બાળક પાસેથી ત્રણ શીખવા જેવી વાત

26 June, 2019 10:43 AM IST  |  મુંબઈ | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

બાળક પાસેથી ત્રણ શીખવા જેવી વાત

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

બાળક પાસે જીવવાની સાહજિકતા હોય છે. બાળક ભાર વગર જીવે છે. બાળક સંકોચ કે ક્ષોભ રાખ્યા વગર હસી શકે છે, રડી શકે છે. બાળક રડતાં પહેલાં વિચારતું નથી કે હું રડીશ તો લોકો શું કહેશે? બાળકને દુનિયાની પરવા નથી. એને તો રડવું હોય તો રડી લે છે. આપણે પણ બાળક હતાં ત્યારે આવું જ કરતાં. ભેંકડો તાણતાં. નિઃસંકોચ રડી લેતા. બાળક રડતું હોય ત્યારે ઘણી બધી નજર એને વીંધતી હોય, પણ બાળક પર એ નજરની અસર થતી નથી.

આપણે આંસુને આંખોની બહાર ન છલકવા દેવાની ફાવટ સાથે જીવીએ છીએ. વાસ્તવમાં એ ફાવટ કરતાં દંભ હોય છે. આંસુને છલકવા દેવાની સાહજિકતા આપણે ખોઈ બેઠા છીએ. આપણે એટલું બધું વિચારીને જીવીએ છીએ કે હસવા-રડવા જેવી સામાન્ય ક્રિયા કરવામાં આપણે સંકોચ અનુભવીએ છીએ. મોટા થયા પછી આપણી દુઃખની સાઇઝ પણ મોટી થતી જાય છે. બાળક જેવી બેફિકરાઈની આપણામાંથી બાદબાકી થઈ જાય છે.

ખિલખિલાટ કરતું બાળક જોઈએ ત્યારે આપણી ગરીબાઈનો ખ્યાલ આવે. બાળક કારણ વગર હસી શકે છે. આપણે કારણ વગર દુઃખી થઈ જઈએ છીએ. બાળક ખુલ્લા મને હસે છે. નાની નાની વાતમાંથી બાળક હાસ્ય શોધી લે છે.

આપણને એવું લાગે છે કે આપણે મોટાઓ બહુ જ્ઞાની છે. જીવવાની કળા શીખવા કોઈ મોટી વર્કશોપમાં જવાની જરૂર નથી. હસતાં, રમતાં, રડતાં બાળકના સાંનિધ્યને માણવાની જરૂર છે.

બાળક પાસે શીખવાની પહેલી વાત: કારણ વગર ખુશ રહેવાની કળા. સાવ નાની વાતમાંથી ખુશી શોધવામાં બાળક માહેર હોય છે. બાળક પોતાની મસ્તીમાં મસ્તરામ હોય છે. બાળકને ખુશ રહેવા માટે કોઈ કારણની જરૂર પડતી નથી. અમુક વસ્તુ મેળવવાની એની જીદ હોઈ શકે, પણ એ વસ્તુ ના મળે તો એ ખુશ નહીં રહી શકે એવું માનવાને કોઈ કારણ નથી. આપણી ખુશી વસ્તુ કે વ્યક્તિમાં બંધાયેલી હોય છે. આપણને એ ન મળે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. બાળક કોઈ વસ્તુ મેળવવા કે કોઈ વ્યક્તિ સાથે રહેવા જીદ કરતું હોય, પણ જો એ ના મળે તો બાળક રડી કરીને પોતાનું મન બીજે લગાવી લે છે. આપણે ઘણી વાર મહિના કે વર્ષો સુધી વ્યક્તિની યાદમાં પસાર કરી દઈએ છીએ. જ્યારે બાળક ન મળેલી વસ્તુ કે વ્યક્તિ માટે વર્ષો સુધી જૂરતું નથી.

