પોતાનામાં કોઈએ મૂકેલો વિશ્વાસ એ આપણી બહુમૂલ્યવાન કમાણી

29 December, 2020 03:48 PM IST  |  Mumbai | Taru Kajaria

પોતાનામાં કોઈએ મૂકેલો વિશ્વાસ એ આપણી બહુમૂલ્યવાન કમાણી

પ્રતીકાત્મક તસવીર

ઘર બંધ કરીને બધા જ બહારગામ જતા હોઈએ ત્યારે ઘણી વાર આપણે કીમતી જણસ કે ચીજ બૅન્કના લૉકરમાં મૂકી આવીએ છીએ. એમ કરવાથી એક પ્રકારની નિરાંત અનુભવાય છે કે જોખમ સલામત સ્થાને રાખી દીધું છે. એ ત્યાં સલામત રહેશે એવો વિશ્વાસ આપણને હોય છે. ફરીને પાછા આવીશું અને એ પાછું લેવા જઈશું તો લૉકરમાં એ સલામત હશે એની આપણને ખાતરી હોય છે. પણ ધારો કે આપણે લૉકર ખોલીએ અને એ વસ્તુ ત્યાં ન મળે તો? કેટલા ગભરાઈ જઈએ? ગુસ્સે થઈ જઈએ એ બૅન્ક કે લૉકર કંપની પર? અને પોલીસ-ફરિયાદથી લઈને કોર્ટ-કચેરી કરવાની તૈયારી કરી લઈએ એટલું જ નહીં, એ કંપનીની બેજવાબદારી અને વાહિયાત સર્વિસ વિશે આપણા જાણીતા અને અણજાણીતા તમામ લોકોને જાણ કરી દઈએ, બરાબર? આ સહજ છે. આપણી મોંઘા મૂલની ચીજો આપણે તેમના ભરોસે લૉકરમાં રાખી હતી અને તેઓ એ વિશે જરા જેટલી પણ જવાબદારીથી ન વર્તે તો આપણો ગુસ્સો તદ્દન સ્વાભાવિક જ છે.

પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે કોઈએ આપણામાં ભરોસો મૂકીને પોતાની કોઈક અંગત વાત, લાગણી કે રહસ્ય આપણી સાથે શૅર કર્યાં હોય ત્યારે એ સીક્રેટનું જતન કરવાની આપણી પણ પરમ જવાબદારી બની જાય છે? કેટલીક વ્યક્તિઓ આ જવાબદારી પૂરી સિન્સિયારિટીથી નિભાવે છે. તેમની સાથે શૅર કરેલી વાત જાણે તેમણે સાંભળી જ નથી એમ તેઓ વર્તે છે અને પોતે ભૂલી જ જાય છે કે તેઓ એ વિશે કંઈ જાણે છે. આવી વ્યક્તિઓ પાસે રહેલી આપણી ખાનગી વાત સૌથી સલામત સ્થળે ધરબાઈ ગઈ સમજો.

...પરંતુ આવી વ્યક્તિ પાસેથી જ્યારે આપણી અંગત વાત બહાર જાય ત્યારે કેવું લાગે? ભયંકર. હા, ભયંકર દુ:ખ થાય છે. તેમના એક પરથી જ નહીં, સમગ્ર માનવજાત પરથી વિશ્વાસ ઊઠી જાય. થોડા સમય પહેલાં એક વેબ-સિરીઝ જોઇ. એમાં એક છોકરો અને તેના પરિચિત પરિવારની એક છોકરી વચ્ચે બહુ સરસ દોસ્તી જોવા મળી. બન્ને એક યુનિવર્સિટીમાં કોર્સ કરવા જાય છે જ્યાં એ છોકરાને ગમેલી એક છોકરી પણ એ જ કોર્સની વિદ્યાર્થિની છે. જુદા મિજાજની પેલી છોકરીના હાથે છોકરો ખાસ્સાં એવાં અપમાનો અને રિજેક્શન્સ સહન કરે છે. આ બધો વખત પેલી ફ્રેન્ડ તેને પૂરો મૉરલ સપોર્ટ આપે છે અને આખરે પેલી છોકરી તરફથી છોકરાના પ્રેમને પ્રતિસાદ મળે છે. અનેક અપ્સ અને ડાઉન્સ પછી એ બન્ને એકમેક સાથે જોડાવાનું નક્કી કરે છે.

