કૉલમ : તમે જે વિચારો છો એ વિચાર તમારા જ છે?

11 April, 2019 11:13 AM IST  |  | જયેશ ચિતલિયા

કૉલમ : તમે જે વિચારો છો એ વિચાર તમારા જ છે?

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

શું તમે જે વિચારો છો એ વિચારો તમારા જ છે? જરા ઊંડાણપૂર્વક વિચારી જુઓ. આ સવાલ વાંચી કે સાંભળીને તમને નવાઈ લાગશે. હું વિચારું એ વિચાર મારા જ હોયને વળી! એમ પણ તમને થશે, પરંતુ આ આપણી ભ્રમણા હોઈ શકે. આપણા મોટા ભાગના વિચાર આપણા પોતાના નથી હોતા, બલકે બીજાના સાંભળેલા કે વાંચેલા હોય છે. ઘણી વાર આ વિચારો સમાજમાંથી એકઠાં થઈને આપણા દિમાગમાં પ્રવેશ્યા હોય છે. કેટલીય વાર આપણે લોકોની વાતચીતમાંથી, ફિલ્મોમાંથી, ટીવી-કાર્યક્રમોમાંથી વિચાર મેળવતા હોઈએ છીએ.

હવે બીજો સવાલ, શું તમારું જીવન તમે તમારી ઇચ્છા મુજબ જ જીવો છો? જરા ખુદની ભીતર જઈને સમજપૂર્વક વિચારી જુઓ. આ સવાલ પણ તમને નવાઈ પમાડશે, પરંતુ આપણે મોટા ભાગે બીજાઓની ઇચ્છા-અપેક્ષા મુજબ મોટા ભાગનું જીવતા હોઈએ છીએ. લોકો શું કહેશે? શું માનશે? કેવું લાગશે? વગેરે જેવા સવાલો આપણા પર સતત સવાર રહેતા હોય છે.

હવે ત્રીજો સવાલ, શું જેને તમે તમારું માનો છો એ તમારું છે ખરું? એકદમ નિખાલસતાપૂર્વક વિચારી જુઓ. ઘણુંબધું આપણું હોવા છતાં આપણું નથી હોતું, જીવનભર આપણું નથી હોતું. આપણી કોઈ વસ્તુ આપણી નથી હોતી. માત્ર આપણે એને આપણી માનીએ છીએ. આ કોઈ ફિલસૂફીની વાત નથી, બલકે જીવનની હકીકત છે.

સામૂહિક વિચારધારા

આપણે સામૂહિક વિચારધારાના ભાગ છીએ. આપણી પાસે આપણું પોતાનું કંઈક હોવું એ ભ્રમ છે, જે એટલો બધો ઊંડો અને મજબૂત હોય છે કે આપણે પોતે જ એ માનવા તૈયાર થતા નથી કે આપણે ભ્રમમાં છીએ. આપણે લોકોમાં જુદી-જુદી રીતે વહેંચાયેલા હોઈએ છીએ. આપણું વ્યક્તિગત આપણી પાસે શું છે એ વિચારીશું તો જવાબને બદલે ઘણાબધા ભ્રમ મળશે. વ્યક્તિગત અજ્ઞાન આપણને સમજાતું નથી અને જે જ્ઞાન આપણું નથી એને આપણે આપણું જ્ઞાન સમજીએ છીએ.

વિચારો અહીંથી ત્યાં થયા કરે

જો તમને ઉપર્યુક્ત વાતના પુરાવા જોઈતા હોય તો તાજા દાખલા ઘણા છે. ચાલો, એકદમ તાજી અને રોજની વાત લઈએ. અત્યારે દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. અમુક લોકો સતત નરેન્દ્ર મોદી અને ભાજપ વિશે વિચાર્યા કરે છે, જ્યારે અમુક લોકો મોદીની વિરુદ્ધ-ભાજપની વિરુદ્ધ વિચાર્યા કરે છે. હવે તમે આવા લોકો વચ્ચે તમારી તટસ્થતા અને વિવેક જાળવીને, બેસીને વાત કરી જોજો. જો તમે મોદીના પગલાની પ્રશંસાની વાતો કરશો અને રાહુલ ગાંધી-સોનિયા ગાંધી કે કૉન્ગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢશો તો આ સાંભળનારા તમારા વિચારથી પ્રભાવિત થઈ જશે અને એ વિચારને બીજે ફેલાવશે. જ્યારે એ બીજે આ વાત કરશે ત્યારે તે પોતાના વિચાર છે એમ કરશે. આનાથી વિરુદ્ધ જો તમે કયાંક મોદીની જીએસટીની, નોટબંદીની, મોટા વાયદાઓની ભારેખમ ટીકા કરશો તો આ સાંભળનાર લોકો એ જ વાતોને પોતાના બીજા સર્કલમાં કરશે ત્યારે પોતે વિચારેલા મુદ્દાની જેમ કહેશે. ઇન શૉર્ટ, આપણા સમાજમાં મોટા ભાગના વિચારો કે અભિપ્રાય તો આવી જાહેર વાતોમાંથી બનતા રહે છે. વળી ઘણાં અખબારોના સમાચાર અને ટીવીની ચર્ચાને પોતાના વિચારોનો આધાર બનાવી દે છે. કોઈ પુસ્તકો વાંચીને અથવા પ્રવચનો સાંભળીને વિચારો મેળવે છે. કેટલાય લોકો તો પાનના ગલ્લેથી વિચારોનો થેલો પોતાના મગજમાં ઉતારીને ફર્યા કરે છે. કેટલાય લોકો ટ્રેનમાં યા થતી ચર્ચાને સાંભળીને વિચારો પહેરી લે છે.

વિચારધારા અને ધોધ

હવે તો પાછા સોશ્યલ મીડિયામાં વિચારોનો મહાસાગર કે ધોધ અવિરત વહ્યા કરે છે. રોજેરોજ, મિનિટે-મિનિટે વૉટ્સઍપ પર વિચારોનું એકધારું આક્રમણ થયા કરે છે. આ વિચારોનો પ્રવાહ અને સ્વરૂપ પણ વિરોધાભાસી હોય છે. આ આક્રમણ એટલુંબધું જોરદાર હોય છે કે માણસ એક વાર તો પોતાના અત્યાર સુધી પકડી રાખેલા વિચારને પણ ભૂલીને નવા વિચારમાં ઘેરાઈ જાય છે. જેમ જૂઠ સતત બોલાતું રહેવાથી એક દિવસ એ જ લોકોને સત્ય લાગવા માંડે છે એમ. સામૂહિક વિચારધારાની કોઈ નિશ્ચિંતતા હોતી નથી. કેટલીક વાર આ વિચારો દવાના ડોઝ જેવા હોય છે, જેમ દવાની અસર ઊતરી જાય એમ વિચારની અસર પણ દૂર થઈ જાય છે. શૅરબજારની જેમ માણસોના વિચારોમાં પણ વૉલેટિલિટી હોય છે, તોફાન હોય છે. સતત ઉપર-નીચે થતા અસ્થિર માનસ જેવું હોય છે. બજારની જેમ વિચારોમાં આને કારણે ફલેક્સિબિલિટી પણ હોય છે, મૂડ અને સેન્ટિમેન્ટ હોય છે. વિચારોની શૉર્ટ, મીડિયમ અને લૉન્ગ ટર્મ આયુ હોય છે.

વિચાર અને આચાર

કથાઓમાં, મંદિરોમાં કે કોઈ પણ ધર્મસ્થાનકમાં થતાં પ્રવચનોમાં પણ વિચારોની ગંગા-જમના-નર્મદા વહેતી હોય છે. એનો અર્થ કોણ શું પકડે અને એનું અનુકરણ શું કરે એ સાંભળનાર પર આધાર રાખે છે, પરંતુ આ પણ ઉધાર વિચારો જ હોય છે. વ્યક્તિનું પોતાનું એમાં કોઈ સત્વ કે તત્વ હોતું નથી. બહુ ઓછા લોકો આ વિચારોને આત્મસાત્ કરે છે, બહુ ઓછા લોકો એ વિચારોને આધારે જીવન જીવે છે, કારણ કે વિચાર અને આચાર વચ્ચે બહુ મોટું અંતર હોય છે. ગાંધી વિચારધારા એક વાત છે, પણ એ વિચારધારા મુજબ જીવવું એ બીજી વાત છે.

વિચાર કોને કહેવાય?

એક પાયાનો ગહન સવાલ એ પણ થઈ શકે, વિચાર કોને કહેવાય? ખરેખર તો આપણે જેને વિચાર સમજીએ છીએ એ પણ વિચાર કહેવાય નહીં. જયાં સુધી આપણે આપણા વિશે વિચારતા હોઈએ ત્યાં સુધી એ વિચાર ખરેખર વિચાર નથી. એ તો આપણા કામકાજની બાબતો છે.

આ પણ વાંચો : ગરીબો કી સુનો, વોહ તુમ્હારી સુનેગા...

આપણે જાણતા નથી એ જ નથી જાણતા

આપણી સમસ્યા એ છે કે આપણે એ નથી જાણતા કે આપણે નથી જાણતા. ઘણી વાર આપણે બહુ જાણીએ છીએ એવું માનતા હોઈએ છીએ, જ્યારે આપણે બહુ ઓછું જાણતા હોઈએ છીએ. આપણે બીજાને ફૉલો કરીએ છીએ, વાસ્તવમાં દરેક વ્યક્તિ જુદી છે, આપણે આપણને જ ફૉલો કરવું જોઈએ.

columnists