કૉલમ : માત્ર દેશ નહીં, પ્રજા પણ બદલાઈ રહી છે

25 April, 2019 11:55 AM IST  |  | જયેશ ચિતલિયા - સોશ્યલ સાયન્સ

કૉલમ : માત્ર દેશ નહીં, પ્રજા પણ બદલાઈ રહી છે

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

મતદાન શબ્દમાં દાન શબ્દ કઈ રીતે ભળી ગયો? આ દાન શબ્દ તેને ઊંચો દરજજો આપે છે. શું તમે આ દાન કરવાના છો? કે પછી રજાના મૂડમાં ક્યાંક દૂર જઈ ફરવાના છો? અથવા રાજકારણને અને રાજકીય નેતાઓને નફરત કરીને મતદાનના માહોલથી જ મુક્ત રહેવાના છો? કોઈ પણ અંગત કારણસર યા તમારી માન્યતા કે માનસિકતાને કારણે તમે મતદાન નહીં કરો તો યાદ રહે, તમે કોઈ બીજાને નહીં, પણ પોતાને અને દેશને છેતરી રહ્યા હશો.

આજે વાત મતદાનની કરવી છે, પરંતુ તેની શરૂઆત બિગ બી - અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘ત્રિશૂલ’થી કરવી છે. તમે ‘ત્રિશૂલ’ પિક્ચર અવશ્ય જોયું હશે, જેમાં વિજય (અમિતાભ બચ્ચન) એક એવી જમીન ખાલી કરાવવા જાય છે, જે જમીન પર કેટલાક ગુંડાઓએ ગેરકાયદે કબજો કરી લીધો હોય છે. આ જમીન ખાલી કરાવવા જવાના આગલા દિવસે તે એ જમીન પર શેલ્ટર બનાવીને બેસતા ગુંડાઓ પાસે જાય છે અને તેમને સરળ શબ્દોમાં કહે છે, આ જમીન ખાલી કરી નાખો, ગુંડાઓ તેના આ વિધાન પર હસે છે અને તેની મશ્કરી કરે છે, વિજય તેમને મક્કમતાથી કહે છે, હું કાલે આવું છું આ જમીનનો કબજો લેવા. બીજા દિવસે વિજય ત્યાં ઍમ્બ્યુલન્સ લઈને પહોંચે છે, જેથી એ ગુંડાઓને મારીને સારવાર માટે ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ ભેગા કરી શકાય. બીજા દિવસે તે પોતે જે કહેલું એનું પૂર્ણ પાલન કરે છે. આને કહેવાય આત્મવિશ્વાસ. તમને થશે કે આત્મવિશ્વાસની આ વાત તો સાચી, પણ કહેવા શું માગો છો?

આ ફિલ્મી કે રીલ ઉદાહરણ ભલે હોય, પણ નરેન્દ્ર મોદીએ આવું જ વાસ્તવિક રિયલ ઉદાહરણ પૂરું પાડતો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

પ્રજામાં વધેલી જાગૃતિ

જોકે આપણને હજી ખબર નથી કે ચૂંટણીમાં કોની જીત થશે. બધો આધાર પ્રજાના માનસ અને મતદાન પર છે. મુંબઈમાં મતદાનનો દિવસ નજીક આવી ગયો છે. મુંબઈમાં આગામી સોમવારે મતદાન માટે લાંબી-લાંબી કતારો લાગશે એવી આશા છે. આ વખતે ચૂંટણીના માહોલમાં કંઈક વધુપડતી ગરમી અને સંવેદના જોડાઈ હોવાનું પ્રતીત થાય છે. રસાકસી શબ્દ ટિપિકલ છે, પરંતુ મજાની વાત એ છે કે આ વખતે ઉમેદવારો કરતાં પ્રજા વચ્ચે વધુ રસાકસી દેખાઈ રહી છે. આ વખતે વિવાદો તો ખૂબ છે જ, પણ તેની સાથે-સાથે આનંદની વાત એ છે કે મતદાન માટે બહુ મોટા પાયે અનુરોધ થઈ રહ્યો છે. આ અનુરોધ સેલિબ્રિટીઝ સહિત, વિવિધ પ્રોફેશનલ વર્ગ અને સામાન્ય નાગરિકો પણ કરી રહ્યા છે. આને એક પ્રકારની લોકશાહી પ્રત્યેની જાગૃતિ પણ કહી શકાય. લોકોની વધી રહેલી પરિપક્વતા પણ કહી શકાય. આપણા દેશ માટે આ મતદાન અને તેનું પરિણામ બહુ મોટાં સમીકરણો રચવાનું છે. દેશ બદલ રહા હૈ એવું તમે જો માનતા હો કે ન માનતા હો તો પણ એક વાત યાદ રાખો, મહત્તમ પ્રમાણમાં મતદાન થવું જોઈએ. આપણે બીજાને કહેતા હોઈએ ત્યારે પ્રથમ ફરજ આપણી બને છે. દેશ બદલાય તે પહેલાં સમાજ અને સમાજની માનસિકતા બદલાતી હોય છે. આપણે હવે એમ કહી શકીએ કે માત્ર દેશ નહીં, પ્રજા પણ બદલાઈ રહી છે.

પ્રજાનો વિશેષ પાવર

આ વખતે તમામ પક્ષ તરફથી અનેક સારા-સારા વાયદા અપાયા છે, સપનાંઓ બતાવાયાં છે. પ્રજા બહેતર જાણે છે કે કોણ આ વાયદા પૂરા કરી શકે છે, આ માટે કોણ કેટલું સમર્થ છે? કોણ સપનાંને સાકાર કરી શકે છે. આ મતદાન એ પ્રજાની ખરી પરીક્ષા છે, કારણ કે દેશમાં રાજ કોણ કરે, વહીવટ કોણ અને કઈ રીતે કરે એ નક્કી પ્રજાએ કરવાનું છે. આ તક પાંચ વરસે મળે છે, જ્યારે પ્રજા તેના વિશેષ પાવરનો ઉપયોગ કરી શકે છે અને આ મતદાન એટલા માટે જ દાન કહેવાય છે, કારણ કે આ મત મારફત જ શાસનકર્તા ચૂંટાય છે, તેથી જ મત આપવો એ રાષ્ટ્રને કરેલા દાન સમાન છે. આ (મત)દાન નહીં કરનાર પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો ત્યારે દેશ કે સરકારની ટીકા કરવાનો તેનો અધિકાર પણ ગુમાવે છે. મતદાનની અવગણના એ દેશની ઉપેક્ષા પણ ગણાય. વાસ્તવમાં પ્રજા જ પક્ષ અને રાજા પસંદ કરે છે. દેશના હિતમાં અને વિકાસના હિતમાં જ પક્ષની અને રાજાની પસંદગી થાય એ જરૂરી છે.

આ પણ વાંચો : કૉલમ : સર...સર...સરખામણી

બધા ખરાબ હોય તો ઓછા ખરાબને ચૂંટો

રાજકારણમાં બધા જ ખરાબ માણસો હોવાનું કહેવાય છે, (ખરેખર બધા જ ખરાબ હોવાનું કહી શકાય નહીં), પણ સાથે એમ પણ કહેવાય છે કે આપણે ઓછા ખરાબ માણસ (લેસ એવિલ)ને ચૂંટવો જોઈએ. જો એમ નહીં કરીએ તો વધુ ખરાબ માણસ સત્તા પર આવી જાય એવું બની શકે. એટલે જ મતદાન નહીં કરનાર વ્યક્તિ દેશને અન્યાય કરતી હોવાનું ગણાય. જ્યારે સજ્જનો નિષ્ક્રિય બની રહે છે ત્યારે જ સમાજમાં દુર્જનો હાવી થઈ જાય છે. મતદાનનો અધિકાર જ એવો અધિકાર છે, જેને ધર્મ, જાતિ, જ્ઞાતિ, ગરીબી, અમીરી, ઊંચ-નીચ વગેરે સાથે કોઈ સંબંધ નથી. આ નાગરિકલક્ષી અધિકાર છે અને તેનો ઉપયોગ કરવો એ દરેક પાત્ર નાગરિકની પવિત્ર ફરજ છે, નાગરિક ધર્મ પણ છે. સજ્જનો જેટલા સક્રિય થશે તેટલાં સારાં પરિણામ રાજકારણ પાસેથી પણ મળશે. સવાલો આપણે ઉઠાવવાના છે, જવાબો તેમણે આપવાના છે. પ્રજા અને નાગરિક તરીકે આ પણ આપણું કર્તવ્ય છે.

columnists