કૉલમ : તમે બની શકો હનુમાન?

19 April, 2019 10:42 AM IST  |  | રશ્મિન શાહ

કૉલમ : તમે બની શકો હનુમાન?

હનુમાન (ફાઇલ ફોટો)

સોશ્યલ સાયન્સ

આજની હનુમાન જયંતી તો નિમિત્ત માત્ર છે, પણ આ વિષય અને આ પ્રશ્ન સર્વકાલીન છે. તમે હનુમાન બની શકો ખરા? એક વખત જાતને પૂછજો. તમારામાં એ ગુણવતા છે ખરી કે જે તમને હનુમાન સરીખા બનાવવાનું કામ કરી જાય? અહીંયાં ક્યાંય ભક્તિભાવને જોવાનો નથી કે ક્યાંય માનસિક કપિવૃતિને પણ ઉજાગર કરવાની નથી એટલે એ દિશામાં જવાની જરૂર નથી. જરૂર છે તો સંબંધો પ્રત્યેની અખૂટ શ્રદ્ધાની અને આસ્થા સાથેના ભક્તિભાવની. જે સંબંધોમાં ભક્તિભાવ છે, જે સંબંધોમાં આદરભાવની ચરમસીમા છે એ સંબંધોમાં રામ અને હનુમાન જેવી ઉષ્મા અપરંપાર છે, પણ અફસોસ સાથે કહેવું પડે કે આદરભાવનો ક્ષય થઈ ગયો છે અને ભક્તિભાવમાં રામ-રૂપ મેળવવાની હોડ છે. દરેકને રામ-સ્વરૂપ જોઈએ છે, પણ કોઈને રામ જેવી વૈચારિક વિશાળતા લાવવાની કોશિશ નથી કરવી. દરેકને રામ જેવો આદર જોઈએ છે, પણ એ આદર મેળવવા માટે મોટાપણું દેખાડવાની તૈયારી નહીં હોય. જો રામ બનવાની તૈયારી હોય તો જ હનુમાનનો સંગ સાંપડે. જો રામ બનવાની ભાવના અકબંધ હોય તો જ હનુમાનનો અનુભવ મળે અને જો રામ બનીને વિશાળતાની સમીપ જવાની તૈયારી હોય તો જ આંખે પાટા બાંધીને દરિયામાં છલાંગ લગાવનારો હનુમાનનો સંગાથ મળે.

એક વખત, માત્ર એક વખત જરા પાછળ ફરીને જોઈ લેજો. જીવનમાં કેટલી વખત હનુમાન મળ્યા હશે, જીવનમાં કેટલા હનુમાનનો સાથ મળ્યો હશે અને એવા તે કયા અનુભવો કરાવ્યા હશે કે હનુમાને હાથ છોડી દીધો હશે. એક નહીં અનેક, બેચાર નહીં અઢળક. હનુમાન આજે પણ અસ્તિત્વ ધરાવે છે, પણ ફરક માત્ર એટલો છે કે રામ બનવાની તૈયારી હવે આપણી રહી નથી. બોલ્યો શબ્દ પાળવાની તત્પરતા દેખાડનારાઓનો પણ તૂટો નથી, પણ બોલાયેલા શબ્દમાં ‘સ્વ’હિતનું કોટિંગ લાગેલું હોય છે અને એટલે જ હનુમાન સાથેના સંબંધોમાં આસ્થાનું મૂલ્ય ઊતરતું જાય છે. મૂલ્ય ઊતરતું જાય છે અને ઊતરતાં મૂલ્ય સાથે સંબંધો એની ગરિમા ગુમાવે છે. યાદ રાખજો, આસ્થા વિનાનો સંબંધ વ્યવહાર સમાન છે. ખુશબૂ વિનાના ફૂલ જેવો હોય છે અને જીવ વિનાના મડદા જેવો હોય છે. ધીમે ધીમે એ લાશમાંથી ગંધ આવવી શરૂ થઈ જાય છે અને લાશમાંથી ગંધ આવવાની શરૂ થાય છે ત્યારે એ સંબંધોમાંથી સૌથી પહેલાં માન અને સન્માનનું બાષ્પીભવન થાય છે.

