દેખાદેખી,ઈર્ષ્યા, હુંસાતુંસી, હરીફાઈ, તકલીફ અને અસલામતીની દૃઢ ભાવના

10 August, 2020 04:31 PM IST  |  Mumbai | Manoj Joshi

દેખાદેખી,ઈર્ષ્યા, હુંસાતુંસી, હરીફાઈ, તકલીફ અને અસલામતીની દૃઢ ભાવના

સમીર શર્માએ પણ તાજેતરમાં આત્મહત્યા કરી છે.

બે મહિનામાં પાંચ સુસાઇડ. ટીવીસ્ટાર, ઝાકમઝોળની દુનિયા અને આંખો આંજી દે એવું જીવન અને એનો અંત સાવ આવો? નાની ઉંમરની સક્સેસ પછી મોટા ભાગના જીવનમાં આ પ્રકારના ઉતાર-ચડાવ જોવા મળ્યા હોવાનું ઇતિહાસ કહે છે. મને લાગે છે કે નવી જનરેશને હવે અમુક બાબતોમાં સજાગ થવાની જરૂર છે અને અમુક બાબતોમાં પરિપક્વ થવાની પણ આવશ્યકતા છે. ગ્લૅમર વર્લ્ડનું ફ્યુચર બહુ મોટું છે અને હવે તો હજારો ચૅનલ થઈ ગઈ છે એટલે કામનો પણ તોટો નથી, પણ એ બધા વચ્ચે આપણે શું કરવું છે, આપણને કેટલું જોઈએ છે અને આપણે ક્યાં જવા માગીએ છીએ એ નીતિ સ્પષ્ટ થઈ જવી જોઈએ.
હુંસાતુંસી, હરીફાઈ, દેખાદેખી, ઈર્ષ્યા, અદેખાઈ અને એ બધાના સરવાળારૂપે આવે છે તકલીફો. આ તકલીફો માત્ર ગ્લૅમર વર્લ્ડમાં આવે છે એવું નથી, આ તો કોઈ પણ યંગસ્ટર્સની લાઇફમાં આવી શકે અને આવે પણ છે જ, પણ ગ્લૅમર વર્લ્ડ એવું છે કે એને મીડિયામાં વધારે જગ્યા મળે છે એટલે અહીં બનતી આવી ઘટના બધાની સામે આવે છે. મને લાગે છે કે સુસાઇડ કરનારા ટીવીસ્ટાર સાથે જેકંઈ બન્યું અને તેમની લાઇફનો જેકોઈ ક્લાઇમૅક્સ રચાયો એના પરથી દરેક યંગસ્ટર્સ અને તેના પેરન્ટ્સે ઘણુંબધું સમજી જવાની જરૂર છે. સ્વતંત્રતા અને આઝાદી આપ્યા પછી બાળકોને કોઈ વાતની પૂછપરછ ન કરવી એવું ન રાખવું જોઈએ. બધા પ્રકારની સ્વતંત્રતા આપ્યા પછી પણ બાળકો પર પેરન્ટ્સ કે પછી તેના ઘરમાં જેકોઈ વડીલ હોય તેની પૂરી નજર હોવી જ જોઈએ. વાત અહીંથી નથી અટકતી. આજની નવી પેઢીએ પણ સમજવાની જરૂર છે કે દેખાદેખી કરવાથી કે હરીફાઈમાં ઊતરવાથી કંઈ વળવાનું નથી. ફલાણાએ મર્સિડીઝ લીધી એટલે હું તો પેર્સે કારમાં જ સેટ પર આવીશ, ફલાણી આ વર્ષે સ્વિટ્ઝરલૅન્ડ જઈ આવી એટલે હું સ્વિટ્ઝરલૅન્ડની સાથે ફ્રાંસ પણ જઈ આવીશ અને પ્રાગ પણ જઈશ. આ બધું કરવાથી માત્ર પાંચપંદર દિવસનો આનંદ મળતો હોય છે, પણ એ પછી જ્યારે ઇમર્જન્સી ફન્ડની વાત આવે છે ત્યારે બૅન્ક-બૅલૅન્સ ખાલી હોય છે અને એ ખાલી હોય છે એટલે ડિપ્રેશન આવવાનું શરૂ થઈ જાય છે.
કોઈ જાતની હુંસાતુંસીમાં ઊતરવાની જરૂરિયાત નથી. કોઈ જાતની હરીફાઈ કરવાની જરૂર નથી. જો અદેખાઈ જ કરવી છે તો જે સારું કામ કરે છે તેની અદેખાઈ કરીને તેના કામમાંથી શીખવાની નીતિ રાખો. જો હુંસાતુંસી જ કરવી છે તો વધારે સારા કઈ રીતે બની શકાય એ માટેના પ્રયાસ કરો અને વધુ સારા બનીને દેખાડો, પણ દુન્યવી ચીજવસ્તુઓની બાબતમાં દેખાડા કરીને હેરાન થવું અને ઘરના સૌને આખી જિંદગી રડતા મૂકી જવા એ જરાય યોગ્ય નથી. કોરોનાના સમયે બધાને ઘરમાં અટકાવી દીધા. ઇકૉનૉમિક્સના હિસાબ-કિતાબ બદલી નાખ્યા. આવા સમયે એ જ સલામત રહી શક્યા જેમણે ખર્ચ કરતી વખતે એ પૈસાને પારકો પૈસો ગણ્યો નહોતો. કન્સ્ટ્રક્શન કંપનીના માલિક એવા આશુતોષ ગણાત્રાના શબ્દો અત્યારે યાદ આવે છે ઃ મારા પૈસા ખર્ચતી વખતે એ તમારા પૈસા ગણવા અને તમારા પૈસા ખર્ચતી વખતે એને ત્રાહિતના પૈસા ગણવા, હાથ આપોઆપ ખેંચમાં આવી જશે.
આ વાત જીવનમાં ઉતારવા જેવી છે.

manoj joshi columnists