હું ઈશ્વરની શપથ લઉં છું કે...

12 June, 2019 12:22 PM IST  |  | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

હું ઈશ્વરની શપથ લઉં છું કે...

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

ચૂંટણી, આરોપ, પ્રત્યારોપ, દોષારોપણ, આંદોલન, ચૂંટણીપરિણામ, નારાજગી, સેલિબ્રેશન, શપથવિધિ બધું થંભી ગયું છે. શપથવિધિ પછી સરકારી નેતાઓમાંથી અમુકે કાર્યભાર સંભાળીને કામ શરૂ કરી દીધું છે. તો અમુક નેતાઓ હજી આળસની ચાદર ઓઢીને બેઠા હશે. અમુક ન્યુઝ-ચૅનલોની બકવાસ-ચર્ચાઓમાં સામેલ થયા હશે તો અમુક જાત્રાએ ઊપડી ગયા હશે.

‘મૈં ઈશ્વર કી શપથ લેતા હૂં...’ આ વાક્ય જ્યારે સાંભળીએ ત્યારે સામાન્ય જનતામાં એક વિશ્વાસ બેસે કે દેશનો ઉદ્ધાર થશે, પણ સામાન્ય જનતા એક વાત ભૂલી જાય છે કે દેશનો ઉદ્ધાર ક્યારેય એક જણ કરી ન શકે. એ માટે જનતાએ પોતે પણ એમાં જોડાવું પડે.

એક રાજ્યમાં રાજ્યની વચ્ચોવચ એક ભારેભરખમ પથ્થર પડ્યો હતો. આવતી-જતી પ્રજા એ પથ્થરને જુએ અને બબડાટ કરે કે કેવા લોકો છે આવડો મોટો પથ્થર આમ રસ્તા વચ્ચે મુકાતો હશે! કોઈ પડી જાય કે વાગી જાય તો! પ્રજાજનો ત્યાંથી પસાર થાય અને એ પથ્થરને જુએ, બબડાટ કરે અને ત્યાંથી જતા રહે, પણ કોઈએ એ પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહીં. આપણે પણ આવી જ અર્ધજાગ્રત પ્રજા છીએ. રાજ્ય ચલાવતો રાજા આવીને આપણે માટે રસ્તા વચ્ચે પડેલો પથ્થર હટાવશે એવી આશા સાથે જીવીએ છીએ. જ્યાં સુધી એ પથ્થરથી આપણે લોહીલુહાણ નથી થતા ત્યાં સુધી આપણને કોઈ ફરક નથી પડતો.

રોજબરોજના જીવનમાં દિવસ દરમ્યાન આવા કેટલાય કિસ્સાઓ આપણી આંખ સામેથી પસાર થાય છે.

એક વખત અમે એકોક્તિનો શો કરીને ઘર પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે ટ્રેનમાં અમારી સામે બેઠેલો માણસ સિંગચણા ખાતો હતો. ખાઈ લીધા પછી એ કાગળ તે ટ્રેનની બારીની બહાર ફેંકવા જતો હતો. અમારી સાથે અમારા ઑર્ગેનાઇઝર હતા. તેમણે તરત ટોકતાં કહ્યું કે ‘કચરા બાહર મત ફેંકીએ. લાઈયે મુઝે દિજિયે’ એમ કહીને ઑર્ગેનાઇઝરે સિંગચણાનો કાગળ લઈને પોતાની બૅગમાં મૂકી દીધો. પેલો માણસ એવો ભોંઠો પડી ગયો અને બોલ્યો, ‘અરે આપ હમારા કચરા અપની બૅગ મેં મત રખીએ.’ ઑર્ગેનાઇઝરે તરત કહ્યું કે ‘ફિર આપ કચરા બાહર ભી મત ફેંકીએ’ અને પેલા માણસે કચરો લઈને પોતાની બૅગમાં મૂકી દીધો અને કહ્યું, ‘આજ પછી હું ક્યારેય આવું નહીં કરું.’ આને કહેવાય બદલાવ. આપણી આંખ સામે કંઈ અયોગ્ય બને છે એની સામે જ્યાં સુધી આપણે અવાજ નથી ઉપાડતા ત્યાં સુધી કશું જ બદલાવાનું નથી. કોઈ મારામારી કરતું હોય એમાં ન પડીએ એ બરાબર છે; પણ જ્યારે કચરો ફેંકવાની, રસ્તા વચ્ચે થૂંકવાની, ગંદકી કરવાની ઘટના બનતી હોય ત્યારે આવી ઍક્શન બદલાવ લાવી શકે છે.

