ઉદારતા અને બલિદાન વચ્ચે ફરક છે

15 October, 2019 05:51 PM IST  |  મુંબઈ ડેસ્ક

ઉદારતા અને બલિદાન વચ્ચે ફરક છે

સોશ્યલ સાયન્સ

જે લોકો પોતાની જાતની ઉપેક્ષા કરીને માત્ર બીજાઓની કાળજી લેવામાં ડૂબ્યા રહે છે તેઓ જલદી અસ્વસ્થ અને હતાશ થઈ જાય છે. વળી આવા લોકો ઓછા અસરકારક હોય છે

બાળપણમાં વૃક્ષ અને માણસની દોસ્તીની વાર્તા આપણામાંથી ઘણાએ વાંચી હશે. એક વૃક્ષ અને એક માણસ વચ્ચે પાક્કી દોસ્તી હતી. માણસ રોજ પેલા વૃક્ષના છાંયડામાં બેસવા આવે અને ‘હાશ’ અનુભવે. એ વૃક્ષમાં ઊગેલાં ફૂલો અને ફળો પોતાના પરિવારજનો માટે લઈ જાય અને ઘરવાળા ખુશ થાય. શિયાળામાં ક્યારેક તે વૃક્ષની ડાળીઓ લઈ જતો. કડકડતી ઠંડીમાં એ ડાળખીઓને સળગાવીને સરસ મજાનું હૂંફાળું તાપણું થતું. માણસ પોરસાતો કે મારો મિત્ર કેટલો ઉપયોગી છે! પછી તો એક દિવસ તે વૃક્ષના થડમાંથી પણ એક ટુકડો કાપીને ઘરે લઈ ગયો. તેમાંથી સરસ મજાની બેઠક બની ગઈ! માણસ તો ખુશ-ખુશ થઈ ગયો પરંતુ હવે તેનું દોસ્ત, પેલું વૃક્ષ પહેલાં જેવું હર્યુંભર્યું નહોતું રહ્યું. તે ઠૂંઠા જેવું થઈ ગયેલું અને ડાળખીઓ કે ફૂલપાંદડા વગરનું-એ હવે કોઈને છાંયો આપી શકે તેવી સ્થિતિમાં પણ નહોતું રહ્યું. છેલ્લે તો માણસે ઘરનું ફર્નિચર બનાવવા તેનું થડ પણ લઈ લીધું. આમ માણસ છેવટે પોતાના એ જીગરજાન દોસ્તને ખોઈ બેઠો. આપણે ત્યાં ‘મીઠાં ઝાડનાં મૂળિયાં ના ખવાય’ એ કહેવત કદાચ એના પરથી આવી હશે!
અંગ્રેજીમાં આ વાર્તા ‘ધ ગીવિંગ ટ્રી’ના શીર્ષકથી ફેમસ છે. એમાં એક છોકરાની અને વૃક્ષની આવી જ વાર્તા છે. બાળકોવાળાં અમેરિકન પરિવારોમાં લગભગ આ પુસ્તક જોવા મળે કાં તો મા-બાપોએ પોતે એ પુસ્તક વસાવ્યું હોય અથવા તો તેમનાં બાળકોનાં જન્મદિને કે કોઈ ખાસ દિન નિમિત્તે એ ભેટમાં આવ્યું હોય. પેરેન્ટ્સ આ વાર્તા દ્વારા બાળકોને ઉદારતા કેળવવાનું શીખવે પણ તાજેતરમાં ન્યૂ યોર્ક ટાઇમ્સના ‘પેરેન્ટિંગ સેક્શન’માં આ પુસ્તક વિશે રસપ્રદ ચર્ચા થઈ હતી. તેમાં એક ચેતવણીનો સૂર એવો હતો કે આ વાર્તામાંથી બાળક વૃક્ષ જેવી ઉદારતાનો પાઠ શીખે તો એ પણ યોગ્ય નથી. કેમ કે પોતાની જાતનો ખ્યાલ કર્યા વગર આપતાં રહેવું, એ યોગ્ય નથી. ઘણા વડીલો બાળકો પ્રત્યેના પ્રેમમાં એટલા પાગલ થઈ જાય છે કે તેઓ પોતાનાં તન-મન-ધન બધુંય તેમની પાછળ ખર્ચી નાખે છે અને બાળકોને પણ આપ્યા વિના લીધા કરવાની આદત પડી જાય છે. આ રીતે વડીલો પોતાની જાત ઘસાઈ જાય ત્યાં સુધી આપ્યા કરે અને બાળક સ્વાર્થી બનીને લીધા કરે એ સ્થિતિ ના તો પેરેન્ટ્સ માટે આદર્શ છે, ના બાળકો માટે હિતકર છે. આવા પાઠ ભણાવવા એ તો મા-બાપે હાથે કરીને આફતને આમંત્રણ આપવા જેવું છે.
ઉદારતાનો અર્થ બીજાઓને માટે બલિદાન આપતા રહેવું એવો નથી. આવી વૃત્તિના દાખલા શોધવા દૂર જવાની જરૂર નથી. મોટા ભાગનાં ઘરોમાં મા બધાને જમાડીને છેલ્લે જમવા બેસે છે. તેનું કારણ શું? તેના કારણનાં મૂળમાં માનો આવો સ્વભાવ રહેલો છે. બધાને ભાવતી વસ્તુઓ પીરસી દે, પોતાને માટે રાખવાની દરકાર નહીં. ભલે ને પોતાની પણ એ પ્રિય ડિશ હોય! બધા જમી લે પછી છેલ્લે વધ્યુંઘટ્યું હોય તે કોઈ ફરિયાદ વગર ખાઈ લે. આ બલિદાન છે, ઉદારતા નથી. હકીકતમાં પોતાની જાતને નુકસાન કર્યા વગર બીજાને મદદ કરવી એ ઉદારતા છે. અને આવી ઉદારતા બીજાઓને ઉદાર બનતાં શીખવે છે, બાકી બીજાઓ માટે બલિદાન કરતા રહેનારા તો હકીકતમાં તેમની માગણવૃત્તિ જ પોષે છે, દાતા નહીં. મને યાદ આવે છે એક સ્વાનુભવ. હું મીડિયામાં હતી ત્યારે કોઈને તબીબી સહાયની કે સહકારની જરૂર પડે અને મારો સંપર્ક કરે ત્યારે મારાં બધાં જ કામકાજ છોડીને હું તે વ્યક્તિ માટે મારી જે-તે ક્ષેત્રની સંબંધિત વ્યક્તિઓના સંપર્ક કરવા માંડું. આવો જ એક સંપર્ક એટલે મુંબઈના ભૂતપૂર્વ શેરિફ ડૉ. અશોક મહેતા. અશોકભાઈ શક્ય હોય ત્યાં અચૂક મદદરૂપ થાય પણ એક વાર તેમણે મને બહુ મહત્ત્વની શીખ આપેલી કે જરૂરિયાતવાળી વ્યક્તિ માત્ર તમને ફોન કરે અને બાકીનું બધું તમે જ કરી દ્યો, એ બરાબર નથી. તમે આંગળી ચીંધો પછી એ દિશામાં જવાની તકલીફ તો તેણે જ લેવી જોઈએ.
પેરેન્ટિંગના વિષયમાં ખાસ શીખવવામાં આવે છે કે આત્મબલિદાન લાંબો સમય ટકી શકે નહીં અને એ તંદુરસ્ત આદત પણ નથી. આ લક્ષણ વિશે થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો પોતાની જાતની ઉપેક્ષા કરીને માત્ર બીજાઓની કાળજી લેવામાં ડૂબ્યા રહે છે તેઓ જલ્દી અસ્વસ્થ અને હતાશ થઈ જાય છે. વળી આવા લોકો ઓછા અસરકારક હોય છે. હકીકતમાં કોઈને મદદ કરતી વખતે એ વ્યક્તિ પણ આપવાનું મૂલ્ય સમજે અને આપતાં શીખે એ ખ્યાલ રાખવો જરૂરી છે. લોકોને મદદ કરવા માટે કૅનેડાનું સર્વોચ્ચ સન્માન મેળવનારી કેટલીક વ્યક્તિઓનું સર્વેક્ષણ થયું હતું. તેમાં જોવા મળ્યું હતું કે તેઓ માત્ર બીજાઓની કાળજી લેવામાં અન્યો કરતાં આગળ હતાં એવું નહોતું; પોતાની જાત માટેની કાળજીની બાબતમાં પણ તેઓ તેમના સાથીઓ કરતાં આગળ હતા! ખરેખર, આપણે જ્યારે કોઈના પ્રત્યે ઉદારતા દાખવતા હોઈએ ત્યારે એ વ્યક્તિ આપણો લાભ ઉઠાવી રહી છે એમ ખબર પડે તો આપણે કેવા દુ:ખી થઈ જઈએ છીએ? અને ક્યારેક તો આપણને એવો વિચાર પણ આવી જાય કે હવે કોઈને મદદ કરવા દોડવું જ નહીં. તેને બદલે આ કૅનેડિયન દાતાઓની જેમ પોતાનું નુકસાન કર્યા વગર અન્યોને મદદરૂપ થયા હોઈએ તો આવો વિચાર ન આવે. ટૂંકમાં આપણી આપવાની વૃત્તિને ઠેસ ન પહોંચે.
‘ધી ગીવિંગ ટ્રી’ના લેખક શેલ સિલ્વર્સ્ટેઇનને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે તમને આ વાર્તા લખવાની પ્રેરણા કેવી રીતે મળી? તો તેમણે કહ્યું હતું કે ‘આ બે વ્યક્તિ વચ્ચેના સંબંધ વિશેની વાત છે. એક આપે છે અને બીજી લે છે. પરંતુ આ કથામાં વૃક્ષ આપવામાં પોતાની જાતને ખતમ કરી નાખે છે. તે પ્રેમ નથી. એ તો પોતાનું શોષણ થવા દે છે. પુસ્તકની એડિટર ફિલિસે પણ કહેલું કે આ પુસ્તક જે સંદેશ આપે છે તેની સાથે હું સહમત નથી. કેમ કે આ તો પીડા કે અપમાનમાંથી આનંદ મેળવવાની વાત છે! પેરેન્ટિંગના નિષ્ણાતોએ સૂચન કર્યું કે આ પુસ્તક બાળકને વંચાવી છોકરાના અને વૃક્ષના વર્તન વિશે તેમની સાથે ચર્ચા કરવી જોઈએ. અને કઈ રીતે છોકરાની એટિટ્યુડ યોગ્ય નથી તેનો તેમને અહેસાસ કરાવવો જોઈએ. પછી તેમને તંદુરસ્ત વર્તન અને સંબંધ કોને કહેવાય એ સમજાવી શકાય. આ ચર્ચા વાંચતાં થયું, બધા પેરેન્ટ્સ માટે અને ખાસ કરીને જાતને ભૂલીને સતત સંતાનોની આળપંપાળમાં રચ્યાંપચ્યાં રહેતા ‘હૅલિકોપ્ટર પેરેન્ટ્સ’ માટે આ સંદેશ યાદ રાખવા જેવો છે.

columnists