શબ્દ અને મૌનનો અવાજ

23 October, 2019 03:57 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

શબ્દ અને મૌનનો અવાજ

અવાજ

ઈશ્વરે આપેલી દરેક ઇન્દ્રિયોની પોતાની એક અલાયદી દુનિયા છે. જે મનુષ્યને પાંચ ઇન્દ્રિયોની ભેટ મળી છે, એની પર ઈશ્વરની કૃપાદૃષ્ટિ રહેલી છે. ઘણા મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય સક્રિય રીતે કામ કરે છે. આ સિક્સ્થ સેન્સ આપણને અમુક ઘટનાઓથી ચેતવે છે. ક્યારેક મિત્ર પણ છઠ્ઠી ઇન્દ્રિય જેવો બની આપણને અમુક વ્યક્તિ અને પરિસ્થિતિથી વાકેફ કરે છે. મન અને મિત્રનો અવાજ સાંભળવા જેવું સુખ અને સજાગતા કોઈ નહીં. જેમ બોલવું એક કળા છે, એમ સાંભળવું પણ એક કળા છે. કાન જે કંઈ સાંભળે એ બધું જ જ્ઞાન બની જતું હોય, એ જરૂરી નથી. કાન ક્યારેક એવું પણ સાંભળી લે છે, જેનાથી અજ્ઞાનતામાં વધારો થાય.

અવાજનું પોતાનું એક સૌંદર્ય હોવું જોઈએ. અમુક માણસો કંઈ પણ બોલે, એ કોલાહલ બની જાય તો અમુક માણસોની વાણી કર્ણપ્રિય લાગે. જેને વાણીનું શાણપણ જાળવતાં આવડે એ શ્રેષ્ઠ વક્તા બની શકે છે. કોઈ વક્તા માઇકમાં એટલું જોરથી બોલતો હોય, જાણે માઇકની શોધ આજે જ થઈ હોય! એ અવાજ ઘોંઘાટ જેવો લાગવા લાગે. અને અમુક માણસોને માઇક મળ્યા પછી એ છોડતાં જીવ ચાલતો નથી. ક્યાં કેટલું છોડવું, એનું ભાન માણસે રાખવું જોઈએ.

શબ્દનો અવાજ મૌન રહી સાંભળવાનો હોય. કંઈક વાંચતાં હોઈએ ત્યારે શબ્દ બીજાના હોય, પણ અવાજ આપણો હોય. એ શબ્દ ઘણી વાર એવી અસર કરે કે મનમાં ચાલતો કોલાહલ શમી જાય. આપણે મનનો અવાજ સાંભળતા નથી અને ઘોંઘાટ સહન કરી શકતા નથી. શહેર ક્યારેય કલરવ પાથરી નથી શકતું, પણ ઘોંઘાટનો ફેલાવો કરે છે. આવા જ ઘોંઘાટની વચ્ચે જીવતાંજીવતાં આપણે પણ ઘોંઘાટિયા બની જઈએ છીએ. મન અમુક વાતે આપણને ઘણી વાર ચેતવતું હોય છે, પણ આપણે મનનો એ અવાજ નજરઅંદાજ કરીએ છીએ અને ઘણું ગુમાવીએ છીએ.

મંદિરનો ઘંટનાદ શ્રદ્ધાનું પ્રતીક છે. જ્યારે આપણે મંદિરનો ઘંટ વગાડીએ છીએ ત્યારે મનના દરવાજા ખૂલી જાય છે અને શ્રદ્ધાનો પ્રવેશ થાય છે. મંદિરના ઘંટનાદથી મનમાં શોર નહીં પણ શાંતિ અનુભવાય છે. મંદિરની મૌન મૂર્તિનું રહસ્ય એ છે કે મૌનનો સંવાદ સધાય અને મૌનનો અવાજ સંભળાય. માણસ સાથે ટેલિપથી થાય તો ભગવાન સાથેય થઈ શકે કે નહીં!

પંખીના અવાજની તુલના કોઈ સાથે ન થાય. મારા ઘરની સામેના ઝાડ પર આવતા અનેક પંખીના ટહુકા મારી અંદરના ઘોંઘાટ પર વિજય મેળવી લે છે. આમ પણ માણસ કરતાં કુદરતની નજીક રહીએ ત્યારે ઘોંઘાટ શમી જ જાય. દરિયાના ઊછળતાં મોજાંનો અવાજ કેટલાંય રહસ્યોની વાત કરતાં હોય એવું લાગે. વરસતા વરસાદનો અવાજ સંગીતના વાજિંત્ર જેવો લાગે. સંગીતના સ્વરની જેમ વરસાદમાં ખોવાઈ જવાની પણ એક મજા છે. સંગીત બેસ્ટ સ્ટ્રેસ બસ્ટર કહેવાય પણ જોરજોરથી ગીતો વગાડીએ ત્યારે બીજાની શાંતિનો ભંગ થાય.

સંગીતની રીધમ કોલાહલ નહીં, પણ નાદ બની જવી જોઈએ.

કોલાહલ, કલરવ, ટહુકો, ઘોંઘાટ, નાદ, અવાજ... સાથે આપણે રોજ જીવીએ છીએ. માફક આવે એ શબ્દ સાથે જીવવાનું. ઇન્દ્રિયનું સૌંદર્ય જાળવી શકાય તો વધારે સારું. કોઈની ટિકા થતી હોય, એ અવાજથી જેટલા, દૂર એટલા સુખી! કોઈની ટીકા કરીએ અને સાંભળીએ ત્યારે આપણી અંદર અલગ પ્રકારની નકારાત્મકતાનો પ્રવેશ થાય છે. આ નકારાત્મકતા ધીમા ઝેર જેટલી ખતરનાક હોય છે. આખા શરીરમાં ક્યારે ફેલાઈ જાય, એની ખબર જ ન પડે. એટલે ટીકા થતી હોય ત્યાં મન ન ટકે એનું ધ્યાન રાખવું.

સ્પર્શનો પણ એક અવાજ છે. કોઈ વ્યક્તિના સ્પર્શથી એની અંદર ચાલતા વિચારોનો અવાજ માપી શકાય. હૂંફાળો સ્પર્શ મળે એનો અર્થ... મનમાં મીઠી લાગણી વહે છે. સ્પર્શને મૌનની ભાષા હોય, પણ એ સ્પર્શ હંમેશા હૃદયના ધબકાર સાંભળી શકે છે. વ્હાલથી કોઈને ભેટી પડીએ ત્યારે હૃદયમાંથી ઊઠતા ધબકારા કંઈ પણ બોલ્યા વગર બધું જ સાંભળી શકે. ઘણી વ્યક્તિ અવ્યક્ત રહી બીજાની લાગણીને માપવાનો પ્રયત્ન કરતી હોય. એમાં ખોટું કંઈ નથી, પણ આપણા અવ્યક્ત વિચારોને અવાજના વાઘા પહેરાવીએ તો સંબંધ ખીલી ઊઠે. વ્યક્ત અને અવ્યક્ત વચ્ચે જે કંઈ છે, એ મૌન છે. વ્યક્ત થઈ જઈએ ત્યારે અવાજ સંવાદ બની જાય. ગમતી વ્યક્તિ પાસે નિખાલસ બની જવું મને ગમે છે. દંભી વ્યક્તિ પાસે હું આપોઆપ મૌન બની જાઉં છું. તાજા અવાજમાંથી નીકળેલી તાજી કવિતા.. તાજા શબ્દો સાથે મૂકું છું...

તું મારા શબ્દોને સાંભળે

હું તારા મૌનને સાંભળું

મારા શબ્દો તને પડઘાય

અને તારું મૌન મને

આપણી વચ્ચે એક જ સામ્યતા છે

શબ્દ અને મૌનના અવાજની

- સેજલ પોન્દા

columnists Sejal Ponda