Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કરીએ મેકઓવર દેખાવ, સ્વભાવ અને પ્રભાવનો

કરીએ મેકઓવર દેખાવ, સ્વભાવ અને પ્રભાવનો

05 June, 2019 12:00 PM IST |
સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

કરીએ મેકઓવર દેખાવ, સ્વભાવ અને પ્રભાવનો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

લુક મેકઓવર આપણે બધા જ ઇચ્છતા હોઈએ છીએ. મેકઓવર આપણામાં અલગ પ્રકારનો આત્મવિશ્વાસ નિર્માણ કરે છે. આપણો એકસરખો દેખાવ જોઈને આપણને પણ કંટાળો આવવા લાગે છે. જ્યારે આપણે દેખાવને બદલવાનું નક્કી કરીએ છીએ ત્યારે જૂનો દેખાવ બદલવાનો હાશકારો અને નવા લુકનો ઉત્સાહ આપણામાં જોવા મળે છે.



દેખાવની સાથે કપડાંની સ્ટાઇલમાં પરિવર્તન લાવી આપણે આપણી જાતને દુનિયા સામે નવા સ્વરૂપે લાવવા માગીએ છીએ. એક જ ઘરેડમાં જીવતી સ્ત્રીઓ બદલાવ માટે ઘણી વાર જલદીથી તૈયાર થતી નથી, પણ તેમની આસપાસની સ્ત્રીઓમાં બદલાવ જોઈને તેમને પણ મેકઓવર કરવાનું મન થઈ જાય છે. અમુક સ્ત્રીઓ બિઝનેસ-નોકરીમાં વ્યસ્ત પતિને પૂછતી હોય કે હું અલગ સ્ટાઇલના વાળ કપાવું? પતિની પરમિશન મળે એટલે વાળ કપાવી લે. આટલાં વર્ષોથી પતિને બધું પૂછી-પૂછીને કરવાની આદતને કારણે પોતે શું ઇચ્છે છે એ ભૂલી જાય છે. માની લઈએ કે હવે આવા કિસ્સાઓ કે રિલેશનશિપ ઓછા હશે, પણ હજી પણ છે ખરા એ નકારી ન શકાય.


આવી સ્ત્રીઓમાં બીજી સ્ત્રીઓને જોઈ એક પ્રકારનો જુવાળ પેદા થાય છે અને હું પણ મારી મરજીની જિંદગી જીવીશ એવી ભાવના તેમનામાં આકાર લે છે. તો અમુક આજના જમાનાની લેડીને પતિને કંઈ પૂછવાનું રહેતું નથી. પોતાને જે ગમે એવો દેખાવ, એવાં કપડાં અને એવી ફૅશન તે આપમેળે અપનાવી લેતી હોય છે. તેમનામાં પહેલેથી જ આત્મવિશ્વાસ છલકાતો હોય એટલે મરજીનો દેખાવ બદલવા તેમને કોઈની પરમિશનની જરૂર પડતી નથી.

બદલાયેલો બાહ્ય દેખાવ આપણી સાથે બીજાને પણ જોવામાં અલગ લાગે છે. આપણને ફીલ ગુડ કરાવે છે. જેમની જિંદગી રસોડામાં વીતી છે એ સ્ત્રીઓ દેખાવ હોય કે દુનિયાદારી, બહુ જ જલદી કૉમ્પ્રોમાઇઝ કરી લે છે. જેમનો તાલમેલ બહારની દુનિયા સાથે છે તે જલદીથી કૉમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નહીં થાય. તેઓ તેમની પસંદગી, સગવડ, કમ્ફર્ટ ઝોન પર વધુ ભાર મૂકે છે.


મેકઓવર એટલે જૂના પર પૂર્ણવિરામ અને નવાની વધામણી. બાહ્ય દેખાવમાં આપણે એ અપનાવી લઈએ છીએ, પણ આંતરિક દેખાવનું શું? ભીતરથી આપણે જૂના વિચારોને, જૂના પૂર્વગ્રહોને, સ્વભાવને તિલાંજલિ આપીએ છીએ ખરા? નવી વિચારધારાને અપનાવીએ છીએ ખરા? ખૂબ ફૅશનેબલ દેખાતી છોકરી કે સ્ત્રી ટ્રેનની બારી બહાર કચરો નાખતી દેખાઈ આવે. પાણીની બૉટલ સીટ પર મૂકી ચાલતી પકડે. ત્યારે તેને પૂછવાનું મન થાય કે તારા બાહ્ય દેખાવની સાથે તેં નવી સોચને કેમ નથી અપનાવી?

