દૂરથી દીકરા રળિયામણા?

27 August, 2019 02:51 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

દૂરથી દીકરા રળિયામણા?

પ્રતીકાત્મક તસવીર

વિદેશનાં કેટલાંક સર્વેક્ષણો કહે છે કે બાળકો ઘરથી દૂર જાય પછી જ તેઓ મા-બાપ માટે ખુશીનો ખજાનો બને છે. એની પાછળનાં નક્કર કારણો પણ અભ્યાસમાં આપવામાં આવ્યાં છે. જોકે આપણે ત્યાં આવું સ્વીકારવા માટે ભાગ્યે જ કોઈ મા-બાપ તૈયાર થશે. દૂર રહેતાં સંતાનો અને તેમનાંય સંતાનોનાં સુખ-સુવિધા પાછળ ઘસાતાં મા-બાપોને લાગે છે કે પોતાનાં સુખ-શાંતિ કે નિરાંતનો વિચાર કરવો એ સ્વાર્થ ગણાય

‘તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગીને લીધેલ છો...’ બાળક માટે માતા દ્વારા ગવાતું આ હાલરડું ભલે કદાચ માત્ર આપણી ભાષામાં હશે, પરંતુ બાળક માટેની આ લાગણી તો દુનિયાભરનાં મા-બાપના હૃદયમાં હોવાની. કમ સે કમ બાળક શિશુ-અવસ્થામાં હોય ત્યાં સુધી તો જરૂર હોવાની. પછી બાળક જેમ-જેમ મોટું થતું જાય તેમ-તેમ એ લાગણીમાં પરિવર્તન આવતું દેખાય. એમ છતાં ઘરમાં બાળક હોય તો ઘર કિલ્લોલતું લાગે અને બાળક વગર ઘર સૂનું-સૂનું થઈ જાય. આ વાત સાથે ગમેતેટલા તોફાની બાળકનાં મમ્મી-પપ્પા પણ સહમત થતાં હશે. કેટલીયે વાર બાળકનાં તોફાનો અને જીદથી ત્રાસેલી મમ્મી ગુસ્સામાં તોબા પોકારી જતી હોય છે. પરંતુ એવું એ તોફાની બાળક થોડા કલાકો ઘરથી બહાર હોય તો તે જ એકલી થઈ જાય, હાંફળી-ફાંફળી થઈ જાય. કેવી વિરોધાભાસી લાગણી છે! આવી મોહિનીને કારણે જ બાળકો ખુશીનો ખજાનો કહેવાય છે. પરંતુ આ દિશામાં થયેલાં મોટા ભાગનાં સંશોધનોનું તારણ કંઈક જુદું જ કહે છે. મોટા ભાગનાં સંશોધનોનાં તારણો અનુસાર બાળકો મા-બાપ માટે નાણાકીય ચિંતા, તાણ અને અસ્વસ્થતાનું કારણ બનતાં હોય છે.

પરંતુ હમણાં જર્મનીમાં થયેલા એક સર્વે કરનારા સંશોધકોએ સ્વીકાર્યું છે કે બાળકો ખરેખર ખુશીઓનો સ્રોત છે. પણ વેઇટ, આ તો તેમના તારણનો માત્ર પૂર્વાર્ધ એટલે કે પહેલો ભાગ છે. તેમના તારણનો ઉત્તરાર્ધ એટલે કે પાછળનો હિસ્સો કહે છે કે બાળકો ઘરથી દૂર જાય પછી જ તેઓ મા-બાપ માટે ખુશીનો ખજાનો બને છે. હમ્મ્મ્મમ! તો આયી બાત સમઝ મેં?

એ સર્વેમાં યુરોપના સોળ દેશોમાં રહેતા પચાસ વર્ષથી મોટી વયના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. કુલ પંચાવન હજાર વ્યક્તિઓએ એમાં ભાગ લીધેલો. એનાં પરિણામો પરથી જાણવા મળ્યું કે જેમનાં બાળકો મોટાં થઈ ગયાં હતાં અને ઘર છોડી ગયાં હતાં એ સંતાનોનાં મા-બાપો વધુ ખુશહાલ અને નચિંત હતાં. તેમનામાં ડિપ્રેશનનું પ્રમાણ પણ ઓછું હતું. આપણે જાણીએ છીએ કે પશ્ચિમના દેશોમાં બાળકો સ્કૂલ પૂરી કરે ત્યારે સોળ-સત્તર વર્ષના થાય એટલે મા-બાપનું ઘર છોડી દે છે અને આગળ ભણવા કે કામ કરવા નીકળી પડે છે. આમ તેમના ઘર છોડીને ગયા બાદ મા-બાપો બાળકોની દેખભાળ, સારસંભાળ કે લાલનપાલન જેવી જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. તેમને ઉછેરવાનો આર્થિક બોજ પણ હવે મા-બાપના શિરે નથી રહેતો એટલે મા-બાપ ખરા અર્થમાં ટેન્શન-ફ્રી થઈ જાય છે. ઉપરાંત આ મા-બાપોને કંઈ જરૂર પડે તો પોતાનાં સંતાનો પાસેથી મદદની કે સંભાળની અપેક્ષા પણ તેઓ રાખી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ પેરન્ટ્સ હવે પોતાની જિંદગી પોતાની રીતે જીવે છે અને જરૂર પડશે તો આપણાં સંતાનો જવાબદારી ઉપાડી લેશે એવી નિરાંત સાથે જીવે છે.

પરંતુ જેમના માથે બાળકોની બધી જવાબદારી હજી છે તેવાં મા-બાપની ખુશહાલીનો સ્તર ઉપરના વર્ગના મા-બાપ કરતાં ઓછો હતો. પોતાના નોકરી કે વ્યવસાય અને ઘરની જવાબદારીઓ સાથે બાળકોને ઉછેરતાં એ મા-બાપો પ્રમાણમાં થાકેલાં અને ઉદાસ હતાં. સ્વાભાવિક છે બાળઉછેરમાં તેમની ઘણી શક્તિ અને સમય વપરાતાં હોય. તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાકીય જોગવાઈની વ્યવસ્થાનો બોજ પણ તેમના શિરે હોય. વળી બાળકોનાં તોફાન-જીદ વગેરેને પણ ટૅકલ કરવાનાં હોય. આ બધાનો ભાર તેઓ અનુભવતાં હોય. પરિવારમાં બાળકો હોવાને કારણે મળતો આનંદ આ ભારને કારણે પાતળો પડી જતો હોય છે. આમ તેમના જીવનમાં સંતોષ કે સુખનું કારણ બાળકો છે તો તાણ અને તંગદિલીનું કારણ પણ બાળકો છે એવું ફલિત થયું હતું

આ સર્વે વિશે વાંચતાં તેને આપણાં ભારતીય મા-બાપોના સંદર્ભે ચકાસવાનો વિચાર આવ્યો. અલબત્ત, આ લેખના આરંભે ટાંક્યું છે એવા ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિમાં ઊછરેલાં મા-બાપ ખુલ્લંખુલ્લા કબૂલે નહીં કે બાળકોને કારણે અમારી જિંદગી ઓછી સુખી કે ઓછી શાંતિમય છે. પરંતુ આસપાસ નજર કરીએ તો કેટલાંય મા-બાપો નજરે ચડે છે જેઓ પોતાનાં જીવન બાળકોની પાછળ જ ખર્ચી નાખે છે. નાનાં હોય ત્યારે તો તેમને ઉછેરવાની ફરજ બજાવે એ સહજ છે, પરંતુ મોટાં થયા પછી તેમનાં સંતાનોની પાછળ પણ હોંશે-હોંશે ઘસાતાં રહે છે. પોતાનાં સુખ-શાંતિ કે નિરાંતનો વિચાર કરવો એ સ્વાર્થ હોય કે સ્વાર્થ ગણાય એવું તેમના મનમાં ઠસી ગયેલું છે. કલ્પના કરો, જર્મનીમાં થયો એવો સર્વે અહીં થાય અને આ લોકો એમાં ભાગ લે તો તેઓ નિખાલસપણે કહી શકશે કે બાળકો જુદાં રહેતાં હોત અથવા અમે એકલાં હોત તો વધુ નિરાંતે અને ટેન્શન વગર જીવતાં હોત?

આ પણ વાંચો : ચાલો કરીએ ચોવિહાર

સમાજમાં બીજો એક નાનકડો વર્ગ એવો પણ છે જેમનાં સંતાનો શહેરમાં જ અલગ રહે છે કે દેશ -પરદેશમાં સેટલ થયેલાં છે. આ મા-બાપ એકલાં રહે છે. એ સંતાનો જ્યારે આવે છે ત્યારે મા-બાપ તથા તેઓ અને તેમનાં સંતાનો પરિવારજીવનની પ્રસન્નતા ભરપેટ માણે છે. પછી પાછાં તેઓ પોતાના સંસારમાં અને મા-બાપ પોતાના જીવનમાં ગોઠવાઈ જાય છે. આ મા-બાપને હવે પોતાનાં શક્તિ, સમય કે સંપત્તિ સંતાનો પાછળ ખર્ચવા નથી પડતાં. સંતાનોની પાછળ ઘસાવું નથી પડતું. થોડા સમય માટે સૌ મળે ત્યારે આનંદ માણે છે અને એ સિવાય પોતે પોતાની જિંદગી પોતાની રીતે અને મરજીથી જીવે છે. જર્મની જેવો સર્વે આપણે ત્યાં થાય તો આ મા-બાપોની ખુશહાલીનો સ્તર ઉપર વર્ણવ્યાં એ મા-બાપ કરતાં વધારે હોવાનો. આમ છતાં તેમનામાંથી કેટલાં મા-બાપ સ્વીકારશે કે છોકરાઓની પળોજણ નથી એટલે તેઓ વધુ સુખી છે?

columnists