ઈશ્વરની સૌથી મોટી કૃપા કઈ?

17 July, 2019 01:50 PM IST  |  મુંબઈ ડેસ્ક | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

ઈશ્વરની સૌથી મોટી કૃપા કઈ?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

સોમાભાઈ. ઉંમર ૭૫. રાત્રે તેમના સપનામાં ભગવાન આવ્યા અને કહ્યું કે આઠ દિવસમાં તારું મૃત્યુ નિશ્ચિત છે. બસ, એ રાતથી સોમાભાઈ મૃત્યુના ભય હેઠળ જીવે છે.
દૂધીબહેન. ઉંમર ૬૫. મંદિરમાં ભજન કરતાં-કરતાં ભગવાને દર્શન આપ્યાં અને કહ્યું કે એક મહિના પછી મોટા દીકરાને મોટી મુસબીત આવવાની છે. ત્યારથી દૂધીબહેનનું મન ભગવાનના ચિંતનમાં ઓછું અને ચિંતામાં વધારે રહ્યા કરે છે.
માલાબહેન. ઉંમર ૪૫. ભગવાનનો સાક્ષાત્કાર થયો ત્યારે ભગવાને કહ્યું કે દીકરાનાં લગ્ન ક્યારેય નહીં થાય. એ દિવસથી માલાબહેન દીકરાનાં લગ્નની આશા ખોઈ બેઠાં છે.
પરેશ. ઉંમર વર્ષ ૨૦. ગૂગલ પર ભગવાને દર્શન આપી કહ્યું કે મોટી ડિગ્રી મળ્યા પછી પણ તને સારી નોકરી નહીં મળે. ત્યારથી પરેશનું ભણવામાં મન નથી. તેને એમ જ થયા કરે છે કે જો નોકરી ન મળવાની હોય તો ભણવાનો શો અર્થ!
આવા તો અનેક દાખલાઓ છે જેમાં ભવિષ્યમાં શું ઘટવાનું છે એ જાણ્યા બાદ લોકો આશા ખોઈ બેઠા છે. ચિંતામાં જીવે છે. જીવવાની જિજીવિષા રહી નથી. જીવન દુઃખથી ભરેલું ભાસે છે. ભલે આ ઘટનાઓ કાલ્પનિક હોય, પણ વાસ્તવિકતા એ છે કે ઈશ્વરે આપણને જન્મતાંની સાથે ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ વિશે કોઈ ચોપડો આપ્યો નથી. જરાક વિચાર કરો. ઈશ્વરે ભવિષ્યનો ચોપડો આપ્યો હોત તો આપણી આજની પરિસ્થિતિ કેવી હોત! દુઃખ આવતાં પહેલાં જ આપણે દુઃખી થઈ ગયા હોત. આપણા પર ઈશ્વરની સૌથી મોટી કૃપા એ છે કે ઈશ્વરે આપણને આપણા ભવિષ્યથી અજાણ રાખ્યા છે. હા, અમુક અંશે જ્યોતિષશાસ્ત્ર ભવિષ્યમાં ડોકિયું કરાવે છે; પણ જ્યોતિષ માર્ગદર્શન આપી શકે, ઉપાય સૂચવી શકે પણ બનનારી ઘટનાને રોકી ન શકે.
નાની-નાની વાતે જ્યોિતષી પાસે દોડી જનારા લોકો ખરેખર ભીરુ હોય છે. તેમને જાત પર વિશ્વાસ નથી હોતો કે જે પરિસ્થિતિ આવશે લડી લઈશું. તેમને ઈશ્વર પર ભરોસો નથી હોતો કે દુઃખ સામે લડવાની હિંમત ઈશ્વર જ આપશે.
પણ ઈશ્વરે આપણા પર કોઈ ભેદભાવ રાખ્યો નથી. રાજા હોય કે રંક, દરેકને ભવિષ્યથી વંચિત રાખ્યા છે. વર્તમાનમાં જીવવાનું કામ તો માણસે ખુદ કરવાનું હોય. ઈશ્વરની આ કૃપા માણસે ખુદ સમજવાની છે.
જરા વિચાર કરો. ઈશ્વર રોજેરોજ કેટલી કૃપા કરે છે! આપણને વર્તમાનમાં જીવવાની તક આપે છે. બાકી સવારે ઊઠતાંવેંત ઈશ્વર આપણને આવતી કાલે શું ઘટવાનું છે એ કહી દેત તો આપણે આવતી કાલના ભયમાં અથવા તો આવતી કાલે મળનારી ખુશીમાં રાચતા હોત.
ઈશ્વરે આપણને ભવિષ્યથી વંચિત રાખ્યા છે તોય આપણને કેટકેટલી ઉપાધિઓ હોય છે. આજે આવેલી ઉપાધિ સામે લડવાનું છે એની ખબર છે, પણ આપણે તો આવતી કાલે પાછી કેવી ઉપાધિ આવશે એની ચિંતામાં અડધા થઈ જઈએ છીએ. ભણતર પૂરું થશે કે નહીં, નોકરી મળશે કે નહીં, લગ્ન થશે કે નહીં, ઘડપણમાં છોકરાં સાચવશે કે નહીં, મોટી બીમારી તો નહીં આવેને આવી અનેકાનેક ચિંતાઓ આપણા વર્તમાનને ફોલી ખાય છે અને આપણને ભીતરથી પોકળ બનાવે છે.
આપણે બધાં સુખ-દુઃખની ગણતરીમાં અટવાયેલા છીએ. આપણને દરેકને સુખની કામના છે. દુઃખને આપણે આપણી આસપાસ ફરકવા નથી દેવા માગતા અને દુઃખ આવે ત્યારે એનો સામનો કરવામાં ધ્રાસકો અનુભવીએ છીએ.
ઘરના બારણા પર લાગેલા નાના ગોળ દૂરબીનમાંથી બહાર શું ચાલે છે એ જોવાના આપણને અભરખા હોય છે, પણ આપણે આપણી ભીતર ડોકિયું કરતાં ચૂકી જઈએ છીએ. ત્યાં શું ચાલે છે એ સમજવાની તસ્દી નથી લેતા. આપણે આપણી જાતને સતત યાદ અપાવતા રહેવું જોઈએ કે બૉસ... તકલીફો આવ્યા કરશે. અડચણ પેદા કરનારા માણસો પણ આસપાસ ભમ્યા કરશે. આપણો ઍટિટ્યુડ લડી લેવાનો અને જીવી લેવાનો હોવો જોઈએ.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

જે છે એ આજની ક્ષણ છે. આવતી કાલે સવારે શ્વાસ બંધ થઈ જાય એવું પણ બને. આ વાસ્તવિકતા જાણ્યા પછી એવું નથી લાગતું કે ખરેખર ઈશ્વરની કૃપા છે કે તેમણે આપણને ભવિષ્યની માયાજાળથી દૂર રાખ્યા છે?

columnists Sejal Ponda