Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉંમર છુપાવવાની નહીં, ખંખેરવાની હોય

ઉંમર છુપાવવાની નહીં, ખંખેરવાની હોય

06 February, 2019 02:15 PM IST |
સેજલ પોન્દા

ઉંમર છુપાવવાની નહીં, ખંખેરવાની હોય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

વિવિધ પ્રોડક્ટ્સ જોઈને કૃષ્ણને પોતાનો શ્યામ રંગ બદલવા ફરી જનમ લેવાનો વિચાર આવી શકે કે પછી દુંદાળા ગણપતિ પોતાનું પેટ ઓછું કરવા શુગર-ફ્રી લાડવા આરોગવાની જીદ પકડે તો?



દરેક ઉંમરનું અનોખું સૌંદર્ય હોય છે. ઉંમર આપણા હાથમાં ક્યારેય રહેતી નથી. છટકવું એ ઉંમરનો સ્વભાવ છે અને સદાય યંગ દેખાવાની ઇચ્છા થવી એ માણસનો સ્વભાવ છે. બાળપણની ઉંમર તોફાની હોય, યુવાનીની ઉંમર ચુલબુલી હોય અને ઘડપણની ઉંમર ઠાવકી હોય છે.


સાબુની જાહેરખબરમાં એકદમ યંગ, ચામિંર્ગ, ડાન્સ કરતી સ્લિમ યુવતી માટે અચાનક ‘મમ્મી’ જેવું સંબોધન સાંભળી મોઢું અને આંખો પહોળી થઈ જાય અને યંગ દેખાવાનો દાવો કરતા એ સાબુ લેવા લોકો આકર્ષાય. તમે યંગ દેખાશો એવો દાવો કરતી હજારો પ્રોડક્ટ્સ બજારમાં ગોઠવાઈ ગઈ હોય ત્યારે કઈ પ્રોડક્ટથી ઉંમર છુપાવી શકાય એની મૂંઝવણ ઊભી થવી સ્વાભાવિક છે. દરેકનું ધ્યાન આપણા પર પડે એવી ઇચ્છા આપણને સહજ થઈ આવે. ‘વાહ! તમારી ઉંમર વર્તાતી નથી’ એવું સાંભળવું આપણને ગમે. અને એ માટે આપણે બ્યુટી પ્રોડક્ટ તરફ વળીએ.

આકર્ષક પૅકિંગ અને ફોટો સાથેની મોંઘીદાટ પ્રોડક્ટનો ઘરમાં પ્રવેશ થાય ત્યારે ઉંમર ખરીદી લીધી હોય એવો સંતોષ અનુભવાય. પ્રોડક્ટ ખરીદતી વખતે લોકો ભૂલી જાય છે કે ઉંમરને ખરીદવાની ન હોય, ખંખેરવાની હોય.


કાળા ચહેરાને ગોરો બનાવવાનો દાવો કરતી ક્રીમ વર્ષો સુધી વાપરીએ તોય રંગશુદ્ધિ થતી નથી એ જે સમજે તે જ સમજે. હવે તો ઘરબેઠાં શૉપિંગનો કેર એટલો વધ્યો છે કે લોકોએ ઉંમરને સ્ક્વેરફીટમાં બાંધી દીધી હોય એવું લાગે. આ બધી પ્રોડક્ટ જોઈને કૃષ્ણને પોતાનો શ્યામ રંગ બદલવા ફરી જનમ લેવાનો વિચાર પણ આવી શકે. કે પછી દુંદાળા ગણપતિ પોતાનું પેટ ઓછું કરવા શુગર-ફ્રી લાડવા આરોગવાની જીદ પકડે. માણસને સમસ્યા ખંખેરવાનો બોધ આપતો હજાર હાથવાળો ઈશ્વર LED સ્ક્રીન પરની જાહેરખબર જોઈ બધા જ હાથ ખંખેરી નાખવાની ક્રીમ લેવા જવાનો વિચાર કરે તો! ઈશ્વર માણસ જેવું વિચારતો નથી. અને માણસ ઈશ્વરે નક્કી કરેલી ઉંમરની મોસમને સ્વીકારતો નથી. દરેક ઉંમરને એના સ્વભાવ અનુસાર ખુલ્લા દિલે સ્વીકારી જીવી લેવી જોઈએ.

વાળની સફેદી કલરથી છુપાવી શકાય છે; પણ એ સફેદી સાથે આવતો અનુભવ આપણી આવનારી જિંદગીને ચમકદાર બનાવે છે, આપણું ઘડતર કરે છે. આપણી ઉંમરમાં સમજદારીનો ઉમેરો કરે છે.

