Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પૉઝિટિવ ઍટિટ્યુડ: નકારાત્મકતાને અતિથિ બનાવીને જીવનમાં રોકતા નહીં

પૉઝિટિવ ઍટિટ્યુડ: નકારાત્મકતાને અતિથિ બનાવીને જીવનમાં રોકતા નહીં

27 September, 2019 04:06 PM IST | મુંબઈ
જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

પૉઝિટિવ ઍટિટ્યુડ: નકારાત્મકતાને અતિથિ બનાવીને જીવનમાં રોકતા નહીં

પૉઝિટિવ ઍટિટ્યુડ

પૉઝિટિવ ઍટિટ્યુડ


આજના સમયમાં હાથમાં કંઈ હોય કે ન હોય, ગજવામાં કશું હોય કે ન હોય, પણ જીવનમાં પૉઝિટિવ ઍટિટ્યુડ હોય એ ખૂબ જરૂરી છે, અનિવાર્ય છે.

બે દિવસ પહેલાં સવારે છાપું ખોલ્યું અને બે હેડલાઇન એવી વાંચી કે બે સેકન્ડ માટે આજુબાજુનું બધું અટકી ગયું. ઉપર-નીચે જ એ બન્ને ન્યુઝ હતા. એક ન્યુઝ હતા બૅન્ક બંધ થઈ ગઈ એના, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે લોકોના કરોડો રૂપિયા ફસાઈ ગયા. આ ન્યુઝની નીચે બીજા ન્યુઝ હતા, મંદીના. ધંધા મંદા છે અને એમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજી વધારો થશે એ ન્યુઝ પણ જોડી દેવામાં આવ્યા હતાં. મેં કહ્યું એમ, આ બન્ને ન્યુઝ ઉપર-નીચે જ હતા.



બૅન્ક બંધ થવાને કારણે જેના પૈસા ફસાયા એમાં ઘણા લોકો હતા. રિટાયર લોકો, કોઈના પેન્શનની રકમ તો કોઈનો દીકરો ફૉરેનથી પૈસા મોકલતો એ રકમ, કોઈએ આખી જિંદગી બચત કરીને દીકરીનાં લગ્ન માટે મૂડી એકઠી કરી હતી એ રકમ. લોકોના આ બધા રૂપિયા ફસાઈ ગયા. આંખમાંથી આંસુ બહાર આવ્યાં નહીં, પણ અંદરથી રડાઈ ગયું, ગળે ડૂમો અટવાઈ ગયો. સાલું જીવન ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે એવા પ્રશ્નો પણ મનમાં આવવા માંડ્યા.


આપણું બધું સારું છે, સલામત રીતે ચાલે છે એ વાતનો ભગવાનનો પાડ માનીએ, એ વાતની હૈયે ધરપત રાખીએ, પણ બીજાની તકલીફ જોઈને આપણને પણ તકલીફ થાય એ પણ હકીકત છે. આપણે કંઈ કરી નથી શકતા એ પણ હકીકત છે અને એ પણ હકીકત છે કે આ પ્રકારનું વાંચવા આજકાલ રોજ મળે છે, લગભગ રોજ અને નિયમિત. આપણે હેલ્પલેસ છીએ. આવું બને ત્યારે એક જ વાક્ય યાદ આવે, કામમાં આવે.

જેણે મુસીબત આપી છે તે જ બહાર કાઢશે.


આ વાત યાદ આવી જાય અને આપણે ભગવાનને બે હાથ જોડીને યાદ કરી લઈએ.

આપણા વિષયની શરૂઆત પણ અહીંથી જ થાય છે.

પૉઝિટિવ ઍટ‌િટ્યુડ.

હકારાત્મક અભિગમ.

બધું સારું થઈ જશે અને આવતી કાલ તો સારી જ છે. આવું વિચારવું એટલા માટે સારું છે, એટલા માટે જરૂરી છે કે સ્ટ્રેસનું લેવલ એ સ્તરે વધતું જાય છે કે એની સીધી અસર તબિયત પર થાય છે. સ્ટ્રેસને લીધે તબિયત બગડતાં કે લથડતાં વાર નથી લાગતી. ભાઈ, જાન હૈ તો જહાન હૈ અને આમ સમજીને પૉઝિટિવિટી રાખીએ અને આવી જ હકારાત્મકતા સાથે આગળ વધીએ એ બહુ જરૂરી છે.

જીવનમાં આવેલો આવો નકારાત્મક તબક્કો પણ પસાર થઈ જશે. મારે પણ ઘણી વાર અઘરી પરિસ્થિતિ આવતી હોય છે અને આવું બને ત્યારે મારી પણ ઊંઘ હરામ થઈ જાય છે, પણ આવું બને, ઊંઘ વેરાઈ જાય ત્યારે હું જાત સાથે વાતો કરું અને જાતને સમજાવું કે આજ સુધી ઈશ્વરે કેવું સરસ રાખ્યું છે, કેવું સરસ ચલાવ્યું તો હવે એ આગળ પણ એવું જ કરશે અને સારું જ રાખશે.

બેડ પર પડ્યા-પડ્યા મારા જીવનની અને જાતની સારી-સારી વાતોને યાદ કરું અને પછી ધીરે-ધીરે ઈશ્વર પરથી બોજ હટાવીને એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે મારે કઈ રીતે મહેનત કરવી પડશે એના પર ધ્યાન કેન્દ્રિત કરું અને એના વિચારો પર લાગી જાઉં. જો રાતના સમયે આવી બેચેની આવી હોય તો આ બધું કર્યા પછી નિરાંતે સૂઈ જાઉં અને ધારો કે દિવસ હોય તો બધું ભૂલીને હસતા મોઢે ઊભો થઈ ફરીથી કામ પર લાગી જાઉં. બેચાર-છ કલાક પછી જો ફરી પાછા નેગેટિવ વિચારો મનમાં આવે તો ફરીથી એ જ સાઇકલ ચલાવું અને ફરી પાછો પૉઝિટિવ વિચારો તરફ ભાગું અને ફરી જાતને એ નકારાત્મકતામાંથી બહાર કાઢું. ઘણી વખત ક્યાંય બેઠા હોઈએ અને આવા નેગેટિવ વિચારો મનમાં આવે તો એ નેગેટિવ વિચારો સાથે પણ હસતાં-હસતાં વાતો કરીને એને પૉઝિટિવ બનાવવાનો પ્રયત્ન કરું.

જ્યારે નકારાત્મકતા મનમાં બહુ ચાલતી હોય, આજુબાજુનું વાતાવરણ વધારે પડતું નકારાત્મક હોય ત્યારે તંદુરસ્તીનું ધ્યાન આપવું બહુ જરૂરી હોય છે. જગતનું સૌથી ખરાબ કૉમ્બિનેશન જો કોઈ હોય તો એ છે ચિંતા અને વ્યસન, તો સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે ચિંતા પોતાની સાથે વ્યસન લઈને આવે છે. જ્યારે પૈસા બચાવવાનો સમય હોય છે ત્યારે વ્યસન કરીને એ પૈસા ગુમાવવાનો વારો આવે છે, વધારાનો ખર્ચ થાય છે. આવું ન બને એનું ધ્યાન રાખવું જોઈએ. એક તરફ ચિંતા તો તબિયત બગાડવાનું કામ કરતી જ હોય અને એમાં વ્યસન આવીને એ પણ તબિયતને અસર કરવાનું કામ કરે. ત્રીજું, વ્યસન અને ચિંતા બન્ને ભેગાં મળીને પણ માનસિક સ્ટ્રેસ વધારવાની જવાબદારી લઈ લે.

ખોટા અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાનો એક એવો રસ્તો છે જે અપનાવવાની જરૂર છે.

જ્યારે પણ મનમાં ખોટા વિચારો આવે, નકારાત્મકથી તમે ઘેરાઈ જાઓ ત્યારે નજીકનાં સગાંસંબંધીઓનો અને મિત્રોનો સંપર્ક કરો. હવે તો મોબાઇલ-ડેટા અને ઇન્ટરનેટ પણ સસ્તું છે એટલે વિદેશ રહેતા લોકોનો પણ સંપર્ક કરી શકો છો. તેમની સાથે વાતો કરો, જો તેઓ અહીં રહેતાં હોય તો તેમને રૂબરૂ મળવા જાઓ કે પછી તેમને મળવા બોલાવી લો, તેમની સાથે કોઈ પ્રોગ્રામ બનાવો અને મનને એ દિશામાં વાળી લો, પરંતુ કોઈ પણ રીતે નેગેટિવ વિચારોને, મનમાં આવેલી નકારાત્મકતાને દૂર કરો. એવું લાગે તો ક્યારેક પોતાની સાથે બનેલી દુર્ઘટના પર હસી પણ લો, ટ્રૅજેડી પર હસી નાખો. તમારાથી મોટી તકલીફમાં ફસાયેલા લોકો સાથે તમારી તકલીફની સરખામણી કરી જોજો, એવું કરવાથી તમારી તકલીફ દૂર તો નહીં થઈ જાય, પણ એ નાની ચોક્કસ લાગવા માંડશે. સાચું કહું છું. આ ટીવીની ડેઇલી શૉપની હિરોઇનોને કાયમ માટે આટલીબધી તકલીફમાં શા માટે દેખાડવામાં આવે છે એની ખબર છે તમને?

આપણાં બૈરાંઓ એ જોઈને એમ વિચારે કે આ આટલીબધી રૂપાળી છે, સુંદર છે અને તો પણ તેને કેટલીબધી તકલીફ છે. આટલી પૈસાવાળી છે તો પણ કેવી ઉપાધિ છે. એના કરતાં તો મારી લાઇફ સારી છે, મારો ઘરવાળો તેના ઘરવાળા કરતાં લાખ દરજ્જે સારો છે.

મૂળ વાત પર આવીએ. વાત છે મનમાં આવેલી નકારાત્મકતાની.

તકલીફોને દૂર કરવાના નાના ગાળાનાં અને લાંબા ગાળાનાં આ સૂચનો તમને એટલે કહી રહ્યો છું, કારણ કે આ પ્રકારના વિચારો કોઈક વાર એટલા તીવ્ર બની જાય છે કે એ માણસને ડિપ્રેશનમાં લઈ જાય છે અને ડિપ્રેશનને કારણે માણસ સુસાઇડ તરફ વળી જતા હોય છે. પૉઝિટિવિટીથી જીવન બચી શકે છે. હતાશા અને નકારાત્મકતાનો જન્મ આપણને આવેલી મુસીબતમાંથી થતો હોય છે એટલે હકારાત્મકતાને તમારો સ્વભાવ બનાવો, જેની આજકાલના સમયમાં તમને ડગલે ને પગલે જરૂર પડવાની છે. પૉઝિટિવ થિન્કિંગથી તમારું જીવન તમને સારું અને આશાથી ભરેલું લાગશે. હું હંમેશાં એક આશા સાથે જ જીવ્યો છું, મારી પત્નીનું નામ નિપા છે એની તમને ખબર છે, એટલે અહીં એવાળી આશાને ગણવાની નથી. હું આશા એટલે કે હૉપની વાત કરું છું.

હું હંમેશાં એ આશા સાથે જીવું છું કે મારી આવતી કાલ આજ કરતાં પણ વધારે સારી હશે. આપણે બધા એવું જ માનતા હોઈએ છીએ કે ભવિષ્ય સારું અને ઉજ્જ્વળ હશે, આ જ આશા સાથે જીવતા હોઈએ છીએ અને એટલે જ આપણું જીવન આસાનીથી કાપી શકીએ છીએ.

જીવનને આસાનીથી કાપવા માટે શું કરવું જોઈએ એની વધુ હકારાત્મકતા હવે આવતા વીકમાં કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2019 04:06 PM IST | મુંબઈ | જેડી કૉલિંગ - જમનાદાસ મજીઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK