છો એનાથી ઓછા દુઃખી થવાની કળા કેવી રીતે હાંસલ કરવી?

25 October, 2019 04:36 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

છો એનાથી ઓછા દુઃખી થવાની કળા કેવી રીતે હાંસલ કરવી?

પ્રતીકાત્મક તસવીર

મૂળ વિષય પર આવતાં પહેલાં એક કિસ્સો કહેવો છે.

ઓશો એ સમયે ઓશો નહોતા બન્યા, હજી રજનીશ તરીકે ઓળખાતા અને પુણેમાં તેમના આશ્રમમાં જ રહેતા હતા. સવારના સમયે ઓશો બધાને નિરાંતે મળતા, વાતો કરતા, શિષ્યોના મનની વાતો જાણતા અને એ પછી તે સાંજની સભામાં એ વાતોનું તારણ રજૂ કરતા. જરૂરી લાગે તો પુછાયેલા પ્રશ્નો કે પછી મૂંઝવણના જવાબ પણ આપે. એક દિવસ રજનીશે પોતાની વાતની શરૂઆત જ શિષ્યોની મૂંઝવણ અને તેમના પ્રશ્નોથી કરી. રજનીશે કહ્યું કે હું સતત જોઉં છું કે બધાને એક જ ચિંતા છે, એક જ વાતની પરેશાની છે કે સામેવાળાને શું લાગશે, લોકો શું કહેશે, કેવી વાતો કરશે. લગતા હૈ મુઝે, યે એક બીમારી હો ચૂકી હૈ. કૅન્સર, ટીબી જૈસી બીમારી સે ભી બડી બીમારી, બડા રોગ. ક્યા કહેંગે લોગ?

અહીંથી રજનીશનું પેલું સુવિખ્યાત ક્વોટેશન આવ્યુંઃ સબ સે બડા રોગ, ક્યાં કહેંગે લોગ.

મુદ્દો એ નથી કે લોકો શું કહેશે એ રોગ છે કે નહીં, મુદ્દો એ પણ નથી કે એ બીમારીને હાંકી કાઢવાનો કોઈ ઇલાજ કેમ રજનીશે આપ્યો નથી; પણ મુદ્દો એ છે કે લોકો શું કહેશે એ વાતને બીમારી ગણાવવાનું કામ ક્યાં થયું?

એ કામ આશ્રમમાં થયું અને પાંચસો-હજાર કે બે હજાર રજનીશના શિષ્યો સામે થયું. એવા શિષ્યો સામે જે સંસાર છોડીને ભગવાધારી બની ગયા હતા. દુનિયા છોડીને લાંબા ઝભ્ભા જેવા પહેરણમાં આવીને આશ્રમમાં રહેવા માંડ્યા હતા. બહાર શું ચાલે છે અને શું ચાલવાનું છે એનાથી કોઈને કંઈ પરવા નહોતી અને એટલે જ કહેવાનું આવે કે જીવનમાં ક્યારેય આ વાતનો અમલ કરવો નહીં. ક્યારેય માનવું નહીં કે લોકો તો બોલે, આપણને શું?

ના, કારણ કે આ ઉત્કૃષ્ટ એવું સુવાક્ય સમાજને ધ્યાનમાં રાખીને નહીં, સામાજિક પ્રાણીત્વને ધ્યાનમાં રાખીને નહીં પણ આઝાદી અને સ્વચ્છંદતાને ધ્યાનમાં રાખીને કહેવાયું હતું અને એ સ્વચ્છંદતાને સમાજમાં કોઈ સ્થાન નથી. સુખી થવું હોય તો નહીં, છો એના કરતાં ઓછા દુઃખી થવું હોય તો, અત્યારે છો એના કરતાં ઓછી તકલીફો વેઠવી હોય તો કોઈ પણ પગલું લેતાં પહેલાં વિચારવું, તમારા એ કૃત્યને જોઈને સામેવાળો શું વિચારશે? બહુ જરૂરી છે આ. ખાસ કરીને ત્યારે જ્યારે તમને તમારી પડી નથી હોતી. ખાસ કરીને ત્યારે જ્યારે તમને તમારી દરકાર રાખવાની આદત નથી હોતી. એક વખત, માત્ર એક વખત એ વિચારજો કે તમારા દરેક સ્ટેપ પર કોઈની ને કોઈની નજર છે અને એ નજર રાખીને તે પણ પોતાની વિચારધારા એની સાથે જોડી રહ્યો છે. શું વિચારશે તે, શું વિચાર આવશે તેને? સામેની વ્યક્તિ શું વિચારશે એ જો એક વખત કલ્પના કરતા થઈ ગયા તો આવનારા વિરોધને પણ વ્યવસ્થિત પારખી શકશો અને સામેની વ્યક્તિ શું વિચારશે એ જો એક વખત સાચી દિશામાં વિચારતા થઈ ગયા તો ખોટાં પગલાં લેતાં ખચકાટ પણ શરૂ થઈ જશે.

જરૂરી છે, એમાં કશું ખોટું નથી.

કહેવાયું, ‘સબ સે બડા રોગ, ક્યા કહેંગે લોગ.’ પણ આ કહેવાતી વખતે એનો ઇલાજ શોધાયો નહીં અને એટલે જ અત્યારે કહેવામાં આવતી વાતને ઇલાજ તરીકે પણ જોઈ શકાય છે. જો એક વખત સામેની વ્યક્તિની વિચારધારાને સમજવાની, ઓળખવાની, પારખવાની કોશિશ કરશો તો તમને એ ડર નહીં રહે, તમને સમજાશે કે લોકો આ જ કહેવાના છે અને લોકો આ જ બોલવાના છે. જો સાચી દિશામાં આગળ વધતાં હશો તો લોકોની વાતનો, લોકોના મનમાં ચાલતા વિચારની તમને બીક નહીં રહે, બીજા શું વિચારે છે એ બીમારી તમને નહીં વળગે. કોઈ પણ પગલું લેતાં પહેલાં, કોઈ પણ ઍક્શન લેતાં પહેલાં અને કોઈ પણ દિશામાં ડગ માંડતાં પહેલાં એક વાર, માત્ર એક વાર એ વિચારજો કે સામેની વ્યક્તિ શું વિચારશે. ઘરમાંથી જુદા થવાની વાત કરતી વખતે પહેલાં એક વાર એ વિચારજો કે આ વાત સાસુને કે સસરાને ખબર પડશે ત્યારે તેના મનમાં શું વિચાર આવશે? સાસુ સાથે આડોડાઈ કરતાં પહેલાં એક વખત પતિની મનોદશાને પણ સમજવાની કોશિશ કરશો, તે શું વિચારશે એ એક વખત વિચારશો તો સમજાશે કે તેના વિચારોમાં પીડા અને વ્યગ્રતા કયા સ્તર પરની હશે? બહેનને મહત્વ આપતી વખતે વાઇફના મનમાં કેવા ભાવો જાગશે એ પણ વિચારવાનો પ્રયાસ કરજો અને દીકરાને મહત્વ આપતી વખતે દીકરીના મનમાં કેવી લાગણી જન્મશે એ પણ એક વખત વિચારવાની કોશિશ કરજો. લાભમાં તમે રહેશો, નકારાત્મકતાને તમે કાપશો અને સકારાત્મકતાની દિશામાં એક પગલું પણ તમે માંડશો. એક વખત, માત્ર એક વખત વિચારજો કે સામેની વ્યક્તિ શું વિચારશે? જો એ વિચાર કરતા થઈ ગયા તો સામેની વ્યક્તિના મનને પારખવાની ક્ષમતા પણ આવી જશે અને એને લીધે આપણી વ્યક્તિને પહેલેથી વિશ્વાસમાં લેવાની ક્ષમતા પણ આવશે. આ ક્ષમતાની સાથોસાથ આત્મવિશ્વાસ પણ દૃઢ બનશે. ‘ક્યા કહેંગે લોગ?’ની ચિંતાનો ક્ષય થશે, પણ સાથોસાથ આ જ પ્રશ્નનો જવાબ પણ સાંપડશે. બહુ જરૂરી છે એ જવાબ સાંપડવો. એવા સમયે ખાસ જ્યારે તમે સામાજિક પ્રાણી છો. આશ્રમમાં રહેતા નથી અને સંન્યાસીના લાંબા ઝભ્ભા જેવું પહેરણ તમે પહેર્યું નથી.

એક વખત માત્ર એક વખત, પગલું ભરતાં પહેલાં સામેની વ્યક્તિ શું વિચારશે એ પહેલાં વિચારજો. જો એને અમલમાં મૂકી શક્યા તો છો એના કરતાં ઓછા દુઃખી થશો અને બીજાને દુઃખી પણ ઓછા કરશો.

ગૅરન્ટી મારી, જવાબદારી તમારી. બસ, માત્ર એટલું જ કરવાનું છે. સામેની વ્યક્તિ શું વિચારશે એ પહેલાં વિચારજો.

columnists Rashmin Shah