લક્ષ્ય અકબંધ અને નિર્ધાર અડગ હોય તો બધું જ શક્ય છે

18 June, 2019 12:00 PM IST  |  | તરુ કજારિયા - સોશ્યલ સાયન્સ

લક્ષ્ય અકબંધ અને નિર્ધાર અડગ હોય તો બધું જ શક્ય છે

સંતોષ

સોશ્યલ સાયન્સ

પોતાની પરિસ્થિતિથી તંગ આવીને એક દલિત યુવતીએ જિંદગીના ખેલમાં પત્તાં નાખી દીધાં એ વિશે ગયા અઠવાડિયે લખતી હતી ત્યારે કેટલાક તેનાથી વિપરીત કિસ્સા યાદ આવતા હતા. એ કિસ્સાઓમાં પણ સંજોગો કપરા અને પરિસ્થિતિ વિષમ હતી, પરંતુ વ્યક્તિનું લક્ષ્ય અકબંધ હતું અને ત્યાં સુધી પહોંચવા માટેનો નિર્ધાર અડગ હતો. આવો જ સંઘર્ષ અને સફળતાનો એક કિસ્સો આજે છેડવો છે.

લાતુર જિલ્લાના હરેગાંવ ગામમાં રહેતો એક ગરીબ પરિવાર નોકરીની આશામાં મુંબઈ આવે છે. દાદરની એક ચાલમાં રહીને કામ માટેનો સંઘર્ષ શરૂ થાય છે પણ મોહમયી નગરી મચક આપતી નથી. આખરે થાકીને એ પરિવાર પુણેના પિમ્પરી-ચિંચવડ ભેગો થઈ જાય છે. વિદ્યાનગરની ઝૂંપડપટ્ટીમાં એક ખોલીમાં રહે છે. તેર-ચૌદ વરસનો દીકરો સંતોષ બાગકામ અને દરવાનનું કામ કરીને બે પૈસા કમાઈ લેતો, પરંતુ દારૂડિયો બાપ બેજવાબદાર હતો. ઘર-બાળકોને મૂકીને ચાલ્યો ગયો. અને નવમા ધોરણમાં ભણતા સંતોષને સ્કૂલ છોડવી પડી, પરંતુ તેણે અભ્યાસ ન છોડ્યો.

તેણે રાત્રિશાળામાં પ્રવેશ લઈ લીધો. સંતોષને સંગીતમાં પણ ખૂબ રસ હતો. ઘરની આવી કપરી સ્થિતિમાં પણ એ પંડિત આપ્પાસાહેબ જલગાંવકર પાસે હાર્મોનિયમ શીખવા જતો. એક વાર રમણબાગમાં સવાઈ ગાંધર્વ ભીમસેન મહોત્સવ હતો. સંગીતના ખેરખાંઓને પર્ફોર્મ કરતા જોવા અને સાંભળવાનું તેને બહુ જ મન થઈ આવ્યું. ટિકિટના પૈસા તો હતા નહીં, પણ એ હૉલના દરવાજા પાસે પહોંચી ગયો. કેટલાક લોકો હૉલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એ અંદર ઘૂસી ગયેલો. તેને જોવું હતું આવા જલસા કેવા હોય?

કટ ટુ ૨૦૧૫

એ જ રમણબાગ હૉલમાં, એ જ સવાઈ ગાંધર્વ મહોત્સવમાં એક યુવાન કલાકાર પર્ફોર્મ કરી રહ્યો હતો. હાર્મોનિયમ પર ફરતી તેની આંગળીઓ જે મધુર સૂર રેલાવતી હતી તેને મંત્રમુગ્ધ બનીને શ્રોતાઓ સાંભળી રહ્યા હતા! તેની બંધ આંખો સામે વરસો પહેલાં સભાખંડમાં ઘૂસી આવેલા એક કિશોરની છબિ ઊપસતી હતી. હા, એ કલાકાર સંતોષ ઘંટે જ હતો. કથ્થક નૃત્યગુરુ પંડિત બિરજુ મહારાજ જેવા ખેરખાંઓના પર્ફોર્મન્સ સાથે સંતોષ હાર્મોનિયમ વગાડી ચૂક્યો છે. આ કઈ રીતે શક્ય બન્યું? છેલ્લાં પાંચ વર્ષથી યુરોપના દેશોમાં હાર્મોનિયમવાદન રજૂ કરતા સંતોષ ઘંટેનો જવાબ છે: નિર્ધાર. તમે તમારા મનમાં જે કરવાનો નિર્ધાર કરી લો પછી એ કામ ગમે એટલું અઘરું હોય તો પણ તમે એ કરીને જ રહેશો.’ વાસ્તવિક જિંદગીની અડચણો અને પડકારો છતાં સંતોષે પોતાના દિલમાં પ્રગટેલી સંગીતની એ ચિનગારીને બિલકુલ બુઝાવા નહોતી દીધી. આજે સંતોષની ગણના એક સફળ ક્લાકાર તરીકે થાય છે. પિમ્પરીનો કિશોર આજે ઇટલી, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ ઇત્યાદિ દેશોમાં પફોર્મ કરી રહ્યો છે. એટલું જ નહીં, વિદેશી કલાકારો અને વાદ્યજૂથો સાથે એણે જાઝ સંગીતના કાર્યક્રમોમાં પણ પર્ફોર્મ કર્યું છે. સંતોષ હાર્મોનિયમને દુનિયાભરમાં પ્રચલિત કરી રહ્યો છે, વિદેશી કલાકારો અને ભાવકો આ ભારતીય વાદ્યના પ્રેમમાં પડી રહ્યા છે. સંતોષને પોતાના પ્રિય વાદ્ય હાર્મોનિયમને સંગીતમાં સ્વતંત્ર દરજ્જો અપાવવાની હોંશ છે. આપણે જોયું છે કે મોટા ભાગના સંગીતના જલસામાં હાર્મોનિયમની હાજરી હોય, કંઠ્યસંગીત રજૂ કરનાર કલાકારની સાથે તો હાર્મોનિયમ અભિન્નપણે જોડાયેલું જ હોય. તેના સૂર ગાયકની ગાયકીને અને એ કલાકારના પર્ફોર્મન્સને નિખારે છે, પરંતુ સિતાર, વાંસળી, સંતૂર, ગિટાર કે તબલાંવાદનના કાર્યક્રમો થાય છે એમ હાર્મોનિયમવાદનના કાર્યક્રમો કદી નથી થતા. સંતોષ ઘંટે હાર્મોનિયમવાદનના સોલો કાર્યક્રમો યોજવા આતુર છે. તાજેતરમાં જ ઇટલીના બોલાગ્નો શહેરમાં તેની શિબિર દરમ્યાન એક વિદ્યાથીએ સંતોષનું હાર્મોનિયમ વગાડ્યું હતું અને એને એ એટલું ગમી ગયું હતું કે સંતોષે તેને એ આપવાની ઓફર કરેલી! એક વાર સંતોષે જર્મનીના બર્લિન શહેરમાં પર્ફોર્મ કર્યું ત્યારે કાર્યક્રમ બાદ ઑડિયન્સમાંથી ત્રણ ચાર જણ સ્ટેજ ઉપર આવ્યા હતા. હાર્મોનિયમનું મેકૅનિઝમ તેમણે ઊંડા રસથી નીરખ્યું હતું. તેમણે કહેલું કે અમારે જોવું હતું કે આટલો મીઠો સ્વર આ વાદ્ય કેવી રીતે સર્જે છે?

માત્ર વિદેશમાં જ નહીં, દેશમાં પણ સંતોષ યુવાઓમાં હાર્મોનિયમ પ્રત્યેની જાગૃતિ અને શોખ કેળવી રહ્યો છે. મહારાષ્ટ્રનાં ગામડાંઓની સ્કૂલોમાં સંતોષ નિઃશુલ્ક કાર્યક્રમો કરે છે. એ બાળકોમાંથી મોટા ભાગનાંએ અગાઉ કદી હાર્મોનિયમ જોયું પણ નથી! સંતોષ પોતાના કાર્યક્રમો થકી એ બાળકોને એ જણાવે છે કે તેઓ પણ સંગીતનો અભ્યાસ કરી શકે છે. હાર્મોનિયમ વગાડીને તેઓ રોજી-રોટી રળી શકશે અને ચાહે તો આ વિષયમાં પીએચ.ડી. પણ કરી શકે છે.

સંતોષ આજે પિમ્પરીમાં પોતાના સરસ મજાના ફ્લૅટમાં રહે છે. દુનિયાના સમગ્ર દેશોમાં હાર્મોનિયમવાદનના પાઠ શીખવે છે. વિશ્વના સંગીતપ્રેમીઓની ચાહ રળે છે અને હાર્મોનિયમ નામના વાદ્યની આગવી ઓળખ ઊભી કરી એ વાદ્યની શાખ જગતભરમાં વધારી રહ્યો છે. એક પત્રકારે સંતોષને પૂછ્યું કે ઇટલીમાં તમે વિદ્યાર્થીઓને રાગ અને સૂર વિશે કઈ રીતે શીખવી શકો છો? સંતોષે કહ્યું કે હું વાર્તાઓના માધ્યમથી તેમને શીખવું છું. સ્વિત્ઝર્લેન્ડમાં તેણે ઓપરાસિંગરની સાથે પર્ફોર્મ કર્યું હતું ત્યારે પણ તેને કોઈ જ તકલીફ નહોતી થઈ. એ કહે છે કે સંગીતની ભાષા એક જ છે, માત્ર તમારે એમાં હૃદયના ભાવ ઘોળવાના છે. બાકી સંગીત તો પ્રેમની ભાષા છે.

આ પણ વાંચો : યુ હેવ ટચ્ડ માય હાર્ટ

સંતોષની જર્ની વિશે વાંચ્યું ત્યારે થયું કે એની પાસે પણ નાસીપાસ થવાના, ત્રાસી જવાના કે હથિયાર નાખી દેવાના મુકામો આવ્યા જ હશે ને! છતાં એણે તેમાંનું કશું જ ન કર્યું. એના નિર્ધારે એ બધી બાબતોને તેની પાસે ફરકવા પણ ન દીધી. કશું કરવા માટે કે ન કરવા માટે પોતાના સંજોગો કે પરિસ્થિતિને નામે બિલ ફાડતા લોકોને માટે સંતોષ જેવી વ્યક્તિઓની સંઘર્ષયાત્રાઓ સચોટ જવાબ છે.

columnists