કેટલાક લોકોને દુખી થવાનો, કેટલાકને સુખી થવાનો શોખ હોય છે!

24 September, 2020 04:19 PM IST  |  Mumbai | Jayesh Chitalia

કેટલાક લોકોને દુખી થવાનો, કેટલાકને સુખી થવાનો શોખ હોય છે!

તેમને પૉઝિટિવ વિચારો અને સકારાત્મક અભિગમ સદા સુખમાં રાખે છે અને ક્યારેક સુખ ન આપે તો પણ દુખી તો નથી જ કરતા.

હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, આમ પણ મોટાભાગના લોકો એક યા બીજા કારણસર દુખી છે. જોકે ઘણા લોકો જરાય દુઃખમાં નથી, તેમ છતાં પોતાની અને આસપાસના લોકો માટે દુઃખ ઊભા કરે છે, કારણ ખબર છે? તેમને દુખી થવાનો શોખ હોય છે. શા માટે અને કઈ રીતે લોકો આવા શોખ પણ ધરાવે છે, ચાલો સમજીએ...શું આપણને પણ આવો શોખ નથી ને?
દુઃખનો એક પાક્કો સ્વભાવ હોય છે, જેઓ તેને બહુ યાદ કરે, તેની વાતો કર્યા કરે, નિરાશ થયા કરે, ઉદાસ રહ્યા કરે, નકારાત્મક લાગણીને ઉછેર્યા કરે, બીજાના સુખ સાથે પોતાના સુખની તુલના કર્યા કરે એવા લોકો પાસે દુઃખને પહોંચી જવું અને તેમની પાસે રોકાઈ જવું દુઃખને ગમતું હોય છે.
આપણને સવાલ થઈ શકે કે, શું કોઈને દુખી થવાનો શોખ હોય? આ તે કોઈ શોખ છે? આવું શા માટે કોઈ કરે? માનો કે ન માનો, પરંતુ દોસ્તો અનેક લોકોને દુખી થવાનો શોખ હોય છે. કેટલાકને વળી એ જ શોખમાં વેલ્યુ એડિશન કરતા હોય તેમ બીજાઓને દુખી કરવાનો શોખ પણ હોય છે.
લગ્ન પ્રસ્તાવ માટે છોકરા-છોકરી એકબીજાને મળે ત્યારે બીજું બધું ભલે પૂછે કે ન પૂછે, એકબીજાની હોબીઝ ઉર્ફે શોખ જાણવા અવશ્ય ઉત્સુક હોય છે, જેના આધારે તેમને એકબીજાના સ્વભાવનો પણ ખયાલ આવી શકે છે. તેથી શોખ વિશે ખાસ પૂછે, પરંતુ આ પુછાય ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાને દુખી થવાનો પણ શોખ છે એવું જણાવતી નથી. જોકે એમ કરીને તે પોતાના આ શોખને છુપાવતી નથી, કિંતુ વાસ્તવમાં તેમને આ શોખ છે એવી તેને પોતાને જાણ પણ નથી હોતી. ચાલો, સીધા આ દુખી થવાના શોખના મૂળ મુદ્દા પર જ આવી જઈએ.

વાત નાની, દુઃખ મોટા

રોજબરોજની નાની નાની વાતોથી દુખી થવાની શરૂઆત થાય છે. બહાર જવા નીકળ્યા અને તરત રિક્ષા ન મળી કે બસ ન મળી, બહારગામ જવું છે, પણ ટ્રેનની ટિકિટ મળતી નથી, આપણે દુખી થઈ જઈએ છીએ. નાનોસરખો અકસ્માત કે માંદગી થઈ જાય કે આપણા પર જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા. ઘરમાં કે ઑફિસમાં કોઈએ કંઈ સંભળાવી દીધું, પાડોશીમાં કોઈએ કંઈ સંભળાવી દીધું કે તરત જ આપણે દુભાઈ જઈએ, એટલે દુખી થવાનું પાક્કું. અરે, ઘણીવાર તો કોઈએ કંઈ કીધું પણ હોતું નથી, કિંતુ આપણને એવું લાગે છે અથવા આપણે એ મતલબનું અર્થઘટન કરીને દુખી થઈ જઈએ છીએ, કારણ કે શોખને લીધે આપણે દુઃખને શોધતા હોઈએ છીએ. સેડિસ્ટ (દેવદાસ જેવા કાયમના દુખી) લોકો આ દુખી થવાની કેટેગરીમાં ટોચ પર આવે, પરંતુ એ તો ઉચ્ચ કેટેગરીના દુખી હોવાથી બહુ જ ઓછા અને રૅર હોય, પણ હાલ આપણે જે દુખી થવાના શોખીનોની વાત કરીએ છીએ એ તો રોજબરોજની લાઈફના લોકો છે. ઘણા વળી પોતાના કથિત દુઃખને પંપાળવા દારૂ પીવાનું શરૂ કરે, જેમાં તે વધુ દુખી થાય છે એ ભૂલી જાય છે, પણ એ યાદ નથી કરતા કે આ દારૂ તેમને સાચું દુઃખ આપવાનું શરૂ કરે છે અને અનેક રીતે નડવાનું–નુકસાન કરવાનું પણ શરૂ કરી દે છે, જ્યારે કે તે એમ સમજે છે કે ગમને ભુલાવવા દારૂ પીવો પડે.