એવામાં એક દિવસ એક પાર્ટીમાં છોકરાનું તેની ફ્રેન્ડ સાથેનું ‍આત્મીયતાભર્યું વર્તન જોઈને છોકરીના મનમાં ઈર્ષ્યા જન્મે છે અને છોકરાને મળે છે ત્યારે તે પેલી ફ્રેન્ડ સાથેના તેના સંબંધ વિશે શંકા વ્યક્ત કરે છે. છોકરો ખેંચીને તેને પાર્ટી ચાલી રહી છે એ રૂમમાં લઈ જાય છે. ત્યાં છોકરાની ફ્રેન્ડ બીજી એક છોકરીને વળગીને ડાન્સ કરી રહી છે. એ દેખાડીને છોકરો છોકરીને ખાતરી કરાવવા માગે છે કે તેની ફ્રેન્ડ સાથે તેના માત્ર દોસ્તીના જ સંબંધ છે.‍ પરંતુ એમ કરવા જતાં તે પોતાની ફ્રેન્ડના જીવનનું એક એવું રહસ્ય (તેનો સજાતીય સંબંધ ભણીનો ઝુકાવ)

પેલી છોકરી સામે ખુલ્લું કરી દે છે જે તેની ફ્રેન્ડે તેની સાથે ઊંડા વિશ્વાસ સાથે શૅર કર્યું હતું, તેની પાસેથી કદી પોતાનું આ સીક્રેટ બહાર નહીં જ જાય એવા એક અતૂટ ભરોસાને આધારે. પછી તો આ વાત પેલી છોકરી થકી આખી કૉલેજમાં ફેલાઈ જાય છે. છોકરાની ફ્રેન્ડ સૌની મજાકનું પાત્ર બની જાય છે. તેને ભયંકર આઘાત લાગે છે અને છોકરાને જ્યારે ખબર પડે છે કે પોતે પોતાની ફ્રેન્ડનો વિશ્વાસઘાત કરી બેઠો છે ત્યારે તેના પસ્તાવાનો પણ પાર નથી રહેતો. કેટલી મહેનતે વિકસેલો પ્રેમસંબંધ ઠુકરાવી તે ચાલ્યો જાય છે.

આ તો એક જ ઉદાહરણ છે, પરંતુ પોતાના સંબંધો કે વગ વધારવા માટે કે કેટલીક વાર તો માત્ર ‘મને તો બધાનાં સીક્રેટ્સ ખબર છે’ એવી પોતાની મોટાઈ બતાવવા માટે લોકો કોઈની અંગત વાતોનો ઉપયોગ કરતા હોય છે અને પોતે વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી એ પુરવાર કરતા હોય છે. પરંતુ એમ કરનાર વ્યક્તિ બીજાની સાથે-સાથે પોતાની જાતનું પણ ભારે મોટું નુકસાન કરતી હોય છે. અને દુ:ખની વાત તો એ છે કે જે વ્યક્તિ આમ કોઈની ખાનગી બાતમી લીક કરે છે તેને ઘણી વાર ખ્યાલ જ નથી આવતો કે તેનાથી કેટલો મોટો અપરાધ થઈ ગયો છે!

ક્યારેય કોઈ મિત્ર કે કહેવાતા મિત્રો તમને કોઈની અંગત વાતો કરે ત્યારે ચેતી જજો. એ વ્યક્તિ સાથે જો તમે તમારી જિંદગીનાં કોઈ અંગત સુખ-દુ:ખ કે સંતોષ-અસંતોષની વાતો શૅર કરી હશે તો ચોક્કસ તમારું આવી બન્યું. તે તમારી વાતો બીજા કોઈને કહેતો હશે અથવા તો કહેવાનો હશે. અને આપણે તો પોતાની જાત પર એ નિયંત્રણ રાખવું જ પડે કે કોઈને કોઈની વાતો કરવાની આદત પાડવી નહીં, ક્યારેક વધુપડતું બોલવાની આદતને વશ પણ અકારણ જ આપણે આવી હરકત કરી બેસતા હોઈએ છીએ. તો બોલતાં પહેલાં હંમેશાં જાતને પૂછવું કે હું જે બોલવા જઈ રહ્યો છું કે જઈ રહી છું એ બોલવું ખરેખર અનિવાર્ય છે? આવું એક ફિલ્ટર પણ જીભને નિયંત્રણમાં રાખી શકે છે અને આપણને મોટી ભૂલ કે મૂર્ખામી કરતાં બચાવી લઈ શકે છે. બાકી પોતાનામાં કોઈએ મૂકેલો વિશ્વાસ એ આપણી બહુ મૂલ્યવાન કમાણી છે, આબરુ છે. એ વિશ્વસનીયતા ઊભી કરતાં વર્ષો લાગે છે પરંતુ અવિચારીપણે કે ઉતાવળે કરેલી એકાદ ભૂલ પળવારમાં એને ખતમ કરે શકે છે. અને યાદ રહે, રૂપિયા કે ધનસંપત્તિ  કરતાં એ વિશ્વસનીયતા અનેક-અનેકગણી મૂલ્યવાન ચીજ છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists taru kajaria