રામ અને હનુમાન જેવા સંબંધો એમ જ નથી સ્થપાયા. એક હેતુસર, એક ભાવના સાથે અને એક ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સંબંધોની રચના થઈ છે. આ સંબંધો એક નહીં, અનેક વાત શીખવી જાય છે. સંબંધોમાં શંકાને સ્થાન નથી એ પણ આ જ રામ અને હનુમાનના સંબંધો શીખવે છે અને આપણી વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલો શબ્દ પૃથ્વી પરનાં અંતિમ વચનો છે એવો વિશ્વાસ રાખવાનું પણ આ જ સંબંધો શીખવે છે. કહેવામાં આવે એ ભક્તિભાવથી કરવું એ પણ આ જ સંબંધો સમજાવે છે અને કરવામાં આવેલા સૂચનમાં ક્યાંય સ્વાર્થભાવને કેન્દ્રમાં રાખવામાં નથી આવ્યો એ પણ આ જ સંબંધો ઉજાગર કરે છે. રામ અને હનુમાનના સંબંધોની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે આ સંબંધોમાં કોઈ પ્રકારના આંતરિક રાગદ્વેષને પ્રથમ હરોળમાં મૂકવામાં નથી આવ્યા.

આ પણ વાંચો : વિકી કૌશલ અલંગ, ઊના અને ભાવનગરમાં કરશે શૂટ

તું કહે એ સાચું. એકની આ ભાવના છે તો બીજાની ભાવના પણ સ્પષ્ટ છે. તું કરે એ સાચું. જો સંબંધોમાં આ સ્તરનો વિશ્વાસ હશે તો એ સંબંધોમાં ક્યારેય બરડતા નહીં આવે. એ સંબંધોમાં ક્યારેય કોઈ જાતની કડવાશ નહીં આવે કે એ સંબંધોને ક્યારેય કોઈ ત્રાહિતની નજર નહીં લાગે. આસ્થા હોય, પ્રામાણિકતા હોય, લાગણી હોય અને સાથોસાથ નીતરતી નિષ્ઠા હોય તો એ સંબંધોને ક્યારેય કોઈ તોડી નથી શકતું કે એ સંબંધોમાં ક્યારેય કોઈનું લંગર પણ અટવાઈ નથી શકતું. જો ઇચ્છતા હો કે તમારા સંબંધો પણ એવા રહે તો પહેલું કામ એ સંબંધોને રામ અને હનુમાનના સંબંધો જેવા બનાવવાની કોશિશ કરજો. તમને રામ-સ્વરૂપ માનવા કે નહીં એ સામેવાળાના હાથમાં છે, પણ હનુમાન બનીને વફાદારીની પાઠશાળાનું પ્રથમ પગલું ચડી જવું એ તમારા હાથમાં છે. કોઈ શંકાઓ નથી જોઈતી અને શંકા થઈ શકે એવું કોઈ કૃત્ય પણ નથી આવવા દેવું આ સંબંધોમાં. કોઈ અહમ્ પણ નથી આવવા દેવો સંબંધોમાં અને કોઈ આંતરિક ભેદભાવને પણ નથી આવવા દેવા આ વ્યવહારમાં. યાદ રહે, જે સંબંધોમાં સો ટકા આપવાની ભાવના હોય એ સંબંધોમાં આપોઆપ સો ટકા રિટર્નની વ્યવસ્થા ગોઠવાઈ જતી હોય છે, પણ એના માટે જરૂરી છે કે પહેલાં આપતાં જવું. બૅન્કના છ ટકા વ્યાજ માટે પણ ત્રીસ દિવસ રાહ જોવી આવશ્યક છે તો પછી અહીંયાં તો તમારી પોતાની વ્યક્તિ છે, તમારું પોતાનું સ્વજન છે. સ્વજન પાસે સ્વહિતને નજરમાં રાખવા કરતાં તો ઉત્તમ છે કે સ્વાનુભવને કેન્દ્રમાં રાખવામાં આવે અને સ્વાનુભવના આ વ્યવહારમાં જિંદગીભર દાસ બનવાની પણ તૈયારી રાખવી પડશે, કારણ કે હનુમાન જગતનો એકમાત્ર એવો સેવક છે, જે મૂળભૂત દાસ-રૂપ હોવા છતાં પણ ભગવાન બનીને પૂજાય છે, પણ એના માટેના દાસત્વમાં પણ સો ટકા સંપૂર્ણપણે એકાકાર થવાની ખેવના હોવી જોઈશે. જો ખેવના હશે તો જ રામ અને હનુમાન વચ્ચે જે લાગણીઓ હતી એવી સંબંધોની ચરમસીમા પામી શકશો.

Rashmin Shah columnists