સંબંધના સરોવરમાં દીકરા કરતાં દીકરી પિતાની વધુ નજીક હોય છે

19 July, 2020 10:25 PM IST  |  Mumbai | Rajani Mehta

સંબંધના સરોવરમાં દીકરા કરતાં દીકરી પિતાની વધુ નજીક હોય છે

Son is yours till comes his wife

But daughter is yours throughout your life

ભલે આ પંક્તિઓ મજાકમાં લખાઈ હશે, પરંતુ વાસ્તવિકતાથી બહુ દૂર નથી. સંબંધના સરોવરમાં દીકરા કરતાં દીકરીઓ પિતાની વધુ નજીક હોય છે, એ જગજાહેર વાત છે. દીકરો પિતાનો હાથ હોય, જ્યારે દીકરી પિતાનું હૈયું હોય. દીકરો પરિવારની સ્ટ્રેન્થ હોય, જ્યારે દીકરી પરિવારની વિકનેસ હોય. દીકરી ઘરનું અજવાળું પણ છે અને ઘરની ચાંદની પણ છે. એકવીસમી સદીમાં દીકરી સ્વતંત્ર અને મૌલિક સ્વરૂપે વિકસે છે; એ સાથે પોતાનાં માતા-પિતાના સ્વરૂપ અને સંસ્કારનું જતન કરવાનું ભૂલતી નથી. પોતાની એક અલગ ઓળખ ઊભી કર્યાં બાદ પોતાના રૂટ્સને વળગી રહેનારી આ દીકરીઓ માટે સમાજ જરૂર ગર્વ લઈ શકે. આવું જ એક વ્યક્તિત્વ એટલે કવિ પ્રદીપજીનાં મિતભાષી પુત્રી મિતુલબહેન. આ કૉલમ વાંચીને તેમણે સામેથી મારો કૉન્ટૅક્ટ કર્યો અને થોડા જ સમયમાં અમારો આત્મીય પરિચય બંધાયો, એને હું એક ઋણાનુબંધ માનું છું.   

મીઠીબાઈ કૉલેજમાંથી એમ.એ. વિથ પૉલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરનાર મિતુલબહેન પોતે એક મલ્ટિ-ટૅલન્ટેડ પર્સનાલિટી છે. કવિપુત્રી હોવાને નાતે અને નગીનદાસ સંઘવી, ચંદ્રકાંત બક્ષી જેવા સાક્ષરોના હાથ નીચે ભણેલાં હોય એટલે સાહિત્યમાં ઊંડો રસ ધરાવે એમાં નવાઈ નથી. શુદ્ધ ગુજરાતી ઉપરાંત મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષા પર તેમનું સારું પ્રભુત્વ છે. એક સારા પેઇન્ટર હોવા ઉપરાંત પિતાની જેમ ઍક્ટિવિસ્ટ અને ઍનિમલ લવર છે. સૌથી વિશેષ તો પિતાના વારસાને જીવંત રાખવા માટે ‘કવિ પ્રદીપ ફાઉન્ડેશન’ દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. અમારી રૂબરૂ મુલાકાત હજી બાકી છે, પરંતુ ફોન પર લાંબી વાતોનો સિલસિલો જારી છે. પિતા માટે ‘દીકરી વહાલનો દરિયો’ એ ઉક્તિને સાચી પાડતાં મિતુલબહેન આજે કવિ પ્રદીપજીના વ્યક્તિત્વની, જીવનની અને પરિવારની ઓછી જાણીતી, પરંતુ એટલી જ રસપ્રદ વાતો શૅર કરે છે, જે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...            

 ‘અમે ઔદિચ્ય બ્રાહ્મણ છીએ. મારા દાદાના પરદાદા મધ્ય પ્રદેશના  બડનગર પાસે આવેલા ગારાછેડી નામના ગામના જમીનદાર હતા. બાપુ (કવિ પ્રદીપજી) ૧૯૪૨માં મુંબઈ આવ્યા. શરૂઆતમાં તેમનો પરિચય હિમાંશુ રૉય, એસ. મુખરજી, અશોક કુમાર અને બીજા બંગાળીઓ સાથે થયો. આ ઉપરાંત બાને (ભદ્રાબહેન) સંગીત અને પેઇન્ટિંગનો શોખ હતો. રવીન્દ્ર સંગીત અને શાંતિ નિકેતનની વિચારસરણીથી તે પ્રભાવિત હતાં. આમ અમારા ઘરમાં અમે સૌ બંગાળી ભાષા અને સંસ્કારોથી પરિચિત છીએ. બા અને બાપુ બંગાળી સમજી શકે. હું તો લખી-વાંચી શકું છું. મારું નામ મિતુલ (મિઠ્ઠી છોકરી) બંગાળનું એક હુલામણું નામ (પેટ નેમ) છે. મારા બંગાળી મિત્રો તો મને કહે છે કે અમારા કરતાં તો તું સારું બંગાળી બોલે છે. આજની તારીખમાં અનેક બંગાળી પરિવાર ખાસ કરીને મુખરજી પરિવાર સાથે મારો ઘરોબો છે. મારા જન્મદિવસે સૌથી પહેલો ફોન દેબુ મુખરજીનો આવે.’

 ‘મુંબઈ આવ્યા ત્યારે શરૂઆતમાં બાપુ વિલે પાર્લેમાં કસ્તુર વાડીમાં એક બંગલામાં ભાડેથી રહેતા. બા-બાપુને ખુલ્લી જગ્યામાં, પશુ-પંખીઓના કલરવ સાથે, ઝાડપાનથી ઘેરાયેલા વાતાવરણમાં રહેવાનો શોખ હતો. ૧૯૪૮માં ‘પંચામૃત’ બંગલો કન્સ્ટ્રક્ટ કર્યો. આજ સુધી આ બંગલાનું આવું જ વાતાવરણ મેં જાળવી રાખ્યું છે. બાને ગાર્ડનિંગનો બહુ શોખ હતો. અનેક ફૂલ–ફળના ઝાડ વાવતા. અમારા કમ્પાઉન્ડમાં પાંચ કેરી, ત્રણ નારિયેળી, બે ચિકુ, બે સફેદ જાંબુ અને એક ફણસનું ઝાડ છે. આ વર્ષે તો એટલી કેરી આવી છે કે સ્વજનો અને મિત્રોને આપ્યાં પછી પણ ખૂટતી નથી. બાપુનો બીજો શોખ હતો પશુ-પંખીનો. વર્ષો પહેલાં એક નાનું ગલૂડિયું આંગણે આવી ગયું. બાપુ કહે, આ તો ભગવાનનું સ્વરૂપ છે, એને કઈ ખાવાનું આપો. પછી તો રસ્તા પર કોઈ બિલાડી કે કૂતરાનાં નાનાં બચ્ચાં માંદા દેખાય, ઘવાયેલા દેખાય તો ઘરે લઈ આવીએ. તેમની સારવાર કરીએ. એ હળીમળી જાય એટલે જવાનું નામ ન લે. મને પણ આ બધું ગમતું. ધીરે-ધીરે આ મારો શોખ બની ગયો. આવે ત્યારે આ બધાં નાનાં હોય એટલે આપણું માને, પછી મોટાં થાય એટલે આપણે તેમનું માનવું પડે. બીજું, મોટાં થાય એટલે થોડી તકલીફ પડે, પરંતુ એની પણ એક મજા છે. અત્યારે મારા ઘરમાં ૩૫ બિલાડી અને પાંચ કૂતરા છે. તેમનાં માટે ૩ અલગ રૂમ છે, જ્યાં તેમનું લાલનપાલન થાય. આમ કહી શકાય કે આ મારો બહોળો પરિવાર છે.

 ‘નાનપણથી મને સંગીતનો શોખ. અમારા ઘરમાં સીટિંગ્સ થાય ત્યારે મોટા-મોટા સંગીતકારો, ગાયક કલાકારો આવે. બાપુનો એક નિયમ હતો. પોતે કોઈને ત્યાં ન જાય એટલે દરેક અમારા ઘેર આવે. તે લોકો બારણું બંધ કરીને રૂમમાં બેઠા હોય. મને અંદર જવાની બહુ ઇચ્છા હોય એટલે હું ‘બાપુ, બાપુ’ કહીને બારણું ખખડાવું. અંદર બધા પરેશાન થાય, પરંતુ જરાપણ ગુસ્સે થયા વિના બાપુ બારણું ઉઘાડે, પ્રેમથી મને ગોદમાં બેસાડે અને કામ કરે. હું શાંતિથી આ બધું એન્જૉય કરું. અનેક પૉપ્યુલર ગીતો કેવી રીતે બન્યાં એની હું સાક્ષી છું. અત્યારે અમારા ઘરમાં જે હાર્મોનિયમ છે એ અનેક મહાન સંગીતકારોના હાથે વાગ્યું છે.’

