સત્ય અને હકીકત સમજયા-જાણ્યા વિનાના વિરોધનો વિરોધ થવો જોઈએ

26 September, 2019 03:20 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - જયેશ ચિતલિયા

સત્ય અને હકીકત સમજયા-જાણ્યા વિનાના વિરોધનો વિરોધ થવો જોઈએ

વિરોધ

એક દિવસ ૫૦થી ૬૦ માણસોનું એક ટોળું રસ્તા પરથી જઈ રહ્યું હતું અને ઝિંદાબાદ તથા મુર્દાબાદના નારા લગાવી રહ્યું હતું. એક ભાઈ અચાનક એ ટોળામાં જોડાઈ ગયા અને તે પણ ઝિંદાબાદ-મુર્દાબાદ બોલવા લાગ્યા. હું જસ્ટ આ જોઈ રહ્યો હતો. પેલા માણસને મેં ચાલતાં-ચાલતાં પૂછ્યું, તમે કેમ આમાં જોડાઈને નારા લગાવવા લાગ્યા? તો તે ભાઈએ કહ્યું, મને ખબર નથી પરંતુ આ બધા કરતા હતા તેથી મને થયું કે કંઈક જરૂર કામનું હશે તેથી મેં પણ સાથ પુરાવવા માંડ્યો.

વિરોધ! નિંદા! ટીકા!

આ ત્રણ બાબતો આપણા લોકો માટે સહજ ઘટના છે. કદાચ આપણી માનસિકતા જ આવી છે. કદાચ આપણને આમાં છૂપો આનંદ આવતો હશે કે પછી આપણા અહંકારને યા આપણી ઈર્ષ્યાને સંતોષ મળતો હશે. હકીકતની જાણ હોય કે ન હોય, થોડા લોકો વિરોધ કરતા હોય તો બસ સમજ્યા વિના જોડાઈ જાઓ એ વિરોધમાં અને વિરોધને મોટો કરી નાખો. એમાં પણ જાણીતી હસ્તી-સેલિબ્રિટી હોય તો-તો વિરોધ કરવાનું ગ્લૅમર પણ વધી જાય. રાજકીય હસ્તી હોય તો વિરોધનો આક્રોશ પણ વધી જાય, અમીર હસ્તી હોય તો ઈર્ષ્યા પણ ઉછાળા મારે. માત્ર વિરોધ જ નહીં, નિંદા કે ટીકા કરવામાંય આપણા લોકો સત્ય ખબર ન હોય તો પણ તૂટી પડતા હોય છે. ટોળામાં ભળી જવામાં એક પ્રકારની સલામતી પણ લાગે, કેમ કે પોતે એકલા નથી. આમ મોટા ભાગનાં વિરોધ, નિંદા-ટીકા–ટિપ્પણ સત્ય અને હકીકતને જાણ્યા-સમજ્યા વિનાનાં હોય છે.

તાજેતરમાં આરે અને મેટ્રો શેડના વિવાદમાં અમિતાભ બચ્ચને કંઈક ટ્વીટ કર્યું અને પર્યાવરણવાદીઓ અમિતાભ બચ્ચનનો વિરોધ કરવા પહોંચી ગયા. અહીં પર્યાવરણની રક્ષા ન થવી જોઈએ એવું કહેવાનો આશય નથી, માત્ર અંગળી ચીંધવી છે વિરોધીઓ તરફ જેઓ પોતાનાં અર્થઘટન કરી નાખતા હોય છે. નર્મદા ડૅમના વિરોધમાં વરસો પહેલાં જે વ્યાપક વિરોધ ચાલ્યો હતો જેને કારણે નર્મદા ડૅમનું કામ લંબાઈ ગયું અને એને કારણે એનો ખર્ચ પણ અધધધ વધી ગયો તેમ જ પાણી ઝંખતા કેટલાય લોકોએ સહન કરવું પડ્યું. આજે એ નર્મદા મૈયા લાખો લોકો માટે આશીર્વાદ બની ગઈ છે.

ઘેર-ઘેર પાણી પહોંચાડી રહી છે ત્યારે લોકોને એનું મહત્ત્વ સમજાયું છે. એ સમયે વિરોધ કરીને દેશને કરોડો રૂપિયાના ખાડામાં નાખનાર લોકો શું એ ક્યારેય ભરપાઈ કરી શકશે? શું હવે તેમની પાસે કોઈ જવાબ છે? એ વખતે પણ કેટલાય લોકો એ વિરોધમાં સમજ્યા વિના સામેલ થઈ ગયા હતા. ક્યાં છે પેલાં બેન આજે જે નર્મદાના નામે નામ કમાઈ ગયાં? આવા તો અનેક દાખલા છે.

વિરોધના માર્ગે દેશદ્રોહ!

