તમે કોઈને સાચવી લેશો તો આ જ કામ કોઈ તમારે માટે કરશે

07 August, 2020 05:31 PM IST  |  Mumbai | Manoj Joshi

તમે કોઈને સાચવી લેશો તો આ જ કામ કોઈ તમારે માટે કરશે

પ્રતીકાત્મક તસવીર

સારા દિવસોમાં સદ્કાર્ય કરવાં જોઈએ એવું આપણને કહેવામાં આવતું રહ્યું છે, પણ કોઈએ એમ કેમ નથી કહ્યું કે સદ્કાર્ય કરીને દરેક દિવસને સારો દિવસ બનાવી શકાય છે. સદ્કાર્યની આ ખા‌‌સ‌‌ખા‌સિયત છે, એ કોઈ પણ દિવસને, કોઈ પણ ક્ષણને ખુશીથી ભરવાનું કામ કરે છે. તમે રસ્તા પર નીકળ્યા હો અને અચાનક કોઈના ચહેરા પર તમે સ્માઇલ આપવાનું કામ કરી દો તો પણ તમને ખુશી મળ્યાનો આનંદ થશે. ખુશી કોઈ ચીજવસ્તુમાં નથી હોતી, ખુશી કોઈ જરૂરિયાત પૂરી થવાથી પણ નથી મળતી અને ખુશી જ જીવનનું સર્વશ્રેષ્ઠ સદ્કર્મ છે. કોઈના ચહેરા પર આવેલું સ્મિત, કોઈના ચહેરા પર આવેલી રાહત, કોઈની આંખોમાં પ્રસરેલી માયૂસી અને તમારા કારણે એ માયૂસીમાં આવેલો ઘટાડો. મારી નજરે જો કોઈ શ્રેષ્ઠ સદ્કાર્ય હોય તો એ આ છે.
માનવજીવનને બહેતર બનાવવાની કરવામાં આવેલી કોશિશ ક્યારેય એળે નથી જતી. પ્રયાસ કરો કે કોઈ એક બાળકને તમે ભણાવી શકો. તમારે બીજી કોઈ હેલ્પ કરવાની નથી, માત્ર એક બાળકને તમે એજ્યુકેશનલ બુક્સ અપાવી દો. એક વ્યક્તિને, માત્ર એક વ્યક્તિને જરૂ‌‌‌‌‌રિયાત મુજબની દવાઓ અપાવી દો, એક જ વ્યક્તિને અને એ પણ જરૂરિયાતવાળી વ્યક્તિને. ઈશ્વર પાસે પ્રાર્થના કરવી પડે છે, પણ કરવામાં આવેલું સદ્કાર્ય તો સીધું ઈશ્વર પાસે જઈને રજૂઆત કરવાનું કામ કરનારું છે. એક વ્યક્તિની માત્ર, એક જ વ્યક્તિના પરિવારની કોઈ એક જરૂરિયાતને સાચવી લેવાની કોશિશ કરજો. સાહેબ, જે લાગણી મળશે એ લાગણી જીવનનાં તમામ પુણ્યથી પણ વધારે અસરકારક અને મીઠી લાગશે. જો તમે મંદિરે નહીં જઈ શકો તો ચાલશે, જો તમે પૂજા નહીં કરી શકો તો ચાલશે, ભગવાન પણ કોઈ વિરોધ નહીં નોંધાવે, પણ શરત માત્ર એટલી જ કે ભગવાને જ બનાવેલા અને કર્મની નિધિ સાથે તકલીફમાં મુકાયેલાં ભગવાનનાં જ સંતાનોની તકલીફો દૂર કરવા માટે આંખ-કાન ખુલ્લાં રાખજો. એ ખુલ્લાં હશે તો ઈશ્વર પણ તમારી તકલીફો સામે પોતાનાં આંખ-કાન ખુલ્લાં રાખશે. જો કોઈએ તમારી પાસે માગવું નહીં પડે તો તમારે ભગવાન પાસે માગવા જવું નહીં પડે. જો તમે કોઈની જરૂરિયાતને સમજી જશો તો ઈશ્વર પણ તમારી જરૂરિયાતને પૂછ્યા વિના સમજી લેવાનું અને એ પૂરી કરવાનું કામ કરી લેશે અને આ જ દુનિયાનો દસ્તૂર છે. જે સ્થાન પર તમે છો એ સ્થાનથી નીચેના સ્થાનને તમે સાચવી લેશો તો તમારી ઉપરના સ્થાને રહેલી વ્યક્તિ તમારી જરૂરિયાત, તમારી અનિવાર્યતા અને તમારી મુશ્કેલીને સાચવી લેશે. જો તમારી નીચેની વ્યક્તિને, પછી એ ઑફિસ હોય કે સોસાયટી, પણ જો તમે તમારી નીચેની વ્યક્તિને ટકાવી રાખવાની જહેમત ઉઠાવશો તો તમારાથી એક ડગલું આગળ રહેનારી વ્યક્તિ પણ સવિનયપણે પાછળ જોશે અને તમને ટકાવી રાખવાની કે પછી તમને ઉગારી લેવાની કોશિશ કરશે.
ગૅરન્ટી, કોઈ શક નહીં અને કોઈ જાતનો સંદેહ નહીં.માનવામાં ન આવતું હોય તો એક વાર પ્રયાસ કરજો. પ્રયાસ કરશો તો તમને પણ અનુભવ થઈ જશે કે પાછળ ફરીને એક વાર જોવું જોઈએ, જાણવું જોઈએ, તેને તકલીફ તો નથીને.

manoj joshi columnists