કૉલમ : સર...સર...સરખામણી

24 April, 2019 01:06 PM IST  |  | સેજલ પોન્દા

કૉલમ : સર...સર...સરખામણી

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

સરખામણી આપણા વ્યક્તિગત જીવનનું એક બહુ મોટું દૂષણ છે. ક્યારેક આપણે જાતની સરખામણી કરીએ છીએ તો ક્યારેક બીજાની સરખામણીનો ભોગ બનીએ છીએ. આપણી સૌથી મોટી તકલીફ એ છે કે દરેક વ્યક્તિ, એની બુદ્ધિક્ષમતા, એની આવડત, એને વરેલી લક્ષ્મી એકસરખી ન હોવા છતાં આપણે એની તુલના કરીએ છીએ. જુદા હોવાનો સ્વીકારભાવ જ્યારે આપણે નથી કરી શકતા ત્યારે નિરાશા સિવાય કશું મળતું નથી.

ભિન્ન હોવાનું સૌથી મોટું ઉદાહરણ એટલે આપણી પોતાની આંગળીઓ. હાથની દરેક આંગળી જુદી છે છતાં દરેક આંગળીનું જુદું જુદું મહત્વ છે. દરેક આંગળી પોતાની રીતે યુનિક છે. આપણે અંગૂઠાને ખેંચીને લાંબો નથી કરી શકતા. આંગળીને દબાવીને ટૂંકી નથી કરી શકતા, પણ જ્યારે પાંચેપાંચ આંગળીઓની મુઠ્ઠી વાળીએ છીએ ત્યારે આંગળીની તાકાતનો અંદાજો આવે છે. આ મુઠ્ઠી હિંમત જોડી શકે છે.

ઘણા પેરન્ટ્સને સંતાનોની સરખામણી કરવાની કુટેવ હોય છે. બીજાનાં સંતાનો ડ્રૉઇંગ, સ્કેટિંગ, ફ્રેન્ચ ક્લાસ, સ્વિમિંગમાં જાય છે તો આપણું સંતાન કેમ રહી જાય! આવી વિચારધારાને લીધે બાળકની પસંદગી બાજુએ રહી જાય છે.

સંતાનો મોટાં થાય એમ પેરન્ટ્સની ઇચ્છાઓનો આકાર પણ મોટો થતો જાય છે. તેમની વામન ઇચ્છાઓ વિરાટ સ્વરૂપ લઈ લે છે. એવું પણ બને કે યુવાનીના ઉંબરે પહોંચેલાં સંતાનો કરિયર બાબતે અવઢવમાં હોય. કોઈ નિર્ણય ન લઈ શકતાં હોય અને તેમણે કરેલા નિર્ણયો ખોટા પડે. શક્ય છે એવા સમયે તેમની સરખામણી કરવામાં આવે કે ફલાણાનો દીકરો કે દીકરી જો અત્યારે ક્યાં પહોંચી ગયા છે. હારવાનો ડર સંતાનો કરતાં પેરન્ટ્સના મનમાં વધારે હોય છે. મારો દીકરો કે દીકરી ક્યારેય હારી જ ન શકે. આ વાક્ય સંતાનોને હિંમત આપવામાં વપરાતું હોય ત્યાં સુધી ઠીક છે, પણ આ વાક્યનો ઉપયોગ સરખામણી કરવા થતો હોય તો પેરન્ટ્સ અને સંતાનો વચ્ચે મોટી ખાઈ ઊભી થતી જશે. એકબીજા માટે અંસતોષ વધતો જશે.

દેખાદેખીથી પ્રેરાઈને જ્યારે આપણે આપણી જિંદગીમાં શું કરવું એ નક્કી કરીએ છીએ ત્યારે એ સરખામણી કહેવાય છે. બીજા આપણા કરતાં વધુ શ્રેષ્ઠ છે, તેમની જિંદગી આપણા કરતાં વધુ સરળ છે એવો વિચાર આપણને વધુ નબળા બનાવે છે. કોઈની શ્રેષ્ઠ જિંદગીમાંથી પ્રેરણા લઈ આપણી જિંદગીને આપણી રીતે વળાંક આપીએ એ ખોટું નથી, પણ ઈર્ષા કે સરખામણીના ભાવથી બીજા કરતાં શ્રેષ્ઠ કરવાનો વિચાર કરીએ ત્યારે આપણે આપણા માટે જ જોખમ ઊભું કરતાં હોઈએ છીએ. ઉનાળાના વેકેશનમાં પાડોશી સ્વિટ્ઝરલૅન્ડ જાય એની ખબર પડે અને આપણી જિંદગીમાં હલચલ મચી જાય એ મૂર્ખાઈ છે.

આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો જમાનો છે. ભવ્ય ડેકોરેશનથી લઈ ખાવાની અગણિત વાનગીઓ, ડિઝાઇનર કપડાં, ત્રણ દિવસનું મૅરેજ ફંક્શન. સંગીતસંધ્યા માટે નામી કોરિયોગ્રાફરને બોલાવવામાં આવે છે. ભવ્ય રીતે લગ્ન કરવાની જેની ક્ષમતા છે એ મોટા ખર્ચાને પહોંચી વળે છે. તેમનાં લગ્નમાં જઈ આપણી આંખો અંજાઈ જાય અને આપણે પણ આવી જ રીતે લગ્ન કરીશું એવા વિચાર મનમાં આવે અને આપણે ક્ષમતા બહારનો ખર્ચો માત્ર સરખામણી કરવા કરીએ તો એ ખોટું છે. લગ્નપ્રસંગે જમવાની ગમે તેટલી આઇટમ કેમ ન હોય, પેટ થોડું પારકું છે! પહેલાંના જમાનામાં લગ્નપ્રસંગે જો ખબર પડે કે ૧૦૦ માણસની રસોઈ કરવાની હોય અને રસોઈ વધી પડે તો સરકારી કર્મચારી આવી ટોપિયા ઉપાડી જતા. એની પાછળનો ઉદ્દેશ એ જ હતો કે જમણવારનો બગાડ ન થાય. હવે ઊંધું થઈ ગયું છે. જમણવારનો બગાડ ન થાય તો એ લગ્ન ન કહેવાય.

પોતાની ક્ષમતા પ્રમાણે પ્રસંગ ઊજવવાનો હક દરેકને છે. એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત મામલો છે, પણ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ક્ષમતાની સાથે સભાનતા પણ કેળવાવી જોઈએ. એક વ્યક્તિએ તેની ક્ષમતા પ્રમાણે પ્રસંગની ઉજવણી કરી. આપણે એમાં સભાનતાપૂર્વક સામેલ થઈએ. ના તો અન્નનો બગાડ થાય ના તો આપણા વિચારોનો.

આ પણ વાંચો : કૉલમ : કેટલી જરૂરી કડવાશ?

કૉલેજિયનો તેમની ઉંમરના ફ્રેન્ડસ પાસે કાર, બાઇક જોઈ પોતાના પેરન્ટ્સને એ ખરીદી આપવાની ડિમાન્ડ કરતા હોય છે. રોડ ટ્રાફિકનો અનુભવ ન હોય એવા સમયે તેમની ડિમાન્ડને આધીન થવું જોખમભરેલું સાબિત થાય છે. બીજાની સરખામણી કરી જાતનું સ્ટેટ્સ નાનું ન લાગે એવી મેન્ટાલિટી જીવનમાં અસંતોષ નિર્માણ કરે છે. સરખામણી એક પ્રકારની સ્વહિંસા કહેવાય છે. એમાંથી બચવું હોય તો પોતાની ચાદરની લંબાઈ તપાસી લેવી. સરખામણી કરવી હોય તો જાત સાથે કરવી. આજ કરતાં આવતી કાલે આપણે કેટલા વધુ બહેતર બની શકીએ એની પર નજર રાખવી જોઈએ.

Sejal Ponda columnists