કલાકારે હંમેશા આવતી કાલમાં માનવું જ જોઈએ

30 January, 2019 11:56 AM IST  |  | સેજલ પોન્દા

કલાકારે હંમેશા આવતી કાલમાં માનવું જ જોઈએ

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

આજની સફળતાનો એકડો ઘૂંટવાની ગંઠાઈ જવાય. આવતી કાલને સજ્જ બનાવવા રોજ શૂન્ય બની જવું સારું. જે કલાકાર અહંકાર, ઉદ્ધતાઈ, ભ્રમણાના ભંવરમાંથી બહાર આવી શકે છે તે લાંબી રેસનો ઘોડો બની શકે છે. વાહવાહીમાં મહાલનાર જાત સાથે અજાણતા જ છેતરપિંડી કરતો હોય છે

કવિ સુરેશ દલાલની એક કવિતાના અંતમાં સુંદર લાઇન આવે છે કે આવતી કાલ, એ ઈશ્વરનું બીજું નામ છે! જેનો સાદો અર્થ એ છે કે કવિને આજ અને આવતી કાલ બન્નેમાં ભરોસો છે. કવિને ઈશ્વર તેમ જ સ્વ એમ બન્નેમાં ભરોસો છે. વાત પણ સાચી છે. જે આજમાં માને છે તેમણે આવતી કાલમાં પણ માનવું જ જોઈએ. આવતી કાલમાં માનવાનો અર્થ ભવિષ્યમાં રાચવાનો નથી, પણ આપણે આજે જે છીએ એના કરતાં આવતી કાલે જુદા હોઈશું એ વાતને મગજમાં સ્કૅન કરવાનો છે.

એક કલાકારને તેના પર્ફોર્મન્સ પછી ખૂબ પ્રશંસા અને તાળીઓની સોગાદ મળી હોય. ધીરે-ધીરે તેનું નામ ખૂબ રોશન થયું હોય. અને સાવ સામાન્ય લાગતો તે કલાકાર પોતાની કલા દ્વારા અસામાન્ય બની જાય. તે જ્યાં જાય ત્યાં તેને વીઆઇપી ટ્રીટમેન્ટ મળે. તેના ટાઇટ સમયપત્રકને લીધે ફ્લાઇટમાં આવવા-જવાની વ્યવસ્થા આયોજકો તરફથી થતી હોય ત્યારે તે કલાકારને પોતાનામાં રહેલી આવડત માટે ખૂબ માન થાય. સ્પેશ્યલ ટ્રીટમેન્ટ એ કલાકારનો હક તેમ જ પોતાની પ્રાઇવસી જાળવી રાખવાની એક વ્યવસ્થા પણ કહેવાય.

સ્પેશ્યલ ટ્રીટમેન્ટ પછી જો કલાકારની બીજાને ટ્રીટ કરવાની પદ્ધતિમાં બદલાવ આવે, ઉદ્ધતાઈ આવે તો કોઈકે તેને ટોકવો જરૂર જોઈએ.

લાઇવ પ્રોગ્રામમાં કલાકાર કે વક્તાને દસ મિનિટ બોલવા કહ્યું હોય અને તે બીજાનો સમય ચોરી પોતાના સમયનો સરવાળો કરવાની ચેષ્ટા કરે ત્યારે બાકીના બધાએ સમસમી જવું પડે. ના કહેવાય ના સહેવાય એવી સ્થિતિમાં ઍન્કર અને ઑર્ગેનાઇઝરનું બ્લડપ્રેશર વધી જતું જોવા મળે.

આવા કલાકાર કાર્યક્રમના અનુસંધાનમાં બોલવાને બદલે પોતાના જૂના અનુભવો, પોતાનાં પ્રગટ થયેલાં પુસ્તકો કે ગીતોનાં સ્વગુણગાન ગાવા મંડી પડે. ત્યારે ખરેખર તો તે કલાકાર પોતાના પગ પર કુહાડી મારી રહ્યો હોય. વક્ત બહોત કમ હૈ એમ બોલી-બોલીને પોતાનું બોલવાનું વધારતો જાય ત્યારે એમ થાય કે ટેક્નિકલ ખામી સર્જા‍ય અને માઇક બંધ થઈ જાય તો સારું.

માઇકમાં બોલવા બાબતે બાળકો ખૂબ આજ્ઞાકારી હોય. જેટલું કહ્યું હોય એટલું જ બોલીને અને માઇક સાથેનું અંતર જાળવીને પોતાની જગ્યાએ ફરી ગોઠવાઈ જાય.