સરકાર સામે વિરોધ હોય ત્યારે જનતાને ઉશ્કેરવા માટે વિરોધ પક્ષો તો સક્રિય બને જ છે, પણ સાથે-સાથે ચોક્કસ જાહેર સંસ્થાઓ પણ કામે લાગી જાય છે, જેમાંથી મોટા ભાગની પેઇડ હોય છે. ક્યારેક પર્યાવરણના નામે, ક્યારેક પ્રાણીઓના નામે તો ક્વચિત માનવ અધિકારના નામે આવા લોકો આખું ગામ, શહેર, રાજ્ય કે દેશ જ નહીં, વિશ્વ પણ ગજાવે છે. થોડા વખત પહેલાં જ એક સામાન્ય (જેને સામાન્ય કહેવામાં પણ સામાન્ય લોકોનું અપમાન ગણાય) યુવાન જ્ઞાતિ અનામતના નામે કેટલાં નાણાં-લાભ કમાઈ ગયો અને ક્યાંથી ક્યાં પહોંચી ગયો એની જાણ તેને સાથ આપનારાઓને છે? આવા લોકોને  પ્રસિદ્ધિ આપવા માટે મીડિયા તો તૈયાર જ બેઠું હોય છે, કારણ કે તેમને તો નેગેટિવ ન્યુઝ વેચવામાં જ વધુ રસ હોય છે. ટીવી-મીડિયા તો વળી એના ટીઆરપી વધારવામાં રાઈનો પર્વત કેવી રીતે બનાવે છે એ સમજાવવાની હવે જનતાને જરૂર રહી નથી. તેમ છતાં આ જનતામાંના જ અનેક લોકો જાણતાં-અજાણતાં ખોટા-ગેરવાજબી વિરોધ યા વિદ્રોહમાં જોડાઈ જાય છે.

સૈદ્ધાંતિક રીતે અને નૈતિક રીતે પણ એ માનવું તેમ જ પાળવું જોઈએ કે કોઈકના ભોગે વિકાસ થાય એવું કદમ યોગ્ય અને ન્યાયી નથી. પણ શું ભોગ લેવાય છે ત્યારે ખરેખર ભોગ લેવાય છે કે પછી એની માત્ર હવા ઊભી કરાય છે એ પણ સમજવું જોઈએ. કયા ઉદ્દેશ માટે બીજા કયા ઉદ્દેશનો ભોગ લેવાય છે એ પણ જોવું જોઈએ. વરસોથી કેટલીય રસી અથવા દવા બનાવવાના પ્રયોગ ઉંદર, વાનર સહિતના વિવિધ જીવો પર થયા છે જેનો ઉદ્દેશ માનવ જાતિની રક્ષા માટે રહ્યો છે. એમ તો વનસ્પતિમાં પણ જીવ હોવાનું સાબિત થયું છે તેમ છતાં એ વનસ્પતિ આપણે આરોગીએ છીએ. અબોલ જીવોના માંસ ખાનારાને શું કહેવું?

યુઝ અને મિસયુઝ

શું વિરોધ કરનારા વર્ગને એ જાણ હોય છે કે કેટલીયે વાર તેમનો યુઝ - ઉપયોગ (મિસયુઝ અથવા ગેરઉપયોગ) કરાતો હોય છે? સ્થાપિત હિતો કેટલી ચાલાકીથી આ કામ કરતાં હોય છે અને વિકાસમાં બાધા બનીને બીજાના (રાજકીય, સામાજિક, ધાર્મિક કે આર્થિક) હિતનાં કાર્ય કરતા હોય છે. આવા વિવિધ પ્રકારના વિરોધ માટે મોટી-મોટી સંસ્થાઓ બને છે, જેમને મોટાં-મોટાં દાન મળે છે, કારણ કે વ્યક્તિગત કરતાં સંસ્થાના નામે આ કાર્ય સરળ બની જાય છે. તેમને પ્રસિદ્ધિ આપનારને પણ લાભ થતા હોય છે. આવામાં ક્યાંક આંતરરાષ્ટ્રીય સ્થાપિત હિતોના કારનામા પણ ચાલતા હોય છે. યાદ રહે, વિરોધ કરનારા ચાલીસથી ચાર હજાર જણ હોઈ શકે, પણ તરફેણમાં ચાર લાખથી ચાર કરોડ હોઈ શકે. કમનસીબે વિરોધ કરનારા બહાર આવે છે, જ્યારે તરફેણ કરનારા ચૂપ બેઠા રહે છે. 

પેઇડ વિરોધના ભાવ બોલાય છે

આંચકાજનક વાત એ છે કે આપણા દેશમાં તો આતંકવાદીઓ-ત્રાસવાદીઓના હિતમાં પણ સરકાર, સિસ્ટમ કે કાનૂનનો વિરોધ કરનારા છે. આ વાત વધુ આઘાતજનક ત્યારે બને છે જ્યારે આવા માનવ હત્યારાઓની તરફેણમાં મોટા–શિક્ષિત વર્ગ પણ ઊભા રહે છે. આપણી ફિલ્મોમાં આ સત્ય બતાવવાના પ્રયાસ વરસોથી થતા રહ્યા છે, પરંતુ લોકો પર એની અસર ફિલ્મ જોવા પૂરતી અને પછી થોડી ચર્ચા પૂરતી રહે છે. બાકી બધા ઠેરના ઠેર. કેમ કે તેઓ ટોળાનો ભાગ બનતાં વાર નથી લાગતી. શું તેમને સત્ય સમજાતું નથી? તેમનો યુઝ થઈ રહ્યો છે એ સમજવાની તેમની તૈયારી નથી હોતી કે પછી તેમને એ કડવા સત્યની ઉપેક્ષા કરવી હોય છે અથવા ઘણી વાર તો તેમને વિરોધમાં સામેલ થવા ભરપૂર નાણાં અપાય છે? કેટલાંય પેઇડ મોરચા, સભા, સંગઠનો, આંદોલનો, વિદ્રોહ, કથિત અન્યાયના નારા આજે પણ લાગતા રહે છે. અહીં વ્યક્તિથી લઈ સંસ્થા અને ઉદ્દેશ તેમ જ હિત મુજબ વિરોધના ભાવ બોલાય છે.

columnists