ભદ્રા પામવી હોય તો જીવતા રહેવું પડશે

12 July, 2019 10:10 AM IST  |  મુંબઈ ડેસ્ક | રશ્મિન શાહ - સોશ્યલ સાયન્સ

ભદ્રા પામવી હોય તો જીવતા રહેવું પડશે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

આમ તો આ એક વાર્તા છે. નાનકડી પણ ઉપદેશ આપતી અને આ ઉપદેશાત્મક વાર્તા વાંચવાની, જીવનમાં ઉતારવાની જરૂર છે. જો તમને આદત હોય કે તમે દરેક ઘડીએ, ન ગમતી વાત સમયે અને પોતાના લાભ મુજબનું કે પછી ધારણા પ્રમાણેનું વર્તન જોવા ન મળે ત્યારે સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દેવું. સંબંધો પર ફુલસ્ટૉપ મૂકનારાઓ હંમેશાં પાછા પગ કરતી વખતે ખચકાયા છે અને આ ખચકાટે તેના માટે જીવનમાં વંટોળ ઊભો કરવાનું કામ કર્યું છે. પાછા જવું નથી એ આજની અવસ્થાનું પરિણામ છે પણ પાછા ફરવું પડે એ સંજોગોની તાકીદ હોય અને જો એવું હોય તો સંબંધોમાં શ્વાસને અકબંધ રાખવા જરૂરી છે. વધુ વાત કરતાં પહેલાં હવે વાર્તા જોઈએ.

સદીઓ પહેલાંની વાત છે. એક રાજા હતો. રાજાને અત્યંત સ્વરૂપવાન દીકરી. નામ તેનું ભદ્રા. ભદ્રાનું રૂપ એવું તે ખીલેલું કે ચંદ્ર પણ તેનાથી શરમાય. ભદ્રાને પરણવા માટે, પોતાના રાજ્યની મહારાણી બનાવવા માટે જગતભરના રાજકુંવર તૈયાર હતા; પણ કોઈની હિંમત ચાલે નહીં માગું મોકલવાની. બધાને ડર લાગે કે ભદ્રા ન પાડી દેશે તો નાલેશી સહન કરવી પડશે. માગાં આવે નહીં એટલે ભદ્રાના પિતાએ ભદ્રાનો સ્વયંવર ગોઠવ્યો. એમાં પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ. કોઈ આવ્યું નહીં. હવે, હવે કરવું શું? દીકરીને કુંવારી રાખવી કેવી રીતે? યાદ રાખજો, ઉંમરલાયક કુંવારી દીકરી પિતાની સૌથી મોટી ચિંતા છે. ભદ્રાના હાથ પીળા કરાવવા માટે રાજા તલપાપડ હતા એટલે રાજાએ પોતાના રાજ્યમાં જાહેરાત કરી કે નાતજાત અને કામકાજ જોયા વિના જ ભદ્રાનાં લગ્ન કરાવવા તે તૈયાર છે, શરત માત્ર એટલી કે છોકરો જોયા પછી ભદ્રા હા પાડે તો અને તો જ આ વ્યવહાર આગળ વધશે. રાજ્યના ત્રણ યુવક તૈયાર થયા અને આવ્યા મહેલ પર. આ ત્રણ યુવાનો એ જ હતા જે ભદ્રા સાથે જ મોટા થયા હતા. વર્ષોથી મનોમન તેને પ્રેમ કરે પણ રાજાની કુંવરી એટલે લગ્ન માટે ક્યારેય વિચાર નહોતો કર્યો. રાજાએ પોતાની રીતે ત્રણેત્રણની પરીક્ષા લઈ લીધી અને પારખી પણ લીધું કે ત્રણેયને સાચો પ્રેમ છે એટલે આ ત્રણેત્રણ યુવાનોને મોકલી દીધા ભદ્રા હતી એ ગામની બહારના મહેલમાં. હવે તેમણે ત્યાં જઈને ભદ્રાને મનાવવાની હતી, પણ કરમની કઠણાઈ. ત્રણેય યુવાનો ભદ્રા પાસે પહોંચ્યા ત્યારે જ ભદ્રાને કાળોતરો ડંખ મારી ગયો અને ભદ્રાનો જીવ ગયો.

કેવી વસમી પરિસ્થિતિ, કેવા કપરા સંજોગો! આવી અવસ્થામાં હવે કરવું શું? ત્રણેત્રણ વિમાસણમાં પડી ગયા. એકે નક્કી કર્યું કે હું હવે નહીં જીવું, હું તો આત્મહત્યા કરી લઈશ. બાકીના બે તેને રોકે એ પહેલાં તો ભાઈએ પોતાના શરીરને મહેલની ટોચેથી ફગાવી દીધું અને જીવ આપી દીધો. હવે બાકી બચ્યા બે. બીજાએ સ્પષ્ટતા સાથે કહી દીધું કે મરનારા પાછળ મરાતું થોડું હશે, હું તો આ ચાલ્યો મારા ઘેર. એવું હશે તો જિંદગીભર કુંવારો રહીશ, પણ મારે મરવું પણ નથી અને અહીં રહીને સડવું પણ નથી. આ બીજા મહાશય પણ રવાના થઈ ગયા. હવે બાકી બચ્યો ત્રીજો યુવાન અને ભદ્રાની લાશ. તેના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો જન્મી ગયા હતા, પણ તેણે શાંત ચિત્તે પહેલું કામ ભદ્રાના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવાનું કર્યું અને પછી અસ્થિઓ એક કુંભમાં ભર્યાં. અસ્થિવિસર્જન વિનાની કોઈ અંતિમ ક્રિયા પૂર્ણ નથી કહેવાતી એટલે તેણે નક્કી કર્યું કે તે અસ્થિવિસર્જન પૂરું કરે નહીં ત્યાં સુધી એક પણ જાતનો નિર્ણય નહીં લે.

અસ્થિકુંભ લઈને તે રવાના થયો. વચ્ચે ઘનઘોર જંગલ આવ્યું. રાની પશુઓનો ડર હતો તો લૂંટારા અને ડાકુઓનો પણ ભય હતો, પણ હિંમત રાખીને તે આગળ વધતો રહ્યો. એક અંધારી રાતે તે જ્યારે ચાલતો જતો હતો ત્યારે તેને કોઈના કણસવાનો અવાજ આવ્યો. અવાજની દિશામાં તે ગયો તો તેણે જોયું કે અતિશય કૃશ અવસ્થામાં એક સાધુ મહારાજ પડ્યા હતા. તેણે સાધુ મહારાજને ટેકો આપ્યો, બેસાડ્યા અને નજીકથી પાણી લાવીને એ પીવડાવ્યું. સાધુ મહારાજની તબિયત અત્યંત નાજુક હતી એટલે તેણે સાધુની સેવા શરૂ કરી. એકાદ દિવસ પછી સાધુ બોલવાની અવસ્થામાં આવ્યા એટલે સાધુ મહારાજની ઝૂંપડીનું સરનામું જાણીને સાધુને સહારો આપી ઝૂંપડી સુધી લઈ આવ્યો. ત્યાં તેમને બરાબર સુવડાવ્યા અને ફરીથી સેવામાં લાગી ગયો. જોતજોતામાં એકાદ મહિનો પસાર થઈ ગયો. સાધુની તબિયત પણ બરાબર સુધારો ગ્રહણ કરી ગઈ હતી એટલે સાધુ પણ હવે પહેલાં જેવા અડીખમ થવા માંડ્યા. એક દિવસ સાધુએ યુવાનને તેનું નામ અને કથની પૂછી. યુવાને આખી વાત વર્ણવી અને પછી અસ્થિકુંભ દેખાડીને કહ્યું કે આ ભદ્રા છે, એના વિસર્જન પછી હું નક્કી કરીશ કે મારે હવે શું કરવું છે.

સાધુ ચૂપ રહ્યા. વધુ થોડા દિવસો પછી સાધુ એકદમ સાજા થઈ ગયા એટલે યુવાને રજા માગી. તેને રજા પણ મળી, પણ એ પહેલાં સાધુએ પેલો અસ્થિકુંભ હાથમાં લીધો. આંખ બંધ કરી થોડા મંત્રોચ્ચાર કર્યા અને એ કુંભમાંથી ભદ્રા આખી બહાર આવી. જીવતી અને પહેલાં હતી એવી જ સ્વરૂપવાન. ભદ્રાને નવજીવન આપ્યા પછી સાધુએ ભદ્રાને બધી વાત કરી. અગ્નિસંસ્કારથી માંડીને અસ્થિવિર્સજનની પ્રક્રિયા વિશે પણ વાત કરી અને વચ્ચે તે કેવી રીતે યુવાનને મળી ગયા અને યુવાને તેની કેવી સેવા કરી એ વાત પણ કરી. સાધુએ ભદ્રાને કહ્યું કે તને દીવો લઈને શોધતાં પણ આવો જીવનસાથી નહીં મળે, તારે લગ્ન આની સાથે જ કરવાં જોઈએ. ભદ્રા લગ્ન માટે તૈયાર થઈ એટલે સાધુએ જ તેનું કન્યાદાન કર્યું અને આમ જીવતો નર ભદ્રા પામી ગયો.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

જો ભદ્રા પામવી હશે તો જીવતા રહેવું પડશે. સંબંધો પર પૂર્ણવિરામ મૂકીને આગળ વધી જવાની માનસિકતા મનમાંથી કાઢવી પડશે. સંબંધો પૂરા કરવા, સંબંધોને ભારરૂપ ગણીને ખભા પરથી ઉતારી દેવાને બદલે એ સંબંધો ભદ્રા સમાન ગણીને એની માટેની જહેમત છોડવી ન જોઈએ. આજે અસ્થિ લાગતા સંબંધો ભવિષ્યમાં સ્વરૂપવાન બની શકે છે અને એવું બને ત્યારે જો તમે તમારા પક્ષેથી આત્મઘાતી પગલું લઈ બેઠા હશો તો નવેસરથી ભદ્રાને પામી નહીં શકો. જો એવું ન થવા દેવું હોય તો જીવનમાં ક્યારેય કોઈ સંબંધોમાં પૂર્ણવિરામ મૂકતા નહીં, ક્યારેય કોઈ સંબંધોમાં અબોલા લેતા નહીં અને ક્યારેય કોઈ સંબંધોને ભારરૂપ પણ ગણતા નહીં. બને, કોઈ પણ સમયે અસ્થિ લાગતા સંબંધો સ્વરૂપવાન બની જાય. જો એવું બનશે તો અફસોસની ક્ષણ તમારા ખાતામાં ઉધારી નોંધાવશે.

Rashmin Shah columnists