અવકાશ એટલે બે વ્યક્તિના ખાલી થયેલા સંબંધને ભરવાનું મધ્યાંતર

06 March, 2019 12:31 PM IST  |  | સેજલ પોન્દા

અવકાશ એટલે બે વ્યક્તિના ખાલી થયેલા સંબંધને ભરવાનું મધ્યાંતર

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

આઇ નીડ સ્પેસ. આ વાક્ય રોજબરોજની લાઇફમાં કાને પડતું રહે છે. સ્પેસ એટલે અવકાશ કે પછી ખાલી થયેલી જગ્યા. સતત સાથે રહેતા સંબંધો અમુક સમય પછી બંધન મહેસૂસ કરે છે. સાથે જિવાતી જિંદગીમાં અવકાશ ના મળે તો ગૂંગળામણ અનુભવાય. ગૂંગળામણ વધે એટલે આરોપ-પ્રત્યારોપ થવા લાગે. જૂનામાં જૂની વાત યાદ કરી દોષારોપણ થવા લાગે ત્યારે કહેવાનું મન થાય કે ભૂતકાળનું દોષારોપણ ન હોય, પણ વર્તમાન ક્ષણનું લીંપણ કરવાનું હોય, પણ આક્રોશ એટલો વધી જાય કે છેલ્લે એક વાક્ય સાંભળવા મળે કે આઇ નીડ સ્પેસ. અને બે વ્યક્તિઓ થોડા દિવસ એકબીજાથી દૂર રહેવાનું નક્કી કરે.

એકબીજાથી દૂર રહેવાને આપણે અવકાશ સમજવાની મોટામાં મોટી ભૂલ કરીએ છીએ. દૂર રહીને બે વ્યક્તિ પોતાની સમજણ અનુસાર વિચારવાનું શરૂ કરે. એકબીજા સાથે વાત ન કરવાનું નક્કી કરે. બંને વચ્ચે અબોલા નિર્માય. એકબીજા સાથે રહેવું કે નહીં? આ સંબંધમાં પૂર્ણવિરામ મૂકવું કે હજી એક ચાન્સ આપવો? એવા પ્રશ્નો મનને ઘેરી વળે. કેટલાક કિસ્સામાં સંબંધ પર હંમેશ માટે ચોકડી મુકાય અને કેટલાક કિસ્સામાં સંબંધ સૉરીના સથવારે ફરી શરૂ થાય. ફરી શરૂ થયેલો સંબંધ ધીરે-ધીરે ફરી વાસી થવા લાગે અને ફરિયાદ, દોષ સંબંધના દરવાજે આવી ઊભા રહી જાય.

અવકાશ લીધા પછી આપણું કમ્યુનિકેશન આપણી સાથે તો થઈ જાય છે, પણ જેની સાથે ખુલ્લા મને વાત કરવાની એની સાથે સહજતાથી વાત ન થઈ શકતી હોય તો સંબંધનું વાસી થવું નિશ્ચિત છે. એકબીજાથી કંટાળીએ, દોષ જોઈએ એ બહુ સ્વાભાવિક છે, પણ એના માટે એકબીજાથી દૂર જવું અસ્વાભાવિક છે. એકબીજાની ગમતી અણગમતી બાબતોની ચર્ચા અને એ દૂર કરવાના ઉપાય શોધવા સાથે રહેવું બહુ જરૂરી છે. દૂર રહીને નહીં, પણ સાથે રહીને જો અવકાશ આપવામાં આવે તો સંબંધને કરમાતાં રોકી શકાય છે.

અવકાશ કેવો હોવો જોઈએ એનું જ્ઞાન આપણને સ્કૂલમાં હોઈએ ત્યારથી જ આપવામાં આવે છે. નોટબુકમાં વાક્ય લખવાનું હોય ત્યારે આપણને દરેક શબ્દો પછી થોડીક જગ્યા છોડવાનું કહેવામાં આવે છે, જેથી વાંચવામાં સરળતા રહે અને શબ્દો ભેગા ન થઈ જાય. સ્કૂલમાં શીખવેલી આ વાત સમજણા થયા પછી વધુ સારી રીતે અનુસરવાની હોય છે. સાથે જિવાતી જિંદગીમાં એકબીજા માટેના નેગેટિવ વિચાર ભેગા ન થાય અને એકબીજાની જિંદગીને સરખી રીતે વાંચી શકાય એ માટે મોકળાશ આપવી પડે. અને એ માટે સાથે રહેવું જરૂરી છે.

અવકાશ એટલે બે વ્યક્તિના ખાલી થયેલા સંબંધને ભરવાનું મધ્યાંતર. આ મધ્યાંતર દરેકના જીવનમાં આવે. ભૂતકાળની ભૂલોને વાગોળ-વાગોળ ન કરતાં હવે પછી શું કરવું છે? સાથે રહીને જિંદગી કેટલી ખુશનુમા રહી શકે એ વિચારવા એકબીજાને સ્પેસ તો આપવી જ પડે. એકબીજા સાથે વાતો કરી એટલા ખાલી થઈ જવાનું કે સાવ હળવા થઈ ગયાનો અહેસાસ થાય. સંબંધોમાં જ્યારે મૈત્રી જેવું આદાન-પ્રદાન રહે ત્યારે સ્વભાવની ભિન્નતાને પણ સહજ રીતે સ્વીકારી શકાય છે. સ્વીકારભાવ આવી ગયા પછી એકબીજા માટેનો ભાવ પણ બદલાઈ જાય છે, જેથી સંબંધમાં અહંકારનો અવકાશ રહેતો નથી. સ્પેસ અંહકારને ઓગાળી નાખવાની પ્રોસેસ છે.

જે સંબંધમાં તમે બંધાયા નથી ત્યાં અવકાશનું સ્થાન અનેરું છે. સમય સાથે એ અવકાશનું સ્થાન બદલાઈ શકે અથવા તો કાયમ માટે અવકાશ જ અવકાશ રહી શકે એવું પણ બને. અવકાશનાં કેટકેટલાં રૂપ છે. ખાલી થયેલી જગ્યા ભરવાની અપીલ પહેલાં કોણ કરે એવું વિચારવાનું ન હોય. આપણા તરફથી પહેલ થઈ જવી જોઈએ. દરેક અવકાશ પુરાઈ શકે છે. એ માટે પહેલાં નકારાત્મક વિચાર અને અહંકારથી ખાલી જવું પડે.

નોટિસ કરો. તમારી વચ્ચે ગુસ્સાથી શરૂ થયેલી આર્ગ્યુમેન્ટ વાતના અંતે હાસ્યમાં પરિણમે છે ખરી! કે તમે વધુ ઉગ્ર બની જાઓ છો? વાતના અંતે તમે તમારી ભૂલ કબૂલ કરો છો કે સામેવાળાની ભૂલ જ બતાવ્યા કરો છો? કોઈક કારણસર થતા મતભેદ, એને કારણે થતા ઝઘડા, આક્રોશ એકબીજા પર જરૂર નીકળે, પણ એ લાંબા ન ચાલવા જોઈએ. જ્યાં સાચી લાગણી હશે ત્યાં આર્ગ્યુમેન્ટ, ગેરસમજણનો અંત સમજણપૂર્વક ઉકેલાઈ જાય છે.

કેટલીક વાર બે વ્યક્તિ વચ્ચે આર્ગ્યુમેન્ટ એકબીજાને તકલીફ ન પડે એ માટે થતી હોય છે. આવી આર્ગ્યુમેન્ટમાં એકબીજા માટેની કાળજી હોય છે, અને જો મનની વાત બિન્દાસ કહી દેવામાં આવે તો એનો ઉકેલ શુભ નીકળે છે.

આ પણ વાંચો : આપણો પણ અણમોલ ખજાનો લૉક થઈ ગયો છે

આપણે શું વિચારીએ છીએ? આપણું બિહેવિયર વિચિત્ર કેમ થઈ ગયું છે? એ જો સામેની વ્યક્તિને સમજાવવામાં આવે તો સંબંધમાં બ્રેક લાગતી અટકી જાય છે. સાથે જીવતી બે વ્યક્તિ વચ્ચે જો દોસ્તી બંધાય તો એનાથી ઉત્તમ બીજું કંઈ નહીં. દોસ્તીમાં વચન નથી હોતાં એટલે જ સંબંધનું વજન નથી લાગતું, અને જોઈતો અવકાશ આપોઆપ મળી જાય છે.

Sejal Ponda columnists