ગરીબો કી સુનો, વોહ તુમ્હારી સુનેગા...

04 April, 2019 11:41 AM IST  |  | જયેશ ચિતલિયા

ગરીબો કી સુનો, વોહ તુમ્હારી સુનેગા...

પ્રતીકાત્મક તસવીર

આજકાલ દેશમાં ચૂંટણીનો માહોલ હોવાથી ગરીબોની ચિંતાનો મુખ્ય વિષય બની ગયો છે. દરેક રાજકીય પક્ષને ગરીબોની ચિંતા એવી સતાવે છે કે તેમનાં દરેક વચનો ગરીબો માટે બહાર આવી રહ્યાં છે. દેશના કરોડો ગરીબોને માગ્યા વિના વરસે હજારો રૂપિયા આપી દેવાની તૈયારી પણ અમુક પક્ષ કરી રહ્યો છે, દર વરસે કેટલાં રૂપિયા ગરીબોને તે આપશે એની જાહેરાત પણ કરી દીધી છે. થોડા મહિના પહેલાં એક પક્ષે (ગરીબ) ખેડૂતોને દર વરસે ચોક્કસ રૂપિયા તેના બૅન્ક ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરી હતી અને તેનો પ્રથમ હપ્તો જમા પણ કરાવી દીધો છે. ગરીબોને ઘર, ગૅસ, પાણી, વીજળીની સુવિધા અપાઈ રહી છે યા આપવાના વાયદા થઈ રહ્યા છે, ક્યાંક વળી ગરીબો માટે ટૉઇલેટ બનાવાઈ રહ્યાં છે. ગરીબો અને ખેડૂતો આ બે વર્ગ રાજકીય પક્ષોના પ્રિય વર્ગ છે, કારણ કે આ લોકોને કારણે તો તેમને ચૂંટણીમાં જીતવા માટે વધુ મત મળે છે. આ લોકો જ તેમને પોતાની સમસ્યા બતાવે છે, જેને આધારે રાજકીય પક્ષોને ચૂંટણીમાં સમસ્યાના ઉપાય માટેના સુઝાવ અને સૂત્રો મળે છે.

કોને આપ્યા ને તમે રહી ગયા

આમ તો ચૂંટણીમાં કે એ પહેલાં ગરીબો અને પછાતોની જ બોલબાલા હોય છે, (અમીરોની બોલબાલા જુદી રીતે હોય છે), બાકી મધ્યમ વર્ગ તો કાયમ મધ્યમાં જ રહી જાય છે. આ વર્ગ સૌથી મોટો છે, પણ તેની કોઈ વોટબૅન્ક નથી. તેથી રાજકીય પક્ષો મધ્યમ વર્ગની બહુ ચિંતા કરતા નથી. આ વર્ગ કોઈ એક ધર્મ કે કોઈ એક જ્ઞાતિ-જાતિનો પણ હોતો નથી, જેથી ક્યારેય વોટ માટે આકર્ષણનું કેન્દ્ર બનતો નથી. જોકે તેને પણ વાયદા કરાતા રહે છે. બાકી ગરીબો અને ખેડૂતોની સમસ્યા ચૂંટણી સમયે રાષ્ટ્રીય સમસ્યા બની જાય છે. જોકે તે સમસ્યા આખા વરસ પણ હોય છે, કિંતુ તેને ચૂંટણી પહેલાંના સમયમાં અણધાર્યો વધુ વેગ મળવા લાગે છે. આ લોકોને સહાય કરવાની વાત-વાયદા કરતા લોકો ખરેખર આ માટે નાણાં ક્યાંથી આવશે? કઈ રીતે આવશે? એ ભાગ્યે જ જાણતા-સમજતા હોય છે. તેમને અર્થકારણ સાથે કોઈ લેવાદેવા હોતી નથી, તેમનું લક્ષ્ય માત્ર રાજકારણ હોય છે, કેમ કે તેમને મનમાં તો ખબર જ હોય છે કે કોને આપ્યા ને તમે રહી ગયા! આમ પણ વચનોની સંખ્યા એટલી મોટી હોય છે કે કયાં પાળવામાં આવ્યાં અને કયાં રહી ગયાં તે કોને યાદ રહે છે? ક્યારેક વળી સમય ખેંચીને તેને ભુલાવી પણ દેવામાં રાજકારણીઓ એક્સપર્ટ હોય છે, તો ક્યારેક વળી થોડી લહાણી થતી હોય તો કરી પણ નાખે છે. ભલે પછી દેશની તિજોરી સંકટમાં મુકાતી અને તે સંકટને કારણે અન્ય પ્રજા પર કરબોજ વધતો રહે.

રૂપિયા આપવાથી ગરીબી દૂર ન થાય

સવાલ એ છે કે ગરીબોને દર વરસે હજારો રૂપિયા આપી દેવામાં આવે તો શું ગરીબી દૂર થઈ જાય? આમ ગરીબી દૂર થઈ જ શકે નહીં. કામ કર્યા વિના નાણાં આપવા એ પ્રજાને પોકળ અને પાયમાલ કરવાની પદ્ધતિ કહેવાય. ગરીબો-પછાતોને રાહત આપી શકાય, સબસિડી આપી શકાય, વધારાની સુવિધા આપી શકાય. બાકી તેમને માત્ર નાણાં આપતાં રહેવાથી તેમનો વિકાસ થઈ શકે નહીં, તેઓ કાયમ ગરીબ જ રહેશે. ગરીબોને હજારો રૂપિયા આપવાને બદલે તેમને રોજગાર આપવાની વાત થવી જોઈએ. તેમને સ્વનિર્ભર બનાવવાનાં કામ થવાં જોઈએ. કેટલીયે સરકારી યોજના આ હેતુસર ચાલી રહી છે, અને લાખો લોકો તેમાં કામ પણ કરે જ છે, તો પછી વોટ માટે નોટ આપવાની આ રાજનીતિ શા માટે ચાલી જાય છે? આમ ગરીબોને હજાર રૂપિયા આપવાની વાત કરનારા પછીથી સત્તા પર આવી કરોડો રૂપિયા કમાવાના હોય છે.

નહીંતર રાષ્ટ્રને ગંભીર નુકસાન

કડવી કરુણતા એ વાતની છે કે જેઓ ગરીબોને રૂપિયા આપવાની વાત કરે છે, તેમણે પોતે ગરીબી ન જોઈ હોય છે, ન સહન કરી હોય છે કે ન તેમાંથી ક્યારેય પસાર થયા હોય છે. આ લોકોએ માત્ર ગરીબોને જોયા છે, જેને તેઓ વોટબૅન્ક માને છે. આવા લોકો માટે ક્યારેક અમુક ધર્મના લોકો વોટબૅન્ક, તો ક્યારેક અમુક જ્ઞાતિના લોકો વોટબૅન્ક બનતા હોય છે. સમય-સંજોગ મુજબ તેમની વોટબૅન્ક પણ બદલાતી રહે છે. વાસ્તવમાં ગરીબી શું છે અને શા માટે છે એના ઊંડાણમાં કોઈ જતું જ નથી. ઉપર-ઉપરથી ગરીબોને પંપાળવામાં આવે છે, એમ કરી રાજકીય પક્ષો પોતે ગરીબીને દૂર કરવાના ભ્રમમાં રહે છે અને એવા ભ્રમનો ખૂબ પ્રચાર પણ કરે છે, તેથી આ પ્રચારને લીધે ગરીબોને પણ ભ્રમ ઊભા થાય છે કે તેમના માટે કંઈક થઈ રહ્યું છે. ખરેખર તો ગરીબી દૂર કરવા માટે દેશનો સાતત્યપૂર્ણ આર્થિક અને સામાજિક વિકાસ થવો જરૂરી હોય છે. ખરા અર્થમાં ફાઇનૅન્શિયલ અને સોશ્યલ ઇન્ક્લુઝન (નાણાકીય દૃષ્ટિએ સર્વસમાવેશ) થવું જોઈએ. આર્થિક વિકાસમાંથી રોજગાર સર્જન થવું જોઈએ, વેપાર-ઉદ્યોગનો વિસ્તાર થવો જોઈએ. પ્રામાણિક કરચુકવણી થવી જોઈએ. સમાન તકો સર્જા‍વી જોઈએ. અન્યથા ગરીબોને નાણાંની આડેધડ લહાણી કરવાથી એક ભયંકર ખોટી પરંપરા ઊભી થઈ શકે છે, જેને લીધે રાષ્ટ્રને ગંભીર નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : આપણી ભીતર ચોર છે કે ચોકીદાર? એ નક્કી કોણ કરશે?

પ્રત્યેક પાંચ વરસે મામા આવીને મામુ બનાવી જાય છે!

એક કાલ્પનિક પ્રસંગ છે, કિંતુ ચૂંટણીના રાજકીય માહોલમાં આ પ્રસંગ વાસ્તવિકતાથી જરા પણ ઓછો નહીં લાગે. એક નદીના ઘાટ પર એક ગામડિયો નહાવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં એક માણસ બૂમ પાડતો આવે છે અને તે ગામડિયાને કહે છે, અરે મને નહીં ઓળખ્યો? હું તારો દૂરનો ચંદુમામો. પેલો કહે છે, મને ઓળખાણ ન પડી, પેલો મામો કહે છે એ તો હું ઘણાં વરસ પછી આવ્યો ને એટલે તું ભૂલી ગયો હોઈશ. ગામડિયો તેની વાત માની લે છે અને પોતાનાં કપડાં ઉતારી નદીમાં નહાવા પડે છે. કારણ કે મામો કહે છે, તું ચિંતા નહીં કર, હું તારાં કપડાં સાચવીશ. થોડી વાર પછી ગામડિયો નદીની બહાર આવીને જુએ છે તો ત્યાં કોઈ હોતું નથી, તેનાં કપડાં લઈને કથિત મામો અદૃશ્ય થઈ ગયો હોય છે. કહેવાની જરૂર છે કે, આ મામો એ રાજકારણી હતો અને કપડાં વિનાનો થઈ ગયેલો પેલો ગામડિયો એ પ્રજાનું પ્રતીક હતો. આવો મામો દર પાંચ વરસે આવે છે અને પ્રજાનું ધ્યાન રાખવાનું વચન આપીને, ઉપરથી લૂંટીને ચાલ્યો જાય છે. આ સમસ્યા વરસોથી ચાલતી આવી છે. મામા નવા-નવા સ્વરૂપે આવતા રહે છે અને ભોળો ભાણિયો દર વખતે લૂંટાતો રહે છે. આ વખતે યોગ્ય પક્ષ અને વ્યક્તિને મતદાન કરીને ભાણિયો મામાથી સાવધ રહે. આ મત આપવો એ તેનો અધિકાર છે, પરંતુ કોને આપવો એ નક્કી કરવાની જવાબદારી તેની પોતાની છે.

columnists