કૉલમ : કેટલી જરૂરી કડવાશ?

સેજલ પોન્દા | Apr 17, 2019, 09:39 IST

શરીરના રોગ દૂર કરવા કડવાશને આપણે અંદર ઉતારીએ છીએ. મનના રોગ દૂર કરવા કડવાશને બહાર કાઢવી પડે

કૉલમ : કેટલી જરૂરી કડવાશ?
પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

કડવાશથી દૂર થાય રોગ, ને સંબંધો પણ. - સેજલ પોન્દા

આપણને દરેકને કડવા સ્વાદનો અનુભવ છે જ! કડવી દવા અને માણસનો નાતો પૉઝિટિવ રહ્યો છે. કડવી દવા શરીરની અંદર જાય. એની અસર શરૂ થાય અને આપણે સાજા થવા લાગીએ. કડવા માણસોની બાબતે આવું બનતું નથી. કડવા માણસનો અનુભવ આપણા પર અવળી અસર કરે છે. કોઈક માણસ કડવા હોય અને કોઈક માણસના વ્યવહારને લીધે આપણામાં એના પ્રત્યે કડવાશ આવતી રહે.

આયુર્વેદની કડવી દવાઓ તો રોગને મૂળમાંથી કાઢે છે. ચોમાસામાં ભોજનમાં આપણે કારેલાંનો ઉપયોગ કરીએ છીએ. અમુક રોગ કે અણધારી આવી પડેલી બીમારીનું મારણ કડવી સામગ્રીથી થાય છે, પણ સંજોગો, પરિસ્થિતિ, માણસોને લીધે આપણી અંદર ભરાતી જતી કડવાશનું નિવારણ કેવી રીતે થાય? માણસ માટે ભીતર કડવાશ ઊભરાય ત્યારે એનો ઉપાય ગળપણ છે. શરીરના રોગ દૂર કરવા કડવાશને આપણે અંદર ઉતારીએ છીએ. મનના રોગ દૂર કરવા કડવાશને બહાર કાઢવી પડે.

જે વ્યક્તિ પોતાના વ્યવહાર, વર્તન વિશે જાગૃત હોય તેનો આત્મા તેને સતત ચેતવતો હોય છે. સંજોગવશાત્ તે કોઈ ખોટી દિશાએ ભટકી પણ જાય તો વહેલેમોડે પણ તેને રિયલાઇઝ થાય છે કે તેની દિશા, તેની પસંદગી ખોટી હતી.

લોકો તમને કેવી રીતે ટ્રીટ કરશે એનો કંટ્રોલ તમારા હાથમાં નથી હોતો, પણ આપણે લોકોને કેવી રીતે ટ્રીટ કરીશું એ કંટ્રોલ આપણા હાથમાં હોય છે. કોઈ પણ સંજોગામાં આપણો મૂળ સ્વભાવ બદલાવો ન જોઈએ.

એક કહેવત છે ગધેડાને ડફણાં જ હોય. આ કહેવત સાચી હોઈ શકે. અમુક વ્યક્તિ પર સારા વ્યવહારની અસર ન થતી હોય. આપણે સહન કર્યે જતા હોઈએ, અને પછી એક દિવસ આપણી અંદરનો જ્વાળામુખી વિકરાળ રૂપ લઈ લે અને આપણે આપણો મૂળ સ્વભાવ છોડી, પ્રૅક્ટિકલ બની સામેની વ્યક્તિને પાઠ ભણાવીએ. જો આપણે આનાથી ઊંધું કરીએ તો? જેમ કે આપણે સારપ ન છોડીએ તો? અરે તો તો હેરાન થતાં જઈશું એવો જ જવાબ હશે તમારા બધાનો. સારપ અમુક હદ સુધીની સારી એ વાતને પણ નકારી ન શકાય. જે બોલવામાં, વાંચવામાં સારું લાગતું હોય એ વ્યાવહારિક જીવનમાં કેટલું ઉતારી શકાય એ તો સંજોગો આવે ત્યારે જ ખબર પડે.

કડવાશને છોડીને માત્ર સારા બની રહેવું, મીઠા બની રહેવું કેટલું શક્ય અને યોગ્ય છે? બહુ સારા બની રહીએ તો લોકો ફાયદો ઉઠાવે, મૂરખ સમજે એ વાત પણ આપણે અનુભવી છે. તો સવાલ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે છે ત્યારે આપણે આપણો ક્રોધ કેટલો કંટ્રોલમાં રાખી શકીએ છીએ? આપણા માટે ખરાબ વિચારનાર, આપણું અહિત કરનાર વ્યક્તિ માટે આપણને માન રહેતું નથી. આપણો એ વ્યવહાર બહુ જ સહજ છે, પણ શું એવું બની શકે કે આપણે એના માટેનું રિસ્પેક્ટ ઓછું ન થવા દઈએ? અઘરું છેને? કદાચ અશક્ય જ લાગતું હશે. હવે જે અશક્ય લાગે છે એને એક વાર કરી તો જોઈએ. બીજાને બદલવા કરતાં આપણે ખુદ શાંત વ્યવહાર રાખી શકીએ એની પ્રૅક્ટિસ કરીએ તો! એકાદ મહિનો આવું કરી જોઈએ, અને પછી નિર્ણય લઈએ કે કડવાશ રાખવી કે છોડી દેવી. વ્યવહારમાં આવું શક્ય ન હોય એ પણ હકીકત છે. છતાં જાતને પારખવા માટે આવું કરીએ. સમજો કે એક મહિનો તમે કોઈ કૅમ્પમાં ગયા હો અને ત્યાં ફરજિયાત કડવાશની સામે ગળ્યા રહેવાનું જ કહેવામાં આવે. વ્યવહારમાં એવું જ કરવાની ફરજ પડે તો તમે કરો કે નહીં? બસ એવી જ રીતે જસ્ટ એક્સપરિમેન્ટ તરીકે કડવાશની સામે કડવાશ નહીં પીરસવાનું નક્કી કરીએ. જોઈએ તો ખરા કે સામેવાળામાં શું બદલાવ જોવા મળે છે. ક્યારેક અલગ રીતે જીવવાની મજા પણ માણવી જોઈએ.

સમજો કોઈ વ્યક્તિ વગર કારણે તમારા માટે ઘસાતું બોલતી હોય, તમારા માટે ખોટી વાતો ફેલાવતી હોય તો તમારું સૌથી પહેલું રીઍક્શન શું આવે? તમે અકળાઈ જાઓ, તમને એ વ્યક્તિને જવાબ આપવાનું મન થાય. તેને તેની જગ્યા બતાડવાની ઇચ્છા થાય. એ વ્યક્તિનું મોઢું બંધ કરવાનું તમે વિચારો. અને તમે આ બધું કરી લો છો. પરિણામે તમારા અને તેના રિલેશનનો ધ એન્ડ આવી જાય છે. તમને એવું લાગે છે કે એ વ્યક્તિ હવે મારા વિશે એલફેલ બોલવાની હિંમત નહીં કરે. તમને એવું લાગે છે કે તમે વિજયી બની ગયા. એ વ્યક્તિ માટે તમે કડવાશ લઈને ચાલ્યા ગયા, પણ અસલમાં તે વ્યક્તિ એનું કામ કરતી રહે છે. તમારા વિશે ઘસાતું બોલતી રહેશે. ઉપરથી એમાં ઉમેરશે કે તમારો સ્વભાવ સખત ક્રોધી છે. એ વ્યક્તિ બીજી વ્યક્તિઓ સામે એવી પણ પલટી મારી શકે કે હું તો મજાક કરતી હતી કે મજાક કરતો હતો.

લોકો જ્યારે આપણા માટે ખરાબ વિચારે છે, ખરાબ કરે છે, ખરાબ બોલે છે ત્યારે એ સમયે આપણાં રીઍક્શન, આપણો વ્યવહાર આપણે કેવો રાખી શકીએ છીએ એનાથી આપણે માનસિક રીતે કેટલા સ્ટ્રોન્ગગ છીએ એની આપણને ખબર પડે છે. આપણે કેટલું લેવું અને કેટલું ફગાવી દેવું એ આપણા પર નિર્ભર છે.

આ પણ વાંચો : કૉલમ : બોલે તો હસને કા

રોજબરોજના સંબંધમાં, કામના સ્થળે એક વાર કડવાશની સામે ગળ્યા રહેવાનો એક્સપરિમેન્ટ કરી તો જુઓ. નુકસાન નહીં થાય, પણ જાતનો એક નવા સ્વરૂપ સાથે ભેટો થઈ જશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK