જિંદગીને ટૂંપે એ નહીં પણ જિંદગી નિખારે એ શિક્ષણ

05 February, 2019 11:46 AM IST  |  | તરુ કજારિયા

જિંદગીને ટૂંપે એ નહીં પણ જિંદગી નિખારે એ શિક્ષણ

પ્રતીકાત્મક

સોશ્યલ સાયન્સ

‘આટલી મહેનત કરવા છતાં સફળતા ન મળે તો પછી જીવવાનો શું મતલબ છે?’ સોળ વરસના એક કિશોરના આ શબ્દો છે. તે દસમા ધોરણનો વિદ્યાર્થી હતો. ગયા મહિને તેની ર્બોડ પહેલાંની સ્કૂલ-ટેસ્ટના પેપર્સમાં તેને ઓછા માક્ર્સ આવ્યા એ સંદર્ભે તેણે આ શબ્દો લખ્યા હતા. અને એ માત્ર લખાણ સુધી સીમિત નહોતા રહ્યા, આ ૨૬ જાન્યુઆરીએ ચેમ્બુરની એક પ્રતિષ્ઠિત સ્કૂલના એ વિદ્યાર્થીએ ખરેખર પોતાની જિંદગી પર પૂર્ણવિરામ મૂકી દીધું. ઘરમાં મમ્મી-પપ્પા નહોતાં ત્યારે તેણે ગળે ફાંસો ખાઈ લીધો! દિવસો સુધી એ અજાણ્યો છોકરો મારા દિમાગમાંથી હટતો નથી. સ્કૂલ-કૉલેજમાં ભણતા આ ટીનેજર્સના દિમાગમાં કોતરી દેવામાં આવ્યું છે કે ‘સફળતા’ એટલે માક્ર્સ અને ગ્રેડ્સ, ‘સફળતા’ એટલે તગડા પગારની નોકરી અને સ્ટેટસ, ‘સફળતા’ એટલે વેલ-ફર્નિશ્ડ હોમ અને લક્ઝુરિયસ લાઇફ-સ્ટાઇલ! આ ઠસાવ્યું કોણે? એ ઠસાવનાર આપણો સમાજ છે, આપણે બધા છીએ. શિક્ષણનો હાથ પકડીને વ્યક્તિ જિંદગીમાં બહેતર મનુષ્ય બનશે એવું સપનું જોનારા આપણા આદર્શ કેળવણીકારોને આપણે તદ્દન ખોટા ઠેરવ્યા છે. આપણી આધુનિક શિક્ષણપ્રથાએ એવો માહોલ રચી દીધો છે કે ભૌતિક પ્રાપ્તિઓ અને દુન્યવી ઉપલબ્ધિઓ જ સફળતા તથા વિકાસનો માપદંડ બની ગઈ છે. મા-બાપોને હૃદયમાં પણ પોતાનાં સંતાનોની સફળતા માપવા માટેનું ત્રાજવું આવું જ છે. અહેવાલ અનુસાર આ કિશોરના ઘરમાં તો તેના પેરન્ટ્સ તરફથી ભણવાનું એવું કોઈ પ્રેશર નહોતું. બાકી સેંકડો વિદ્યાર્થીઓ મમ્મી-પપ્પાની કે પોતાના ઘરના સભ્યોની અપેક્ષાઓના ભાર હેઠળ ભીંસાતા હોય છે. ભણવાની સાથે-સાથે તેમના મન પર સતત એ ટેન્શન રહેતું હોય છે કે રિઝલ્ટ ખરાબ આવશે તો એ લોકો કેવી રીતે સહન કરી શકશે? આ લખું છું ત્યાં જ ચેન્નઈની એક એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના સમાચાર આવ્યા છે. આવા સમાચારો સતત આવતા રહે છે. શિક્ષણના બોજને પરિણામે કે પરીક્ષામાં નિષ્ફળ થવાના ડરને કારણે થતી આ તમામ આત્મહત્યાઓ પણ શું ‘બલિ’ નથી?

ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મા-બાપો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી હતી. એમાં દેશ-વિદેશના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાં તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો હતો કે કોઈ પણ પરીક્ષા કરતાં જિંદગી ઘણી મોટી અને મહત્વની છે. સાથે-સાથે જ આજકાલ પેરન્ટ્સ પોતાના વતુર્ળપમાં સંતાનોના માક્ર્સ અને ગ્રેડ્સને લઈને જે રીતે દેખાડો કરે છે એ બાબતે પણ તેમણે ટકોર કરી હતી કે પ્લીઝ તમારાં સંતાનોના રર્પિોટ કાર્ડને તમારું વિઝિટિંગ કાર્ડ બનાવવાની વૃત્તિ ન રાખો. પેરન્ટ્સ અને શિક્ષકો દ્વારા થતી વિદ્યાર્થીઓની સરખામણી બાબતે પણ તેમણે ટકોર કરી હતી કે કુમળા ટીનેજર્સના મન પર આ બધી બાબતો નકારાત્મક અસરો કરતી હોય છે. વડા પ્રધાને સમાજને આપેલી આ શીખમાં એક મનોવિજ્ઞાનીનું મંથન અને દેશના યુવાધનની ચિંતા કરતું સ્વજનનું મન પડઘાય છે. આજે દુનિયાના અનેક માનસશાસ્ત્રીઓ અને સમાજહિતેશીઓ આ વાત વારંવાર કહી રહ્યા છે છતાં વિદ્યાર્થીઓની આત્મહત્યા અટકતી નથી.

એક ઘટના યાદ આવે છે. થોડા સમય પહેલાં અમે ત્રણ પરિવારો એક અમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાતે ગયેલા. ત્રણેય પરિવારનાં મળીને પાંચ બાળકો હતાં અને પાર્કની વિવિધ રાઇડ્સ તેમ જ કાર્યક્રમો માણી રહ્યાં હતાં. બે છોકરીઓ જીદ કરીને જાયન્ટ વ્હીલની મોંઘી રાઇડમાં બેઠી. જતી વખતે બન્ને ખાસ્સી ઉત્સાહમાં હતી, પણ રાઇડ પૂરી કરીને પાછી આવી ત્યારે બેયના ચહેરા ઊતરેલા હતા; કેમ કે તેમણે કલ્પના કરી હતી એવી સ્પીડ કે થ્રિલ જાયન્ટ વ્હીલની રાઇડમાં તેમને ન મળી. ત્યાર બાદ એ બેમાંથી નાની છોકરી હતી તેના મોઢામાંથી નીકળેલું એક વાક્ય સાંભળી હું ચોંકી ગઈ : ઓહ, માય લાઇફ ઇઝ ગોન વેસ્ટ!

(મારી તો જિંદગી જ વેડફાઈ ગઈ!) મેં તેને પૂછયું કે એવું કેમ કહે છે? તો કહે કે આઇ ફીલ સો (મને એવું લાગે છે)! એક રાઇડમાં મજા નહીં આવી તો જેને જિંદગી વેડફાઈ ગઈ હોય એમ લાગે છે એ બચ્ચા પાસેથી જિંદગીની અજાણ અને ઊબડખાબડ સવારીમાં સ્વસ્થ રહેવાની અપેક્ષા વધુપડતી જ લાગેને? આવી દરેક કિશોરીને કોઈકે તો કહેવું પડશેને કે જિંદગીમાં દરેક વસ્તુ તમારી ઇચ્છા, કલ્પના કે પ્લાન મુજબ જ નહીં થાય. અભ્યાસ દરમ્યાન, કારકર્દિીમાં, વ્યવસાયમાં કે અંગત જીવનમાં એવા ઘણા પ્રસંગો આવશે જ્યારે આ સત્ય તમારે સ્વીકારવું પડશે અને અચાનક સર્જા‍યેલા અનપેક્ષિત વાતાવરણમાં આગળ વધવું પડશે. અને એ સમયે જે સમજદારી, સૂઝબૂઝ, ધીરજ કે સ્વસ્થતાની જરૂર પડવાની છે એ તેમણે શીખવાની છે? એ ક્ષમતા તેમને શિક્ષણ પાસેથી મળવી જોઈએ.

આ પણ વાંચો : ભૂલોને ભૂલીને એમાંથી શીખેલા પાઠ ગાંઠે બાંધીએ

એ છોકરી તો અગિયાર વર્ષની હતી, પરંતુ આપણે પાંચ-છ વરસનાં બાળકોને નાની-નાની બાબતોમાં જિંદગીને કોસતાં જોઈએ છીએ! મમ્મી કે પપ્પાને કોઈ ચીજ લાવવાનું કહ્યું હોય અને એ ચીજ ન આવી હોય કે ક્યાંક જવાનું નક્કી કર્યું હોય અને કોઈ પણ કારણસર ન જઈ શકાયું હોય તો તેમને લાગે છે કે તેઓ ‘દુનિયામાં સૌથી અનલકી’ છે! આપણી ‘જનરેશન નેક્સ્ટ’ને સફળતાની, જિંદગીની, ખુશનસીબીની સાચી વ્યાખ્યા જે સમજાવી શકે અને તેમને જીવનમાં ખુશ રહેવા માટે અનિવાર્ય મૂલ્યો શીખવી શકે એવા શિક્ષણતંત્રની, શિક્ષકોની અને પેરન્ટ્સની જરૂર છે. મતલબ કે આપણા સૌના માથે છે આ જવાબદારી. આ કિશોર-કિશોરીઓનાં કુમળાં માનસમાં સફળતા-નિષ્ફળતાની કે ખુશનસીબી-બદનસીબીની ક્ષુલ્લક માન્યતાઓ ઘર કરી જાય એ પહેલાં જ એમાં અણમોલ જિંદગીના મૂલ્યની સમજણનો છોડ રોપી દેવાનો છે અને એનાં મૂળિયાંને એટલાં મજબૂત કરવાનાં છે કે અણસમજની કોઈ આંધી એને હલાવી ન શકે.

columnists