 ‘મને નાનપણનો એક કિસ્સો યાદ આવે છે. એ દિવસોમાં ફિલ્મ ‘જાગૃતિ’નું ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન’ ખૂબ જ લોકપ્રિય હતું. એમાં એક પંક્તિ છે ‘ફૂટ ફૂટ કર ક્યોં રોતે પ્યારે બાપુ કે પ્રાણ, કિતના બદલ ગયા ઇન્સાન’. મૂળ વાત ગાંધી બાપુની હતી. મેં જ્યારે આ ગીત સાંભળ્યું ત્યારે મને રડવું આવી ગયું, કારણ કે મનમાં થાય કે મારા બાપુ શું કામ રડે છે? મારા માટે તો એ વાત જ અસહ્ય હતી.’ 

 ‘બાપુ, ફિલ્મી માહોલથી હંમેશાં દૂર રહેતા. તેમને એ દુનિયાની ઝાકઝમાળ, પાર્ટીઓ, પ્રીમિયર આ બધામાં જરાપણ રસ નહોતો. અમને પણ આ ગ્લેમરથી તેમણે દૂર રાખ્યાં. અમારે ઘેર કદી કોઈ પાર્ટીનું આયોજન કર્યું નથી. હા, ઘરે જે કોઈ નાના-મોટા કલાકારો આવે તેમનું પૂરતું સન્માન કરે. અમને પણ કોઈ દિવસ એવી ઇચ્છા થઈ નથી કે પાર્ટીમાં, પ્રીમિયરમાં જઈએ, મોટા સ્ટાર્સને મળીએ; ફોટો પડાવીએ. એક સહજ, સાધારણ, નૉર્મલ સંતાનોની જેમ જ બન્ને બહેનોનો ઉછેર થયો છે. તેમનું માનવું હતું કે મનુષ્ય બહારથી નહીં, પણ અંદરથી સમૃદ્ધ હોવો જોઈએ. આપણી સંસ્કૃતિ, મર્યાદા અને ધર્મ માટે તેમને અભિમાન હતું, એટલે ધન અને શોહરત  મળવા છતાં તેમનો વ્યવહાર ‘ડાઉન ટુ અર્થ’ રહ્યો.’

 ‘બાપુની લખવાની શૈલી બીજા કવિઓથી એકદમ અલગ હતી. ફિલ્મોમાં આવ્યા બાદ એમાં થોડો બદલાવ આવ્યો, પણ એ એટલી જ ધારદાર હતી. શરૂઆતના દિવસોમાં કવિ સંમેલનમાં જ્યારે તેમને આમંત્રણ મળતું ત્યારે પોલીસ હાજર હોય. ઑર્ગેનાઇઝરના મનમાં ડર હોય કે બાપુની કવિતામાં દેશપ્રેમની જોરદાર હાકલ પડશે એટલે પોલીસ તેમને પકડીને લઈ જશે અને પોતે મુશ્કેલીમાં મુકાઈ જશે. પોતે તરર્નુમમા સરસ રીતે ગાઈ શકે એટલે શ્રોતાઓ તેમને સાંભળવા આતુર હોય. બાપુએ સંગીતની કોઈ ફૉર્મલ ટ્રેઇનિંગ નહોતી લીધી. તેમના અવાજનો ‘થ્રો’ જોરદાર હોવાની સાથે હૃદયસ્પર્શી હતો. તેમની બનાવેલી ધૂનો અને ગાયકીથી શ્રોતાઓ ખૂબ પ્રભાવિત થતા. મોટા ભાગના સંગીતકારો કહેતા કે તમે જે ધૂન બનાવી છે એ બરાબર છે, અમારે એમાં કોઈ ફેરફાર નથી કરવા. લોકોને ‌‌‌‌ફિલ્મોનાં નામ ન ખબર હોય, પરંતુ તેમનાં ગીત મોઢે હોય. આજે પણ અમુક લોકો મને કહે છે, પ્રદીપજીનાં ગાયેલાં ભજનોથી અમારી સવાર પડે છે.’

