તમે પણ કાળ પર વિજય મેળવી લીધો છે, ખરુંને?

20 September, 2019 01:57 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

તમે પણ કાળ પર વિજય મેળવી લીધો છે, ખરુંને?

sorry

વાતની શરૂઆત કરતાં પહેલાં મહાભારતનો એક પ્રસંગ કહેવો છે. આ પ્રસંગનું વર્ણન આમ તો મહાભારતમાં ક્યાંય નથી, કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધમાં સત્યના વિજય સાથે મહાભારતનું સમાપન કરવામાં આવ્યું છે. પણ એ પછીની દુનિયા પણ હતી અને એ પછીનો સંસાર પણ અકબંધ હતો. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું છે અને હવે મોટા ભાઈ યુધિષ્ઠિરને હસ્તિનાપુરની રાજગાદી સોંપી દેવામાં આવી છે. ધર્મરાજ યુધિષ્ઠિરે નિયમ બનાવ્યો છે, તે દરરોજ સવારે દાન આપવા માટે જાય છે. મહેલની બહાર ઊભા રહે અને જરૂરિયાતમંદોને દાન આપે. રોજિંદા નિયમ મુજબ યુધિ‌િષ્ઠ‌ર આજે પણ મહેલની બહાર ઊભા છે અને રાબેતા મુજબ સેંકડો લોકો તેમની પાસેથી સહાય લેવા માટે કતારબંધ ઊભા છે. યુધિષ્ઠિરે કાર્ય પૂરું કર્યું અને દસ વાગી ગયા. દસ વાગ્યે મહેલમાં જઈને સાડાદસ વાગ્યે ફરીથી દરબારમાં હાજર થવાનો યુધિષ્ઠિરનો નિયમ છે.

યુધિષ્ઠિર રાજમહેલના દરવાજેથી પાછા ફર્યા અને એ જ ક્ષણે એક ભૂદેવ આવ્યા. ભૂદેવે હાથ લંબાવ્યો એટલે યુધિષ્ઠિરે હાથ જોડીને તેમને બીજા દિવસે આવવાનું કહીને ફરીથી મહેલ તરફ પગ ઉપાડ્યો અને એ જ સમયે ત્યાં આવેલો ભીમ મોટા ભાઈના પગમાં લાંબો થઈને સૂઈ ગયો. સાષ્ટાંગ દંડવત્ કર્યા તેણે યુધિષ્ઠિરને. યુધિષ્ઠિરને નવાઈ લાગી એટલે તેણે ભીમને ઊભો કર્યો અને આવું કરવાનું કારણ પૂછયું. ભીમે જે જવાબ આપ્યો એ યુધિષ્ઠિરને સમજાયો નહીં.

ભીમે કહ્યું, ‘આપના તો આશીર્વાદ લેવા પડે. આપે તો કાળ પર વિજય મેળવી લીધો છે. આપ તો ભગવાન વિષ્ણુથી પણ આગળ નીકળી ગયા. આપ તો બ્રહ્મા અને મહેશથી પણ એક વેંત આગળ ચાલવા માંડ્યા. કાળ પર વિજયી થઈ ગયા.’

યુધિષ્ઠ‌િરને સ્વાભાવ‌િક રીતે જવાબથી નવાઈ લાગી એટલે તેમણે ભીમ સામે સ્પષ્ટતા સાથે કરતાં કહ્યું, ‘મને સમજાયું નહીં, કાળ પર વિજય એટલે...’

ભીમે કહ્યું, ‘આપે આ ભૂદેવને આવતી કાલે આવવાનું કહ્યું. અર્થાત આપ જાણો છો કે આવતી કાલે આપની હયાતી અકબંધ છે, આપ એ પણ જાણો છો કે આવતી કાલે આ ભૂદેવ પણ હયાત રહેશે અને સૌથી મોટી વાત, આપને એ પણ ખબર છે કે આવતી કાલે આ ભૂદેવને આપવા માટે દાન આપવા માટે ધન પણ અકબંધ રહેવાનું છે. આપે માત્ર તમારો જ નહીં, આ ભૂદેવનો કાળ પણ જાણી લીધો છે અને આપની સંપત્તિની આવરદા પણ જાણી લીધી છે, આપ મહાન છો.’

આપણે પણ મહાન છીએ. આવતી કાલને એવી રીતે અનુભવી રહ્યા છીએ જાણે કે આવતી કાલ આપણા કાબૂમાં હોય. આપણે પણ કાળ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. આવતી કાલની આપણને ખબર છે અને આવતી કાલે સામેવાળાની શું અવસ્થા હશે એને પણ આપણે જાણીએ છીએ. સમય પર જીત મેળવી લેનારા આપણે છીએ અને એટલે જ આપણને કોઈને થૅન્ક્સ કહેવાનું આવે તો પણ એ થૅન્ક્સ કહેવાનું આપણે આવતી કાલ પર ટાળી શકીએ છીએ. આજે કોઈની માટે થયેલી લાગણીને પણ આપણે પરમ દિવસના ખાનામાં ગોઠવી દઈએ છીએ અને નક્કી રાખીએ છીએ કે એને વ્યક્ત પછી કરીશું. માફી માગવા માટે પણ આપણે સમય લઈએ છીએ અને અહોભાવ વ્યક્ત કરવા માટે પણ આપણે બોંતેર કે છન્નુ કલાક પછીનું ડ્રૉઅર ખોલીને બેસી જઈએ છીએ. બધું છે આપણી પાસે પુષ્કળ અને એ જ માનસિકતા આવતી કાલ માટે પણ આપણી છે.

આ આત્મવિશ્વાસ જ આપણને આપણા સંબંધો પ્રત્યે પ્રામાણ‌િક થતા રોકે છે. આ આત્મવિશ્વાસની ચરમસીમા જ આપણને આપણી લાગણીઓ વ્યક્ત કરતાં અટકાવે છે. આવતી કાલ આવવાની છે કે નહીં એની ખબર નથી અને એ પછી પણ ખુન્નસ મનમાં ભરીને રાતે ઊંઘવા માટે બેડરૂમમાં પહોંચી જઈએ છીએ. આવતી કાલે આંખો ખૂલશે કે નહીં એની કોઈ ખાતરી નથી અને એ પછી પણ દુશ્મની, રાગદ્વેષ અને ઈર્ષ્યાનો ભાર રાતભર વેંઢારીએ છીએ. કાળ પર વિજય મેળવી લીધો હોય એમ આવતી કાલ પર કામ પણ ઢોળી શકીએ છીએ અને આવતી કાલ પર અહોભાવને પણ રોકી શકીએ એમ છીએ. ખોટું કરો છો આ, બહુ ખોટું કરો છો. જરૂરી નથી કે આવરદા કોઈ વૉરન્ટી કાર્ડ સાથે આવી હોય કે જરાક અમસ્તો ખોટકો ઊભો થાય અને તમે લડવા માટે દુકાનદાર પાસે જઈ શકો. ના, લડવા માટે જઈ નથી શકવાના અને જો આવરદાના હિસાબ સાથે લડવા માટે જઈ નથી શકવાના તો પછી શું કામ મનમાં રહેલી ભાવનાઓને, હૈયામાં રહેલી ઉષ્માને અટકાવીને રાખવી છે? ઉધારી ચૂકવવા વૉલેટમાં પૈસા જોઈશે, પણ લાગણીઓની ઉધારી ચૂકવવા માત્ર આળસ ખંખેરવાની છે. જો આવતી કાલની તમને ખબર હોય, જો ધર્મરાજ યુધિષ્ઠિર કરતાં પણ તમારો ધર્મ તમને એક વેંત ઊંચો ચલાવતો હોય તો બધું આવતી કાલ પર રાખો, કોઈ ના નથી; પણ જો એવું ન હોય તો મોડું કરતાં નહીં, જેના માટે પ્રેમ છે તેને આજે જ ‘આઇ લવ યુ’ કહી દો. સવારે આંખો નહીં ખૂલે તો તમારા એ ત્રણ શબ્દ તેને જિંદગીભરનું શ્વસન બની જશે.

આ પણ વાંચો : સેન્ટ પીટર્સબર્ગ : વેનિસને પણ શરમાવે એવું છે રશિયાનું આ શહેર

મોડું કરતાં નહીં મદદ કરી હોય તેનો આભાર વ્યક્ત કરી લેવામાં, કોઈને ‘થૅન્ક યુ’ કહેવામાં અને મોડું કરતાં નહીં કોઈને ‘સૉરી’ કહીને માફી માગવામાં. અંતિમ ક્ષણ કઈ છે એની તમને ખબર નથી તો પ્રત્યેક ક્ષણને અંતિમ ધારીને શું કામ એ ક્ષણને ખુશનુમા બનાવવાની તક છોડવી? ફિલ્મ ‘વક્ત’માં કહ્યું છેને, જો ભી હૈ બસ યહી એક પલ હૈ...

columnists Rashmin Shah