મને કોઈ દાદા આપશો?

07 August, 2019 10:41 AM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

મને કોઈ દાદા આપશો?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

દાદા હોય કેવા?
ટેણિયો બોલ્યો...
શશશશ... કોઈએ કહ્યું
એટલે એ પાછો રમવા લાગ્યો.
આખી દુનિયા જોઈ શકે
એવો મોબાઇલ હતો તેની પાસે
કાર્ટૂન મૂવી, જિંગલ્સ, સ્ટોરીઝ, ગેમ્સ
બધું એક જ ક્લિકમાં હાજર થઈ જતું.
તેણે થોડી વાર પછી ફરી પૂછ્યું :
દાદા હોય કેવા? ગૂગલમાં દાદા ટાઇપ કરું છું પણ એ આવતા નથી.
ટેણિયાને શી ખબર કે દાદાને ગૂગલમાં નહીં
ઘરમાં શોધવા જોઈએ - સેજલ પોન્દા

આપણને ભવિષ્યમાં ન રાચવું એવું કહેવામાં આવે છે, પણ વર્તમાનમાં ભૂંસાતી અમુક બાબતોનું પરિણામ ભવિષ્યમાં કેવું આવશે એ વિચારીને કંપી જવાય. એકલે હાથે ઉછેરાતાં બાળકોના હાથમાં વાર્તાની ચોપડીની જગ્યાએ મોબાઇલ આવી ગયો છે. હવે તો નાનો ટેણિયો પણ સેલ્ફી લેતો થઈ ગયો છે. અત્યારના બાળક પાસે બધાં જ સુખસગવડ છે. બસ, હૂંફ આપી શકે એવાં દાદા-દાદી કે નાના-નાની નથી. બાળકને ખબર નથી કે સગવડ તેનું ક્ષણિક સુખ છે. ટચ સ્ક્રીન ફોનની આલાગ્રૅન્ડ સગવડમાં ગ્રૅન્ડ પેરન્ટ્સનો હૂંફાળો સ્પર્શ ગૂગલી થઈ ગયો છે.

જેણે આ સ્પર્શ માણ્યો હશે તેને ખબર હશે કે ગ્રૅન્ડ પેરન્ટ્સના રાજમાં કેવા જલસા હતા. ક્યારેય ખૂટે નહીં એવી વાર્તા, મીઠી-મીઠી લાપસી અને શીરાની લહેજત, રમતી વખતે પડતા ઘા પર લગાડાતી હળદર, પગ મચકોડાઈ ગયો હોય ત્યારે હળદર-મીઠાનો લેપ, સ્કૂલના ટિફનમાં ભાવતો ભરાતો નાસ્તો, ઉખાણાના જવાબ પછી મળતી સંતરાની પીપર, આંધળો પાટો રમતાં છુપાઈ જવાની મજા, સાપ-સીડી અને લુડોની રમતમાં આપણને જિતાવી દેવાનો આનંદ, ભગવાન માટે બાનાવાતા પ્રસાદમાંથી આપણા માટે અલગ રખાયેલા ચૂરમાના લાડુ, મમ્મી-પપ્પાના ગુસ્સાથી બચાવતો હાથ અને સૌથી વિશેષ દાદા-દાદી, નાના-નાનીના ખોળામાં સૂઈ જવાની મજા. આ બધું હવે ખોવાતું ચાલ્યું છે. ગ્રૅન્ડ પેરન્ટ્સ સાથે રહેતા હોય એવાં ઘર બહુ ઓછાં છે. ભવિષ્યમાં તો કદાચ એ પણ નહીં હોય અને દાદા-દાદી કેવાં હોય એ પ્રશ્ન બાળક ન પૂછે તો જ નવાઈ! દાદા-દાદી ફોટોમાં કેદ થઈ ગયાં હશે. અને આલબમ ઊથલાવાતાં દાદા-દાદીની આખી જિંદગીનું આખું સરવૈયું દસ મિનિટમાં આંખોની સામેથી પસાર થઈ જશે.

દીકરા-દીકરાનાં સંતાનો સાથે જ્યારે વડીલો રમતાં હોય એ દૃશ્ય કેટલું નયનરમ્ય લાગે. વૃદ્ધ થતાં મા-બાપના જીવનમાં ફરી બાળપણ રમતું આવે જો સંતાનોનાં સંતાનો સાથે રહેવાનો તેમને મોકો મળે. આખી જિંદગી નોકરી-ધંધો કરીને વૃદ્ધ થતો માણસ પાછલી જિંદગીમાં સમય કેવી રીતે પસાર કરવો એ માટે મૂંઝાતો હોય. સંતાનો તેમના જીવનમાં વ્યસ્ત હોય. જુદાં રહેતાં હોય. ક્યારેક વળી મળવા આવતાં હોય. પૈસે ટકે સાચવતાં હોય તોય તેમને જીવનમાં કંઈક ખૂટતું લાગે. એક ખાલીપો તેમની અંદર પલાંઠી વાળીને બેઠો હોય. મુદ્દલ કરતાં વ્યાજ વધારે વહાલું આ કહેવત મનમાં દાબી દેવી પડતી હોય. સંતાનોના સંતાનની કાલીઘેલી બોલી સાંભળવા મન આતુર હોય. અને આ તરફ એકલે હાથે ઉછેરાતાં બાળકોના જીવનમાં ગ્રૅન્ડ પેરન્ટ્સનો ખાલીપો હોય, જેને સમજવું બાળક માટે અઘરું હોય. ઘણા મૉડર્ન પેરન્ટ્સ તેમનું બાળક દાદા-દાદીનું હેવાયું ન થઈ જાય અને પોતાનાથી દૂર ન જતું રહે એ ડરથી તેને દાદા-દાદીનો સહવાસ માણવા દેતા નથી આ પણ એક કડવી વાસ્તિવકતા છે.

આ પણ વાંચો : જાણો સુહાના ખાન અને જાન્હવી કપૂરની બેલી ડાન્સ ટ્રેનર વિશે આ ખાસ બાબતો

બાળપણ અને વૃદ્ધાવસ્થા એકબીજાનાં પૂરક છે. બન્ને અવસ્થાની જિંદગી સાથે રહીને એકબીજાના જીવનને પરિપૂર્ણ કરી શકે છે. મોટા થતા બાળકના દાંત હલતા હોય અને વૃદ્ધ થતા વડીલનું શરીર ધ્રૂજતું હોય ત્યારે એકબીજાનો સ્પર્શ બધી જ પીડા ભુલાવી શકે છે. હૂંફ આપી શકે છે. ઘૂંટણિયે ચાલતા બાળકને ખભે લઈ ફરવામાં વડીલોને ક્યારેય ભાર નથી લાગતો. ભવિષ્યમાં દાદા-દાદી, નાના-નાની માત્ર દીવાલ પર લાગેલી તકતી દ્વારા જ ન ઓળખાય એનું ધ્યાન દરેક પેઢીએ રાખવું પડશે, નહીં તો ગૂગલ પર સર્ચ કરી કોઈ ટેિણયો જરૂર બોલશે : મને કોઈ દાદા આપશો?

Sejal Ponda columnists