 ‘થોડા દિવસ પહેલાં મને સંગીતકાર લલિતનો ફોન આવ્યો. કહે, ‘આ લૉકડાઉનના સમયમાં જૂની ફિલ્મો જોવાનો મોકો મળ્યો છે. એની સાથે જિંદગીને જાણવાની અને સમજવાની તક મળી છે. હમણાં મેં ફિલ્મ ‘હરિદર્શન’ જોઈ. એમાં પ્રદીપજીનું આ ગીત સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. આમ કહી ફોનમાં તે ગીત ગાવા લાગ્યા...                                      જય જય નારાયણ નારાયણ હરિ હરિ

તેરી લીલા સબ સે ન્યારી ન્યારી હરિ હરિ

તેરી મહિમા પ્રભુ હૈ પ્યારી પ્યારી

અને કહે, શું જમાનો હતો? પૂરા ગીતમાં જીવનની ફિલોસૉફી સરળ શબ્દોમાં વ્યક્ત થઈ છે.   કેવા અર્થસભર ગીતો લખાયાં અને સ્વરબદ્ધ થયાં. (આ ફિલ્મના સંગીતકાર હતા કલ્યાણજી આણદજી.) બાળકોના સ્વરમાં આ ગીત એટલું હૃદયસ્પર્શી છે કે પ્રદીપજીને પ્રણામ કરવાનું મન થાય છે.                         

એવી જ રીતે એક દિવસ મનોજ કુમારનો ફોન આવ્યો. કહે, ‘હું આજે સવારથી રડું છું. ફિલ્મ ‘સંબંધ’નું આ ગીત...                                                              

  જો દિયા થા તુમને એક દિન, મુજે ફીર વો પ્યાર દે દો                            

  એક કર્ઝ માંગતા હું, બચપન ઉધાર દે દો                                 

 જ્યારથી સાંભળ્યું છે ત્યારથી હું બેચેન બની ગયો છું. મારાં મા-બાપની યાદ આવે છે. પોતાનું બાળપણ ઉધાર માગવાનો આ વિચાર કેવો અદ્ભુત છે. આવી કલ્પના કોઈ કરી જ ન શકે. પ્રદીપજી જેવું લખવાવાળા આ દુનિયામાં બીજા કોઈ નહીં હોય. તેમની ખૂબ યાદ આવે છે.’                                      ‘નાનપણથી મને પેઇન્ટિંગનો શોખ. ૧૯૮૨માં મેં પેઇન્ટિંગ્સના ક્લાસ પ્રોફેશનલી શરૂ કરવાનો વિચાર કર્યો. બાપુને એમ લાગ્યું કે આ વાત બરાબર નથી. દુનિયા એમ માનશે કે કવિની દીકરી હવે ઘર ચલાવશે? બાએ તેમને સમજાવ્યાં કે એવું કઈ નથી. શરૂઆતમાં બાપુ  થોડા નારાજ હતા, પરંતુ બાએ મનાવી લીધાં. જોકે મારી પ્રગતિ જોઈને પછી તે ખુશ હતા. મારા એક્ઝિબિશનમાં હોંશે-હોંશે આવતા. મહેમાનો ઘરે આવે તો મારાં પેઇન્ટિંગ્સ ખાસ બતાવે અને પ્રાઉડ ફિલ કરે. મારા ક્લાસમાં જે બાળકો શીખવા આવતાં એમાં એશા અને આહના દેઓલ, સિમ્પલ અને ટ્વિન્કલ કાપડિયા, રાની મુખરજી અને બીજાં અનેક બાળકો હતાં. મોટી ઉંમરે  અનુરાધા પૌડવાલ અને રતિ અગ્નિહોત્રીને પેઇન્ટિંગનો શોખ જાગ્યો એટલે તે પણ ક્લાસમાં આવતાં. આજે પણ કોઈ સમારંભમાં રાની મુખરજી મળે તો બધાને ઓળખાણ એમ કરાવે કે આ તો મારા ગુરુજી છે.’

મિતુલબહેન પાસે કવિ પ્રદીપજી અને પરિવારનાં સ્મરણોની યાદોં કી બારાતનો અસ્ખલિત  પ્રવાહ હું સાંભળતો હતો. એમ જ લાગે કે ફરી એક વાર તેઓ  આ ‘ડાઉન મેમરી લેન’માં જઈને પોતે પણ તેને માણી રહ્યા છે. અનેક બનાવો છે, અનેક ઘટનાઓ છે. કલાપિ કહે છે, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લહાવો.’

આવતા રવિવારે કવિ પ્રદીપજી અને ભદ્રાબહેનના પ્રસન્ન દાંપત્યના કિસ્સાઓની લહાણી કરીશું.

columnists rajani mehta