સામાન્ય પ્રજા તરીકે આપણે શપથ લેવી જોઈએ કે ‘કોઈ અયોગ્ય ઘટના નહીં બનવા દઈએ, એમાં સાથ નહીં આપીએ અને એને રોકવાનો પ્રયત્ન કરીશું.’

વરસાદ આવશે ત્યારે નાળાં ભરાઈ જશે. એની બૂમાબૂમ ચાલુ થઈ જશે, પણ નાળામાં કચરો ફેંકે છે કોણ? રાજનેતાઓ ફેંકવા નથી આવતાને? કચરો ફેંકનાર અને પછી ફરિયાદ કરનાર આપણે જ છીએ. જે દેશની પ્રજા પોતે જ જાગ્રત નથી, આળસુ છે, જે દેશની પ્રજાને પોતાને જ કાયદાનો અમલ કરવો ગમતો નથી એ દેશ ક્યારેય આગળ આવી શકે જ નહીં. દુનિયામાં તમે જે બદલાવ જોવા ઇચ્છો છો એ માટે પહેલાં તમારે બદલાવું પડે.

ન્યુઝ-ચૅનલો પોતે પણ બધો જ બ્લૅમ સરકાર પર નાખી દે છે, પણ ન્યુઝ-ચૅનલો કચરો નાખતી, કાયદાનો ભંગ કરતી, ગમે ત્યાં થૂંકતી પ્રજાની પોલ કેમ નથી ખોલતી? ચૂંટણી વખતે ઠેર-ઠેર ફરીને લોકો કોને વોટ આપશે એની પંચાત ન્યુઝ-ચૅનલવાળાએ કરી તો કાયદો તોડતી ગંદકી ફેલાવતી સામાન્ય જનતાને કેમ બક્ષી દીધી?

એક સાચો કિસ્સો કહું. એક જગ્યાએ ઠલવાયેલા ભરપૂર કચરાના ફોટો પાડી અમે છાપામાં છપાવ્યા હતા અને બીજા જ દિવસે એ જગ્યાએથી કચરો ઊપડી પણ ગયો હતો. ગેરકાયદે પાર્ક થતાં વાહનો પણ ત્યાંથી ઊપડી ગયાં હતાં. અઠવાડિયા પછી ફરી સામાન્ય જનતાએ એ જ જગ્યા પર કચરો નાખવાનું શરૂ કર્યું અને ફરી કચરાના ઢગ ઊભા થઈ ગયા. ફરી એ કચરો ઉપાડાયો, પણ આળસુ જનતા ત્યાં ફરી-ફરી કચરો નાખવા માંડી. હવે આમાં વાંક કોનો? કચરો તો ઊપડ્યો. સરકારે એની ફરજ નિભાવી, પણ જનતાએ શું કર્યું? આવી જનતાને દંડ ન થવો જોઈએ? સફાઈ થઈ ગયા પછી ફરી કચરો નાખનાર આળસુ, સ્વાર્થી જનતા ગંદકી માટે પોતે જ જવાબદાર છે.

આ પણ વાંચો : કરીએ મેકઓવર દેખાવ, સ્વભાવ અને પ્રભાવનો

આજે સરકાર શું કરે છે એની કોઈ જ વાત નથી કરવી. આપણે શું કરીએ છીએ એના પર પ્રકાશ પાડવાનો છે. બીજા સામે સવાલ કરતાં પહેલાં જાત સામે પ્રશ્નો ઊઠવા જોઈએ. નવી સરકાર બની ત્યારે નેતાઓ સાથે સામાન્ય જનતાને પણ શપથ લેવડાવવા જોઈએ. આજથી એટલું તો કરી શકીએ છીએ કે જ્યાં ગંદકી કરતા લોકો દેખાય તેને ટોકીએ, પેલા ઑર્ગેનાઇઝરની જેમ સામેવાળો ભોંઠો પડી જાય એવી ઍક્શન લઈએ. જાતને બદલીએ અને પછી સમાજમાં બદલાવ આવે એવા પ્રયત્નકરીએ. દરેકે બોલવાની જરૂર છે, ‘હું ઈશ્વરની શપથ લઉં છું કે...’

Sejal Ponda columnists