આપણે બાળક જેવા બેફિકર નથી બની શકતા. જે નથી મળ્યું એનો શોક પાળીએ છીએ. જે મળ્યું છે એમાં ખુશી શોધી નથી શકતા. ઇચ્છેલું મળે તો જ ખુશ રહી શકાય એવી આપણી વ્યાખ્યામાંથી આપણે બહાર આવવાની જરૂર છે. જીવનમાં કશું જ પર્મનન્ટ નથી, તો પછી બાળકની જેમ સદાય પ્રસન્ન રહીએ તો કેવું!

બાળક પાસે શીખવાની બીજી વાત: હંમેશા કંઈ ને કંઈ કરવામાં વ્યસ્ત રહો. બાળક ક્યારેય નવરું બેઠેલું દેખાતું નથી. એ કંઈ ને કંઈ રમતમાં વ્યસ્ત રહે છે. આપણે તો જરાક નવરા પડીએ કે આપણા વિચારોનું ટેલિકાસ્ટ શરૂ થઈ જાય છે. આપણે આપણી જાતને વિચારો કરવામાં વ્યસ્ત કરી દીધી છે. આવી વ્યસ્તતા વધુ જોખમી કહેવાય. આમ આપણી પાસે ઘડીની નવરાશ નથી હોતી. અને જરાક નવરાશ મળે ત્યારે આપણે નકામી વાતોમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. દિવસ દરમ્યાન એક કામ એવું કરવું જોઈએ જે જાતને અને બીજાને ખુશી આપે.

બાળક પાસે શીખવાની ત્રીજી વાત: ઈગો રાખ્યા વગર નાનામાં નાની વસ્તુ માગો. બાળક કંઈ જોઈતું હોય તો બેફિકરાઈથી માગી લે છે. એને એ મળે ન મળે, એ પછીની વાત છે. આપણે સંબંધોમાં હું શું કામ? એવી માનસિકતા સાથે જીવીએ છીએ. હું શું કામ ફોન કરું? હું શું કામ એને મળવા જાઉં? હું શું કામ એની પાસે કંઈ માગું? આ હું શું કામ એ બહુ નકામો ઈગો છે. બાળકમાં અહંકાર નથી એટલે એને હું શું કામ? જેવા નકામા વિચારો નથી આવતા. એને તો કોઈની પાસે કંઈ જોઈતું હોય તો એની પાસે જઈ માગી લે છે. આપણે રોદણાં રડીને ક્યાંક હાથ નથી ફેલાવાનો, પણ આપણો અહંકાર ત્યજીને સામેથી પહેલ કરવી પડે તો કરી લેવાની છે. અહંકાર ત્યજી દઈશું તો ઈશ્વર પણ નજીક રહેશે. અહંકાર ભરેલો હશે તો તકલીફ વખતે ઈશ્વર કહી શકે છેઃ હું શું કામ! એના કરતાં માગી લેવાનું. આપણે માગ માગ કરીને માગણ નથી બનવાનું, પણ જ્યારે જ્યારે હું શું કામ? એવો પ્રશ્ન થાય ત્યારે ચેતી જવાનું કે ક્યાંક અહંકાર ડોકાઈ રહ્યો છે.

બાળક પાસેથી શીખવાની આ ત્રણ બાબત અમલમાં મુકાઈ જાય તો આપણા દુઃખ પર આપણે જ મલમ લગાડતાં શીખી જઈશું. આપણા સુખને માણતા શીખી જઈશું.

આ પણ વાંચો : છેને પપ્પા જાદુગર

મોબાઇલ યુગમાં જન્મેલાં બાળકોની ખરેખર દયા આવે. જન્મતાંની સાથે જ સોશ્યલ મિડયામાં અપલોડ થઈ જતાં બાળકને કદાચ વહાલ ખરબચડું અને મોબાઇલની સ્ક્રીન લીસી ન લાગે તો જ નવાઈ! અને ભવિષ્યમાં બાળક આ ત્રણ વાત ન ભૂલે એવી પ્રાર્થના.

Sejal Ponda columnists