તુલના કરો - દુખી થાઓ


કેટલાક લોકો સતત બીજાની સાથે પોતાની તુલના કરતાં રહી દુખી થતા હોય છે, તેઓ આવી તુલના પોતાનાથી વધુ પૈસાદાર, સુખી, સંપન્ન, વિકસિત, ઉચ્ચ હોદ્દાવાળા, સ્વભાવમાં સારા, ભણવામાં પણ સારા હોય એવા લોકો સાથે જ કરે છે. પોતાનાથી નબળા, ગરીબ, ઉતરતા સાથે નથી કરતાં, પરિણામે તેમની અંદર એક ઈન્ફીરિયર કૉમ્પ્લેકસ બંધાતો જાય છે, જેમાં તેઓ પોતાને દુખી ગણવાની વાતને જસ્ટિફાય કરતા રહે છે. પોતાની પાસે જે છે તેનું સુખ માણવાને બદલે પોતાની પાસે જે નથી તેનો ગમ માણવાની જાણે શું મજા આવતી હશે કે ઘણા સંપન્ન લોકો પણ આવા દુખી માણસોની કેટેગરીમાં આવી જાય છે. ઘણા લોકો વળી સતત બીજાઓની નિંદા કરી પોતે દુખી થાય તો કોઈ લોકો પોતાની કે પોતાના સ્વજનોની જરૂર કરતાં વધુપડતી ચિંતા કરતા રહી દુખી થવાના શોખને પૂરો કરે છે.

આયાતી-ભાડૂતી દુઃખ


કેટલાક લોકોનું દુઃખ ઇમ્પોર્ટેડ હોય છે. પાડોશીના સંતાનોને સારા માર્કસ આવી જાય તો, સગાઓને કયાંકથી બિઝનેસમાં સફળતા મળી જાય અને તેઓ સાધારણ પરિસ્થિતિમાંથી સમૃદ્ધ સ્થિતિમાં આવી જાય તો એ વાત આપણને દુખી કરી નાખતી હોય છે. અમુક લોકો સદાકાળ ફરિયાદી હોય છે, તેમને કોઈ વાતે ફરિયાદ ન થાય એવું બની શકે નહીં, હોટેલમાં જમવા ગયા ને એ દિવસે જલદી વારો ન આવે તો દુખી, વળી એ દિવસે કદાચ આઇટમ સારી ન બની તો ફરિયાદ, બહારગામ ફરવા ગયા ને રસ્તામાં ગાડીનું ટાયર પંકચર થયું તો જાણે દુઃખના ડુંગર તૂટી પડે એવું લાગે, એક યા બીજા કારણસર સતત કાળો કકળાટ કરે નહીં ત્યાં સુધી આ ફરિયાદીઓને ચૈન પડે નહીં. કોઈ તેમની વાત પર ધ્યાન ન આપે કે તેમાં સમર્થન આપે નહીં તો પણ આમને દુખી થવું હોય એટલે બહાનું મળી જાય. કેટલાક વળી પોતાની તરફ સહાનુભૂતિ મેળવવા દુખી થતા હોય છે. તેમને એમ હોય છે કે દુખી હોઈએ કે લાગીએ તો જ આપણી તરફ કોઈનું ધ્યાન જાય. ઘણા પોતાને મહાન ચીતરવા કે દર્શાવવા દુખી હોવાનો સરસ અભિનય કરી લેતા હોય છે. તો ઘણા ખરેખર દુખી તરીકે રજૂ થાય છે. અલબત્ત, તેમના દુઃખનો કોઈ અર્થ હોતો નથી, એ દુઃખ પણ તેમણે પોતે સર્જેલું હોય છે.
સુખનું સદા ડિસ્કાઉન્ટ બોલાવીને અને દુઃખનું પ્રીમિયમ કરીને આપણે સદા દુઃખની બોલબાલા ચલાવતા સમાજમાં રહીએ છીએ. સુખી રહેતો કે દેખાતો માણસ તો જાણે કોઈ પાપ કરતો હોય એવી લાગણી આપણે તેના તરફ ધરાવીએ છીએ, બીજાઓની ગુલામી સ્વીકારી લઈને, સદા બીજાઓના વિચારો કરીને કે પોતાની પર અવિશ્વાસ રાખીને, કાયમ અસંતોષ રાખીને અને દુઃખને જ સુખ માનીને જીવતા લોકોને તેમના પોતાના સિવાય કોઈ દુખી કરતું હોતું નથી, પણ એ સમજાય તો ને? આપણે દુખી છીએ એ નક્કી કોણ કરે છે? જાતને પૂછી જુઓ...જવાબ મળી જશે.

સુખી થવાનો શોખ પણ હોય છે

આ જ રીતે સુખી થવાનો કે સુખી રહેવાનો શોખ ધરાવતા લોકો પણ હોય છે. તેમને પૉઝિટિવ વિચારો અને સકારાત્મક અભિગમ સદા સુખમાં રાખે છે અને ક્યારેક સુખ ન આપે તો પણ દુખી તો નથી જ કરતા. આ સુખીઓ પોતાની આસપાસના લોકોને પણ દુઃખમાંથી બહાર કાઢતા હોય છે, લોકોનું દુઃખ ઘટાડતા હોય છે. તેમને જોઈને દુખી લોકોને પણ પોતાનું દુઃખ હળવું કરવાનું દિલ થાય છે. દુઃખની જેમ સુખનો પણ એક સ્વભાવ હોય છે, તેને પણ પોતાને યાદ કરનાર, સાચવનાર, સમજનાર, લાડ-પ્રેમ કરનાર માણસો વધુ ગમે છે. તેનો ગેરલાભ ન ઉઠાવનાર, તેમાં છકી ન જનાર, સુખમાં ઘેલા ન થઈ જનાર અને પોતાના સુખને બીજાઓ સાથે વહેંચનાર લોકો વિશેષ પસંદ પડે છે. તેથી જ સુખ તેમની પાસે રહ્યા કરે છે અને આમ પણ આવા સકારાત્મક માણસો દુઃખમાં પણ સુખ તો ઊભું કરી જ લેતા હોય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

jayesh chitalia columnists