Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > છેને પપ્પા જાદુગર

છેને પપ્પા જાદુગર

19 June, 2019 11:32 AM IST |
સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

છેને પપ્પા જાદુગર

છેને પપ્પા જાદુગર


બાળપણમાં બે પૈડાંની નાની સાઇકલને પાછળથી પકડતા અને જેવું આપણે પૅડલ મારીએ કે આપણી સાથે દોડતા પપ્પા અચાનક એમના હાથની પકડ છોડી દેતા અને આપણને એકલપંડે સાઇકલ ચલાવતાં જોઈ રહેતા ત્યારે એમના ચહેરા પરની ખુશી અને એમના મનમાં ચાલતા ભાવ પકડી શકીએ એવી આપણી ક્ષમતા નહોતી.

ધીર, ગંભીર, અકડુ, કઠોર વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ પપ્પા તરીકે ઓળખાય છે. પપ્પા એટલે ઘરની મોભાદાર વ્યક્તિ. ઘરના બધા જ લોકો એમના ઑર્ડરને ફૉલો કરે.



નાની નાની વાતે રડી લેતાં દીકરા, દીકરીને પપ્પાનો રડતો ચહેરો છેક દીકરીને વળાવતી વખતે જોવા મળે. દીકરીવિદાય વખતે આંસુને ન રોકી શકતા પપ્પા ગળે ડૂમો ભરાયા પછી આંસુને નાછૂટકે છલકાવી દે છે. પપ્પા કઠણ કાળજાના હોય છે એ માન્યતા દીકરીવિદાય સમયે તદ્દન ખોટી સાબિત થાય છે.


મોટા ભાગના પરિવારના પપ્પાને રસોડાના કામમાં કોઈ ગતાગમ પડતી નથી. ચમચી મગાવી હોય તો મોટો શાકનો ચમચો લઈ આવે. તપેલીની સાઇઝ જોઈ હંમેશ કન્ફયુઝડ થઈ જતા પપ્પા કિચનમાં જો ચા બનાવવા આવે તો તપેલીના મોટા પરિવારને પહેલાં તો નિહાળતાં જ રહી જાય. પપ્પા ગમે તેમ કરી જો ચા બનાવવામાં સફળ થઈ ગયા હોય તોય એમણે ચા બનાવવામાં ફેલાવેલો પથારો જોઈ થાય કે જો એમને રસોઈ કરવા આપીએ તો રસોડાના શું હાલ થઈ જાય.

પપ્પાને ઘરનું કામ ન આવડે એ માન્યતા પણ સાવ ખોટી છે. અમુક ઘરના પપ્પા શાક-ભાજીથી લઈ ઘરની દરેક વસ્તુ ખરીદવામાં એક્સપર્ટ હોય છે. શાક તો એવું સમારે કે શાક ખુદ શરમાઈ જાય કે હાઈલા... સમાર્યા પછી હું આટલું સરસ દેખાઉં છું! આવા પપ્પાઓ બહુ સુદૃઢ હોય છે. દોરી પરથી સુકાયેલાં કપડાં લઈ વ્યવસ્થિત ઘડી કરે છે. જેમ સંબંધોને વ્યવસ્થિત સાચવતા હોય અસલ એમ જ. કપડાંને એવી સરસ ઇસ્ત્રી કરે કે ઘરના લોકોને થાય કે બહાર ઇસ્ત્રીવાળાને કપડાં આપી શું કામ પૈસા બરબાદ કરવા. જોકે રોજબરોજ તો પપ્પા આ બધાં કામ માટે સમય ન કાઢી શકે, પણ પપ્પાને રસ હોય તો રવિવારે આ દરેક કામ હોંશે હોંશે પૂરાં કરી નાખે.


જે ઘરના પપ્પા સમયને ખૂબ મહત્ત્વ આપતા હોવાથી એ કામ સમયસર પૂરું કરવા સૂચનાઓ આપતા રહે છે. સતત ઘડિયાળાના ટકોરે દોડતા પપ્પાને લીધે આખું ઘર દોડતું જોવા મળે છે.

રાત પડતાં જ વાર્તા કહેતા, માથે વહાલથી હાથ ફેરવતા પપ્પા હવે ખોવાઈ ગયા છે. મોબાઇલના બંધાણી પપ્પા દીકરા-દીકરીને મોબાઇલનો સ્પર્શ કરાવે છે. એટલે જ પપ્પાની હૂંફ ખોવાતી અનુભવાય છે. પપ્પાને હવે કામના થાક કરતાં સતત મોબાઇલ અને કમ્પ્યુટર પર ફરતી આંગળીઓનો થાક વધારે વર્તાય છે.

મૉડર્ન એજના પપ્પા પાસે ના તો ભાષાવૈભવ બચ્યો છે, ના તો સમય. અને વૃદ્ધ થયેલા પપ્પા પાસે સમય જ સમય છે.

પપ્પા ક્યારેય ગરીબ નથી હોતા. પપ્પા જ્યારે પપ્પા બને છે ત્યારે જ શ્રીમંત બની જાય છે. એમના વહાલની શ્રીમંતાઈ અંત સુધી સંતાનોને ભીંજવ્યા કરે છે. પહેલો વરસાદ પડતાં માટીની સુગંધ જેવું પપ્પાનું વ્યક્તિત્વ હોય છે.

પપ્પાની કઠોરતા ખરેખર તો નાળિયેર જેવી હોય છે. અમુક પપ્પા ખૂબ રમૂજી હોય છે. સદાય હસતા રહે છે અને હસાવતા રહે છે, તો અમુક પપ્પાનું હાસ્ય ઘર ચલાવવાના સંઘર્ષમાં અલોપ થઈ જાય છે. પૈસાની તંગીના સમયે દીકરા કે દીકરીને સાઇકલ કે બીજાં રમકડાં ન અપાવી શકનાર પપ્પાના મનની પીડા પપ્પા પોતાની અંદર હંમેશાં છૂપી રાખે છે. એમ તો પપ્પા ઘણું છૂપું રાખે છે. પોતાને પડતી તકલીફ, પડું પડું થતાં આંસુ, સંસાર ચલાવવામાં પોતાનાં હોમાઈ ગયેલાં સપનાં, પેન્ટના ખાલી ખિસ્સામાં ભરાઈ પડેલી ઇચ્છાઓ. આ બધું એવું તો છુપાઈ જાય છે કે વર્ષો સુધી જડતું નથી.

વૃદ્ધ થઈ ગયેલા પપ્પા એમના જેવા જ ધોળા વાળવાળા બીજા પપ્પાઓ સાથે એકલતાનો એકડો ઘૂંટે છે. ક્યારેક સંતાનો માટે ઘસી કાઢેલી જિંદગીની ફરિયાદ કરે છે, અફસોસ કરે છે. તો ક્યારેક બધું જ ભૂલી વૃદ્ધત્વને આવકારે છે. ગમતાં ગીતો ગણગણે છે. ગમતો સંગાથ અને સત્સંગ કરે છે. આ ઉંમરે પપ્પાના કપાળની કરચલીઓ સંબંધોમાં પણ ઊતરી આવે છે. જીવનની ઘટમાળ સાચવવામાં વીતી ગયેલો પપ્પાનો સમય હવે ખો આપી એમનાં દીકરા-દીકરીની જિંદગીમાં પ્રવેશી જાય છે. વૃદ્ધ પપ્પા પાસે સમય જ સમય અને દીકરા દીકરી પાસે સમયની મારંમારી. ઘડિયાળના કાંટે દોડતા પપ્પા એ જ ઘડિયાળના કાંટે થંભી જાય છે.

વૃદ્ધ પપ્પાના અનુભવની પેટીમાંથી અનુભવની ઉઘરાણી કરવા કોઈ ફરકતું નથી અને પપ્પા એ અનુભવનું પોટલું બાંધી દિલના ખૂણામાં સાચવીને મૂકી રાખે છે. જરૂર પડે ત્યારે સત્યનારાયણની કથામાં મળતા પ્રસાદની જેમ એની વહેંચણી કરે છે. પપ્પા આખી જિંદગી કેટલું બધું વહેંચે છે એ શાંતિથી વિચાર કરો તો જ સમજાય. એટલે જ પપ્પા ઘરના જાદુગર કહેવાય છે.

આ પણ વાંચો : હું ઈશ્વરની શપથ લઉં છું કે...

છે ને પપ્પા જાદુગર?

મમ્મીએ તો એમ કહ્યું છે...
પપ્પા છે જાદુગર
સવાર પડતાં દુનિયા આખી
વસી જાય છે અંદર
રાત પડતાં ... દિવસ આખાનો
દેખાડે નહીં થાક..
હસતાં રમતાં આપણી સાથે
થઈ જાય છે ન્યાલ
પપ્પા મારા હોય ભુલકણા તોય...
મનની અંદર લઈ ફરે છે
આખેઆખું ઘર
છે ને પપ્પા જાદુગર?...

પપ્પાને તો જીવન રમતમાં સતત જીતવું પડે
મારી સાથે રમતાં રમતાં હારવું
એમને ગમે
ચિત્રકામમાં એમને તો આવડતું નથી કંઈ
પોપટની જગ્યાએ એ તો દોરી નાખે ગાય
પાટીના મારા અંધકારને એ કરતાં છૂમંતર
છે ને પપ્પા જાદુગર?...

આંખે ચશ્માં પહેરી એ તો શોધી લેતાં સઘળું
મારું ખોવાયેલું બચપણ નથી એમને જડતું
પાનેતરના લાલ રંગને આંખે આંજી ફરતા
છુપકે છુપકે હળવાં હળવાં આંસુ સારી લેતા
ઊભરાતા ડૂસકાને એ તો ગળી જાય છે અંદર
છે ને પપ્પા જાદુગર?... - સેજલ પોન્દા

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 11:32 AM IST | | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK