સમાજ કૃત્યને પાપ નહીં, પણ પકડાવાની પ્રક્રિયાને પાપ માને છે

06 December, 2021 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે કહ્યું એમ, સંસ્કૃતિ બચાવવાની લાયમાં પડતાં પહેલાં વિચારો બદલવાની માનસિકતા કેળવવી જોઈએ. સંસ્કૃતિ બચાવવા માટે મથવા કરતાં એને સાચી દિશામાં વાળીને બદલવાનો પ્રયાસ થવો જોઈએ.

તસવીરઃ મિડ-ડે લોગો

ગઈ કાલે કહ્યું એમ, સંસ્કૃતિ બચાવવાની લાયમાં પડતાં પહેલાં વિચારો બદલવાની માનસિકતા કેળવવી જોઈએ. સંસ્કૃતિ બચાવવા માટે મથવા કરતાં એને સાચી દિશામાં વાળીને બદલવાનો પ્રયાસ થવો જોઈએ.
ગઈ કાલે જે કન્યાની આપણે વાત કરતા હતા તેની સ્થિતિને, કુદરતને, કુદરતી વ્યવસ્થાને લોકોએ સમજવાનો પ્રયાસ કર્યો હોત કે પછી તેના પિતા સાચી રીતે સમજી શક્યા હોત તો તેને યોગ્ય પાત્ર સાથે પરણાવી દીધી હોત અને જો એવું બન્યું હોત તો તે એક આદર્શ પત્ની, માતા, પુત્રી કે બહેન બની હોત, પણ ભ્રાંતિભર્યા મિથ્યા આદર્શોએ તેને ગૂંગળાવી, તેના પ્રત્યેક માર્ગને અવરોધ્યો અને અવરોધાયેલા વેગે ગાબડું પાડ્યું. આ ગાબડાનો કોઈ બચાવ ન હોય. એ સારું નહોતું, પણ એમ થવામાં તે પોતે એટલી દોષી નથી જેટલા દોષી પેલા અવરોધકો છે. અવરોધકોને પણ શું દોષ દઈએ? તેમના મસ્તિષ્કમાં ધર્મ અને સંસ્કૃતિના નામે વિકૃત ભ્રાંતિ ભરનારાઓ દોષી છે. આજે પણ હું પેલી કન્યાનો, ગળું દબાવવાથી જીભ બહાર નીકળી ગયેલો, ફાટી ગયેલી આંખોવાળો 
અને તણાઈ ગયેલી નસોવાળો ધ્રુજારી ઉપજાવનારો ચહેરો જોઉં છું અને નિસાસો નાખું છું. ફૂલ જેવા ખીલેલા અને લાડકોડથી ઉછેરીને મોટા કરેલા આવા હજાર ચહેરાઓ આપણે રગદોળી નાખ્યા છે. કેટલાંક સ્થળોએ તો પહેલાં અને આજે પણ કલંકિત સ્ત્રી-પુરુષોને પથ્થર મારીને મારી નાખવામાં આવે છે. એ પથ્થર મારનારા ધર્મરક્ષક (!!!) હાથોને ફાઇવસ્ટાર હોટેલોમાં ધર્માતીત દશામાં જોઈ જાઓ તો નવાઈ ન પામતા. 
મેં અગાઉ કહ્યું હતું અને આજે ફરીથી કહું છું કે આપણે પાપને પાપ નથી માનતા, પકડાઈ જવાને પાપ માનીએ છીએ. પકડાઈ જનારને સૌથી વધુ દંડ તો ન પકડાઈ જનારો પાપાત્મા જ દેતો હોય છે, કારણ કે તેને પોતાની ચુસ્ત ધાર્મિકતા બતાવવાનો અભરખો હોય છે. જુઓ, પથ્થર મારતા પેલા ટોળાને જુઓ, સૌથી વધુ ઊંચા હાથ કરી બૂમ પાડતા પેલા માણસને જુઓ. ઓળખો છોને તેને! તે આ ગામનો સૌથી મોટો કુકર્મી છે. કદાચ એટલે જ તે વધુ જોરથી પથ્થર મારી રહ્યો છે. પેલી તરફ જુઓ, હજારો અહલ્યાઓનો ઉદ્ધાર કરનાર શ્રીરામ છે. તેમણે કદી કોઈને પથ્થર માર્યા નથી, તેમની આંખોમાં કરુણા છે, માનવતા છે, પતિત મનાયેલાનો તેઓ ઉદ્ધાર કરે છે. તેમને નવું અને તાજગીભર્યું જીવન આપે છે અને એટલે જ તો તે ‘પતિત-પાવન સીતારામ’ કહેવાય છે. 
પતિત-પાવન સીતારામ.
જરૂર છે એક એવા રામની જે દૂર નહીં તો પાસેના વાતાવરણમાં પતિત મનાયેલાઓનો ઉદ્ધાર કરે અને પતિતને નવું અને તાજગીભર્યું જીવન આપે. તિરસ્કૃત થઈને જીવન જીવનારી સ્ત્રીઓને એની તાતી જરૂર છે.

swami sachchidananda columnists