રાજીનામાં કે ના-રાજીનામાં પાછળનાં કારણો કેટલાં સાચાં?

09 July, 2019 11:25 AM IST  |  મુંબઈ ડેસ્ક | તરુ કજારિયા - સોશ્યલ સાયન્સ

રાજીનામાં કે ના-રાજીનામાં પાછળનાં કારણો કેટલાં સાચાં?

રાજીનામાં કે નારાજીનામાં

સોશ્યલ સાયન્સ 

ગયા અઠવાડિયે આપણે ત્યાં રાજીનામાની હૅટ-ટ્રિક થઈ ગઈ. રાજકીય, ખેલજગત અને બૉલીવુડ જેવાં ત્રણ લોકપ્રિય ક્ષેત્રોમાંથી ત્રણ વ્યક્તિઓનાં રાજીનામાંના ખબર આવ્યા. એના વિશે વાત કરતાં પહેલાં થોડીક વાત આ શબ્દ ‘રાજીનામું’ વિશે. આ શબ્દમાં જ રાજી એટલે કે ખુશીથી રાજી થઈને લખાયેલું હોય એવો અર્થ સમાયેલો છે, પરંતુ વાસ્તવિક જિંદગીમાં બધાં જ રાજીનામાં કંઈ ખુશીથી લખાતાં નથી હોતાં. ખેર, પેલાં ત્રણ નામો તરફ જઈએ તો કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આખરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. બીજું, અંબાતી રાયુડુ નામના યુવાન ક્રિકેટરે ક્રિકેટ છોડવાની જાહેરાત કરી છે અને ત્રીજું નામ છે ઝાયરા વસીમનું. ‘દંગલ અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફિલ્મોની મીઠડી હિરોઇન અને નૅશનલ અવૉર્ડ વિજેતા ઝાયરા વસીમે બૉલીવુડને ગુડબાય કરી દીધું છે.

આમાં પહેલું (રાહુલ ગાંધીનું) રાજીનામું તો ઓછે વધતે અંશે અપેક્ષિત હતું. એની પાછળ પોતાની કામગીરીની નિષ્ફળતા છે તો બીજા (અંબાતી રાયુડુના) સંન્યાસ પાછળ ભારતીય ક્રિકેટ બોર્ડના સિલેક્ટર્સ દ્વારા આ વર્લ્ડ કપમાં રાયુડુની કરાયેલી સરેઆમ ઉપેક્ષા જવાબદાર છે. અને એ દૃષ્ટિએ અમુક અંશે એ નારાજીનામું છે. પરંતુ ત્રીજું (ઝાયરા વસીમનું) એટલે કે ઝાયરા વસીમનો બૉલીવુડને તિલાંજલિ આપવાનો નિર્ણય તદ્દન અનપેક્ષિત અને આંચકો આપનારો છે. સફળતા, પ્રશંસા, પ્રસિદ્ધિ આ બધું કોને ન ગમે? તેમાંય નાની ઉંમરે તમે તમારા કોઈ કામ, કસબ કે પ્રતિભાને કારણે એ બધું કમાઈ શક્યા હો તો-તો તમને એ અતિ વહાલું હોય. ખુદ તમે તો વધુ ઉજ્જવળ ભાવિનાં સપનાંમાં રાચતા હો. તમારા પેરન્ટ્સ, પરિવાર, સ્વજનો, મિત્રો, શિક્ષકો અને આસપાસના લોકો પણ તમારા પર મોટી આશા બાંધી બેઠા હોય. કહોને, તમારી મોટી છલાંગ માટેનો તખ્તો પૂરેપૂરો ગોઠવાઈ ગયો હોય. અને! અને એવામાં અચાનક તમે કહી દો કે હું આ ક્ષેત્ર છોડી દઉં છું, તો શું થાય? હજારો આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય અને અને હોઠ આઘાતથી ખુલ્લા રહી જાયને? આ જ કારણસર ઝાયરાના નિર્ણય વિશે સવાલો અને ચર્ચાનો વંટોળ ઊઠ્યો છે.

ઝાયરાએ બૉલીવુડ છોડવાનો પોતાનો નિર્ણય ટ્વિટર પર જાહેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે હમણાં ઘણા સમયથી તેને લાગ્યા કરતું હતું કે તે કોઈ બીજી વ્યક્તિ બનવા ધમપછાડા મારી રહી છે. એ માટે જ તે પોતાનો સમય, મહેનત અને લાગણીઓ ખર્ચી રહી છે. નવી જીવનશૈલીમાં સેટ થવાનાં હવાતિયાં મારી રહી છે. છેલ્લા થોડા વખતથી ઝાયરા એ બધું સમજવાના પ્રયત્નો કરી રહી હતી. અને તેને સમજાયું કે આ ક્ષેત્રમાં હું ચોક્કસ પૂર્ણપણે ગોઠવાઈ શકું એમ છું, પરંતુ સાથે જ તેને એ પણ પ્રતીતિ થઈ કે તે આ માહોલની નથી. ઝાયરા કહે છે કે બૉલીવુડની આ કારકિર્દીએ મને અઢળક પ્રેમ, સહકાર અને તાળીઓ બક્ષ્યાં છે; પરંતુ એ સાથે જ તેણે મને જડતાના પંથે પણ ચડાવી દીધી છે. કેમ કે અજાણપણે ચૂપચાપ તેણે મને મારી આસ્થાથી (ઈમાનથી) વંચિત કરી દીધી હતી! મારી આસ્થામાં સતત દખલઅંદાજી કરતા વાતાવરણમાં કામ કરતાં-કરતાં મારો મારા ધર્મ સાથેનો સંબંધ પણ જોખમાઈ રહ્યો હતો! ઝાયરાની વાત છેલ્લે સુધી સાંભળ્યા બાદ ઘણા લોકોની પ્રતિક્રિયા હતી કે ‘હમ્મ્મમ્મ્મ્મ સમજાઈ ગયું!’ તેમને જે સમજાયું છે તે એ કે ઝાયરાના આ નિર્ણય પાછળ કોઈ ધાર્મિક સત્તાનો દબાણ કે પ્રભાવ દેખાય છે! એ શક્યતા નકારી શકાતી નથી, કેમ કે કાશ્મીરની આ કિશોરી પર અગાઉ તેના સમાજના રૂઢિચુસ્ત ધર્મગુરુઓ દ્વારા વિરોધની ટકોર અને ટિપ્પણીઓ વરસ્યાના સમાચાર હતા. આનો અર્થ એ થયો કે ઝાયરાએ લખી છે એ મથામણ કદાચ તેણે એ દબાણને કારણે અનુભવી હોય.

