જિંદગીની સેકન્ડ ઇનિંગના આગવા અસ્તિત્વ અને સૌંદર્યનો સ્વીકાર

22 October, 2019 02:54 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

જિંદગીની સેકન્ડ ઇનિંગના આગવા અસ્તિત્વ અને સૌંદર્યનો સ્વીકાર

પ્રતીકાત્મક તસવીર

કેટલીક માન્યતાઓ અને ખ્યાલો આપણા દિમાગમાં એટલી હદે અને એટલા ઊંડા ઠસી ગયેલાં હોય છે કે આપણે તેમાંથી છૂટવા માગીએ કે છૂટવાના પ્રયત્નો કરીએ તોપણ તેમાંથી પૂરેપૂરા મુક્ત નથી થઈ શકતાં. એક નાનકડું જ ઉદાહરણ જુઓ: બહાર જતી વખતે બિલાડી આડી ઊતરે તો એ અપશુકન ગણાય એવી માન્યતા ઘણા લોકોની હોય છે. હવે, આવા લોકો ખાસ્સા ભણી-ગણીને અને ખૂબ વાંચી-વિચારીને જિંદગીમાં ઘણા આગળ નીકળી જાય તેમ છતાં પેલી નાનપણથી દિમાગમાં ઘર કરી ગયેલી માન્યતાથી છૂટી શકે છે? તેઓ શિક્ષિત છે, વિદ્વાન છે, આધુનિક ટૅક્નોલૉજીના અઠંગ ઉપયોગકર્તા છે, આમ છતાં ક્યાંક જતી કે આવતી વખતે જો એક નાનકડી પણ બિલાડી તેમનો રસ્તો ક્રોસ કરે તો તેઓ એક સેકન્ડ ઊભા રહી જતા જોવા મળે છે. બીજા કેટલાક ઊભા ન રહી જાય તોપણ કમ સે કમ તેમના ચહેરા પર એક અણગમાનો ભાવ તો ઊપસી જ આવે છે. 

આનું કારણ? એ જ પેલી નાનપણથી સાંભળેલી અને ઊંડે-ઊંડે ઘર કરી ગયેલી માન્યતા! તેઓ તો માનતા હતા કે તેમની તર્કસંગત પ્રકૃતિ અને આધુનિક વલણે તેના ફૂરચા ઊડાવી દીધા છે. કેમ કે તેઓ મક્કમપણે માને છે કે આવી માન્યતાઓ તર્કબદ્ધ નથી, એ માન્યતાને વળગી રહેવું એ એક પ્રકારની અંધશ્રદ્ધા છે. અને તેઓ અંધશ્રદ્ધાળુ નથી. તેઓ એવી જૂનવાણી તર્કવિહિન વાતોમાં વિશ્વાસ નથી કરતા... આમ છતાં તેમના જેવા લોકોથી પણ બિલાડીને જોઈને ઉપર લખી એવી પ્રતિક્રિયા અપાઈ જાય છે!

ઉંમરની બાબતમાં પણ આપણા સામાજિક માહોલ કે રીત-રિવાજોના સંદર્ભે ઘડાયેલી આપણી કેટલીક માન્યતાઓ રહી છે. ‘આ ઉંમરે આવી ઉછળકૂદ શોભે છે?’, ‘ભલે રખડતાં, આ જ ઉંમર છે રખડવાની,’ કે ‘હવે કિટી પાર્ટીના નહીં, ભજનમંડળીના સભ્ય બનવાની ઉંમર છે’.... આવાં અનેક વાક્યો સામાન્ય વાતચીતમાં અનેક વાર સાંભળવા મળે છે. નિર્દોષ લાગતા આ શબ્દો માણસના મનમાં કેવી અને કેટલી બધી ગ્રંથિઓ બંધાવી દેતા હોય છે!  વયસ્ક વ્યક્તિને નાચવા-કૂદવાનું મન ન થઈ શકે! યંગસ્ટર્સ રખડવા જઈ શકે. કેમ કે એ યંગ છે, પણ એ જો અમુક ઉંમર વટાવી દે તો પછી એમ અમસ્તાં બહાર ફરવા જવાનું એને માટે યોગ્ય ન ગણાય! અને પચાસ-પંચાવન કે તેનાથી વધુ ઉંમરની કોઈ સ્ત્રીને કિટી પાર્ટીને બદલે ભજનમંડળી જોઇન કરવાની કે એ ઉંમરના પુરુષને ‘હવે ધંધામાં માથું મારવાને બદલે માળા લઈને બેસો’ એવી સલાહ તેનાની નાની કોઈ પણ વ્યક્તિ આપતાં અચકાતી નથી.

પણ થૅન્ક ગૉડ! હવે, આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. નેવું વર્ષની ફ્રેન્ચ કે ઑસ્ટ્રેલિયન સ્ત્રીને ટેલેન્ટ શૉમાં નૃત્યનાં અવનવાં કરતબ કરતી જોઈને ભારતની કેટલીય દાદી-નાનીઓ ડાન્સિંગ ફ્લોર્સ ખૂંદતી થઈ ગઈ છે અને શોર્ટ્સ પહેરીને સવારે જોગિંગ કરતા કેટલાય નાના-દાદાઓ જોવા મળે છે. સિનિયર સિટીઝન્સ માટે માત્ર જાત્રાની નહીં, મોજ-મજાભર્યા પ્રવાસોનું આયોજન ટ્રાવેલ કંપનીઓ અને સામાજિક સંસ્થાઓ પણ કરી રહી છે. ભલું થજો ટૅક્નાલૉજીનું કે પશ્ચિમની દુનિયાની મોકળાશભરી અને આધુનિક જીવનશૈલીને આપણી આંગળીને ટેરવે લાવીને મૂકી દીધી છે. જિંદગીની સેકન્ડ ઇનિંગનું આગવું અસ્તિત્વ અને તેનું સૌંદર્ય સ્વીકારવામાં આવી રહ્યું છે. ઘણા સિનિયર્સ આ તબક્કાને માણી રહ્યા છે.

તાજેતરમાં એક કાર્યક્રમમાં યોજાયેલા ચર્ચાસત્રમાં પેનલિસ્ટ્સને પચાસ પછીની નવી ઇનિંગ શરૂ કરવામાં રહેલા પડકારો વિશે સવાલો પૂછાયા ત્યારે પોતાનું લિગલ પ્રોફેશન છોડીને એક્ટિંગના ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને ઘણીબધી ફિલ્મો- સિરિયલોમાં કામ કર્યું છે, એવાં એક સિનિયર મહિલા ક્લાકારને પણ સવાલ પૂછાયો. યુવાઓનું પ્રભુત્ત્વ છે તેવા ફિલ્ડમાં તેમની સામે આવેલા પડકાર વિશે પૂછવામાં આવ્યું. તેના જવાબમાં તેમણે કહ્યું કે મેં તો મોટે ભાગે મારી ઉંમરને અનુરૂપ ભૂમિકાઓ જ ભજવી છે. મારે યંગસ્ટર જેવા ઉછળકૂદવાળા ડાન્સ કરવાના કે એવું કંઈ કરવાનું નથી આવ્યું એટલે વાંધો નથી આવ્યો. એમના ‘મારી જ ઉંમરની ભૂમિકા’ શબ્દો સાંભળીને થયું કે જોયું, ઉંમર અંગેની માન્યતાઓ કેટલી ઊંડે સુધી ખૂંપેલી છે! એ કેવી ઠસાવી દેવામાં આવેલી છે કે તેમાં બિલકૂલ ન માનતાં હોઈએ તોપણ તેની પકડમાંથી છૂટી શકતા નથી. જ્ઞાનીઓ કહે છે કે ઉંમર એક અંક છે. સામાન્ય માનવી ક્યારે આ અંકને માત્ર અંક તરીકે સ્વીકારી શકશે! એ સ્વીકાર્યા બાદ જ કદાચ જીવનસંધ્યાનો આનંદ સિનિયર સિટીઝન્સ કોઈ ગિલ્ટ વગર માણી શકશે.

columnists