જે કલાકાર માઇકની નજીક આવ્યા પછી સમયસર ફરી પોતાની જગ્યાએ ગોઠવાઈ શકતો નથી તે કલાકાર કુંઠિત થઈ જાય છે. વર્ષો દરમ્યાન મળેલી વાહવાહીનો નશો એટલો ચડી ગયો હોય કે કાનને એક્સ્ટ્રીમ વાહવાહી સાંભળવાની આદત પડી ગઈ હોય. વક્તાએ પોતાની એન્ટ્રી અને એક્ઝિટ માટે સભાન રહેવું જોઈએ. નાટકના કલાકાર આ બાબતે વધુ સભાન હોય, નહીં તો બીજો કલાકાર પોતાના સમયે એન્ટ્રી કરી જ લે. ફિલ્મો અને સિરિયલોમાં કલાકાર ન રોકાતો હોય તો ડિરેક્ટર ઑન ધ સ્પૉટ સીન રોકાવી દે. કલાકાર કે વક્તાએ સભાનપણે રોકાઈ જવું જોઈએ. એનો અર્થ જાત સાથે વિરામ અને વિહાર કરવાનો છે.

હું એક કલાકાર હોઉં અને મારા પર્ફોર્મન્સ પછી અઢળક પ્રશંસા લઈને જતી હોઉં. એ પછી જો પ્રશંસાની વાતને જ વાગોળ્યા કરતી હોઉં તો હું ક્યાંક મારા ગ્રોથને અટકાવી રહી છું એવું ચોક્કસ કહી શકાય.

આજનો રોલ ભજવ્યા પછી કલાકારે એ રોલના વસ્ત્રની સાથે પ્રશંસા અને તાળીઓનો નશો પણ ઉતારી દેવો જોઈએ અને આવતી કાલે બીજા નવા પાત્ર માટે કે પછી ભજવાયેલા જૂના પાત્રની નવી ભજવણી માટે જાતને નવેસરથી તૈયાર કરવી જોઈએ. જે કલાકાર આજના કૂંડાળામાંથી બહાર નીકળતો નથી તેની આવતી કાલ જોખમમાં કહેવાય.

એક બહુ મોટા કલાકાર સાથે ટ્રેન-મુસાફરી દરમ્યાન તેમણે મને પ્રશ્ન પૂછ્યો કે ટ્રેનમાં ડસ્ટબિન હોય છે કે નહીં? શું છે કે હું ફ્લાઇટમાં જ અવરજવર કરું છું. ઘણાં વર્ષોથી ટ્રેનમાં બેઠો જ નથી. મને ટ્રેનમાં ગોઠતું નથી. તેમની આ વાતમાં અહંકારની સાથે પોતાની અણસમજણ પણ છતી થાય છે. ત્યારે તેમને કહેવાનું મન થાય કે જે ગમે ત્યાં ગોઠવાઈ શકે તે કલાકાર કહેવાય. જેની હાજરીનો ભાર ન વર્તાય તે કલાકાર કહેવાય. જે રોજ નવા સંઘર્ષ કરવા તૈયાર હોય તે કલાકાર કહેવાય. આપણો રોલ ક્યાં ખતમ થાય છે એનું ભાન હોય તે કલાકાર કહેવાય. જે આજને ખીંટી પર ટાંગી આવતી કાલ માટે ખાલીખમ બની જાય તે કલાકાર કહેવાય.

આ પણ વાંચો : જિંદગી તને થૅન્ક યુ

આપણે આજે જે કંઈ છીએ એને ખૂણામાં મૂકી નવેસરથી જાતને કસવા માટે તૈયાર રહેનાર દરેક વ્યક્તિ કલાકાર કહેવાય. કલાકારે આવતી કાલમાં માનવું જ જોઈએ જેથી આજનો નશો નાબૂદ થઈ શકે. જેમ પાત્ર ભજવતી વખતે સાબદા રહીએ એમ પાત્રમાંથી બહાર નીકળ્યા પછી વધુ સાબદા થઈ જવું પડે. રેતીની જેમ જાતને ખંખેરી દરિયાની જેમ જાતમાં ઊંડા ઊતરવું પડે. આપણી પોતાની જ કૉપીમાંથી બહાર આવી નવા સર્જન માટે સજ્જ બનવું પડે.

બે કપ સમજણ
ચાર ચમચી મીઠાશ
શબ્દો સ્વાદ અનુસાર
આજને ખંખેરવા બે ખાલી બોલ
એટલે એક આખો કલાકાર

columnists