સોળ-સત્તર વર્ષની એક કિશોરી જિંદગીમાં સફળતા, પ્રસિદ્ધિ અને લોકપ્રિયતામાં મહાલતી હોય અને બીજી બાજુથી તેને સમાજની કોઈ વગદાર વ્યક્તિ કહ્યા કરે કે તું જે કરી રહી છે એ યોગ્ય નથી, તેના પરિવારને પણ તેને કારણે સામાજિક ટીકાનો શિકાર બનવું પડે તો એ પેલી કિશોરી માટે કેટલી તનાવપૂર્ણ અને અસમંજસની પરિસ્થિતિ હોઈ શકે! શક્ય છે કે ઝાયરાએ આવી સ્થિતિમાં બૉલીવુડની કારકિર્દીને ગુડબાય કહી દેવાનું નક્કી કર્યું હોય.

પરંતુ એવું કોઈ બાહ્ય દબાણ ન હોય અને ખરેખર જ ઝાયરાએ પોતે લખી છે એવી કશ્મકશ અનુભવી હોય તો? તો એ બાબતે આટલો હોબાળો જરૂરી છે? એકવીસમી સદીની અઢાર વરસની એક છોકરી પોતાની પસંદ કરેલી એક કારકિર્દીમાં પોતીકાપણું ન અનુભવતી હોય અને એ છોડીને કંઈક બીજું કરવા માગતી હોય એ શું શક્ય નથી? કેટલાય યંગસ્ટર્સની પસંદ બદલાય અને તેઓ પોતે હોય એ વ્યવસાય કે ફીલ્ડ છોડીને બીજા કોઈ ક્ષેત્રમાં ઝંપલાવે છે એમ જ ઝાયરાના કિસ્સામાં પણ બની શકેને!

આ પણ વાંચો : કાયદાનો દુરુપયોગ થતો હોય ત્યારે એની સામે કવચની જોગવાઈ પણ જરૂરી

એમ તો તાજેતરનાં વરસોમાં કેટલાંક યંગ, બ્રાઇટ યુવાન-યુવતીઓએ પોતાની ઝળહળતી કારકિર્દી અને કોઈને ઈર્ષ્યા આવે એવી સુખસુવિધાથી ભરપૂર લાઇફ-સ્ટાઇલ છોડીને ત્યાગ અને સંયમનો આકરો માર્ગ અપનાવતાં આપણે જોયાં છે. યાદ કરો છેલ્લા એકાદ વર્ષમાં કેટલા સફળ સીએ, એમબીએ, બિઝનેસમૅન, સ્પોર્ટ્સ પર્સન્સ કે દુન્યવી દૃષ્ટિએ પૂરેપૂરા સુખી સંપન્ન લોકોની તસવીરો જોઈ છે જેમણે સંસાર ત્યાગીને દીક્ષા લીધી છે! ઘણી વાર મન થયું છે કે એ વ્યક્તિઓના મનમાં ડોકિયું કરીને જોઉં કે એવી કઈ ચીજ છે, કયો ધક્કો છે જેણે તેમને એવો નિર્ણય કરવા પ્રેર્યા છે! સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં પારિવારિક સંસ્કારો અને વાતાવરણની પ્રબળ અસર હોય છે. પરંતુ આવા મહત્ત્વના નિર્ણયો વ્યક્તિ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી તમામ વિકલ્પોને ચકાસ્યા વિના અને દૃઢ પ્રતીતિ વગર લે છે ત્યારે એ લાંબા સમય સુધી ટકી શકતા નથી. ઝાયરાના કિસ્સામાં પણ આ નિર્ણય તેનો છે કે દબાણ હેઠળનું નારાજીનામું છે એ ખબર પડી જશે. પરંતુ આ બધી ચર્ચા કર્યા પછી પણ હું વ્યક્તિની પસંદગીનો આદર કરવાના મતની છું. પેલા દીક્ષાર્થીઓના કિસ્સાઓમાં પણ મારું મન એ જ દલીલ કરે છે કે તે લોકોને જે દેખાઈ કે સમજાઈ ગયું હોય એ આપણે જોઈ કે સમજી ન શકતા હોઈએ એ પણ શક્ય છેને!

columnists