા બેસ્ટ ઉપાય છે. લીંબુ પાણી બનાવો તો એ પણ ગોળમાં બનાવવું. પોષણયુક્ત ખોરાકની સાથે રોજની ૪૦થી ૪૫ મિનિટનો વ્યાયામ પણ દિનચર્યામાં સમાવવો બહુ જ જરૂરી છે.’

 મગને શેકીને એના લોટમાંથી ગોળના લાડવા બનાવીને રાખી શકાય. નાચણીની રાબ કે લાડવા પણ લઈ શકાય. આનાથી પ્રોટીન, કૅલ્શિયમ અને આયર્ન ત્રણેય સુધરશે
ડૉ. નીતિન કોચર, 
આયુર્વેદ નિષ્ણાત

columnists sejal patel