ઉંમર છુપાવવા કંઈ કેટલાંય ગતકડાં કરી લોકો આત્મસંતોષ મેળવે છે, પણ ઉંમર છુપાવવી સહેલી નથી. ઘણાને ઉંમર કરતાં નાના દેખાવાનું વરદાન મળ્યું હોય. યંગ દેખાવા માટે ક્રીમ ચેન્જ કરવાની નહીં, પણ લાઇફ-સ્ટાઇલ અને વૃત્તિ ચેન્જ કરવાની જરૂર છે. લોકોને લાંબું વાંચવું ગમતું નથી. એટલે ઉંમર કરતાં નાના દેખાવા માટેના ટૂંકા ટચ ઉપાય તમારા માટે.

સૌથી પહેલાં તો ઉંમર સાથે આવતા શારીરિક ફેરફારનો સ્વીકારભાવ ખૂબ જરૂરી છે.

રાત્રે તમારો ટચ સ્ક્રીન ફોન બંધ કરી દો. શરૂઆતમાં કદાચ તમને બેચેની લાગે તો ઊંડા શ્વાસ લઈ તમારે યંગ દેખાવું છે એની કલ્પના કરો. ફોન બંધ કરી વહેલા સૂઈ જવાની આદત કેળવો.

સવારે વહેલા ઊઠી ફોનને ન અડતાં સૌથી પહેલાં અરીસામાં તમારી જાતને સ્માઇલ આપો. તમારી આંગળીઓ તથા આંખને રાતે પૂરતો આરામ મળવાથી તમારો ચહેરો ખીલી ઊઠેલો દેખાશે.

દિવસ દરમ્યાન વૉટ્સઍપ અને ફેસબુક પર ખોટા લવારા ન કરો. એનાથી સંબંધો અને ચહેરા પર તાણ આવે છે.

કોઈ તમારા વિશે શું વિચારે છે એની પરવા ના કરો.

હળવી કસરત, યોગ ને મેડિટેશનથી તમારા વિચાર અને શરીરનો આકાર બદલાતા જશે.

કોઈનું ખરાબ કરવાનો વિચાર ન કરો. કોઈની નિંદા-કૂથલી ન તો કરવી ન તો સાંભળવી.

મુક્ત મને રડી લો અને મુક્ત મને હસી લો.

દિવસમાં એક કામ એવું કરો જે તમને આંતરિક આનંદ આપે.

નવા સંબંધમાં બંધાતાં પહેલાં સો વાર વિચાર કરો. બરાબર ચકાસણી કરો.

કોઈ તમને આઇ લવ યુ કહે તો હરખાઈ ન જતાં સંબંધ કેટલો સાચો છે એની પરખ કરજો.

સંબંધની સ્થિરતા માનસિક સ્થિરતા આપે છે. એટલે કામચલાઉ સંબંધથી દૂર રહેજો.

ચાલવું એ બેસ્ટ કસરત છે. રોજ અડધોથી એક કલાક ચાલો.

શરીરનાં ટૉક્સિન બહાર કાઢવા ખૂબ પાણી પીઓ. મનનાં ટૉક્સિન બહાર કાઢવા કાવાદાવાથી દૂર રહો.

સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન બહુ નૅચરલ છે. જેટલા ઝડપથી એ આવે છે એટલા ઝડપથી એને હાંકી કાઢો. આવા સમયે મન તરત બીજા કામમાં ડાઇવર્ટ કરી નાખો.

સંગીત, વાંચન અને સારા મિત્રોની સંગત કરો.

નિખાલસ રહો. તમારી અંદરનો બાળક જીવંત રાખો.

આ સામાન્ય નુસખાની આપણને બધાને ખબર છે, પણ અમલમાં મૂકવાની વાત આવે ત્યારે થોડા દિવસ બધું બરાબર ચાલે અને ફરી આપણે હતાં ત્યાં ને ત્યાં આવી જઈએ. આપણા માટે જે ખરેખર ઉત્તમ છે એ સતત આપણી સાથે જિવાતું જવું જોઈએ.

આ પણ વાંચો : કલાકારે હંમેશા આવતી કાલમાં માનવું જ જોઈએ

સુંદરતા પહેલાં મનમાં જીવતી થાય તો એ ચહેરા પર આપોઆપ છલકાઈ આવે છે. ઉંમર ગમેતેટલી વધે, એ એનું કામ છે; પણ મનની ઉંમર ઉંમરલાયક ન થવી જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2019 02:15 PM IST | | સેજલ પોન્દા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK