આ તો છે જ ખરાબ માણસ! મને પહેલેથી ખબર હતી!, સત્ય અને હકીકતની ઐસી કી તૈસી

18 February, 2021 11:09 AM IST  |  Mumbai | Jayesh Chitalia

આ તો છે જ ખરાબ માણસ! મને પહેલેથી ખબર હતી!, સત્ય અને હકીકતની ઐસી કી તૈસી

ફાઈલ તસવીર

એક દિવસ ચારેક મિત્રો બેઠા હતા. ત્યાં પાંચમો મિત્ર આવ્યો અને પોતાની એક પરિચિત વ્યક્તિ વિશે જથ્થાબંધ ટીકા કરવા લાગ્યો. તે વ્યક્તિ માટે અપશબ્દો સુધ્ધાં બોલવા લાગ્યો કે એ વ્યક્તિ ખોટાં કામ કરે છે, બધાને છેતરે છે, એક નંબરની જુઠ્ઠાડી વ્યક્તિ છે. પેલા ચાર મિત્રો તો એ વ્યક્તિને જાણતા પણ નહોતા, એ વ્યક્તિને જોઈ પણ નહોતી. એમ છતાં મિત્રની એ નિંદાત્મક વાતો પર એ બધાએ કોઈ સવાલ ઉઠાવ્યો નહીં અને બધું ચૂપચાપ સાંભળતા રહ્યા. અલબત્ત, આમાંથી એકાદ જણે મિત્રની વાતમાં સુર પણ પુરાવ્યો, જ્યારે કે તે પોતે એ વ્યક્તિ વિશે કંઈ જાણતો નહોતો. આમ છતાં એક મિત્રે કહ્યું કે કેવો ખરાબ માણસ છે તે! થોડી વાર પછી આમાંના બધા એ મિત્રની વાતને માનવા લાગ્યા. આમાંથી કોઈ સત્ય કે હકીકત જાણતા નહોતા તો પણ આ બધાએ એ મિત્રની પેલી વ્યક્તિ વિશેની નિંદાની વાતોને માની લીધી અને એમાં સમર્થન પણ આપવા લાગ્યા.

એ જ રીતે એક દિવસ કેટલાક મિત્રો ગપ્પાં મારતા બેઠા હતા ત્યારે તેમના એક પરિચિત ભાઈ આવ્યા અને પોતાના એક મિત્ર વિશે સતત સારી-સારી વાતો કરવા લાગ્યા. તેની પ્રામાણિકતા, સચ્ચાઈ, માનવતા અને આનંદના પ્રસંગો કહેવા લાગ્યા. બધા મિત્રો આ વાતો સાંભળતા રહ્યા. થોડી વાર બાદ આમાંથી એક-બે જણને શંકા ગઈ કે શું ખરેખર આવી વ્યક્તિ પણ હોઈ શકે? તેમને સૌને થયું કે આ મિત્ર જરા વધુ પડતું જ કહી રહ્યો છે, અતિ ભાવુક બનીને કે પછી વધુ પડતો લાગણીશીલ બનીને વાત કરી રહ્યો છે. મિત્ર જેની વાત કરી રહ્યો હતો તેને આ લોકો જરાય જાણતા નહોતા, તે વ્યક્તિને જોઈ પણ નહોતી. એમ છતાં એ લોકો તેના વિશેની વાત પૂર્ણપણે માની લેવા તૈયાર નહોતા. તેમને આ વ્યક્તિ વિશે સવાલો થવા લાગ્યા, સંદેહ ઊભા થતા ગયા.

જે મિત્ર પાસેથી બીજી વ્યક્તિની ટીકાત્મક વાતો સાંભળી ત્યારે એ લોકોએ એ બધી વાત માની લીધી હતી, પરંતુ જે મિત્ર બીજી વ્યક્તિના સારાપણા વિશે વાત કરતો હતો ત્યારે લોકો એ વાતને માની લેવાને બદલે શંકા અને સવાલ કરતા રહ્યા.

અહંકાર અને ઈર્ષ્યા

બીજા વિશે સારું સાંભળવા કે વાંચવા મળે તો આપણને શંકા જાય છે કે હેં! આમ કંઈ હોતું હશે? સવાલ પણ થાય છે. જોકે એ જ માણસ માટે ખરાબ સાંભળવા-વાંચવા મળે કે આપણે તરત જ માની લઈએ છીએ કે તે તો હતો જ આવો, મને તો તેના પર પહેલેથી ડાઉટ હતો. કોઈની સારી વાત સામે આપણને કેમ શંકા થયા કરે છે અને ખરાબ વાત કેમ તરત માની લેવાય છે? કેમ કોઈ ક્રૉસ ચેક તો શું, સાદી જાણકારી મેળવવાની પણ કોશિશ કરતા નથી આપણે? આ બાબતનાં બે જ કારણ હોઈ શકે : એક, આપણી અંદર રહેલો અહંકારભાવ અને બીજો ઈર્ષ્યાભાવ. આવી માનસિકતાને લીધે આપણે અને આપણા જેવાઓનો આખો સમાજ બીજી વ્યક્તિને કેટલી હદ સુધી અન્યાય કરતો રહે છે એનો આપણને અંદાજ પણ હોતો નથી.

પ્રખ્યાત હસ્તીઓની વાત જ નિરાળી

ફિલ્મી કે સેલિબ્રિટીઝ વિશેની ગૉસિપની દુનિયા પણ આમ જ ચાલે છે. તેમના વિશે કોઈ પણ એલોઘેલો માણસ કંઈ પણ બફાટ કરી દે, ટિપ્પણી કરી દે, ટીકા કરે અથવા ગમે તેવાં નિવેદનો કર્યા કરતો રહે છે. આજકાલ તો સોશ્યલ મીડિયા હાથવગું અને સરળ સાધન બની ગયું છે. આમ પણ આ સેલિબ્રિટીઝ ક્યાં કોઈને સ્પષ્ટતા કરવા જવાની છે યા કોઈ સામાન્ય માણસ સાથે ઝઘડવા જવાની છે. વાત માત્ર મોટી હસ્તીઓ સુધી સીમિત રહેતી નથી; બલ્કે આપણાં સગાં-સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ, પરિચિતોમાં પણ આવું જ ચાલતું હોય છે. આપણે યા તેઓ કોઈની નિંદા કરે અથવા કોઈના વિશે ખરાબ વાત કરે, કોઈને અન્યાય થતો હોય એવી વાત કરે અને તેના સત્ય વિશે આપણે જરાય જાણતા ન હોઈએ એમ છતાં એ આપણે માની લેતા ખચકાતા નથી, વિચારતા પણ નથી. બીજી બાજુ કોઈ વ્યક્તિનાં સારાં ગુણગાન ગવાય, પ્રશંસા થાય, સરાહના થાય તો આપણને સવાલ-શંકા થયા કરે છે. આપણે તરત એ વાત માની લેતા નથી. જોકે આપણા પોતાના માટે પણ બીજાઓમાં આવું જ થાય છે. આપણે બધાએ ભેગા મળીને સમાજની માનસિકતા જ એવી કરી નાખી છે કે કોઈના વિશે બૂરું સાંભળવા મળે તો એ વ્યક્તિ વિશેનું સત્ય કે હકીકત જાણ્યા વિના તેને વિલન માની લેવાની અને કોઈ વ્યક્તિ વિશે સારું સાંભળવા મળે તો પણ હકીકત સમજ્યા-જાણ્યા વિના તેની સામે સવાલ ઊભા કરવાના. એમાં પણ જાણીતી-મોટી હસ્તીઓની ટીકા તો આપણે તરત જ માની લઈએ છીએ.

છીંડે ચડે તે ચોર

અખબારમાં કોઈના વિશે નેગેટિવ સમાચાર આવે એટલે આપણે તે વ્યક્તિને ખરાબ માનવા માંડીએ છીએ. છીંડે ચડે તે ચોર. જ્યારે પછીથી એવી વ્યક્તિ નિર્દોષ સાબિત થાય તો પણ આપણા મનમાં તે વ્યક્તિ વિશે નેગેટિવ ભાવ જ બંધાઈ જાય છે. તેની નિર્દોષતાની આપણે તો ઉપેક્ષા અને શંકા પણ કરીએ છીએ. કોઈ વ્યક્તિ સામે રેપ અથવા વિનયભંગના કે પછી કોઈ કૌભાંડના આક્ષેપ થાય એટલે ન્યાયાધીશ ચુકાદો આપે એ પહેલાં આપણે જ ચુકાદો આપી દઈએ છીએ કે તે તો આવો જ હતો કે આવો જ છે. આ બાબત સ્ત્રી યા પુરુષ દરેકને સમાન રીતે લાગુ પડે છે. આપણાં કોઈ ધોરણો જ નથી. આપણા ભીતરની નકારાત્મકતા, આપણી ભીતરના દ્વેષભાવ, ઈર્ષ્યાભાવ અને અહંકારભાવ આપણી માનસિકતાને આ જ રીતે પંપાળે છે. પરિણામે એ સામાજિક બની જાય છે, કારણ કે કોઈના વિશે બૂરું કે ટીકાત્મક બોલવાનું આવે ત્યારે આપણે રેડિયો અને ટેલિવિઝન બની જઈએ છીએ, ફેસબુક અને વૉટ્સઍપ બની જઈએ છીએ અને માની લઈને ફૉર્વર્ડ પણ કરવા (અર્થાત્ એનો પ્રસાર પણ કરવા) લાગીએ છીએ. જ્યારે કોઈના વિશે સારું સાંભળવા-જાણવા મળે તો આપણે ગુપ્તચર જેવા બની જઈએ છીએ. બધું મનમાં રાખી મૂકીએ છીએ અને વખાણ પણ કરીએ તો ‘શોલે’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન બસંતીનું માગું પોતાના મિત્ર ધર્મેન્દ્ર માટે બસંતી (હેમા માલિની)ની મૌસી પાસે માગવા જાય છે ત્યારે જે રીતે કરે છે એ રીતે કરીએ છીએ. ઘણી વાર તો આપણને આપણાથી વધુ કોઈ સારો-સાચો માણસ લાગતો પણ નથી. આપણા સંબંધો પણ આમ જ ચાલે છે. આપણા વિશે કોઈ સારી વાતો કરે તો આપણે માની લઈએ છીએ, રાજી પણ થઈએ છીએ; પરંતુ જો આપણી ટીકા થાય તો આપણે માનવા તૈયાર થતા નથી. આપણે એનો વિરોધ પણ કરીએ છીએ. એટલું જ નહીં, આપણે આપણી નિંદા કરવાવાળાને જ ખરાબ અને ખોટો માણસ માનવા લાગીએ છીએ. આ માનસિકતા વિશે આપણે જાત સાથે વાત કરવાની અને સુધરવાની જરૂર છે. દુનિયા સુધરે કે ન સુધરે, આપણે પોતે તો સુધરીએ.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

તેઓ કોઈની નિંદા કરે અથવા કોઈના વિશે ખરાબ વાત કરે, કોઈને અન્યાય થતો હોય એવી વાત કરે અને તેના સત્ય વિશે આપણે જરાય જાણતા ન હોઈએ એમ છતાં એ આપણે માની લેતા ખચકાતા નથી, વિચારતા પણ નથી. બીજી બાજુ કોઈ વ્યક્તિનાં સારાં ગુણગાન ગવાય, પ્રશંસા થાય, સરાહના થાય તો આપણને સવાલ-શંકા થયા કરે છે. આપણે તરત એ વાત માની લેતા નથી.

columnists jayesh chitalia