પ્રેમની આ જ તો શરૂઆત છે

13 February, 2019 11:24 AM IST  |  | સેજલ પોન્દા

પ્રેમની આ જ તો શરૂઆત છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

પ્રેમમાં અવકાશ મળે એ ખૂબ જરૂરી છે, આ અવકાશ જેને આપણે સ્પેસ કહીએ છીએ. આ સ્પેસ એટલે સાથે રહેતી વ્યક્તિની પોતાની આઇડેન્ટિટી ખોવાઈ ન જાય એની કાળજી. આ સ્પેસ એટલે બન્ને વ્યક્તિની નિજી સ્વતંત્રતા પર તરાપ ન પડે એની ચોકસાઈ અને આ સ્પેસ એટલે લગોલગ રહીને પણ બન્ને વ્યક્તિઓ પોતાની જાત સાથે રહી શકી એવી સમજણ

એક સાંજે મળ્યા દરિયો, તું ને હું
વાત પછી છેક પ્રેમ સુધી લંબાઈ ગઈ - સેજલ પોન્દા

પ્રેમીઓનું હૃદય દરિયા જેવું હોય કે ન હોય, પણ મોટા ભાગના પ્રેમીઓને દરિયો ગમતો હોય છે. ખાસ કરીને દરિયાકિનારાની સાંજમાં આથમતા સૂરજની સાક્ષીએ નવા ઊગતા સંબંધનાં સપનાં જોવાનો અવસર પ્રેમીઓ ચૂકતા નથી.

પ્રેમને ન તો કારણની ન તો અવસરની જરૂર પડે. પ્રેમનું કનેક્શન મન સાથે જોડાયેલું છે. જ્યાં લાગણી હોય ત્યાં પ્રેમ ખીલી શકે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ગૂંગળાઈ જાય. કોઈ વ્યક્તિ માટે લાગણી હોય તો કાળજી આપોઆપ થવા લાગે અને ખૂબ સહજતાથી આપણે એ વ્યક્તિ માટે બધું જ કરી છૂટવા તૈયાર થઈ જઈએ.

જ્યાં પ્રેમ સહજતાથી પાંગરે છે ત્યાં હૂંફ વધારે અનુભવાય છે. હૂંફ શબ્દોની હોય, સ્પર્શની હોય અને વિશ્વાસની હોય. પ્રેમ કરતી વ્યક્તિ દ્વારા મળતી શબ્દોની હૂંફ મનને રાહત આપે છે. સ્પર્શની હૂંફ શરીરને રાહત આપે છે. આ બન્નેમાં શ્રેષ્ઠ છે વિશ્વાસની હૂંફ. જ્યાં શબ્દો અને સ્પર્શ બન્ને ઓગળી જાય છે. જ્યાં કોઈ વચન નથી, કોઈ સ્પર્શ નથી છતાં એટલોબધો ભરોસો છે કે ગમે તે પરિસ્થિતિમાં પ્રેમ કરતી વ્યક્તિ મારી સાથે જ છે. તે આપણા વતી દુનિયા સામે લડી લેશે, આપણી તકલીફમાં આપણા માટે રસ્તો શોધી લેશે અને આપણને એવી અનુભૂતિ થશે કે ડગલે ને પગલે આપણને એ વ્યક્તિનો સાથ મળતો રહેશે. આવી હૂંફથી પાંગરતો સંબંધ ક્યારેય મૂરઝાતો નથી. અને એ વ્યક્તિને છોડી જવાની ઇચ્છા ક્યારેય થતી નથી.

જે સંબંધ ભૂતકાળને વાગોળતો નથી એનો વર્તમાન આનંદભર્યો હોય છે. ભૂતકાળમાં થયેલા વિવાદ, મતભેદ, ભૂલો, રિસામણાં વર્તમાન પર હાવી ન થાય અને જાણે કાલે કશું બન્યું જ નથી એમ બે વ્યક્તિઓ આજની ક્ષણને જીવવા લાગે તો એનો અર્થ એ જ છે કે બન્ને વ્યક્તિઓ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. અને તેમના માટે ગઈ કાલના ભાર કરતાં એકબીજાના જીવનમાં આજની ખુશી ઉમેરવાની ભાવના વધારે છે. આવા સંબંધનું બૉન્ડિંગ, તેમના વચ્ચેની કેમિસ્ટ્રી એટલીબધી મજબૂત હોય છે કે એમાં કોઈ વચન, ખુલાસાની જરૂર નથી હોતી. જે બે વ્યક્તિઓ ગઈ કાલની ભૂલો પર હસી શકે છે, ગઈ કાલના હિસાબો પર ચોકડી મારી શકે છે તેમની વચ્ચે રોજ પ્રેમના સરવાળા થતા રહે છે.

પ્રેમમાં અવકાશ મળે એ ખૂબ જરૂરી છે. આ અવકાશ જેને આપણે સ્પેસ કહીએ છીએ. આ સ્પેસ એટલે સાથે રહેતી વ્યક્તિની પોતાની આઇડેન્ટિટી ખોવાઈ ન જાય એની કાળજી. આ સ્પેસ એટલે બન્ને વ્યક્તિઓની નિજી સ્વતંત્રતા પર તરાપ ન પડે એની ચોકસાઈ અને આ સ્પેસ એટલે લગોલગ રહીને પણ બન્ને વ્યક્તિઓ પોતાની જાત સાથે રહી શકી એવી સમજણ. આવી કાળજી અને આવી સમજણ જે આપી શકે એ પ્રેમસંબંધ મેડ ફૉર ઇચ અધર કહેવાય છે.

તમે મેડ ફૉર ઇચ અધર હો કે ન હો, પ્રેમની ઉજવણીને કારણની જરૂર હોતી નથી. ખાટીમીઠી પેપરમિન્ટ જેવો સંબંધ નવા પૅકિંગમાં, નવી રીતે એકબીજાને ગિફ્ટ કરવાનો અવસર એટલે વૅલેન્ટાઇન્સ ડે. પ્રેમ અવ્યક્ત રહે એના કરતાં વ્યક્ત થઈ જાય તો એકબીજાને સમજવામાં આસાની રહે. પ્રેમમાં વ્યક્ત થવાની સાથે ગિફ્ટનો પણ મહિમા છે. કોઈ લાલચ નથી, પણ એકબીજાને યાદ કરી કંઈક લાવ્યા એવી ભાવના છે.

દરિયાકિનારે બેસીને રેતીમાં નામ લખતાં-લખતાં વાત આગળ વધે કે પછી કૅફે કૉફી ડેમાં કૉફી પીતાં-પીતાં આવી સાંજ રોજ મળે એવી ઇચ્છા જાગે ને કોઈ એક દિવસે ગુલાબનાં ફૂલોનો બુકે ને ચૉકલેટ સાથે પ્રેમનો એકરાર થાય. પેરન્ટ્સની ફૉર્માલિટી પછી લગ્ન લેવાય ત્યારે પ્રેમલગ્ન સુધી લંબાયો એવું કહી શકાય. આ લંબાઈમાં મનની લંબાઈનો પણ વિસ્તાર કરવો પડે. એકબીજાને જેવા છે તેવા સ્વીકારવા કંઈ નાનીસૂની વાત નથી. પતિ-પત્ની પોતે એકબીજાના મિત્રો બનીને રહે એવા વણમાગ્યા કરાર જ્યાં થાય ત્યાં રોજ વૅલેન્ટાઇન્સ ડે ઊજવાય.

આ પણ વાંચો : ઉંમર છુપાવવાની નહીં, ખંખેરવાની હોય

જેમને પ્રિય વ્યક્તિ સાથે ભેટો થયો ન હોય તે હંમેશાં પ્રિય વ્યક્તિ સાથેના મેળાપની કલ્પનામાં રાચતી હોય. ટીવી-સિરિયલમાં તો મંદિરનો ઘંટ વાગે, આંખ બંધ થાય ને ફરી આંખ ખૂલે ત્યારે બાજુમાં રૂપકડો રાજકુમાર જેવો છોકરો કે રાજકુમારી જેવી છોકરી ઊભાં હોય. બન્નેની આંખ મળે ને શરૂ થાય નવી કહાની. રિયલ લાઇફમાં આવી કોઈ કલ્પનાઓ સાથે મંદિરમાં જઈએ, ઘંટ વગાડી આંખ બંધ કરીએ ને ફરી આંખ ખોલીએ ત્યારે બાજુમાં કાંખમાં છોકરું તેડેલા પપ્પા કે મમ્મી ઊભા હોય. ફિલ્મી સીનમાં ટ્રેનમાં વિન્ડો સીટ પર બેઠેલી છોકરીની બાજુમાં ટ્રેન ચાલુ થયા પછી એક હૅન્ડસમ છોકરો આવી બેસી જાય. રિયલ લાઇફમાં તદ્દન ઊંધું થાય. આપણે વિન્ડો સીટ પર બેસી બાજુમાં હેન્ડસમ છોકરો આવી બેસે એવી કલ્પના કરતા હોઈએ ને ટ્રેન ચાલુ થયા પછી આપણી બાજુમાં બોખા મોંવાળા કાકા આવી બેસી જાય. ત્યારે સમજાય કે રીલ અને રિયલ લાઇફનો પ્રેમ કેટલો જુદો છે! પણ પ્રેમમાં આશ ખોવી નહીં. મંદિરમાં ઘંટ વગાડતા હો કે વિન્ડો સીટ પર બેઠા હો, બાજુમાં જે કોઈ હોય તેને એક પ્રેમભરી સ્માઇલ તો આપી જ શકાય.

Sejal Ponda columnists