અમારે ક્યાં પૈસા જોઈએ જ છે, અમને સમય આપો એટલે બસ

27 September, 2019 04:27 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

અમારે ક્યાં પૈસા જોઈએ જ છે, અમને સમય આપો એટલે બસ

પ્રતીકાત્મક તસવીર

આવી ફરિયાદ કરનારો પરિવાર એ ભૂલી જાય છે કે યાદોથી આંસુ ખાળી શકાય, ભૂખ નહીં. આવી રાવ લઈને બેસનારી પત્ની એ ભૂલી જાય છે કે તેનો બુઢાપો પતિનું બોખું મોઢું જોઈને નહીં પણ પતિએ એકઠી કરેલી મૂડીથી જ પસાર થવાનો છે અને આવું કહેનારાં સંતાનો એ ભૂલી જતાં હોય છે કે આખો દિવસ ભાગદોડ કરનારો બાપ પણ જાણે છે કે અલ્ટિમેટલી તેણે બધું મૂકીને જ જવાનું છે

ચેતનાની ચકડોળો ચલાવનારા અને પ્રેરણાનાં પડીકાંઓ છોડનારા, મોટિવેશનનાં માટલાં ફોડનારા અને ફિલોસૉફીના ફાફડા વેચનારાઓ એકધારું કહ્યા કરે છે કે પરિવારને એક વાર સમય આપો, એક વખત તેમની પાસે બેસો. જિંદગી એ છે અને એ જ જીવવા માટે તમે આવ્યા છો, પણ ક્યારેય કોઈ એ જોવા માટે ગયું નથી આવી સુફિયાણી વાતો કરનારાઓ પણ પાંચ આંકડાનું કવર લઈને આવે છે અને ચેક બૅન્કમાં જમા થઈ ગયા પછી ઑર્ગેનાઇઝરના પૈસાની ચાર વાડકી બાંસુદી ઠઠારીને જિંદગી કેવી રીતે જીવવી એની સુફિયાણી સલાહો આપવા આવ્યા છે. સલાહ આપવી સહેલી છે, સલાહનું અનુકરણ અઘરું છે. જીવન જીવવાની ફિલોસૉફીને પારખવી સહેલી છે, પણ એ ફિલોસૉફીને આત્મસાત કરીને હકીકત સાથે જીવવું અઘરું છે. ‘અમને તમારો સમય જોઈએ છે’ એવી માગ કરવી આસાન છે, પણ એ માગ સાથે પરિવારને શ્રેષ્ઠ આપવાની માનસિકતાને તરછોડવી અઘરી છે. સત્યવચન છે અને એમાં કોઈ મીનમેખ નથી કે ખાલી હાથે જવાનું છે. હા, સંપૂર્ણ ખાલી હાથે જવાનું છે. જો અકસ્માતે મોત આવ્યું હશે અને એ સમયે ડેડ બૉડીના ખિસ્સામાં બે હજારની નોટનું એક બંડલ હશે તો એ બે લાખ રૂપિયા કોઈ બાળવાનું નથી. એ કાઢી લેવામાં આવશે અને સાવધાની સાથે એને યોગ્ય સ્થાને મૂકવામાં પણ આવશે અને એ પછી પણ કહેવાશે તો એ જ કે ખાલી હાથે જવાનું છે. અગેઇન, સાચું જ છે. ખાલી હાથે જ જવાનું છે અને એ પછી પણ જગતનો દરેક પપ્પા ઊંધા માથે મજૂરી કરે છે. પતિ સતત દોડધામ કરે છે, અઢળક સ્ટ્રેસ લે છે. ભાઈ ભૂખ ભૂલીને ભાગતો ફરે છે. શું કામ, ક્યાં તમે માગ્યું કે તમને જગતની શ્રેષ્ઠ સુવિધા મળે. ક્યાં માએ કહ્યું છે કે ઘરમાં એક બાઈ આવી જાય જે નાનાં કામ કરી આપે. ક્યાં દીકરીએ કહ્યું કે તેની સ્કૂટી હવે જૂની થઈ ગઈ છે અને હવે ઍક્ટિવા-ઍક્સેસ ઇનથિંગ્સ છે. દીકરાએ પણ ફરિયાદો કરી નથી કે તેના હાથમાં જે આઇફોન છે એ મૉડલ હવે ઍપલવાળા પણ ઍન્ટિક ગણે છે. બધા પોતાનું કામ કરે છે અને સહજ રીતે કરે છે, પણ બાપ બિચારો, ભાઈ કે પતિ બિચારો ઇચ્છે છે કે તેના પરિવારને શ્રેષ્ઠ મળે. આપી ન શકે તો તે શ્રેષ્ઠ સુધી પહોંચવાની કોશિશ કરે છે અને અત્યારના જીવનમાં એક ટકા જેટલો પણ ફરક લાવી શકે તો મનમાં ખુશ થાય છે.

બીજાને સુખ આપીને સુખી થાય તેનું નામ પુરુષ અને આ પૌરુષત્વ ખાતર જ આજે જગતભરના પુરુષો રઘવાયા ઢોરની જેમ ભટકે છે, ઢીંક ખાય છે અને ડફણાં પણ તે જ સહે છે. ઇચ્છા તો માત્ર એટલી કે દીકરીને, બહેનને, વાઇફને બેસ્ટ આપે. ભૂખ્યા રહેવાનું પસંદ કરે છે અને એ પસંદ જાતે કર્યું છે એટલે એની કોઈ ફરિયાદ પણ નથી. ઊંઘ પૂરી થતી નથી પણ ઓછી ઊંઘનું જીવન જાતે પસંદ કર્યું છે એટલે એની કોઈ રાવ નથી. શાંતિ મળતી નથી પણ આ અશાંતિના કારક પોતે છે એટલે એના માટે ધોખો કરવામાં આવતો નથી. એક વાત યાદ રાખજો, પુરુષ જ્યારે દુન્યવી ફરિયાદ નથી કરતો ત્યારે તે પુરુષાતનની સર્વોચ્ચ સીમા પર છે. ઠંડી રોટલી જ તેના નસીબમાં છે, મુંબઈની ગરમીમાં જાતે બફાઈ જતું ટિફિન જેના તકદીરમાં છે એ માણસ દિવસરાત ભાગતો રહીને તેનાં સંતાનોને, તેના પરિવારને શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે અને તેનો આ જ પ્રયાસ તેને પૂર્ણ પુરુષ બનાવે છે. જે દિવસે શાંતિથી અને ધીરજથી બેઠેલો પતિ જુઓ એ દિવસે પત્ની તરીકે સૌથી પહેલાં તમારી જાતને કોસજો કે આજે તમે પતિ ગુમાવી દીધો અને એક બહેનપણી ઘરમાં વસાવી લીધી.

પુરુષનો સ્વભાવ છે અભાવ પૂરવો એ. પુરુષનો સ્વભાવ છે શ્રેષ્ઠને હાથવગું કરવું એ અને પુરુષનો સ્વભાવ છે બીજાઓ માટે કરતા રહેવું એ. ફિલોસૉફીના પટારાને ખોલનારા જે સમયની દુહાઈ આપીને પરિવારને સમય આપવાનું કહે છે એ ફિલોસૉફર ભૂલી ગયા છે કે યાદોથી પેટ નથી ભરાતું, પેટ ભરવા તો ભોજન જ જોઈએ છે. એક પુરુષનું મૃત્યુ માત્ર સંબંધોનું મૃત્યુ નથી. એક પુરુષનું વૈકુંઠવાસી થવું એ દીકરી પાસેથી પિતા જ નથી છીનવી લેતો, પણ સાથોસાથ દીકરી પાસેથી તેનાં સપનાઓ, તેની કરીઅર, તેની પૉકેટમની અને પૉકેટમની થકી આવતો આત્મવિશ્વાસ પણ છીનવી લે છે. એક પુરુષનું મૃત્યુ માત્ર એક પત્ની પાસેથી છીનવાતા પતિનો જ વિરહ નથી, પણ સામાજિક જવાબદારીઓ નિભાવનારી છત્રછાયાનો વિરહ પણ છે અને લાચારી, વગર માગ્યે આવી જતા ઓશિયાળાપણાને આવકારો પણ છે. પતિએ દોડવું જ જોઈએ, ભાગવું જોઈએ. ભાઈએ મહેનત કરવી જ જોઈએ અને પિતાએ એકધારા રેસમાં જોતરાયેલા રહેવું જ જોઈએ. કોઈ ભૂલ નથી એમાં, કોઈ દમન નથી પરિવાર પર એમાં. બુઢાપો પતિના બોખા મોઢા સાથે નહીં પણ બૅન્કમાં પડેલી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજથી જ પસાર થાય.

આ પણ વાંચો : પૉઝિટિવ ઍટિટ્યુડ: નકારાત્મકતાને અતિથિ બનાવીને જીવનમાં રોકતા નહીં

બુઢાપાની ઝાંખપ પતિની આંગળી પકડવાથી દૂર નથી થતી, એને દૂર કરવા માટે ઇમ્પોર્ટેડ લેન્સની જ જરૂર પડે છે અને લેન્સ માટે આજે ભાગવું પડે છે, દોડવું પડે છે, અથડાવું-કૂટાવું પડે છે અને એની માટે જો આજે સમય ન આપી શકાય તો કશું ખોટું નથી. આજે છીનવેલો સમય આવતી કાલના ઉત્કૃષ્ટ ભવિષ્યની નિશાની છે. બાકી આગળ કહ્યું એમ, પૈસા પાછળ ભાગનારા એ પામર પુરુષને પણ ખબર જ છે, જવાનું તો ખાલી હાથે જ છે. ખિસ્સામાં જો બે હજારની નોટનું બંડલ હશે તો એ પણ પરિવારના મોભીઓ કાઢી જ લેવાના છે...

Rashmin Shah columnists