ચંદ્રયાનની નિશાનચૂક પણ એક પ્રભાવક પળ!

17 September, 2019 03:28 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - તરુ કજારિયા

ચંદ્રયાનની નિશાનચૂક પણ એક પ્રભાવક પળ!

ચંદ્રયાન

જાણે ભાંગી પડેલા દીકરાને ભડ જેવો બાપ વહાલથી હામ બંધાવતો હતો! નિષ્ફળતાની પળે સંતાનને, વિદ્યાર્થીને કે સાથીને વેરવિખેર થતાં બચાવી લેનાર વાલી, શિક્ષક કે નેતા પોતાના વર્તન થકી એક એવો વારસો સર્જે છે જે પેઢીઓ સુધી જળવાઈ રહે છે.

છઠ્ઠી સપ્ટેમ્બરની રાતથી સાતમી તારીખના લગભગ પરોઢ સુધી ભારત અને દુનિયાભરમાં અબજો આંખ ટીવીની સ્ક્રીન પર ચોંટી હતી. એમાંના કેટલાક આપણે પણ હતા. ક્રિકેટની આઇપીએલ કે વર્લ્ડ કપમાં, ફિફાની મૅચમાં કે ટેનિસની ગ્રૅન્ડ સ્લૅમ જોતાં ખેલપ્રેમીઓના ઉત્કટ ઉત્સાહની યાદ અપાવે કે એનેય ઝાંખો પાડી દે એવો અદમ્ય ઉત્સાહ દેશ અને દુનિયાના ભારતપ્રેમીઓ અને અવકાશ વિજ્ઞાનપ્રેમીઓના હૃદયમાં ઊછળતો હતો. ભારતીય અવકાશવિજ્ઞાન સંસ્થા ઇસરોના મિશન ચંદ્રયાન-2નું ચાંદની ધરતી પરનું ઉતરાણ નજરોમાં ભરી લેવા કરોડો આંખો પલકારો મારવાનું પણ ભૂલી ગઈ હતી. એ વિરાટ સમૂહમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હતા. તેઓ તો ઇસરોના મથક પર મોજૂદ હતા. એ અદ્ભુત ક્ષણ માત્ર ચંદ સેકન્ડ દૂર હતી ત્યાં ઇસરોના વડા કે. સિવનના ચહેરા પર નિરાશાની એક લકીર અંકાઈ ગઈ. એક પણ અક્ષર બોલાયા વગર જ કરોડો લોકોને કંઈક સંભળાઈ ગયું અને સમજાઈ ગયું! ચંદ્રયાનના લૅન્ડર વિક્રમ સાથેનો સંપર્ક કટોકટીની અંતિમ પળોમાં જ ખોરવાઈ ગયો હતો. લગભગ ચંદ્રના આંગણ સુધી પહોંચી ગયેલા વિક્રમે હવે માત્ર એની ધરતી પર ઉતરાણ કરવાનું જ બાકી હતું ત્યાં અચાનક એની સાથેનો સંપર્ક કપાઈ ગયો! ઝંખ્યું હતું એ પરિણામ જરાક માટે આવતાં-આવતાં રહી ગયું હતું, પરંતુ વિક્રમ અને ચંદ્રનું મિલન જોવા આતુર આંખને ધરતી પરનું એક અદ્ભુત મિલન જોવા મળ્યું હતું. પોતાની અને પોતાના હજારો સાથી વિજ્ઞાનીઓની વરસોની મહેનત અણીના વખતે જ વિફળ જતી જોઈને ઇસરોના ડિરેક્ટર કે. સિવન અત્યંત ભાવુક બની ગયા હતા. તેઓ આંસુ રોકી શક્યા નહોતા અને એ સમયે રાષ્ટ્રના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને બથાવીને જે વહાલભર્યું, હૂંફભર્યું આલિંગન આપ્યું ત્યારનું દૃશ્ય જોનારની આંખો ભીની કરી દે એવું હતું. જાણે ભાંગી પડેલા દીકરાને ભડ જેવો બાપ વહાલથી હામ બંધાવતો હતો! વડા પ્રધાને એ વખતે સિવન અને તેમના સાથીઓ તથા સમગ્ર ઇસરોમાં પોતાનો ઊંડો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિક્રમના નિશાનચૂકનું પોતાનું દુ:ખ દફનાવી વડા પ્રધાને ઇસરોના વિજ્ઞાનીઓ સાથે એક આદર્શ નેતાને છાજે એવું વર્તન કર્યું. એ પળે પોતે અને પૂરો દેશ તેમની સાથે છે એવી હૈયાધારણ આપી. તેમની અનન્ય નિષ્ઠા, સેવા અને અપાર મહેનતની ખુલ્લા દિલે કદર કરી. ખરેખર પોતાના ખભે માથું ઢાળીને રડી રહેલા સિવનની પીઠ થપથપાવતાં નરેન્દ્ર મોદીની મુદ્રા દરેક વાલીને, દરેક શિક્ષકને, દરેક નેતાને કેટલુંબધું શીખવી જાય છે!

આજે છાશવારે યુવાઓ અને કિશોર વયનાં સંતાનોના આત્મહત્યાના સમાચાર આવે છે. કોઈ અભ્યાસના સ્ટ્રેસમાં આવીને,  કોઈ ખરાબ પરિણામના ડરથી, કોઈ પ્રેમની નિષ્ફળતાને કારણે, કોઈ સ્વાસ્થ્યના પ્રશ્નને લઈને તો કોઈ ડિપ્રેશનનો શિકાર થઈને અમૂલ્ય જિંદગી હોમી દે છે. એવા પ્રત્યેક સંતાન પાસે તેની મુસીબતની હરેક પળમાં તેની સાથે અડીખમ ઊભા રહે એવા વડીલ હોત તો કદાચ તેમની જિંદગી કોઈ જુદા મુકામે હોત એવું નથી લાગતું? નાની કે મોટી ભૂલ કરનાર બાળક પાસે આવા ખુલ્લા દિલના અને ઉદાર વડીલની સંપદ હોય તો જિંદગીના સારા-નરસા અનુભવમાંથી જરૂર તે સાચો પાઠ શીખી શકે. એ કટોકટીના સમયે તેને હિંમત બંધાવનારાં મા-બાપ એ સંતાનને માનવીય સંબંધોનું અને આદર્શ માતા-પિતા બનવાનું ભાથું બંધાવે છે. નિષ્ફળતાની પળે સંતાનને, વિદ્યાર્થીને કે સાથીને વેરવિખેર થતાં બચાવી લેનાર વાલી, શિક્ષક કે નેતા પોતાના વર્તન થકી એક એવો વારસો સર્જે છે જે પેઢીઓ સુધી જળવાઈ રહે છે. ઇસરોના ડિરેક્ટર કે. સિવનને પિતૃતુલ્ય વાત્સલ્યથી પસવારતાં વડા પ્રધાને સમગ્ર દેશ અને દુનિયાને આ વારસાનો સાક્ષાત્કાર કરાવ્યો છે.

મને ખાતરી છે કે સાતમી સપ્ટેમ્બરની પરોઢે અનેક વડીલો એક પાઠ શીખ્યા હશે. અનેક યુવા પેરન્ટ્સે પણ પોતાનાં બાળકો સાથે પેશ આવવાની એક નવી પદ્ધતિ શીખી હશે. અનેક શિક્ષકો અને નેતાઓએ મહેસૂસ કર્યું હશે કે તેમણે પોતાના વિદ્યાર્થીઓ કે સાથીઓ સાથે આવી પળોમાં કેમ વર્તવું એનો નવો આયામ જાણ્યો હશે. તો જેમણે ભૂતકાળમાં આવા સમયે આનાથી વિપરીત વર્તન કર્યું હશે તેમણે અફસોસ અનુભવ્યો હશે અને અણીના સમયે જેઓ પોતાની નવી પેઢીના પડખે ઊભા ન રહ્યા હોય તેમને પોતાના એ વર્તન બદલ પારાવાર વસવસો થયો હશે. હમણાં કેબીસી કાર્યક્રમમાં આવેલા એક પ્રતિસ્પર્ધી રાકેશ શર્માએ કહેલી એક વાત યાદ આવી ગઈ. એ મહિલા સરકારી અધિકારી હતાં અને તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામસાહેબના દફતરમાં ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી તરીકે પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું. તેમણે ખૂબ નિકટથી કલામસાહેબ સાથે કામ કરેલું અને એ અનુભવ વર્ણવતાં તેમણે કહ્યું હતું કે તેમની સાથે કામ કરનાર વ્યક્તિને તેઓ એટલે ઊંચે લઈ જતા કે પછી એ વ્યક્તિથી ક્યારેય કંઈ ખરાબ કે ખોટું થઈ શકે જ નહીં. કેટલીક વ્યક્તિઓ કે કેટલીક પરિસ્થિતિઓ આસપાસના લોકોના જીવન પર પોતાના વાણી, વર્તન અને વ્યવહારથી કેટલી પ્રબળ અસર કરી શકે છે!  આવી વ્યક્તિઓ જેમના જીવનમાં ગાર્ડિયન તરીકે, મેન્ટર તરીકે કે લીડર તરીકે આવે છે તેઓ ન્યાલ થઈ જાય છે. આ દૃષ્ટિએ ચંદ્રયાનની નિશાનચૂક પણ એક પ્રભાવક પળ બની રહી એમ કહી શકાય.

આમ કૈં મૂંગામંતર રે’વાય?

પહોંચ્યાના વાવડ દીધા નહીં તો

અમને શું ચિંતા ન થાય?

 

કેટલાંય વાનાં કીધા પછી 

તને મોકલ્યો’તો મામાને ઘેર,

ફોટા મોકલજે, પૂછજે ખબર તું

કરજે થોડી લીલાલહેર!

તંતુ તું વાતનો તોડી અચાનક

ગુપચુપ ગયો સંતાઈ! 

આમ કૈં મૂંગામંતર રે’વાય?

 આ પણ વાંચો : કિશોરકુમાર, મહેશકુમાર અને અમિતકુમાર

હેમખેમ કાપી તેં લાંબી મજલ

પણ અણીને ટાણે કેમ ચૂક્યો?

હરખપદૂડો થઈ મામાને ઉંબરે

‘ધબ્બ’ દઈ પગ તેં મૂક્યો!

‘વાગ્યું નથીને બકા? જોજે સંભાળજે’

જીવ અહીં સૌના સુકાય!

આમ કૈં મૂંગામંતર રે’વાય?

- શૈલેશ શેઠ

columnists