માત્ર ફિઝિકલ અપીરન્સના ચેન્જથી ન તો પર્સનલ ઉદ્ધાર થાય છે ન તો આપણી આસપાસના વાતાવરણનો. સૌથી પહેલાં તો મેકઓવર ભીતર પેદા થવો જોઈએ. વિચાર બદલાશે તો જ એને આચારમાં મૂકી શકાશે. આપણે કરીએ છીએ ઊલટું. બહારથી બદલાઈ જઈએ, પણ અંદરથી એ જ જૂની મેન્ટાલિટી સાથે જીવતા હોઈએ. બહાર કચરો નાખતી વખતે એમ જ વિચારતા હોઈએ કે એ તો ઊપડી જશે. આ આખી વિચારધારા જ ખોટી છે.

મેકઓવર એટલે હાલ આપણે જેવા છીએ એમાં બદલાવ લાવવો. તો હવે વિચારો કે આપણો સ્વભાવ કેવો છે અને આપણે એમાં કયો બદલાવ લાવી શકીએ છીએ. આપણે ક્રોધી છીએ, શંકાશીલ છીએ, તોછડા છીએ, ઘમંડી છીએ, ડરપોક છીએ તો આ સ્વભાવને મેકઓવર કરીએ. ખામીઓ દરેકમાં હોય છે. આપણામાં ખામી છે એનો સ્વીકાર કરવો અને એમાં બદલાવ લાવીએ તો નવા સ્વરૂપે જીવવાની મજા પડે.

દરેક દિવસ આપણા માટે લર્નિંગ ડે હોય છે. દરેક પાસેથી આપણને કંઈ ને કંઈ શીખવા મળે છે. એ સારું લઈ લેવું અને નકામું ફગાવી દેવું એ મેકઓવર કહેવાય.

ભીતરનો મેકઓવર કરવા માટે સતત જાતનું ઍનૅલિસિસ કરવું પડે. જાતને મઠારવી પડે. નાનપણમાં પેન્સિલ અને રબરના ઉપયોગથી જે ભૂલ થઈ હોય એ ભૂંસી શકાતી હતી. મોટા થયા પછી જિંદગીમાં થઈ જતી ભૂલ ભૂંસવા ખબરદાર રહેવું પડે. ભૂલ સ્વીકારવાની અને સુધારવાની નીયત નિર્માણ કરવી પડે.

સતત ડરમાં જીવતા લોકો બીમારી કે આવનારી મુશ્કેલીની કલ્પના કર્યા કરતા હોય. તેમના મતે દુનિયાની સૌથી દુ:ખી વ્યક્તિ જો કોઈ હોય તો તે જાતે પોતે છે. ખરેખર તો તેમણે જાતે પોતે જ આવો ડર અને આવી વિચારધારા ભીતર પેદા કરી હોય છે. જેને શંકા કરવી છે તે દરેકેદરેક વાતમાં શંકા કરી સંબંધો બગાડશે. જે ક્રોધી છે તે નાની-નાની વાતનો મોટો ઇશ્યુ બનાવી કકળાટ કરશે.

આ પણ વાંચો : મિત્રો આપણી લાઇફલાઇન

જીવન કાંટાળું હોય તો એમાંથી રસ્તો કાઢવાનું કામ આપણું છે. રસ્તો કાઢવા માટે વિચારધારા બદલવી બહુ જ જરૂરી છે. પ્રેમ પૂછીને ન થાય. એ લાગણી સહજ છે. પણ મેકઓવર માટે જાતને તૈયાર કરવી પડે. કોઈ અચાનકથી આવીને એમ કહે કે ચાલો આજે તમારો લુક બદલી નાખું. આપણે એ માટે અચાનકથી તૈયાર થતા નથી, જાતને પૂછીએ છીએ. એમ સ્વભાવનો મેકઓવર અચાનકથી નહીં થાય, એ માટે જાતને પૂછવું પડશે કે એકધારો સ્વભાવ બદલવા માટે શું હું તૈયાર છું? મારા અમુક પ્રકારના સ્વભાવથી મારી સાથે બીજાને પણ તકલીફ પડે છે તો શું મારે એમાં બદલાવ લાવવો જોઈએ.? દેખાવનો મેકઓવર કરીને આપણે જ્યારે અરીસા સામે ઊભા રહીએ છીએ ત્યારે આપણને એ મેકઓવર ગમે છે. બદલાયેલો દેખાવ આપણને સ્પર્શે છે. એ જ રીતે બદલાયેલો સ્વભાવ પણ આપણને ફીલ ગુડ જરૂર કરાવશે. તૈયાર છો મેકઓવર માટે?

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2019 12:00 PM IST | | સેજલ પોન્દા - સોશ્યલ સાયન્સ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK